
જગદ્ ગુરુ શ્રીહીરસૂરીશ્વરજી મહારાજા . સાત મહામહોપાધ્યાય , એકસો સાંઠ પંન્યાસ અને બે હજાર સાધુઓના એ ગણાધીશ ( = ગચ્છાધિપતિ ) હતા . વિમલ મંત્રી , વસ્તુપાલ મંત્રી , જગડૂશા જેવા મહાપુરુષો જે ઓશવાલવંશીય પરંપરામાં થયા એ જ પરંપરામાં એમનો જન્મ થયો હતો . વિ.સં. ૧૦૦૫માં શ્રીરત્નસૂરીશ્વરજી મહારાજાનો ઉપદેશ સાંભળીને રાજા રણસિંહ રાઠોડ જૈનધર્મી બન્યો . આ રાજા થકી ઓશવાલ વંશની સ્થાપના થઈ . આ રાજાની જ એકતાલીસમી પેઢીએ પરમ શ્રાવક કુંઅરો શાહ થયા . જોકે એ સ્વયં તો રાજા નહોતા પરંતુ એમને તત્કાલીન રાજા ઘણું સન્માન આપતા . કુંઅરો શાહના વિવાહ પરમ શ્રાવિકા નાથીદેવી સાથે થયા હતા . એમને ત્રણ પુત્ર હતા : સંઘો , સૂરો અને શ્રીપાળ . એમને ત્રણ પુત્રીઓ પણ હતી : ગુણવંતી , રંભા અને વિમલા . એક રાતે નાથીદેવીએ સ્વપ્નમાં હાથી જોયો , એવો હાથી જેને ચાર દાંત હતા અને જેનાં કુંભસ્થળમાંથી મદજળ ઝરી રહ્યું હતું . સવારે પતિપત્નીએ સ્વપ્નલક્ષણપાઠકને ઘરે બોલાવી વાત જણાવી . પાઠકે અર્થઘટન રૂપે જણાવ્યું કે પરિવારમાં એક ઉત્તમ પુત્રનો જન્મ થશે . પતિપત્નીએ રાજીપો અનુભવ્યો . આશરે ત્રણ મહિના બાદ નાથીદેવીનાં મનમાં ચાર દોહદ જાગ્યા . જાણે પૂજું પ્રતિમા અંગ , શત્રુંજય ગિરિ જાવાનો રંગ . જાણે મુનિવરને દેઉં દાન , અમારિ પડહો વગડાવ્યાનું ધ્યાન ( ઢાળ ૧૪ : પદ્ય ૧૮૧ ) ૧. પ્રભુપ્રતિમાની પૂજા કરવી છે .૨ . સિદ્ધગિરિરાજની યાત્રા કરવી છે . ૩ . મુનિભગવંતોને ગોચરી વહોરાવવી છે .૪ . શહેરમાં અમારિ પ્રવર્તન કરવું છે . આ દોહલા પૂરા કરવામાં આવ્યા .
વિ. સં. ૧૫૮૩માં માગસર સુદ નોમ સોમવારના દિવસે , પાલનપુરમાં એક તેજસ્વી બાળકનો જનમ થયો . એ જમાનામાં ગુજરાતમાં ૧૭,૦૦૦ ગામડાં હતાં . ( આજે ગુજરાતમાં ૧૮,૨૨૫ ગામડાં છે . ) ફોઈબાએ હીર કુમાર નામ પાડ્યું . પાંચ વરસની વયે નિશાળમાં ભણવા માટે દાખલ થયા . ગણિત વગેરે મુખ્ય વિષયનો અભ્યાસ બહુ ઝડપથી પૂરો કર્યો . તે પછી ગુરુ ભગવંત પાસે ધાર્મિક અભ્યાસ માટે રહ્યા . પ્રતિક્રમણના સૂત્ર , જીવવિચાર , નવતત્ત્વ , ઉપદેશમાલા , યોગશાસ્ત્ર , સંગ્રહણી અને અન્ય પ્રકરણ ગ્રંથોનો અભ્યાસ કર્યો . એનાથી મનમાં વૈરાગ્ય જાગૃત થયો . બાર વરસની વયથી દુકાને બેસવા લાગ્યા . માતાપિતા હીરકુમારને વિવાહ કરી લેવાનો આગ્રહ કરે છે . હીરકુમાર બે જવાબ આપે છે . એક , હું વિવાહ હમણાં નહીં કરું , પછી કરીશ . બીજો જવાબ : આપણા પરિવારમાંથી કોઈ એક વ્યક્તિ દીક્ષા લે તો સમસ્ત પરિવારનું નામ ઉજ્જ્વળ થાય . માતાપિતા દીક્ષાની સહમતી આપતા નથી . સમય વીતતો જાય છે . કાળક્રમે માતાપિતા સ્વર્ગવાસી થયા . હીરકુમારનો વૈરાગ્ય તીવ્ર થયો . હીરકુમારની બે બહેનો પાટણ રહેતી હતી તે શોકાકુલ હીરકુમારને પાલનપુરથી પાટણ લઈ આવી . પાટણમાં બિરાજમાન શ્રીદાનસૂરીશ્વરજી મહારાજાની વાણી સાંભળી હીરકુમાર દીક્ષા માટે સંકલ્પબદ્ધ બન્યા . બહેનોએ દીક્ષાની સહમતી ન આપી . હી૨કુમારે એમને સમજાવી લીધી .
વિ. સં. ૧૫૯૬ ની સાલમાં કાર્તક વદ બીજ , સોમવારના દિવસે મૃગશીર્ષ નક્ષત્રમાં હીરકુમારે મહોત્સવપૂર્વક દીક્ષા સ્વીકારી . હીરકુમારની સાથે બીજા આઠ દીક્ષાર્થીઓ પણ દીક્ષિત થયા : અમીપાલ . અમીપાલના પિતા અમરસંગ શેઠ . અમીપાલની માતા . અમીપાલની બહેન કપૂરા . ધર્મશ્રી ઋષિ . રૂડો ઋષિ . વિજય હર્ષ અને કનકશ્રી . તારણહાર ગુરુદેવ શ્રી દાનસૂરીશ્વરજી મહારાજાએ હીરકુમારનું દીક્ષિત નામ રાખ્યું : હીરહર્ષ મુનિ . ગુરુએ ધર્મસાગરજી મહારાજા અને હીરહર્ષ મુનિને અભ્યાસ કરવા માટે દેવગિરિ મોકલ્યા . અભ્યાસ પૂર્ણ કરીને બેય મહાત્માઓ નાડુલાઈમાં ગુરુદેવને આવી મળ્યા . વિ.સં. ૧૬૦૭માં ગુરુએ નાડુલાઈમાં આદિનાથ જિનાલયમાં હીરહર્ષમુનિને પંન્યાસ પદ આપ્યું . વિ.સં. ૧૬૦૮માં નાડુલાઈમાં નેમિપ્રાસાદમાં ગુરુએ હીરહર્ષમુનિને ઉપાધ્યાય પદ આપ્યું .
સિરોહીમાં ચાતુર્માસ દરમ્યાન શ્રીદાનસૂરીશ્વરજી મહારાજા ધ્યાનલીન હતા ત્યારે શાસનદેવી પ્રગટ થઈ . સૂરિજીએ પૂછ્યું કે મારે મારા ઉત્તરાધિકારી પદે કોને સ્થાપવા જોઈએ ? શાસનદેવીએ જણાવ્યું કે આપના ઉત્તરાધિકારી પદે હીરહર્ષ ઉપાધ્યાયજી બિરાજિત થશે . દેવી આમ કહીને સ્વસ્થાને ગયાં ત્યારે ઉપાશ્રયમાં કેસર – કુમકુમની વૃષ્ટિ થઈ , દીવડાઓ પ્રજ્વલિત થયા અને ઘણા ઘંટનાદ થયા .
વિ.સં. ૧૬૧૦માં પોષ સુદ પાંચમ ગુરુવારના દિવસે હીરહર્ષ ઉપાધ્યાયજી આચાર્યપદે બિરાજમાન થયા . નામ જાહેર થયું : શ્રી હીરવિજયસૂરિજી મહારાજા . સંવત સોલ ને દાહોતરો , પોષ શુદિ પાંચમ દિન ખરો . હીરહર્ષ છે નામ પ્રસિદ્ધ , હીરવિજય સૂરિ પછે કીધ . ( ઢાળ ૨૫ : પદ્ય ૩૭૨ ) સૂરિપદારોપણ ઉત્સવનો સંપૂર્ણ લાભ ચાંગા મહેતાએ લીધો . સૂરિવર બન્યા બાદ પ્રથમવાર પાટણ પધાર્યા . ગુરુએ અહીં પટ આપ્યો . આ નિમિત્તે મોટો ઉત્સવ થયો જેનો સંપૂર્ણ લાભ ઓસવાલવંશીય સમરથ ભણસાલીએ લીધો હ .
વિહારક્રમે નાડુલાઈ , સુરત , અમદાવાદ થઈને જોટાણા પધાર્યા . અહીં સમાચાર મળ્યા કે વડલી( વડાવલી)માં શ્રીદાનસૂરીશ્વરજી મહારાજા કાળધર્મ પામ્યા છે . ગુરુના પટ્ટાધિકારી પદે શ્રીહીરવિજયસૂરિજી મહારાજાનું નામ ઉદ્ ઘોષિત થયું . બાર વરસ તેઓ આચાર્યપદે રહ્યા , તે પછી ભટ્ટારક પદે બિરાજમાન થયા .
કટોકટીના પ્રસંગો આવતા રહ્યા . હેમખેમ પાર ઉતરતા રહ્યા . ખંભાતમાં શિતાબખાને સતામણી કરી હતી . બોરસદમાં એક હાકીમે તકલીફ આપી હતી . અમદાવાદમાં શિહાબ ખાન સમક્ષ ઈર્ષાળુઓએ ફરિયાદ કરી હતી તેને લીધે ઘણી પરીક્ષા થઈ હતી . પાટણમાં બનેલી ઘટના અલગ હતી . પાટણનો સૂબો હતો કલાખાન . હીરગુરુ પાટણ પધાર્યા ત્યારે હીરગુરુના માહાત્મ્યના સમાચાર આ સૂબાને મળેલા . એણે હીરગુરુને મળવાની ઈચ્છા જાહેર કરી . જોકે , કલાખાન નિર્દય નેતા તરીકે પ્રસિદ્ધ હતો એટલે સંઘના સૌ સદસ્યોએ હીરગુરુને વિનંતી કરી કે આપ એમને મળશો નહીં . પરંતુ હીરગુરુ નિર્ભય હતા તેઓ કલાખાનને મળ્યા . નાસ્તિકશિરોમણિ સૂબાખાને હીરગુરુ સાથે વાર્તાલાપ કરીને પ્રસન્નતા અનુભવી . એણે શ્રીહીરગુરુને કોઈ આદેશ ફરમાવો ., એવી વિનંતી કરી . હીરગુરુએ બે ઈચ્છાઓ વ્યક્ત કરી . એક , જેલના મૃત્યુપાત્ર કેદીઓને મુક્તિ મળે . બે , રાજ્યમાં એક મહિના માટે અમારિપ્રવર્તન થાય . કલાખાને રાજીખુશીથી હીરગુરુની બે ઈચ્છાઓ સાકાર કરી . ( ઢાળ ૨૮ : પદ્ય ૪પ૩ / ૪૫૪ )
આપણને એવી ખબર છે કે છ મહિનાના ઉપવાસના તપસ્વી શ્રી ચંપાશ્રાવિકાને કારણે હીરગુરુનું નામ રાજા અકબર સુધી પહોંચ્યું . હકીકત એવી છે કે ચંપાશ્રાવિકાની ઘટના બની એની પહેલાં જ હીરગુરુનું નામ રાજા અકબર પાસે પહોંચી ચૂક્યું હતું . એક જગમાલ ઋષિ કરીને સાધુ હતા . એ વ્યક્તિગત અદાવત મનમાં રાખીને આગરા પહોંચ્યા હતા . ત્યાં એમણે હીરગુરુની વિરુદ્ધમાં રાજા અકબર સમક્ષ ફરિયાદ કરી હતી . જગમાલ ઋષિની વાતમાં આવીને રાજા અકબરે હીરગુરૂની વિરુદ્ધમાં ફરમાન પર જારી કરી દીધું હતું પરંતુ બે સજાગ શ્રાવકોએ રાજાને સાચી પરિસ્થિતિની જાણ કરી . આથી રાજા અકબરે બીજું એક ફરમાન લખીને હીરગુરૂની તરફદારી કરી હતી અને જૂનું ફરમાન નિષ્ફળ બનાવ્યું હતું . હીરગુરૂની તરફદારી કરતું રાજા અકબરનું ફરમાન હીરગુરુને મળ્યું ત્યારે હીરગુરુ ગંધાર તીર્થમાં બિરાજમાન હતા . થોડા સમય પછી ચંપાશ્રાવિકાને લીધે અકબર રાજા ફરીવાર હીરગુરુથી પ્રભાવિત થયો . આ વખતે રાજાએ હીરગુરુને ભારતની રાજધાની પધારવા માટે આમંત્રણ પાઠવ્યું . દિલ્લીપતિ બોલ્યો નર ત્યાંહિં , હીરગુરુનિં તેડો યાંહિં . તુમ કાગલ લખીએ દેઈ માન , મૈ ભી લિખ ભેજું ફરમાન . ( ઢાળ ૩૬ : પદ્ય ૬૮૭ / ૬૮૮ ) . રાજાએ જૈન શ્રાવકોને કહ્યું કે તમે જૈન સંઘ વતી વિનંતીપત્ર લખો . હું ગુજરાતના સૂબાને અમદાવાદમાં ફરમાન મોકલું છું . રાજાએ લખેલું ફરમાન અને આગરા જૈન સંઘનો વિનંતીપત્ર , બેય અમદાવાદમાં શિહાબુદ્દીન એહમદ ખાન સમક્ષ પહોંચ્યા . તેણે ફરમાન શિરોધાર્ય ગણ્યું . અમદાવાદના અગ્રણી શ્રાવકોને તેણે આગરા જૈન સંઘનો વિનંતીપત્ર સોંપ્યો અને રાજાનું ફરમાન વંચાવ્યું . અમદાવાદ અને ખંભાતના શ્રાવકો ગંધાર આવ્યા . ફરમાન અને વિનંતીપત્ર હોવા છતાં હીરગુરુ દિલ્લી ન પધારે એવો મત સૌનો બની રહ્યો હતો . હીરગુરુનો નિર્ણય શ્રી વિમલહર્ષ ઉપાધ્યાયજીએ જાહેર કર્યો : વિમલ હરખ મોટો ઉવજ્ઝાય , તેજ ધરી બોલ્યો તેણિ ઠાય . અવર વાત તે બેઠી રહી , હીર અકબરને મલવું સહી ( ઢાળ ૩૮ : પદ્ય ૮૧૬ )
હીરગુરુએ માગસર વદ સાતમે ગંધારથી પ્રસ્થાન કર્યું . ચાંચોલ – જંબૂસર – વટાદરા – સોજીત્રા – માતર – બારેજા – અમદાવાદ – ઉસ્માનપુર – સોહલા – હાજીપુર – બોરીસાણા – કડી – વિસનગર – મહેસાણા – પાટણ – વડલી – સિદ્ધપુર – સરોતર – આબુ – સિરોહી – સાદડી – રાણકપુર – આઉઆ – મેડતા – ફલોદી – સાંગાનેર – નવલીગામ – ચાટસૂ – હિંડવણી – સિકંદરપુર – બ્યાના – ઇબ્રાહિમાબાદ થઈને જેઠ વદ બારસે ફતેહપુર સિક્રી પહોંચ્યા . સાલ હતી વિ.સં. ૧૬૩૯ . રાજાશાહી સામગ્રીઓ સાથે ભવ્ય સામૈયું થયું . હજારો ભક્તોની ઉપસ્થિતિ હતી . પ્રવેશના દિવસે સામંત જગન્મલ્લ કચ્છવાહના સ્થિરતા કરી . જેઠ વદ તેરસે હીરગુરુએ આંબેલનું પચ્ચખાણ લીધું . સવારે સૂરિ ભગવંતના પ્રથમ સત્સંગનો લાભ અબ્દુલ ફઝલને મળ્યો . હીરગુરુ તો રાજા અકબરને જ મળવા માંગતા હતા . પણ જ્યારે હીરગુરુ પધાર્યા છે એવા સમાચાર રાજા અકબરના દરબારમાં અબ્દુલ ફઝલ દ્વારા પહોંચ્યા ત્યારે રાજાએ અબ્દુલ ફઝલને જણાવ્યું કે ‘ હું હમણાં જૈનાચાર્યને મળી શકું એવી સ્થિતિમાં નથી . હું થોડીવાર પછી મળીશ . ત્યાર સુધી તમે જ જૈનાચાર્ય સાથે વાર્તાલાપ કરો . ‘
રાજાના આ પ્રત્યુત્તર પછી અબ્દુલ ફઝલનાં નિવાસસ્થાને હીરગુરૂ અને અબ્દુલ ફઝલનો તાત્ત્વિક વાર્તાલાપ લાંબા વખત સુધી ચાલ્યો . મધ્યાહ્ન સમય વીતી ગયો . અબ્દુલ ફઝલના નિવાસની પાસે કરણરાજનાં નિવાસસ્થાને હીરગુરૂએ મર્યાદાનુસારી રીતે આંબેલ સંબંધી ગોચરી વાપરી . એટલામાં રાજા તરફથી સ્વાગતનો સંદેશો આવ્યો . હીરગુરુ હવે રાજાના દરબારમાં પધાર્યા . હાથી ઘોડા ઊંટ પાલખી જેવી વ્યવસ્થાઓ ઉપલબ્ધ હતી તેમ છતાં હીરગુરુ પગપાળે જ પધાર્યા છે તે જાણીને રાજા ગદ્ ગદ થઈ ગયો . એનાં હૃદયમાં અપરિસીમ બહુમાનભાવ જાગ્યો .
રાજાએ હીરગુરુને ચિત્રશાળામાં પધારવા કહ્યું . ચિત્રશાળામાં જમીન પર ગાલીચો બીછાવ્યો હતો . હીરગુરુએ રાજાને કહ્યું કે ગાલીચા પર પગ મૂકીને અમે અંદર ન આવી શકીએ કેમ કે ગાલીચાની નીચે જીવજંતુ હોવાની સંભાવના છે . અમે એમની હિંસાથી બચવા સંકલ્પબદ્ધ છીએ . આ સાંભળીને રાજાએ પોતાના હાથે ગાલીચો ઊંચો કર્યો. નીચે ઘણી કીડીઓ હતી. રાજા જૈનધર્મની સૂક્ષ્મ અહિંસાથી અહોભાવિત થયો. આખો ગાલીચો સેવકોએ હટાવી દીધો . કીડી આદિ જીવજંતુઓની જયણાપૂર્વક સંભાળ લેવામાં આવી. હીરગુરુ ચિત્રશાળામાં પધાર્યા , યોગ્ય આસને બિરાજ્યા . રાજા અને હીરગુરુ વચ્ચે વિશદ ધર્મચર્ચા થઈ . રાજા પ્રભાવિત થયો . હીરગુરુએ જ્યોતિષ અને મંત્રતંત્રના વિષયમાં રસ ના લીધો . રાજાએ પ્રસન્ન થઈને વિશાળ ગ્રંથસંગ્રહ હીરગુરુને આપવાની ભાવના વ્યક્ત કરી . હીરગુરુએ એનો પણ અસ્વીકાર કર્યો. રાજાએ વિશેષ આગ્રહ કર્યો . રાજાનું મન પ્રસન્ન બનેલું રહે તે માટે એ વિશાળ ગ્રંથસંગ્રહ આગરા જૈન સંઘને સોંપવામાં આવ્યો . રાજા આશ્વસ્ત હતો કે આ સંગ્રહના ગ્રંથો હીરગુરુ ઉપયોગમાં લેશે .
એ વરસનું ચોમાસું હીરગુરુ આગરામાં બિરાજમાન રહ્યા . હીરગુરુની પ્રેરણાથી રાજા અકબરે પર્યુષણના દિવસો દરમ્યાન આગરામાં કોઈ જીવહિંસા ન થાય એવા ફરમાન જારી કર્યા . ચોમાસા બાદ હીરગુરુ શૌરિપુરી પધાર્યા . ત્યાંથી આગરા પધાર્યા . અહીં રાજા અકબર તેમ જ અબ્દુલ ફઝલ સાથે વિશેષ વાર્તાલાપ થતો રહ્યો . એક વાર રાજાએ અબ્દુલ ફઝલ સાથે તત્ત્વસંવાદ કરી રહેલા હીરગુરુને કાર્યપૃચ્છા કરી . હીર પટોધર વીર તણો તિહાં બોલીઓ રે , સુણિ હો અકબરશાહ ; ગાજી રે ગાજી રે કોડી એક ન લીજીએ રે . હીર કહિં સુણિ હુમાઉ નંદન તુહ્મ કહું રે , વચન હમારું એહ ; કીજેરે કીજે રે જગ સારે બહુ સુખી રે ( ઢાળ પ૬ : પદ્ય ૧૨૮૬ / ૧૨૮૭ )
હીરગુરુએ રાજાને કહ્યું કે અમને અમારી માટે કશ્શું જોઈતું નથી . તમે જગતના જીવોને સુખ આપો એ જ અમારી ઈચ્છા છે . રાજા કહે : કંઈક તો ફરમાવો . હીરગુરુ એ પર્યુષણાના આઠ દિવસનું અમારિપ્રવર્તનની કરવાની પ્રેરણા આપી . રાજાએ પોતાના તરફથી ચાર દિવસ ઉમેરીને બાર દિવસનું અમારિપ્રવર્તન કરવાનું વચન આપ્યું અને એ મુજબ છ ફરમાન જારી કર્યા . એક ફરમાન ગુજરાત પહોંચ્યું . બીજું ફરમાન માલવ દેશ પહોંચ્યું . ત્રીજું અજમેર પહોંચ્યું . ચોથું દિલ્હી પહોંચ્યું . પાંચમું લાહોર – મુલતાન પહોંચ્યું . છઠ્ઠું પોતાની પાસે રાખ્યું. આ ઘટના પછી રાજાએ હીરગુરુને જગદ્ ગુરુ પદવી આપી . જગત ગુરુ બિરુદ તે દેહ , હીર તણી શોભા વાધેહ ( ઢાળ ૫૯ : પદ્ય ૧૩૪૩ )
હીરગુરુ વિશે અકબર રાજાનો અભિપ્રાય આ હતો : અજા મીન ગઉ પંખી છુડાએ , સારે કી ઉમર વધાઈ હો લાલ ( ઢાળ ૬૧ : પદ્ય ૧૩૮૯ ) હીરગુરુએ કેટલાય ઘેટા – બકરા – માછલાં – ગાય અને પક્ષીઓને મુક્તિ અપાવીને એમનું આયુષ્ય વધારી દીધું છે . ડાબર તળાવનો જળવિસ્તાર બાર ગાઉનો હતો . રાજાની પ્રેરણાથી આ વિશાળ તળાવમાં થનારી જલચર હિંસા પર પાબંદી લાગુ થઈ . હીરગુરુએ રાજા અકબરને જીજીયાવેરો અને મુંડકાવેરો લેવાનું બંધ કરવાની પ્રેરણા આપી . રાજાએ એ પ્રેરણા શિરોધાર્ય ગણી . જીજીયાવેરો એટલે હિંદુપ્રજાના દરેક ઘરમાં જેટલા અબાળ સદસ્ય હોય તે સૌએ ભરવાનો ટેક્સ . આ ટેક્સની રકમ ઘણી મોટી હતી . શ્રીમંત હિંદુ માટે ટેકસની રકમ અલગ રહેતી . સામાન્ય હિંદુ માટે ટેક્સની રકમ અલગ રહેતી . જેણે ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો હોય તેને જીજીયાવેરો ભરવો પડતો નહોતો . એક ઉલ્લેખ એવો મળે છે હિંદુનાં ઘરમાં ખાવાપીવાનો જે ખર્ચો હોય તેમાં હિંદુ પોતાના જે પૈસા વાપરે તે ભલે વાપરે . પણ બાકીના જે પૈસા હિંદુ પાસે બચે તે જીજીયાવેરા પેઠે રાજ્યતંત્રને આપી દેવાના . જે હિંદુએ મુસ્લિમ ધર્મ સ્વીકાર્યો નથી તેમને સજારૂપે આ પૈસા ભરવા પડતા એવું કહી શકાય . મુંડકાવેરો એટલે યાત્રા કરવા નીકળેલા દરેક હિંદુ યાત્રાળુ પાસેથી લેવામાં આવતી જકાત . મુસ્લિમધર્મીઓને એમના તીર્થની યાત્રા માટે મુંડકાવેરો ભરવો પડતો નહોતો .
જીજીયાવેરાથી અને મુંડકાવેરાથી રાજ્યતંત્રને કરોડો રૂપિયાની આવક થતી હતી . રાજાએ તેની ચિંતા કર્યા વિના આ વેરા રદ કરી દીધા હતા . હીર કહે તુહ્મ ભલા સુજાણ , છોડો પુંછી જજીયા દાણ . અકર અન્યાય તીરથ મુંડ્યકું , તે કિમ હોઈ પાતશા થકું . કહે પાતશા છોડ્યા સબ્બ ( ઢાળ ૬૧ : પદ્ય ૧૩૯૬ )
ત્રણ વરસ રોકાયા બાદ ગુજરાત તરફ વિહાર કરવાની વાત જ્યારે હીરગુરુએ કરી ત્યારે રાજાએ જણાવ્યું કે હવેથી હું હરણ – બાજ – ચિત્તા – વાઘનો શિકાર કરીશ નહીં . વરસમાં છ મહિના માંસાહારનો પરિહાર કરીશ . ત્રણ અઠ્ઠાઈ , વર્ષગાંઠ અને સંક્રાંતિના દિવસે જીવહત્યા કરીશ નહીં. હીરગુરુએ આગરાથી વિહાર કરી લીધો .
પણ રાજાની ઈચ્છાથી હીરગુરુના પ્રતિનિધિ તરીકે શાંતિચંદ્ર ઉપાધ્યાય આગરા રોકાયા . એેમની વાણીથી પ્રેરિત થઈને રાજાએ છ માસનું અમારિપ્રવર્તન કર્યું. લાહોરમાં આનો સત્તાવાર ઢંઢેરો પીટવામાં આવ્યો હતો . રાજાએ અને ઉપાધ્યાયજીએ આ અમારિપ્રવર્તનનો સંપૂર્ણ યશ હીરગુરુને જ આપ્યો .
હીરગુરુને ખંભાતમાં સુલતાન હબીબુદ્દીને પરેશાન કર્યા . એની ફરિયાદ રાજા અકબરને પહોંચી . રાજાએ સુલતાનને કડક સજા કરવાનું ફરમાન મોકલ્યું . ડરીને સુલતાને હીરગુરુની ઘણી આગતા સ્વાગતા કરી . હીરગુરુએ મનમાં નારાજગી રાખી નહોતી તે જોઈને હબીબ પ્રસન્ન થયો . એણે કાર્યપૃચ્છા કરી . હીરગુરુએ એના દ્વારા બંદીમોચન અને અમારિપ્રવર્તન કરાવ્યું .
હીરગુરુના પ્રતિનિધિ તરીકે ભાનુ ચંદ્ર ઉપાધ્યાયજી અકબર રાજાની સાથે હતા . ઉપાધ્યાયજીની પ્રેરણાથી રાજા અકબરે શત્રુંજય મહાતીર્થનું અધિકાર પત્ર લખી આપ્યું . બોલ્યો પાતશા ધરી આણંદ , તુહ્મ માંગો જો દેઉં ભાણચંદ . માગી લીધો શેત્રુંજગિરિ સાર , ફરમાન કર્યા તેણી વાર ( ઢાળ ૭૬ : પદ્ય ૧૮૫૦ ) હીરગુરુના પ્રતિનિધિ તરીકે હવે શ્રી સેનસૂરીશ્વરજી મહારાજા લાહોર પધાર્યા . એમના થકી પણ જીવદયાની ઘણીય પ્રવૃત્તિઓ થઈ .
હીરગુરુએ પાટણથી સિદ્ધગિરિ તરફ પ્રસ્થાન કર્યું . લાહોર આગ્રા મુલતાન કાશ્મીર ખુરસાન બંગાળ કાબુલ ભોટ લાટ ભંભેર ચોડ મેવાડ સુધી સંદેશા પસર્યા . અમદાવાદમાં શેખ ફરીદને ધર્મ સમજાવી અમારિપ્રવર્તન કરાવ્યું . ( ઢાળ ૮૩ : પદ્ય ૨૦૬૯ ) ચૈત્રી પૂનમના દિવસે હીરગુરુએ સિદ્ધગિરિરાજની યાત્રા કરી . મલ્યા સાધુ તિહાં એક હજાર , હીરવિજયસૂરિનો પરિવાર ( ઢાળ ૮૪ : પદ્ય ૨૧૬૧ ) સાથે ૭૨ મોટા સંઘો અને અન્ય નાના સંઘો હતા જેમાં જેસલમેર વિસનગર સિદ્ધપુર મહેસાણા ઈડર અહીમનગર સાવલી કપડવંજ માતર સોજીત્રા નડિયાદ વડનગર ડાભલા કડા મહેમદાબાદ બારેજા વડોદરા આમોદ શિનોર જંબુસર કેરવાડા ગંધાર સુરત ભરૂચ રાંદેર ઉના દીવ ગોગા નવા નગર માંગરોળ વેરાવળ દેવગીરી વિજાપુર વૈરાગ નંદરબાર શીરોહી નડુલાઈ રાધનપુર વડલી કુણઘેર પ્રાંતિજ મહીજ પેથાપુર બોરસદ કડી ધોળકા ધંધુકા વિરમગામ નવાનગર જુનાગઢ કાલાવડ અને અન્ય નામો મુખ્ય હતાં . અહીં ખંભાત અને દીવ સંઘે ચોમાસાની વિનંતી કરી . દીવ સંઘે હીરગુરુને કહ્યું કે આપે પાટણમાં આઠ ચોમાસાં કર્યાં , ખંભાતમાં સાત ચોમાસાં કર્યાં , અમદાવાદમાં છ ચોમાસાં કર્યાં , સિરોહીમાં અને સાંચોરમાં બે બે ચોમાસાં કર્યાં . ફત્તેહપુર , કુણઘેર , મહેસાણા , સોજિત્રા , બોરસદ , આમોદ , ગંધાર અને રાધનપુરમાં એક એક ચોમાસું કર્યું છે પરંતુ ઉનામાં ચોમાસું કર્યું નથી . આ વખતે ઉનાને લાભ મળવો જોઈએ .
ઉના સંઘની વિનંતીનો સ્વીકાર થયો . હીરગુરુ પાલીતાણા શેત્રુંજી નદી દાઠા મહુઆ દેલવાડા અજારા થઈને ઉના પધાર્યા . ચોમાસું યાદગાર રીતે સંપન્ન થયું . આરોગ્ય પ્રતિકૂળ બન્યું . વિહારના સમયે સંઘે હીરગુરુને આરોગ્ય ઉપચાર માટે ઉના રહેવાની જ વિનંતી કરી . હીરગુરુ રોકાયા . બીજું ચોમાસું શરૂ થયું. પર્યુષણમાં કલ્પસૂત્રનું વ્યાખ્યાન વાંચ્યું. ભાદરવા સુદ ૧૦ ની મધ્યરાત્રિએ આરોગ્ય ગંભીર થયું . નિર્યામણા અને ક્ષમાયાચના કરી . પદ્માસને બિરાજ્યા . હાથમાં માળા રાખી ગણવા લાગ્યા . ચાર માળા પૂરી ગણાઈ . પાંચમી માળા ગણતાં ગણતાં હાથમાંથી પડી ગઈ . આ રીતે હી૨ગુરુ સાત પહોરનું અનશન સાધી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા . દિવસ હતો ભાદરવા સુદ ૧૧ વિ. સં. ૧૬પર ગુરુવાર .
અગ્નિસંસ્કાર જે વાડીમાં થયા ત્યાં વાંઝણા આમ્રવૃક્ષો પર ઢગલાબંધ કેરીઓ ઉગી આવી , રાતે દેવતાઈ આડંબર જોવા મળ્યો . અગ્નિસંસ્કારના દિવસે ઉનાના સમગ્ર દરિયાકાંઠે અમારિપ્રવર્તન જાહેર થયું . ભારતનાં વિવિધ રાજ્યોમાં શોકસંદેશ પસર્યા અને અમારિ પટહ વાગ્યા . ગુરુભક્તોએ અગ્નિસંસ્કારની ભૂમિ પર સ્તૂપની રચના કરી . જગદ્ ગુરુ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજાની પાટે સવાઈ હીરલા તરીકે પ્રસિદ્ધ એવા શ્રીસેનસૂરીશ્વરજી મહારાજા બિરાજમાન થયા .
( કવિ ઋષભદાસે આ રાસમાં ૧૧૦ ઢાળ અને ૩૧૩૪ પદ્ય લખ્યાં છે . એમાં ઘણાઘણા પ્રસંગો છે જે આ કથાસારમાં સમાવેશ પામ્યા નથી . રાસ સંપાદક : પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજા )
Leave a Reply