Press ESC to close

એ આંસુઓને આવવા દેજો , અટકાવતા નહીં .

માણસનો સ્વભાવ છે . જેની સાથે લાંબો સમય રહે એની માટે મમતા બાંધે . મમતાનું આલંબન સારું બને એટલે મમતા કલ્યાણકારી બની જાય . ઉપધાન કરવા માટે લાંબો સમય સુધી કોઈ એક તીર્થમાં રહેવા મળે એટલે તીર્થ માટે મમતા થઈ જાય . ઉપધાન કરવા માટે ગુરુ ભગવંતોની નિશ્રામાં રહેવા મળે એટલે ગુરુ ભગવંતો માટે મમતા થઈ જાય . ઉપધાન કરવા માટે કોઈ જે સાધર્મિકો સાથે રહેવા મળે તે સાધર્મિકો માટે મમતા થઈ જાય . રોજેરોજ આરાધના કરતા હોઈએ તેને કારણે આરાધનાની બધી જ ક્રિયાઓ માટે મમતા થઈ જાય . 

આ મમતા બહુ પવિત્ર છે . આ મમતાનું જતન કરજો . આ મમતામાંથી જે પીડા આવે છે એ પીડા પણ પવિત્ર છે . એ પીડાનું પણ જતન કરજો . તીર્થને છોડીને જવાનું ગમતું નથી આ લાગણી પવિત્ર છે . ગુરુ ભગવંતોની નિશ્રા છોડીને જવાનું ગમતું નથી આ દુઃખ પણ પવિત્ર છે . સહઆરાધકોથી વિખૂટા પડવાનો અફસોસ થતો હોય છે આ અફસોસ પણ પવિત્ર છે . આરાધનાઓ ઓછી થશે અને વિરાધનાઓ વધી જશે એની ચિંતા બને છે અને આ ચિંતા પણ પવિત્ર છે .  હવે રોજ ક્રિયાઓ કરવા નહીં મળે , રોજ અઘરાં પચખાણ લેવા નહીં મળે , રોજ ભગવાન્ નહીં મળે , ગુરુ‌‌ નહીં મળે , સ્તવન સજ્ઝાય અને સ્તુતિઓ નહીં મળે . જે નહીં મળે એ અતિશય પવિત્ર હશે . પવિત્ર તત્વોના વિરહમાં રડવું એ આરાધક ભાવની ધન્યતા છે .

સંસારી સ્વજનો અને સંસારનાં સાધનો માટે બનેલી મમતા પવિત્ર હોતી નથી . આપણે એ મમતાથી મુક્ત બની શકતા નથી . ઉપધાનના દિવસોમાં આપણે સ્વજનો અને સાધનોથી દૂર હતા આથી એમની મમતાઓથી અળગા રહ્યા હતા . ઉપધાન પૂરા કરીને ઘરે જઈશું એટલે આ બધી જ મમતાઓ ફૂલ ફોર્મમાં એક્ટિવ થઈ જવાની . સંસારી મમતાઓ બનશે એનો ડર લાગવો જોઈએ , આ ડર પવિત્ર છે . વિરાધનાઓ કરવી જ પડશે એની પીડા થશે , એ પીડા પવિત્ર છે . બાહ્ય આનંદપ્રમોદનાં વાતાવરણમાં ફસાઈ જવાના છીએ એનો પસ્તાવો થશે , આ પસ્તાવો પવિત્ર છે . 

ઉપધાનમાં સ્વજનો નહોતા , ઘરમાં સ્વજનો હશે . 
ઉપધાનમાં ભૌતિક સાધન સામગ્રીઓ નહોતી , ઘરમાં હશે . 
ઉપધાનમાં વાસનાઓ માટે અવકાશ નહોતો , ઘરમાં હશે . 
ઉપધાનમાં વિરાધનાઓ નહીંવત્ હતી , ઘરમાં ઘણી હશે . 
ઉપધાનમાં જેનો જેનો ત્યાગ કર્યો હતો એ ત્યાગમાંથી બહાર આવતી વખતે મનમાં અપરંપાર દુઃખ થવું જોઈએ . 

પવિત્ર પીડા  આંસુ લાવે છે . છેલ્લા દિવસે પૌષધ પારીએ અને ઘરે જવાનો સમય થાય ત્યારે થોડુંક રડી લેજો . એ રડવાનું પણ પવિત્ર ગણાશે . સંગમને જતાં જોઈને ભગવાનની આંખમાં આંસુ આવ્યાં હતાં , એ કરુણાનાં આંસુ હતાં , પવિત્ર આંસુ . પોતાની જાતને ઘેર જતાં જુઓ એ વખતે પણ આંસુ આવવા જોઈએ . એ આંસુઓમાં આરાધકભાવની પવિત્રતા હશે . એ આંસુઓને આવવા દેજો , અટકાવતા નહીં . ( સમાપ્ત )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *