Press ESC to close

જીવદયાને સમર્પિત ગૌવિજ્ઞાન અનુસંધાન કેન્દ્ર – દેવલાપારમાં એક દિવસ

આપણે જીવદયાપ્રેમી છીએ . એક તરફ આપણે ગૌશાળા અને પાંજરાપોળને પૂરી સહાય કરીએ છીએ . બીજી તરફ આપણે કતલખાનાઓનો સખત વિરોધ પણ કરીએ છીએ . ભારતમાં સત્તાવાર રીતે રજિસ્ટર્ડ  થયેલાં મોટાં કતલખાનાઓ ૩૬૦૦થી વધારે છે , અમેરિકામાં  ૨૮૩૦ થી વધારે  , ચીનમાં પ૦૦૦થી વધારે .  નાના નાના કતલખાનાઓની કોઈ ગણતરી થઈ શકતી નથી . ભારત દેશ માટે શરમજનક બીના છે કે રોજની પચાસ હજારથી વધારે ગાયો કતલખાનામાં પ્રાણ ગુમાવે છે .  
Our world in data – માં મેક્સ રોઝર લખે છે કે વર્તમાન માનવ સમાજમાં એક‌ મોટો વર્ગ એવો છે રોજનું ૩૬૦ મિલિયન માંસ આરોગી જાય છે. દુનિયાભરમાં રોજ ૯ લાખ ગાયની કતલ થાય છે . આ બધી ગાયને એક લાઈનમાં ઊભી રાખો તો તેમની લાઈન અઢારસો કિલોમીટર લાંબી થઈ જાય . ૨૦૨ મિલિયન ચિકન રોજનાં કપાય છે . આનો અર્થ એ છે કે દરમિનિટે ૧, ૪૦૦૦૦ ચિકન કપાય છે . બકરી ૧.પ મિલિયન , ઘેટા ૧.૮ મિલિયન , ભૂંડ ૩ . ૮ મિલિયન , બતક ૧૨ મિલિયન અને માછડી સેંકડો મિલિયન . આ લેખમાં એવી ચર્ચા છે કે માનવ સમાજ મીટ કન્ઝપ્શન ઓછું કરે એ બહુ જરૂરી છે . માનવ સમાજનું ભારેખમ મીટ કન્ઝપ્શન , વાતાવરણને અને વનજીવનને અને માનવીય વ્યવસ્થાને ઘણી ઘણી રીતે નુકશાન કરી રહ્યું છે . જેમ જેમ મીટ કન્ઝપ્શન ઘટતું જશે તેમ તેમ મીટ પ્રોડક્શન ઓછું થતું જશે અને જેમ જેમ મીટ પ્રોડક્શન ઓછું થતું જશે તેમ તેમ મીટ મેળવવા થઈ રહેલી પશુહત્યા ઘટવા લાગશે . ( 26.9.2023 ) આ વિચારસરણી સમગ્ર વિશ્વમાં પ્રચલિત થઈ રહી છે .  
આપણે પશુહત્યાને રોકવા માટે આપણી સીમામાં રહીને જે કરી શકીએ તે કરીએ છીએ . કતલખાનેથી જીવો છોડાવીએ છીએ અને કતલખાને જઈ રહેલા જીવોને કતલખાને જવાથી બચાવીએ છીએ . કતલખાનેથી બચેલા જીવો ગૌશાળા કે પાંજરાપોળમાં સારી રીતે સચવાય એની જવાબદારી આપણે સ્વીકારીએ છીએ . પરંતુ જે જીવોને આપણે બચાવી ના શક્યા એ તો કતલખાનામાં જાય જ છે . એવા જીવોની સંખ્યા ઘણી જ મોટી છે . આ જીવોને કતલખાને લઈ જવાનું ઓછું થઈ જાય એવું કોઈ આયોજન થઈ શકે ખરું ? લોકો આ જીવોને કતલખાને લઈ જ ના જાય એવી કોઈ વ્યવસ્થા પ્રસ્થાપિત થઈ શકે ખરી ? શું એવી કોઈ સમાંતર વ્યવસ્થા પ્રણાલિ છે ખરી , જેના દ્વારા નિર્ધારિત થઈ જાય કે આ પશુઓને અકાળે મારવાની જરૂર જ નથી  . એક એવી સિસ્ટમ સેટ થયેલી હોય જેના આધારે એમ કહી શકાય કે પશુ જ્યાર સુધી જીવિત છે ત્યાર સુધી એની ઉપયોગિતા ઘણી મોટી છે . આથી પશુને કતલખાને મોકલવાના હોય જ નહીં . જીવદયાના પ્રેમીઓને ગમે એવી આ પરિકલ્પના છે .
આ પરિકલ્પનાને થોડે ઘણે અંશે વાચા આપનારી પશુપ્રેમી સંસ્થા દેવલાપારમાં છે :  ગૌવિજ્ઞાન અનુસંધાન કેન્દ્ર . નાગપુરથી આશરે ૭૪ કિલોમીટર થાય . મારા વિહારના ચોથા દિવસે આખો દિવસની સ્થિરતા અહીં હતી . ગાયનાં શરીરમાં બનતું દૂધ , એમાંથી બનતા દહીં અને ઘી , ઉપરાંત ગોમૂત્ર અને ગોબર . આ પાંચને પંચગવ્ય કહેવામાં આવે છે . પંચગવ્ય દ્વારા જે જે જીવન ઉપયોગી વસ્તુઓ બની શકે તે બનાવવાનો આ સંસ્થાનો ઉપક્રમ છે . પંચગવ્ય આધારિત કૃષિ વિદ્યા અને આરોગ્ય વિજ્ઞાન પર અહીં વરસોથી કામ થાય છે .  આ કોઈ જૈન સંસ્થા છે એવું નથી . આ હિન્દુત્વવાદી સંસ્થાન છે . સમગ્ર ભારતમાં ગૌહત્યાને રોકવી હશે તો ગૌવંશની વ્યાપક ઉપયોગિતા સાબિત કરવી જોઈએ , આ એમની થીમ ઓફ થિંકિંગ છે . અહીં ૯૦૦ ગાય છે અને ગાયને સ્વજનની જેમ‌ સાચવવાનું વલણ છે . અહીં પંચગવ્ય આધારિત રિસર્ચ લેબોરેટરી છે , દવાઓ અને ખાતર બનાવનારા નિષ્ણાતોની ટીમ છે , આ દવાઓ અને ખાતરની ઈફેક્ટિવનેસની પરીક્ષા કરનારા વૈજ્ઞાનિકો છે . જે દિવસે પંચગવ્યમાંથી બનેલી દવાઓ અને ખાતરનું માર્કેટ ઘણું મોટું થઈ જશે તે દિવસે જીવંત ગૌવંશની ડિમાન્ડ વધી જશે , જે દિવસે આ ડિમાન્ડ એકદમ વધી જશે તે દિવસે ગૌવંશની હત્યા અટકી જશે . ગૌહત્યા કરવા જેવી નથી તેવી થિયરી પહેલા તબક્કે સર્વસ્વીકૃત થઈ જાય તે પછી બીજા તબક્કે , અન્ય પશુઓની હત્યા પણ ન કરવી જોઈએ એ થિયરી પ્રસ્થાપિત કરી શકાય છે . એકલા ગોવંશને જ બચાવવાની વિચારસરણી અધૂરી ગણાય . પ્રાણીમાત્રને બચાવવાનો વિચાર જ પ્રામાણિક અહિંસામાં ગણત્રી પામે . શરૂઆત કોઈ એક જગ્યાએથી થાય એેવું બની શકે છે .  
આ સંસ્થામાં બનેલી પંચગવ્ય આધારિત ઔષધિ અને ચિકિત્સા દ્વારા ૫૦,૦૦૦થી વધુ દર્દીઓ રોગમુક્ત થયા છે . અહીં બનેલી દવાથી કેન્સર મટ્યા હોય એવા કિસ્સા પણ પ્રચારમાં છે . આ સંસ્થાએ વૈજ્ઞાનિક પ્રયોગપૂર્વક મિડિયા સમક્ષ દાવો કર્યો કે પંચગવ્ય આધારિત ઔષધિ અને ચિકિત્સા દ્વારા કેન્સર મટે છે ત્યારે ભયભીત બનેલી એક કેન્સર હોસ્પિટલે મુંબઈથી આ દાવાનો વિરોધ કર્યો હતો . અલબત્ત ,  દેવલાપારના ગૌવિજ્ઞાન અનુસંધાન કેન્દ્રને , નાગપુરની એક મોટી હોસ્પિટલનું સમર્થન મળ્યું હતું . અત્યારે પણ કીમો થેરપીથી થાકેલા કેટલાય પેશન્ટને આ સંસ્થા રાહતના શ્વાસ આપી રહી છે . નોર્મલ ડિસીઝ અને ક્રોનિક ડિસીઝના અગણિત કેસમાં પંચગવ્યની દવાઓએ ગજબનું રિઝલ્ટ બતાવ્યું છે . એલોપેથીની દવામાં હોય છે એવી સાઈડ ઈફેક્ટ નહીં , મોંઘી કિંમત નહીં , પ્રયોગશાળાની ઘોર હિંસાઓ નહીં . છતાં અહીં બનેલી વીસ જેટલી દવાઓને અમેરિકા , ચીન , આફ્રિકા જેવા દેશોમાં આંતરરાષ્ટ્રીય પેટન્ટ મળી છે . 
ભારતદેશમાં ખેતીકામ ઘણું થાય છે . ખેતરોમાં વપરાતું ખાતર , પંચગવ્ય નિર્મિત હોય અને ફક્ત પંચગવ્ય ખાતર જ આખાય ભારતમાં વપરાય તો વિચારો કે ગૌવંશની ઉપયોગિતાની રેન્જ કેટલી બધી વધી જાય ? જો ખરેખર આમ થાય તો ગૌહત્યાનો સિલસિલો કેટલો ઝડપથી અટકી જાય ?  એક વાર ગૌહત્યા અટકે એટલે અન્ય પશુની હત્યા અટકાવવાની દિશા પણ ખૂલી જાય . પંચગવ્ય ખાતરનો ઉપયોગ સરળ છે , સસ્તો છે અને આના ઉપયોગથી ખેતરની ઉત્પાદકતા વધે છે – આ વિષયનું પ્રશિક્ષણ અહીં વૈજ્ઞાનિક રીતે અને પ્રાયોગિક ધોરણે અપાય છે . આસામ – બિહાર – ઓરિસ્સા – હરિયાણા – ઉત્તર પ્રદેશ –  ગુજરાત – આંધ્ર પ્રદેશ – કર્ણાટક – મહારાષ્ટ્ર – નેપાલથી આવેલા ૪૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ અહીંની પંચગવ્ય ખાતરથી ખેતી કરવાની પ્રક્રિયા શીખી ચૂક્યા છે . ભારતીય કૃષિઉદ્યોગમાં અંગ્રેજો થકી જે ભયાનક ભૂલો ઘૂસી ગઈ છે તેની હકાલપટ્ટી આ પંચગવ્યની પરિકલ્પના દ્વારા થવા માંડી છે . 
મૂળભૂત રીતે આ જીવદયાનો વિચાર છે . એનું અમલીકરણ સાવ જુદી રીતે થયેલું છે . આપણે પશુઓને કતલખાનેથી બચાવવાનો પ્રયાસ કરીએ છીએ . કતલખાનાઓમાં પશુઓ જ ન જાય એવું સપનું , ગૌવિજ્ઞાન અનુસંધાન કેન્દ્રની આંખોમાં છે . આપણે પાંજરાપોળમાં મવેશીઓની સારસંભાળ લઈએ છીએે . આ સંસ્થા ગૌશાળા ચલાવે છે અને અનાયાસ મળેલા પશુ ઉત્પાદ દ્રવ્યો દ્વારા એવી સિસ્ટમ સેટ કરવા માંગે છે જે સિસ્ટમના આધારે પશુઓને કતલખાને લઈ જવાનું ચલણ જ અટકી જાય . દેશમાં પશુપાલન જ રહે , પશુહત્યા દેશમાં થાય જ નહીં આ હવાઈ તુક્કો લાગે એવી વાત છે . પરંતુ દેશના પ્રસિદ્ધ વૈજ્ઞાનિકો અતુલ વૈદ્ય , પ્રમોદ પડોલે અને રીતેશ વિજય – તેમ જ ગૌઔષધિના ડોક્ટર નંદિની ભોજરાજ , ગૌવિજ્ઞાનના અનુભવી સુનીલ માનવ પાસેથી આ ગૌવિજ્ઞાનની પરિકલ્પના સાંભળી . એટલે ઘણાય કુતર્કો પાછળ છૂટી ગયા . આ સંસ્થા જે કરે છે તેમાં વ્યાવસાયિક દૃષ્ટિકોણ મુખ્ય સ્થાને નથી તે સમજાતું હતું . સંસ્થાની પ્રયોગશાળા , કાર્યશાળા , ખેતી , લાઇબ્રેરી , ઓફિસ અને અન્ય ગતિવિધિઓમાં જે જે લોકો કાર્યરત હતા તેઓ પ્યોરલી પશુપ્રેમી હતા તેય દેખાતું હતું . 
શુદ્ધધર્મની ભૂમિકાએે વિચારીએ તો કોઈ પણ આરંભ સમારંભ અનુમોદનીય હોતો નથી . આત્મચિંતનની મુખ્યતા ન હોય એવી ગતિવિધિઓમાં સીધું ઈન્વોલ્વમેન્ટ રાખવાનું હોતું નથી . દર્શન જ્ઞાન ચારિત્ર તપ સિવાયની પ્રવૃત્તિ સાથે સાધનાનો સંબંધ બનતો નથી . બસ , જીવદયા અને અનુકંપામાં વસેલી કરુણા દૃષ્ટિ અહીં જોવા મળી . ગ્રામીણ પ્રજાની રોજીરોટી સચવાઈ રહી છે . કોઈ પશુ પર કોઈ જબરદસ્તી નથી . દૂધ લેવાની પ્રક્રિયામાં પણ બાળપશુના હકની માવજત થાય છે . પૈસા પડાવવાની કે લૂંટવાની વૃત્તિ નથી . દુનિયામાં ચોતરફ ચાલી રહેલી પશુહત્યાને ઓછી કરવાનો મોટો મનોરથ છે અને યથાસંભવ પુરુષાર્થ છે . વિદેશી સંસ્કૃતિને પ્રથમ ક્રમાંકે ન રખાય એવી સ્પષ્ટતા છે . ભારતીય સંસ્કૃતિને જ પ્રથમ ક્રમાંકે રખાય એવો કટ્ટરભાવ છે . બીનજરૂરી આડંબર નથી . નિરર્થક વેડફાટ જોવા મળતો નથી . દેવલાપારની ગૌશાળાને ઘણી પ્રસિદ્ધિ મળેલી છે , અનુદાન ઘણું મળે છે . જીવદયા અને અનુકંપાની ભૂમિકાએે જૈનો ઘણા પૈસા લખાવે છે . 
જોકે , કતલખાનાનો પ્રશ્ન ઘણો મોટો છે . જુદી જુદી વેબસાઈટ પરથી મળતી માહિતી અલગ અલગ આંકડા બતાવે છે . पशु संदेश જણાવે છે કે સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ બેઝ લાઈન સર્વે , ૨૦૧૪માં થયો છે એનાથી સમજાય છે કે દેશની ૨૯ ટકા પ્રજા શાકાહારી છે . રાજસ્થાનમાં ૭૫ ટકા પ્રજા શાકાહારી છે . હરિયાણામાં ૭૦ ટકા પ્રજા , પંજાબમાં ૬૭ ટકા પ્રજા , ગુજરાતમાં ૬૧ ટકા પ્રજા  , મધ્ય પ્રદેશમાં ૫૧ ટકા પ્રજા , અને   ઉત્તર પ્રદેશમાં ૪૮ ટકા પ્રજા  , મહારાષ્ટ્રમાં ૪૧ ટકા પ્રજા શાકાહારી છે . આંધ્રપ્રદેશ , બિહાર , ઝારખંડ , કેરાલા , ઓરિસ્સા , તામિલનાડુ અને વેસ્ટ બેંગાલમાં સરેરાશ ૧૦ ટકા જેટલી પ્રજા શાકાહારી છે . આસામ , છત્તીસગઢ અને કર્ણાટકમાં સરેરાશ ૨૦ થી ૩૦ ટકા જેટલી પ્રજા શાકાહારી છે . દિલ્લી , જમ્મુ કશ્મીર ,  ઉત્તરાખંડમાં સરેરાશ ૩૦ થી ૪૦ ટકા જેટલી પ્રજા શાકાહારી છે . આ આંકડા ચોંકાવી દે એવા છે . અમેરિકામાં ૧૨ ટકા પ્રજા શાકાહારી હશે એવું અનુમાન છે . ઓસ્ટ્રેલિયામાં ૧૩ ટકા પ્રજા , આર્જેન્ટિનામાં ૧૪ ટકા પ્રજા , બ્રાઝિલમાં ૧૫ ટકા પ્રજા , કેનેડામાં ૧૬ ટકા પ્રજા , ફ્રાન્સમાં ૧૮ ટકા પ્રજા , સાઉથ કોરિયામાં ૨૦ ટકા પ્રજા શાકાહારી હશે . જાપાનમાં ફક્ત બે ટકા પ્રજા શાકાહારી છે . સમગ્ર વિશ્વમાં ૨૨ ટકા પ્રજા શાકાહારી છે . જ્યાં જે પ્રજા શાકાહારી નથી તે માંસાહારી છે એમ સમજી શકાય છે .  આ મુજબ વિચારીએ તો માંસાહાર એ વિશ્વવ્યાપી સમસ્યા છે . જ્યાં સુધી માંસાહાર ચાલુ રહેશે ત્યાં સુધી કતલખાના ચાલુ જ રહેવાના છે . કતલખાનાઓ પૂરેપૂરા બંધ થઈ જાય એ ઉજ્જ્વળ સ્વપ્ન છે . આ સપનું સાકાર થશે કે કેમ એ પ્રશ્ન છે . પરંતુ દેશમાં અને વિદેશમાં શાકાહારીઓ વધી રહ્યા છે એમ સમાચાર સૂત્રો વારંવાર જણાવે છે . આ એક આશ્વાસનની વાત છે . 
શાકાહારી ભોજનશૈલીનો પ્રચાર જુદા જુદા દૃષ્ટિકોણથી અનેક સંસ્થાઓ કરે છે . રોજેરોજ હજારો લોકો શાકાહારી ભોજનશૈલી અપનાવી રહ્યા છે . નોનવેજ ન ખાવું જોઈએ – આવો પ્રચાર પણ અનેક રીતે કરવામાં આવે છે , પરિણામે રોજરોજ હજારો લોકો નોનવેજનો ત્યાગ કરી રહ્યા છે . કતલખાને જતાં જીવો અભયદાન પામે એ માટે જે જે પ્રચાર આવશ્યક છે તે પ્રચાર વધે અને એ પ્રચારની અસરકારકતા વધે એ માટે ઘણી ઘણી સંસ્થાઓ સતત કાર્યરત છે . એમાંની એક જોવા મળી દેવલાપા૨માં . 

ભીલવાડા રાજસ્થાનમાં પણ ગૌવિજ્ઞાન અનુસંધાન કેન્દ્ર  છે . મથુરામાં પશુચિકિત્સા વિજ્ઞાન વિશ્વવિદ્યાલય  છે . 2023માં ઇન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી – ( IIT ) ગુવાહાટીમાં ગૌવિજ્ઞાન સંબંધી નેશનલ કોન્ફરન્સ થયેલી જેમાં મેડિકલ સાયન્સ અને મોડર્ન લાઈફ સ્ટાઈલમાં ગૌવિજ્ઞાન થકી શો ફરક લાવી શકાય છે તેની પર ચર્ચા કરવામાં આવી હતી . ધ પ્રિન્ટ ન્યૂઝપેપર જણાવે છે કે 2021માં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને (UGC) અલગ અલગ બાર ભાષાઓ દ્વારા દેશની દરેક  યુનિવર્સિટીમાં ગૌવિજ્ઞાનનો પ્રચાર પ્રસાર થવો જોઈએ એવી જાહેરાત કરી હતી . દૈનિક ભાસ્કર રાયપુર જણાવે છે કે 2024 માં ગૌવિજ્ઞાનનો પ્રચાર વધારવા છત્તીસગઢમાં સ્કૂલ – કોલેજના પાંચ લાખ વિદ્યાર્થીઓની ગૌવિજ્ઞાન પરીક્ષા લેવામાં આવશે . જે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થશે , એમને ગૌવિજ્ઞાન સાહિત્ય આપવામાં આવશે . એના જ આધારે પરીક્ષા લેવાશે . શહેરમાં રખડતાં પશુ સાથે કેવો વહેવાર કરવાનો ? એમનો અકસ્માત્ થાય , એમની પર અત્યાચાર થાય , એમની સાથે અઘટિત વહેવાર થાય , એમનું આરોગ્ય ખરાબ હોય ત્યારે શું કરવાનું ? પશુપીડા અને પશુહત્યાને ઓછી કરવા શું કરી શકાય ? જે ગાય દૂધ આપતી નથી તેને કતલખાને મોકલવાની જરૂર નથી – આવા આવા વિષયો અંગેનું પ્રશિક્ષણ પાંચ લાખ વિદ્યાર્થીઓને મળશે . ગૌવિજ્ઞાન માટે અંગ્રેજીમાં Cow Science શબ્દ વાપરવામાં આવે છે . કતલખાનાવિરોધી ગૌવિજ્ઞાન કેટલો કેટલો પ્રચાર પામી રહ્યું એના આ બેત્રણ ઉદાહરણ છે .  
એક વાત હંમેશા યાદ રાખવાની છે કે જૈન તરીકે આપણે એકલી ગાયની જ સુરક્ષા થાય એવી આકાંક્ષા રાખતા નથી .  આપણે દરેક ચતુષ્પદની સુરક્ષાને એકસરખું મહત્ત્વ આપીએ છીએ . આપણી જીવદયાની વિભાવના એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધી વિસ્તરેલી છે . જ્યારે હિન્દુઓ ગાયને અને અમુક વૃક્ષોને વધારે મહત્ત્વ આપે છે . જોકે , પશુહત્યાના વિરોધ બાબતે આપણી અને હિન્દુઓની વિચારસરણી મોટેભાગે એકસરખી છે . 
જે પશુઓ કતલખાને ગયા એમની માટે આપણે કશું કરી શકતા નથી , જે પશુઓ કતલખાને જવાના છે એમને બચાવવા માટે આપણે કશું કરી શકીએ છીએ . આ બે વિકલ્પ સિવાય એક ત્રીજી વાત પણ છે . અમુક પશુઓ કતલખાને ગયા નથી પણ એમની પર અત્યાચાર ઘણા થતા હોય છે અથવા એ પ્રતિફૂળ આરોગ્યમાં ફસાયેલા હોય છે . આવા પશુઓ વિકટ પરિસ્થિતિમાંથી બહાર આવે એ રીતે પણ જીવદયાની પ્રવૃત્તિ થતી હોય છે . જીવતા પશુઓ વિકટ પરિસ્થિતિમાં ફસાય જ નહીં એ રીતે પણ જીવદયાની પ્રવૃત્તિ થતી હોય છે . અમુક સંસ્થાઓ આ દિશામાં સક્રિય છે :


+ પિપલ ફો૨ એનિમલ્સ : પિપલ ફો૨ એનિમલ્સના મેમ્બર્સની સંખ્યા છે અઢી લાખ . ૨૬ હોસ્પિટલ , ૧૬૫ યુનિટ અને ૬૦ મોબાઈલ યુનિટ સાથે આ સંસ્થા સક્રિય છે . જીવદયા માટે આટલું મોટું તંત્ર હોય , તમે કલ્પના કરી શકો છો ? જીવતા પશુપંખીઓની સારસંભાળ અને સુરક્ષા માટે સમગ્ર દેશમાં આ સંસ્થા 1992 થી કાર્યરત છે . જીવ તરીકે પશુઓના જે જે હક બને છે તેની માટે આ સંસ્થા સરકાર સામે પણ લડી જાણે છે . પશુપંખીઓ સંબંધી – આરોગ્ય ઉપચાર , કાયદાકીય સંરક્ષણ , પર્યાવરણ નિર્મિતિ , આક્રમણ અત્યાચાર નો વિરોધ – જેવા અગણિત કાર્યક્ષેત્ર પિપલ ફો૨ એનિમલ્સ સંભાળે છે . દેશમાં અલગ અલગ જગ્યાએ એકીસાથે એક સમયે ૩૦૦૦ પશુઓની ટ્રીટમેન્ટ થઈ શકે એવું વ્યવસ્થાતંત્ર પિપલ ફો૨ એનિમલ્સ પાસે છે . હજારો પશુઓની ટ્રીટમેન્ટ અને લાખો પશુઓની કાયદાકીય સુરક્ષા પિપલ ફો૨ એનિમલ્સને લીધે સંભવિત થઈ છે .

 + બ્યુટી વિધાઉટ ક્રુઅલ્ટી : ભૂમિ , નદી , સમુદ્ર , આકાશ , જંગલ , શહેર , ગામમાં રહેનારા કોઈ પણ પશુપંખી કે જીવજંતુને જેનાથી નુકશાન થાય , તકલીફ થાય , પ્રાણહાનિ  થાય એવી જીવનશૈલી અને સાધનસામગ્રીનો વિરોધ કરવામાં આ સંસ્થા કદાચ , પ્રથમ સ્થાને છે . બ્યુટી વિધાઉટ ક્રુઅલ્ટીનો મૉટૉ સ્પષ્ટ છે :  ક્લોથ્સ , કોસ્મેટિક્સ , કેમિકલ્સ , ફૂડ્સ , ડ્રિંક્સ , સ્વીટ્સ , ફર્નિચર જેવી પ્રત્યેક જીવનોપયોગી સાધનસામગ્રીમાં કોઈ પણ ફ્રૂરતાની પૂર્વભૂમિકા ના હોવી જોઈએ . બ્યુટી વિધાઉટ ક્રુઅલ્ટીનું પ્રચારતંત્ર પાવરફૂલ છે . સમગ્ર સમાજની માનસિકતા બદલવાનું બીડું આ સંસ્થાએ ઊઠાવેલું છે . જે જે એલોપેથી , હોમિયોપથી દવાઓની પશ્ચાદ્ ભૂમાં ક્રૂરતા થયેલી છે એને ખુલ્લી પાડવામાં બ્યુટી વિધાઉટ ક્રુઅલ્ટીનું યોગદાન ઘણું મોટું છે . એમનો શબ્દ છે ક્રૂરતામુક્ત જીવનશૈલી , આપણો શબ્દ છે વિરાધનામુક્ત જીવનશૈલી . જેની જેની જેની પશ્ચાદ્ ભૂમિમાં ક્રૂરતા છે એને ખુલ્લા પાડવાનું કામ બ્યુટી વિધાઉટ ક્રુઅલ્ટી ૫૦ વર્ષથી કરે છે . આ સંસ્થાના સાહિત્ય થકી અગણિત લોકોએ ક્રૂરતાનિર્મિત સામગ્રીનો વપરાશ છોડી દીધો છે . 


આવી ઘણી સંસ્થાઓ છે . જીવદયાની જૈન પરિભાષા જેમને મળી નથી તેઓ પણ પોતાની સમજ અનુસાર જીવદયાના જે જે કાર્ય કરે છે એમાં જીવો માટે ઊંડી કરુણાના ભાવ અવશ્ય જોવા મળે છે . એ ભાવ એમના આતમાને સમકિત સુધી પહોંચાડે એવી સંભાવના ઘણી મોટી હોય છે . 

Comments (1)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *