Press ESC to close

દુઃખના સમયમાં મનને ઘણું ઘણું ઘણું સમજાવવું પડે છે

દુઃખ આવે છે . દુઃખ સહન થતું નથી પણ સહન તો કરવું જ પડે છે . દુઃખ આવે એ વખતે મન હેરાન થઈ જાય છે . દુઃખ રડતાં રડતાં સહન કરીએ એવી માનસિકતા સાધકને શોભે નહીં . દુઃખ આવે ત્યારે હિંમત રાખીને દુઃખ સહન કરવું એ સાધકનું કામ છે . સામાન્ય આદમી દુઃખ આવે છે ત્યારે અંદરથી ઢીલો પડી જાય છે . સાધક દુઃખ આવે છે ત્યારે અંદરથી પોતાને મજબૂત કરે છે . સામાન્ય આદમી દુઃખના સમયમાં જે વિચાર બનાવી શકતા નથી એ વિચાર સાધક બનાવતા હોય છે . દુઃખ સહન કરવા બાબતે પાંચ વિચાર છે . વિચારો અઘરા છે , આપણે ના પણ બનાવી શકીએ . સાધકો આ વિચારોને અપનાવે છે  અને આગળ વધે છે  એટલે આ વિચારો સમજવા જરૂરી છે . 

પહેલો વિચાર : તમને જે દુઃખ આવ્યું છે એ તમારે સહન કરવાનું જ છે . આવેલું દુઃખ સહેલું લાગે એ માટે એક કામ કરો . જે સહન કરી રહ્યા છો એના કરતાં વધારે મોટું દુઃખ થોડાક સમય માટે સહન કરો . અને પછી વર્તમાન દુઃખની પાસે પાછા આવી જાઓ . દાખલા તરીકે , ઠંડીની મોસમમાં તમને તમારા ઓરડામાં ઠંડી ઘણી લાગે છે . તમે થોડી મિનિટ માટે રૂમની બહાર નીકળો . બહાર ખુલ્લામાં જે વધારે પડતી ઠંડી છે એમાં થોડો વખત ઉભા રહો . એ સુસવાટાભરી ઠંડી સહન નથી થતી એવું લાગે એટલે તરત ઓરડામાં પાછા આવી જાઓ . બહારનો કડાકો સહન કરીને તમે અંદર આવ્યા એટલે તમને અંદરનો ઓરડો હૂંફાળો લાગશે . તમને એમ થશે કે બહાર જેવી ઠંડી હતી એવી ઠંડી અંદર નથી . પહેલાં તમને એમ લાગતું હતું કે ઓરડામાં ઘણી ઠંડી છે , હવે તમને એમ લાગશે કે ઓરડામાં ઓછી ઠંડી છે . મોટું દુઃખ સહન કરી લીધા પછી નાનું દુઃખ સહન કરીએ ત્યારે નાનું દુઃખ સહેલું લાગે છે . તમે જે દુઃખ સહન કરો છો એ તમને મોટું લાગે છે કારણ કે તમને મળેલાં દુઃખ કરતાં વધારે મોટું કોઈ દુઃખ હોય છે એવું તમે વિચારતાં નથી . તમને મળેલાં દુઃખ કરતાં કોઈ મોટું દુઃખ હોય છે એની તમને ખબર હોય ત્યારે , તમે પેલાં મોટા દુઃખથી બચી ગયા છો એમ વિચારીને રાહત અનુભવી શકો છો . એ રાહત વર્તમાન દુઃખને સહન કરવામાં સહાયક બની શકે છે . મકાનમાં ઘણી ગરમી લાગતી હોય તો સાધક તડકામાં ઉભો રહીને પાછો આવે છે . જેટલી ગરમી તડકામાં લાગે છે એટલી મકાનમાં નથી લાગતી એમ વિચારીને સાધક મકાનની ગરમીને સહન કરી લે છે . મોટાં દુઃખની પછી આવેલું નાનું દુઃખ પોતાની તીવ્ર અસરકારકતા ગુમાવી દેતું હોય છે . 

બીજો વિચાર : તમે જે દુઃખ સહન કરી રહ્યા છો એના કરતાં વધારે મોટું દુઃખ જેણે જેણે સહન કર્યું હોય એને યાદ કરો . તમને આશ્વાસન મળશે કે દુઃખ એકલું તમને જ આવ્યું છે એવું નથી , દુઃખ એમને પણ આવ્યું છે . તમને પ્રેરણા મળશે કે હું જે સહન કરું છું એ તો ઠીક છે પણ એમણે જે સહન કર્યું એ તો બહુ ખતરનાક હતું . ખુલ્લા પગે ચાલતાં હોઈએ અને પગમાં છાલા પડી જાય ત્યારે દીનતા આવી જવાની સંભાવના છે . આ વખતે શાલિભદ્રજીએ વૈભારગિરિ ઉપર જે અનશન સ્વીકારેલું એ યાદ કરવાનું . એમના જેવા મહાપુરુષોએ જે ત્યાગ કર્યો અને પછી જે સહન કર્યું એ યાદ કરવાથી તમને તમારી સાથે જોડાયેલું દુઃખ સહન કરવાની નવી હિંમત મળે છે . 

ત્રીજો વિચાર : દુઃખ સહન કરવાથી કર્મ તૂટે છે એ આપણે જાણીએ છીએ . દુઃખ થોડું સહન કરીશું તો કર્મ થોડું તૂટશે . દુઃખ ઘણું સહન કરીશું તો કર્મ ઘણાં તૂટશે . આપણી સ્વ ઈચ્છાથી આપણે મોટું દુઃખ સહન કરવા તૈયાર થવાના નહોતા . આપણે નાનું નાનું દુઃખ સહન કરી કરીને આપણી સાધનામાં સંતૃપ્તિ માની લેવાના હતા . પણ મોટું દુઃખ આવી પડ્યું . હવે શું કરવાનું ? મોટું દુઃખ આવે ત્યારે મનને સમજાવવાનું કે જેમ જેમ દુઃખ સહન કરીશું તેમ તેમ કર્મ તૂટશે . બોલાવ્યા વગર આવેલું દુઃખ વધારે પીડા આપે છે . વધારે પીડામાં મન સમાધિ જાળવી શકે એવો અંતરંગ પુરુષાર્થ કરવાનો . મનને કહેવાનું : જે કર્મ હું સ્વ ઈચ્છાથી ખપાવવાનો ન હતો એ કર્મ હવે હિંમત જાળવીને ખપાવીશ . મારાથી સહન થતું નથી એ વાત સાચી છે પરંતુ હું જે સહન કરું છું એ મારાં કર્મોનો નાશ જ કરે છે . આથી હું દુઃખમાં દીનતા બનાવું , લાચારી અનુભવું એ ના ચાલે . દુઃખ સહન કરતી વખતે જે લાચારીનો અનુભવ કરે છે એની કર્મનિર્જરા કમજોર પડી જાય છે . દુઃખ સહન કરતી વખતે જે લાચારીનો અનુભવ કરતો નથી એની કર્મનિર્જરા પ્રચંડ થઈ જાય છે . 

ચોથો વિચાર : આગમસૂત્રોમાં એવું લખ્યું છે કે સમકિતી જીવ નરકમાં હોય અને નરકની પીડા વેઠતો હોય એ વખતે એનાં મનમાં સતત એક વિચાર ચાલતો હોય : મારાં જીવનમાં આટલાં મોટાં દુઃખ આવી પડ્યાં છે . પાપ કર્યાં ન હોય તો દુઃખ આવે જ નહીં એ નક્કી છે . જો દુઃખ આટલું મોટું આવ્યું છે તો આ દુઃખ જે પાપને કારણે આવ્યું છે એ પાપ કેટલું મોટું હશે ? આગમસૂત્રની આ વાત પરથી જે વિચાર મળે છે તેને સાધક હંમેશા જીવતો રાખે છે . મને મોટાં મોટાં દુઃખ સહન કરવા પડે છે એનાથી એ સમજી શકાય છે કે મેં ભૂતકાળમાં પાપો મોટાં મોટાં કર્યા છે . મેં મોટાં મોટાં પાપો કર્યાં ન હોત ને , તો આટલાં મોટાં દુઃખ આવત જ નહીં . ભૂતકાળમાં મેં જે જે પાપો કર્યા છે એ બધાં પાપોનો મને ઘણો જ પસ્તાવો થાય છે . મેં પાપો મોટાં જ કર્યા છે તો દુઃખ તો મોટાં જ આવશે ને ? હે જીવ , હવે તું ડાહ્યો થઈને સહન કરી લે . ફરીથી નવાં પાપો બાંધીશ અને ભવિષ્યમાં એ પાપો ફરીથી દુઃખો લાવશે . હું જૂનાં પાપોની માફી માગું છું . હું નવાં પાપો રસપૂર્વક કરીશ નહીં એવો સંકલ્પ લઉં છું . આ આખી વિચાર પ્રક્રિયામાં મન જોડાય એનાથી દુઃખને સહન કરવાની નવી શક્તિ મળે છે . 

પાંચમો વિચાર : મારે મોક્ષમાં જવું છે . મોક્ષ કયા ભવમાં મળશે , ખબર નથી . મોક્ષ કેવી રીતે મળશે હું જાણતો નથી . એટલું જરૂર સમજાય છે કે કર્મનિર્જરા જેટલી વધારે હોય એટલો ઝડપથી મોક્ષ મળે છે . અત્યારે જે દુઃખ મારી સમક્ષ આવ્યું છે એ દુઃખ દ્વારા જે કર્મનિર્જરા થવાની છે એ કર્મનિર્જરા મને મારા મોક્ષની નજીક પહોંચાડવાની છે . હું જેમ જેમ દુઃખ સહન કરીશ એમ એમ મારો મોક્ષ નજીક આવતો જશે . દુઃખ ઘણી પીડા આપે છે , એ પીડા સહન કરવી મુશ્કેલ છે એ સમજાય છે . એ દુઃખને લઈને વિચાર બનાવો કે હું દુઃખ સહન કરું છું એનાથી કર્મનિર્જરા થાય છે , કર્મનિર્જરા દ્વારા મારો મોક્ષ નજીક આવે છે . મારે વહેલામાં વહેલી તકે મોક્ષમાં પહોંચવું હોય છે માટે હું મારામાં જેટલી હિંમત હશે એ તમામ હિંમતને કામે લગાડી દઈશ અને આ દુઃખને સહન કરીશ . 

દુઃખ સહન કરવાની ક્ષમતા બધામાં હોતી નથી . દુઃખ સહન ન થાય એવું બનતું હોય છે . આપણે દુઃખ સહન ન કરીએ એનો અર્થ એ નથી કે આપણી અંદર પડેલાં કર્મો ખતમ થઈ ગયાં . એ કર્મો આજે દુઃખ નહીં આપશે તો ભવિષ્યમાં દુઃખ આપશે . આજે સાવધાનીથી સહન કરી લઉં , કર્મો ખપાવી લઉં એનાથી મને લાભ જ લાભ છે . સાધક દુઃખમાં મન પ્રસન્ન રહી શકે એવી રીતે અંતરંગ પુરુષાર્થ કરે છે . દુઃખ વખતે મનને બહુ બહુ બહુ સમજાવવું પડે છે . મન સમજવામાં ઘણો ઘણો ઘણો સમય લે છે . એકવાર મન સમજી ગયું એ પછી દુઃખની તાકાત તૂટી જતી હોય છે . આ પાંચ વિચારો દુઃખની તાકાતને તોડવામાં ઘણા ઉપયોગી બને છે . 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *