Press ESC to close

ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પુણ્યપાલસૂરીશ્વરજી મહારાજાની પાંચ વિશેષતાઓ બહુ પ્રેરણાદાયક છે

શું જીવન આટલી ઝડપથી બદલાઈ શકે ? માની શકાતું નથી .‌ પણ હકીકત આ જ છે .  શિષ્યો જેમનાં નામની આગળ વિહરમાન ગચ્છાધિપતિ લખતા હતા એમનું નામ હવે સ્વર્ગસ્થ ગચ્છાધિપતિ તરીકે લખાશે . પરિસ્થિતિ બદલાઈ ગઈ છે .
વિ.સં.૨૦૬૭માં તેઓ ગચ્છાધિપતિ પદે બિરાજમાન થયા . એ વખતે સમુદાયમાં ૧૩૫૦ સાધુસાધ્વીજી હતાં . આશરે ચૌદ વરસનો ગચ્છાધિપતિ પદ પર્યાય એમનો રહ્યો . વિ. સં . ૨૦૮૧માં એમના કાળધર્મ વખતે સમુદાયમાં સાધુસાધ્વીજીની સંખ્યા ૨૦૦૦થી વધુ થઈ ચૂકી હતી . એમના ગચ્છાધિપતિ તરીકેના કાર્યકાળ દરમ્યાન સમુદાયમાં ૬૫૦થી વધુ દીક્ષાઓ થઈ . આને કહેવાય પ્રચંડ પુણ્યાઈ . એમના અગ્નિસંસ્કારના ચડાવા પરથી પણ એમનું પુણ્ય કેટલું ઊંચું હતું તે સકલ શ્રી સંઘને સમજાયું . 
દર વરસે ચોમાસાની સામૂહિક જય બોલાવવાનો અવસર એમની નિશ્રામાં ઉજવાતો . પોષ સુદ તેરસનો દિવસ નિશ્ચિત હોય . ૫૦ થી ૭૦ સંઘોમાં અલગ અલગ મહાત્માઓનાં ચોમાસા થશે એની જય બોલાય , એક જ દિવસે . એ વખતે ૭૦ થી વધુ સંઘો વિનંતી કરવા ઉપસ્થિત થયા હોય . જગદ્ ગુરુ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજા પાલીતાણા પધાર્યા ત્યારે એક સાથે ૭૨ સંઘો એમની નિશ્રામાં ઉપસ્થિત થયા હતા એવું આપણે ઇતિહાસમાં વાંચ્યું છે . ચાતુર્માસિક જયોત્સવમાં એ જૂના ઇતિહાસની ઝાંખી રચાતી હોય એવો ઇતિહાસ એવો અદભુત માહોલ બનતો . આ વખતે પોષ સુદ તેરસનો જયોત્સવ બીજી તારીખ પર ઠેલાયો ત્યારે કુદરતનાં એંધાણ કોઈને સમજાયા નહીં. વધારે મહત્ત્વની વાત એ છે કે દર વર્ષે એમની આજ્ઞા અનુસાર ૨૦૦ થી વધુ સંઘોમાં સાધુસાધ્વીઓ ચોમાસું કરતાં . વિ.સં. ૨૦૮૦ની સાલમાં ૯૬ સંઘોમાં એમની આજ્ઞા અનુસાર શ્રમણ ભગવંતોનાં ચોમાસા થયાં અને આશરે ૧૭૦થી વધુ સ્થાનોમાં શ્રમણી ભગવંતોનાં ચોમાસા થયાં . વિ.સં. ૨૦૮૦ની સાલમાં ચોમાસું બેસે તે પહેલાના આઠ મહિનામાં એમની આજ્ઞાથી ૫૫ દીક્ષાઓ થઈ હતી , ૧૧ પદવીઓ થઈ હતી . આપણે આ વાતો કરી તે  કેવળ ગચ્છાધિપતિ પદની ભૂમિકાની છે . બાકી એમના હાથે કેટલી દીક્ષાઓ થઈ એની સંખ્યા પણ ઘણી મોટી છે અને એમની પ્રેરણાથી કેટલી દીક્ષાઓ થઈ એની સંખ્યા પણ ઘણી મોટી છે . એમની સ્વયંની નિશ્રામાં દર વર્ષે સામૂહિક દીક્ષા થતી જેને સંવેગરંગોત્સવનું નામ આપવામાં આવતું હતું . એમની નિશ્રામાં થયેલા ઉપધાન , છરી પાલક સંઘ અને અંજનલાકા પ્રતિષ્ઠા મહોત્સવોની સંખ્યા ઘણી જ મોટી છે . એમ કહેવાતું કે એમનું ચોમાસું જ્યાં થાય ત્યાં ચોથા આરા જેવું વાતાવરણ સર્જાય છે . વરસો સુધી પાંચમા આરામાં ચોથા આરા જેવું વાતાવરણ સર્જીને છેવટે  એમણે મહાવિદેહમાં પ્રવર્તમાન રિયલ ચોથા આરાની સ્પર્શના પામવા માટે , વિ.સં.૨૦૮૧ પોષ વદ નોમે સાંજે સવા છ વાગે , ભરત ક્ષેત્રથી મહાપ્રયાણ કરી લીધું . ૨૦૦૦થી વધુ સાધુસાધ્વીઓનો સમગ્ર સમુદાય આ અલવિદાથી હતપ્રભ છે . 
એમની પાંચ વિશેષતાઓ સમગ્ર સમુદાય અને સકલ શ્રી સંઘ માટે પ્રેરણાદાયક છે . 
એક . તેમણે વિદ્યાર્થી અવસ્થામાં ઉત્કૃષ્ટ જ્ઞાનોપાર્જન માટે પ્રચંડ પુરુષાર્થ કર્યો હતો . દીક્ષા પછીનાં વીશ વરસમાં એમણે વીશ હજારથી વધુ શ્લોકો કંઠસ્થ કર્યા હતા . દીક્ષા પૂર્વે માત્ર આઠ વર્ષની ઉંમરે એમણે પાંચ પ્રતિકમણ ,  નવ સ્મરણ , ચાર પ્રકરણ અને ત્રણ ભાષ્યનો અભ્યાસ પૂરો કરી લીધો હતો . ૬૦૦૦ શ્લોક પ્રમાણ સિદ્ધહેમશબ્દાનુશાસન એમણે એક વર્ષમાં કંઠસ્થ કરી લીધું હતું . તત્ત્વાર્થાધિગમ સૂત્ર કંઠસ્થ કરવામાં એમને ફક્ત ત્રણ જ કલાક લાગ્યા હતા . એક દિવસમાં એકસો ગાથા કંઠસ્થ કરવાનું એમની માટે એકદમ આસાન હતું . પાંચ ગાથા ગોખવામાં એમને થોડી જ મિનિટ્સ લાગતી . વ્યાખ્યાન આપવાનું શરૂ થયું અને લોકપ્રિય પ્રવચનકાર બન્યા એ પછી પણ તેઓ વડીલો પાસે વિવિધ વાચનાઓ લેતા રહ્યા હતા . તીવ્ર સ્મરણશક્તિ અને ઊંડી વિચારશક્તિને લીધે તેઓ વિદ્યાગુરુઓના પ્રિય વિદ્યાર્થી બન્યા હતા . વિનય , વિવેક અને વિચારશીલતા દ્વારા એમણે પોતાની વિદ્યાર્થી અવસ્થાને પ્રાણવાન્ બનાવી હતી . તેઓ સૂત્રબોધની સાથેસાથે પદાર્થવિજ્ઞાન અને અધ્યવસાયશુદ્ધિના પારંગત બન્યા હતા . આનું પરિણામ એ આવ્યું કે એમનાં પ્રવચનો પૂર્ણતઃ શાસ્ત્રનિષ્ઠ રહેતા , એમનું માર્ગદર્શન જેને મળે તે સિદ્ધાંત સાથે જોડાયેલો જ હોય . 
બે , તેઓ વડીલોની છત્રછાયામાં વડીલોને શત પ્રતિશત સમર્પિત બનીને રહેતા હતા . દીક્ષા પછી સળંગ અગિયાર વરસ સુધી શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાનાં સાનિધ્યમાં રહ્યા . શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા , શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા , શ્રી પદ્મવિજયજી મહારાજા  , શ્રી મિત્રાનંદસૂરીશ્વરજી મહારાજા જેવા ધુરંધર ભગવંતો પાસેથી એમણે લખલૂંટ વારસો મેળવ્યો હતો . વડીલોની સાથે રહીએ પરંતુ વડીલોને દાદ ના દઈએ , વડીલોને વફાદાર ન રહીએ તો વડીલોથી કૃપાથી વંચિત રહી જવાનો વારો આવે છે . વડીલોની ભાવના સમજતા . વડીલોની ઈચ્છાને શિરોધાર્ય બનાવતા  .વડીલોને ગમે એ જ એમને ગમતું  . વડીલોને ન ગમે તે એમને ના ગમતું . વડીલોની સૂચનાઓને અમલમાં મૂકતા . વડીલો પર પૂરેપરો વિશ્વાસ રાખતા . વડીલોએ મૂકેલો વિશ્વાસ સાર્થક કરી બતાવતા . તેઓ વડીલોના અત્યંત વાત્સલ્યપાત્ર હતા . એમના ઉમદા ગુણોને લીધે પણ વડીલો એમને આદર આપતા . 
ત્રણ , એમણે પોતાની શક્તિઓને ઓળખી હતી અને સતત કામે લગાડેલી રાખેલી હતી . પ્રવચન આપવાની કળા હોય કે ગીતો લખવાની આવડત હોય કે સ્તવન સજ્ઝાય ગાવાની કુશળતા હોય કે વિવિધ વિષયોનું લેખન હોય કે પ્રત્યાયન કળા હોય કે – તેઓ માનતા કે પ્રભુએ જે જે શક્તિ આપેલી છે એનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ દેવગુરુધર્મ અને આત્મા માટે કરવાનો હોય . પોતાની શક્તિનો ઉપયોગ પોતાનું મહત્ત્વ વધારવા માટે ના કરાય આ બાબતે તેઓ સ્પષ્ટ હતા . એમણે જ્યારે જે પુરુષાર્થ કર્યો એમાં જૈન શાસનનો જયજયકાર થાય એવી જ ભાવના બનેલી હતી . જોવા જેવી વાત એ હતી કે તેઓ શાસન માટે પુરુષાર્થ કરતા રહ્યા એને કારણે એમની પુણ્યાઈ સતત વધતી જ ગઈ . તેઓ માનતા કે આ ભવમાં શાસનની સેવા સારી રીતે કરીશું તો આવતા ભવમાં શાસન ફરીથી મળશે . પોતાનામાં રહેલી એક એક શકિતને જૈનશાસનની સેવામાં જોડી રાખી , છેવટ સુધી . 
ચાર , તેઓ સંઘને પચીસમા તીર્થંકર જેવો આદર આપતા . સંઘમાં ટ્રસ્ટીઓ હોય , આરાધકો હોય , વ્યવસ્થાઓ હોય , નીતિનિયમો હોય . સંઘની શક્તિ વધે , આરાધનાઓ વધે , ગુણવત્તા વધે , આજ્ઞાનિષ્ઠા વધે એનું તેઓ ધ્યાન રાખતા . નાનામાં નાનું બાળક હોય કે મોટી વયના મહાનુભાવ હોય કે અન્ય ભાગ્યશાળી હોય , તેઓ સૌને એકસરખું વાત્સલ્ય આપતા . એમનાં મુખેથી પ્રોત્સાહક વાતો જ સાંભળવા મળે . કોઈ ઢીલું પડ્યું હોય તો મજબૂત બનાવે , દૂર ગયું હોય તો નજીક લઈ આવે , થાકેલ હોય તો નવી ચેતનાનો સંચાર કરે . સંઘની સમસ્યાઓ મિટાવી આપે , પોતાને લીધે સંઘમાં સમસ્યા સર્જાય એવું ક્યારેય ન થવા દે . કેટલાય સંઘોનો ઉદ્ધાર કર્યો , કેટલાય સંઘોની શક્તિ વધારી . આથી વિશેષ વાત્સલ્ય એમણે સમુદાયના શ્રમણ શ્રમણીઓને આપ્યું .
પાંચ , તેઓ સમાધિ માટે સતત સચેત રહ્યા હતા . સ્વાધ્યાય , સમર્પણ ભાવના અને સત્યનિષ્ઠાનો સથવારો અતૂટ રાખ્યો હતો . શાસનપ્રભાવના અપરંપાર થઈ પણ લક્ષ્ય રહ્યું કેવળ આત્મસાધનાનું . રાગરોષથી , દ્વેષદોષથી  સ્વયંને બચાવી રાખતા . ઉત્કૃષ્ટ ગુણાનુરાગ હતો . જ્યાં જે સારું હોય એની અનુમોદના કરતા . પરમાત્માનો પ્રેમ અવિહડ . ગુરુ ભગવંતોની ભક્તિ અપરિસીમ . આત્મકલ્યાણની કામના તીવ્ર . પોતાના પિતા ગુરુદેવ શ્રી મહાબલસૂરીશ્વરજી મહારાજા માટે અનંત કૃતજ્ઞભાવ હતો . આત્મીય ભાવનું અધ્યાત્મ હતું . અધ્યાત્મનો આત્મીય ભાવ હતો . જે સમાધિની આકાંક્ષા રાખે છે તેને સમાધિ અવશ્ય મળે છે .
આ પાંચ વિશેષતાઓ બિલકુલ પ્રેક્ટિકલ છે . બાકી શાસ્ત્રીય ભાષા મુજબના અઢળક ગુણોનું વર્ણન હવે ગુણાનુવાદ સભાઓમાં થવાનું જ છે . ૨૦૦૦થી વધુ શ્રમણ શ્રમણી ભગવંતોના મહાસાર્થવાહ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પુણ્યપાલ સૂરીશ્વરજી મહારાજાની વિદાયથી સમુદાયમાં સન્નાટો છવાયો છે . તપાગચ્છાધિપતિ દીક્ષાયુગપ્રવર્તક પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની અનંત કૃપા વરસે અને સમુદાયને કુશલ નેતૃત્વ સાંપડે એવી શાસન દેવતાને પ્રાર્થના .  

Comments (3)

  • Ritesh Mehtasays:

    January 25, 2025 at 10:24 pm

    પૂજ્યપાદ આચાર્ય શ્રીમદ્ વિજય પુણ્યપાલસૂરીશ્વરજી મહારાજ સાહેબ! આપના ગુણગાન ગાતા આ શબ્દો વાંચીને હૃદય ભાવવિભોર થઈ ગયું. આપનું જીવન ખરેખર દરેક જીવ માટે પ્રેરણાસ્ત્રોત છે. આપના ત્યાગ, તપસ્યા અને જ્ઞાનનો પ્રભાવ અમારા હૃદયમાં સદાય રહેશે.
    લેખકશ્રીનો ખૂબ ખૂબ આભાર આપના જીવનના આ મહત્વપૂર્ણ પાસાઓને આટલી સુંદર રીતે રજૂ કરવા બદલ. આપના શબ્દો દ્વારા અમે પણ આપના ચરણોમાં શ્રદ્ધા સુમન અર્પણ કરીએ છીએ. 🙏

  • Kiritbhaisays:

    January 26, 2025 at 12:36 pm

    તેમની ભરપૂર અનુમોદના સાથે તેમને આપણાં નાયક અને આદર્શ નો વારસો જાળવી આગળ વધારી એ… શ્રી જિન શાસન ને મોટી ખોટ પડી છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *