Press ESC to close

ભક્ત તરીકે શ્રી ગૌતમ સ્વામીજી મહારાજાએ ચાર નિયમોનું પાલન હંમેશા કર્યું હતું .

અનંત લબ્ધિનિધાન શ્રી ગૌતમ સ્વામીજી મહારાજાનાં નામે નૂતન વર્ષનો પ્રારંભ થવો જોઈએ આ પરંપરા અદ્ ભુત છે . શ્રી ગૌતમ સ્વામીજી મહારાજા તીર્થંકર નથી પરંતુ એમને જે માનસન્માન મળે છે તે અકલ્પનીય છે . બેસતાં વર્ષના દિવસે  તીર્થંકર ભગવંતનો રાસ વાંચવાને બદલે ગણધર ભગવંતનો રાસ વંચાય છે . કેવો સંઘનો આદર અને કેવું ગણધર ભગવંતનું પુણ્ય ? ગૌતમ ગુરુ મહાગુરુ છે કેમ કે એ પોતાના ગુરુના મહાભક્ત છે . કોઈ પણ ભક્ત પોતાના ગુરુ સાથે ચાર તબક્કે જોડાય છે . પહેલો તબક્કો છે : अज्ञान – तिमिरान्धानाम् । બીજો તબક્કો છે : ज्ञानांंजन – शलाकया । ત્રીજો તબક્કો છે : नेत्रमुन्मीलितं येन । ચોથો તબક્કો છે : तस्मै श्री गुरवे नमः ।।
પહેલા તબક્કે , ભક્ત પોતાનાં અજ્ઞાનને કોસતો હોય છે . જેને એમ લાગે છે કે હું ઘણું જાણું છું , મને ઘણું બધું આવડે છે , હું ઘણું બધું કરી શકું છું – એ જ્ઞાનના અહંકારમાં ફસાયેલો છે . જેનું જ્ઞાન ઓછું હોય એને જ જ્ઞાનનો અહંકાર થાય છે અને જેને અહંકાર થાય છે એનું જ્ઞાન ઓછું જ થતું જાય છે . આ નિયમ છે . મારામાં જ્ઞાન નથી , હું કશું જાણતો નથી , મને કાંઈ આવડતું નથી – આવો અહેસાસ ભક્તનાં મનમાં સતત રહેતો હોય છે . આ અહેસાસ જ એને ભક્ત બનાવે છે . મારી પાસે બધું છે એવું જે વિચારતો હશે એને અન્યની આવશ્યકતા પ્રતીત નહીં થાય . એ પોતાનામાં ખુશ હશે . એને બીજાની પાસે જવાની કે બેસવાની આવશ્યકતા મહેસૂસ નહીં થાય . એને એવું લાગશે કે બધા મારી પાસે આવશે . એને એ તો યાદ જ આવશે નહીં કે મારે કોઈની પાસે જવું જોઈએ , બેસવું જોઈએ . આપણે જેમની પાસે જઈશું એમની પાસેથી કંઈક શીખવા મળશે , જાણવા મળશે એવું એ વિચારી શકતો નથી . હું જાણકાર માણસ છું એવી ભ્રમણા જેણે જેણે પાળી રાખી છે તે પહેલા તબક્કાથી દૂર રહ્યો છે . આવો માણસ સાચા અર્થમાં ભક્ત બની જ શકતો નથી . મારામાં જ્ઞાન નથી અથવા મારામાં જ્ઞાન ઘણું ઓછું છે આવી સભાનતા જ ભક્તને ભક્ત બનાવી રાખે છે . આ સભાનતાનું સૂત્ર છે : अज्ञान – तिमिरान्धानाम् । બેસતાં વર્ષના દિવસે ગૌતમ સ્વામીજીને તમે યાદ કર્યા હશે . એ વખતે તમારે પોતાની જાતને પૂછી લેવું જોઈતું હતું કે શું હું મારી જાતને જ્ઞાની માનું છું ? શું હું પોતાને મહાન્ સમજુ છું ? જો હું પોતાને અજ્ઞાની માનું છું અને નાનો માણસ સમજું છું તો જ મને ગૌતમ સ્વામીના આશીર્વાદ મળી શકે . ગૌતમ સ્વામીજીનું નામ લેવાથી બેસતું વરસ સુધરે છે એવું નથી . ગૌતમ સ્વામીજી પાસેથી પ્રેરણા લઈએ તો જ બેસતું વરસ સુધરે છે . 
બીજા તબક્કે , મારે કશુંક શીખવું છે , કશુંક જાણવું છે , કશુંક સમજવું છે , કશુંક નવું ઉમેરવું છે મારામાં – આવી ભાવના લઈને ભક્ત ગુરુ પાસે બેસે છે ,  ભક્ત ગુરુની સાથે સંવાદ સાધે છે , વાર્તાલાપ કરે છે . ભક્ત શ્રોતા બને છે . ભક્ત વિદ્યાર્થી બને છે . ભક્ત જિજ્ઞાસુ બને છે . ભક્ત અનુયાયી બને છે . જ્યારે જ્યારે ભક્ત ગુરુની સંગે સમય વિતાવે છે ત્યારે ત્યારે એનો એક સ્વાર્થ સંતૃપ્ત થતો હોય છે . એનું કોઈએક અજ્ઞાન તૂટતું હોય છે . એનું કોઈએક અજ્ઞાન ખતમ થતું હોય છે . એને કોઈ એક નાનકડી પ્રેરણા મળતી હોય છે . એને કોઈ એક નાનકડો બોધ મળતો હોય છે . આ જૂનાં અજ્ઞાનનું તૂટવું અને નવી પ્રેરણાનું મળવું તે જ બીજો તબક્કો છે . અજ્ઞાનને ઠેસ પહોંચતી રહે અને અંતર આત્માને બોધ મળતો રહે એવી ઘટના તે જ બીજો તબક્કો છે . બીજા તબક્કાનું સૂત્ર છે : ज्ञानांंजन – शलाकया । તમે ગુરુને મળ્યા નહીં ત્યાર સુધી તમારું જ્ઞાનનું સ્તર અને વિચારનું સ્તર જે હતું એ જુદું હતું . પરંતુ ગુરુને મળ્યા બાદ તમારું જ્ઞાનનું સ્તર બદલાયું , તમારું વિચારનું સ્તર બદલાયું , સ્તર ઊંચું થયું . જો આ બને છે તો બેસતાં વર્ષના દિવસે તમને ગૌતમ સ્વામીજીના આશીર્વાદ અવશ્ય મળે છે . 
ત્રીજો તબક્કો ક્રિયાન્વયનનો છે . આપણે જે શીખ્યા નહોતા એ આપણે કરી શકવાના નહોતા . આપણે જે જાણ્યું નહોતું એ કરવાની ત્રેવડ આપણામાં આવવાની જ નહોતી . આપણને જેની ખબર જ ન હોય એ બાબતમાં આપણે કામ શું કરી શકવાના ? આપણને કંઈક કરવું હોય પણ શું કરવું એની ખબર ના હોય , આપણામાં કરવાની શક્તિ હોય પણ કરવા જેવું શું છે એની જાણકારી ન હોય , આપણે કશું કરવા માંગતા હોઈએ પણ કયું કામ કરવું જરૂરી છે એની ગતાગમ ના હોય , એને લીધે આપણે ચોક્કસ કામ સાથે જોડાઈ શકતાં નથી . જ્ઞાનના અભાવે આપણે અમુક કામ કરતાં જ નથી . ગુરુના સત્સંગથી જ્ઞાન મળવા લાગે છે એટલે નવાં નવાં કામ કરવાની ભાવના જાગવા લાગે છે . ભાવનાની પાછળ પાછળ પુરુષાર્થ આવે છે અને એક એક કામ થવા માંડે છે . પહેલાં તપ નહોતા કરતા , હવે તપ થવા લાગ્યા . પહેલાં ત્યાગ નહોતા કરતા , હવે ત્યાગ કરવા લાગ્યા . પહેલાં દાન નહોતા કરતા , હવે દાન કરવા લાગ્યા . પહેલાં ભક્તિ નહોતા કરતા , હવે ભક્તિ કરવા લાગ્યા . પહેલાં પચખાણ નહોતા લેતા , હવે પચખાણ લેવા લાગ્યા . જ્ઞાન મળ્યું એ પછીના તબક્કે જીવનમાં નવા કામ શરૂ થયાં . નવું જાણી લઈએ પણ જે જાણ્યું છે એ મુજબ નવો પુરુષાર્થ , નવી મહેનત કે નવું કામ બિલકુલ ના કરીએ ત્યારે જ્ઞાન અધૂરું રહી જાય છે . પહેલાં જાણ્યું અને પછી જ્ઞાન અનુસાર પુરુષાર્થ શરૂ કર્યો . પુરુષાર્થને કારણે કોઈ એક પરિણામ પણ આવ્યું . પુરુષાર્થ નાનો હતો , પરિણામ નાનું આવ્યું .  પુરુષાર્થ મધ્યમ હતો ,  પરિણામ મધ્યમ આવ્યું  . પુરુષાર્થ મોટો હતો ,  પરિણામ મોટું આવ્યું  . પરંતુ પુરુષાર્થ કર્યો અને પરિણામ આવ્યું આ પ્રક્રિયા એની એ રહી .  આ જે પ્રક્રિયા છે એ જ ત્રીજો તબક્કો છે : नेत्रमुन्मीलितम् । ગુરુ પાસેથી જે મળ્યું છે એ ફક્ત દિમાગમાં રહ્યું , એવું ના થયું . ગુરુ પાસેથી જે મળ્યું એ જીવનમાં અવતરિત થયું . તમે જે જાણો છો તે તમારી સમૃદ્ધિ છે . તમે જેટલું જાણો છો એ મુજબ જીવનમાં કોઈને કોઈ પુરુષાર્થ ચાલુ રાખો છો . એ તમારી જવાબદારી છે . દર વર્ષે કોઈ નવો ધર્મ જીવનમાં જોવા મળતો હોય તો સમજવું કે આપણી ત્રીજા તબક્કે આવ્યા છીએ  . તમે જે નવો બોધ મેળવ્યો એને અનુસરીને તમે જીવનમાં નવો ધર્મ શરૂ કર્યો , એવું દર મહિને બનતું હોય તો બેસતાં વરસે તમને ગૌતમ સ્વામીજીના આશીર્વાદ મળે જ મળે . 
ચોથો તબક્કો આ રીતે આવે છે : તમે ઉત્તમ રીતે ધર્મપાલન શરૂ કર્યું , ધર્મક્રિયાઓ કરવા લાગ્યા , ધર્મનાં સ્થાનમાં નાનામોટા લાભ લેવા લાગ્યા . લોકોને આ બધું દેખાવા લાગ્યું . લોકો તમારી પ્રશંસા કરવા લાગ્યા . એ વખતે તમને એ પ્રશંસા ગમી નહીં . તમને એમ થયું કે આ પ્રશંસા મારી થાય છે એ ખોટી છે . જો ગુરુએ જ્ઞાન આપ્યું હોત નહીં તો આ જે પ્રશંસા થાય છે એવાં કોઈ કામ હું કરી જ ના શકત .  પ્રશંસા ગુરુના ઉપકારની થવી જોઈએ . મારી પ્રશંસા ના થવી જોઈએ . તમારા અંતરાત્મામાં આ લાગણી બને છે એ તમારો ગુરુ સમર્પણ ભાવ છે . તમને બે વિચાર આવે છે . એક , મારા હાથે એવો કોઈ ધર્મ થયો જેની પ્રશંસા લોકો કરે છે , આ ધર્મ હું કરી શકવાનો જ નહોતો . આ ધર્મ ગુરુને કારણે થયો . ગુરુનો મારી પર કેવો ઉપકાર કે કોઈ ધર્મ ન કરનારો હું ,  આજે એવો ધર્મ કરું છું કે લોકો પ્રશંસા કરવા લાગ્યા છે . લોકોને જે ધર્મ દેખાયો છે એ ધર્મ મેં કર્યો નથી . લોકોને જે ધર્મ દેખાયો છે એ ધર્મ ગુરુએ કરાવ્યો છે . ગુરુને ધન્ય છે , જેમણે મને ઊંચે ચડાવી દીધો . બે , મારી પ્રશંસા કરનારા લોકો જાણતા નથી કે આ પ્રશંસાનો હકદાર હું નથી . મારે આ લોકોને જણાવી દેવું છે કે આ ધર્મ ક્યાંથી આવ્યો છે ? મારા ધર્મદાતા કોણ છે એ મારે લોકોને કહી દેવું છે . મારામાં આ ધર્મની સમજણ ક્યાંથી આવી એની જાણકારી મારે લોકોને આપી દેવી છે . લોકોની પ્રશંસાનો હું સ્વીકાર કરીશ તો સચ્ચાઈને અન્યાય થઈ જશે . હું આ પ્રશંસાને રોકું એમાં મને સફળતા મળે કે ના મળે મને ખબર નથી . પરંતુ હું મારા ગુરુની ભરપૂર પ્રશંસા કરું એ સંભવિત છે . આ બે વિચારોથી પ્રેરિત થયેલો ભક્ત પોતાના ધર્મદાતા ગુરુની પ્રશંસા હંમેશા કરતો રહે છે . આ છે ચોથો તબક્કો : तस्मै श्री गुरवे नमः ।।
સારાંશ એ છે કે તમે તમારું અજ્ઞાન સ્વીકારી લો , પહેલો તબક્કો . તમે ગુરુ પાસે બેસીને પોતાનાં અજ્ઞાનને ઓછું કરતાં રહો , બીજો તબક્કો . તમને ગુરુ પાસેથી જે જ્ઞાન મળ્યું એનો યથાસંભવ અમલ કરો , ત્રીજો તબક્કો . તમને ધર્મ પ્રવૃત્તિમાં સફળતા મળી એનો યશ ગુરુને આપો , ચોથો તબક્કો . 
બેસતાં વર્ષના દિવસે શ્રી ગૌતમ સ્વામીજી મહારાજાને યાદ કરીએ અને એમનામાં વસેલા ભક્તભાવનું અનુસરણ કરવાનો સંકલ્પ કરીએ . આખું વરસ પ્રાણવાન્ બનવાનું જ છે . 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *