Press ESC to close

તમે જે ભૂલ કરી ન હોય એનો આક્ષેપ તમારી પર આવે ત્યારે ધીરજ ખોવાની નહીં

સાધના ત્રણ રીતે થાય છે , કાયાથી , વચનથી અને મનથી . શરીર દ્વારા શું કરવાનું છે એ નક્કી છે અને શું નથી કરવાનું એ નક્કી છે . વચનનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે એ નક્કી છે , કેવો વચનપ્રયોગ નથી કરવાનો એ પણ નક્કી છે . શું વિચારવાનું છે એ પણ નક્કી છે અને શું નથી વિચારવાનું એ પણ નક્કી છે . કાયા માટેના નિયમો અઘરા છે તો પણ એ સમજાય છે અને એનું પાલન થાય છે . વચન માટેના નિયમો સમજમાં આવે છે અને અનુસરણ પામે છે . અઘરો પડે છે શું નથી વિચારવાનું તેનો નિયમ અને શું વિચારવાનું છે તેનો નિયમ .

કાયા ઉપર અને વાણી ઉપર આપણે બહારથી અંકુશ લગાવી શકીએ છીએ , મન ઉપર અંકુશ અંદરથી લગાવવાનો હોય છે . મન ઉપર કામ કરવાનું અઘરું છે . મન કારણ વગર દોડે છે . મન કારણ વગર ઉછળે છે . મન કારણ વગર ડાઉન થાય છે . મન કારણ વગર વિક્ષેપ પામે છે . મન હવાની જેમ બેફામ , બેલગામ છે . મન પોતાની મેળે રોકાય એવો મનનો સ્વભાવ જ નથી . મન નિમિત્ત ન મળે તો પણ વિચલિત થતું હોય છે . નિમિત્ત મળે એ પછી મન કેટલી હદે વિચલિત થાય , એનો કોઈ અંદાજ લગાવી ન શકાય . સાધના કહે છે : મન વિચલિત ન હોય એવી ધારામાં તમારે મગન રહેવાનું છે . 

ક્રિયાઓ કરીએ ત્યારે ક્રિયાની એકાગ્રતા બને , મન વિચલિત ન હોય . સ્વાધ્યાય ચાલુ હોય , સ્વાધ્યાયમાં એકાગ્રતા બને , મન વિચલિત ન હોય . ધર્મસંવાદ ચાલતો હોય એ સંવાદમાં એકાગ્રતા બને , મન વિચલિત ન હોય . પ્રભુભક્તિ ચાલી રહી હોય , ભક્તિમાં એકાગ્રતા બને , મન વિચલિત ન હોય . વિષયનું આકર્ષણ મનને વિચલિત કરતું હોય છે , વિષયનું આકર્ષણ એટલું કમજોર પડી ગયું હોય કે વિષયને કારણે મન વિચલિત ના બને એ છે સાધનાની ધારા . કષાયનું તોફાન મનને વિચલિત કરતું હોય છે , કષાય નબળા પડી ગયા તે કારણે કષાયથી મન વિચલિત થતું નથી એ છે સાધનાની ધારા . મન વિચલિત થયું નથી એવી ભાવદશા લાંબા સમય સુધી ચાલતી રહે એ છે સાધનાની શક્તિશાળી અવસ્થા . 

સાધનાની ધારાથી વિચલિત કરે એવો વ્યવહાર લોકો તરફથી થશે , શક્યતા છે . ખાસ કરીને આપણી માનસિક પ્રસન્નતા તૂટી જાય , આપણો આત્મવિશ્વાસ ખતમ થઈ જાય એ રીતનું વાતાવરણ લોકો બનાવશે , એવી સંભાવના અમુક અંશે બનેલી રહેતી હોય છે . તમે પ્રસન્ન છો એ અમુક લોકોથી જોવાતું નથી . તમે તમારું જીવન શાંતિથી જીવો છો એ અમુક લોકોથી સહન થતું નથી . તમે બીજાને હેરાન કર્યા વગર પોતાની રીતે પોતાનું કામ કરતા રહો છો એ અમુક લોકો ખમી શકતા નથી . એ લોકો પોતાને મહાન્ સમજે છે અને એ લોકોને એવું લાગતું હોય છે કે જે એમના નથી એ બધા તુચ્છ છે . આ લોકો ઘણી રીતે પરેશાન કરે છે . આ લોકોની એક પદ્ધતિ હોય છે ચારિત્ર્ય પર આક્ષેપ કરવાની .

આ લોકો તમારું ચારિત્ર્ય સારું નથી એવા સમાચાર ફેલાવે છે . તમારું કેરેક્ટર કેવી કેવી રીતે ખરાબ છે એના પુરાવાઓ આ લોકો ઉપજાવી કાઢે છે . તમે કોઈ ભૂલ કરી હોય કે ના કરી હોય પણ તમે કોઈ ગંભીર ભૂલ કરી છે એવી વાતો એ વહેતી મૂકી દે છે . એમની રજૂઆત એવી હોય છે કે એમણે જે વાતો રજૂ કરી છે એને લોકો સાચી માની લે છે અને તમને શંકાની નજરે જોવા લાગે છે . તમારી માટે જે લોકો વાત ફેલાવે છે એ લોકો શિખંડીની પાછળ છુપાયેલા કાયર યોદ્ધા હોય છે . પણ એ લોકો બાણ મારવાનું ચૂકતા નથી . એમણે ફેલાવેલી વાતો તમને દુઃખી કરે જ છે . એમનાં કારણે ઘણા લોકો તમારાથી વિરુદ્ધ થઈ ગયા એવું જોઈને તમે હતાશા જરૂર અનુભવો છો . તમે દુઃખી થયા એ તમારી વિચલિત દશા છે . તમે હતાશ થયા એ તમારી વિચલિત દશા છે .

સાધકે સહન કરવાનું હોય . સાધકે લડવાનું ના હોય . આવી વાતોના ખુલાસા કરવા બેસીએ એમાં ચોળીને ચીકણું થતું હોય છે બધું . તમારે સહન કરવાનું આવશે કારણ કે તમે કોઈ એક જગ્યાએ ટોચ પર પહોંચ્યા છો . જે ઊંચાઈ પર પહોંચે છે એને વંટોળિયા વધારે સતાવે છે . તમારી પર ચારિત્ર્યગત આક્ષેપ આવે એ માનસિક ઉપદ્રવ છે . શરીર પર ઉપદ્રવ આવે છે કષ્ટ દ્વારા . મન પર ઉપદ્રવ આવે છે આવા આક્ષેપ દ્વારા . કષ્ટ આવે એને ગંભીરતાપૂર્વક સહન કરી લઈએ અને ચારિત્ર્ય પર આક્ષેપ આવે એને ધીરતાપૂર્વક સહન કરી લઈએ એ જરૂરી હોય છે . જે લોકો આક્ષેપ કરે છે , જે લોકો વાતો ફેલાવે છે એ તમારા ખુલાસા સ્વીકારવાના નથી . અને જે લોકો ખરેખર તમારા પ્રેમી છે એ આવા આક્ષેપોથી ભ્રમિત થવાના નથી .

એક વસ્તુ કન્ફર્મ કરી લેવાની કે તમે ખરેખર કોઈ ભૂલ કરી રહ્યા નથી . તમે ભૂલ કરી જ રહ્યા હો તો તમે ગુનામાં આવી ગયા છો . પછી તમારી વિરોધમાં વાર્તા બને એમાં કોઈ નવાઈ નથી . પણ તમે ભૂલ કરી નથી અને તમારી માટે ખોટી વાર્તાઓ બનાવવામાં આવે ત્યારે તમારે ખોટી વાર્તાઓના જવાબ આપવાના હોય નહીં . તમારે માનસિક ઉપદ્રવ સમજીને એ વાત ભૂલી જવાની હોય . આ જે ભૂલવાની વાત છે એ સહેજ પણ આસાન નથી . વાતો ફેલાવનારા એવી એવી વાતો ફેલાવે છે કે જેની માટે વાતો ફેલાય છે તે ભયથી બેભાન થઈ જાય . અફવાઓ ફેલાવનારા અફવાઓ ફેલાવીને છૂટા થઈ જાય છે પરંતુ જેની માટે અફવા ફેલાઈ હોય છે એ માણસ બિચારો રઘવાયો થઈ જાય છે ,  હેરાન પરેશાન થઈ જાય છે .

સાધકની ભૂમિકા મજબૂત હોય છે . સાધક ક્યાંક સફળ બને છે ,  સાધક ક્યાંક કોઈ પ્રશસ્ય પરિસ્થિતિ બનાવે છે , સાધક ક્યાંક નામના પામે છે ત્યારે સાધકને ચાહનારો વર્ગ રાજી થતો હોય છે . પણ જે વર્ગ સાધક સાથે જોડાયો નથી એ વર્ગ સાધક માટે ઈર્ષા અનુભવતો હોય છે . એ વર્ગમાં અમુક લોકોની માનસિકતા વિચિત્ર હોય છે . એ લોકોને કોઈનું સારું જોવું હોતું નથી , કોઈનું સારું બોલવું હોતું નથી . કોઈનું સારું થાય એમનાથી સહન થતું નથી . એ લોકો રજનું ગજ કરે છે . એ લોકો રાઈનો પહાડ કરે છે . એ લોકો તમારી વર્તમાનની તંદુરસ્ત ભૂમિકા જોતા નથી . એ લોકો કોઈ જૂની વાતો શોધી કાઢે છે . એ લોકો તમે રોજેરોજ શું કરો છો એની પર નજર રાખે છે . એ લોકો દર મહિને તમે શું કર્યું એની પર વૉચ રાખે છે . એ લોકો એક વર્ષમાં તમે ક્યાં ગયા અને કોને મળ્યા એનો હિસાબ રાખે છે . અને છેવટે તમારા માટે સમાચારો બનાવીને ચોતરફ વહેતા મૂકે છે . એમણે જે ફેલાવી એ વાતો લોકોને સાચી પણ લાગે છે .  કહેતા ભી દિવાના , સુનતા ભી દિવાના . તમે ભૂલ કરી હોય અને તમારી ભૂલની વાત ફેલાઈ જાય એ વખતે પણ ભૂલનો બચાવ કર્યા વગર તમારે ધીરજ રાખવાની હોય . તમે ભૂલ કરી જ ના હોય અને તમારાં નામે ચડેલી ભૂલની વાત ફેલાય ત્યારે પણ તમારે ખુલાસાની ચિંતાથી મુક્ત રહેવાનું અને ધીરજ બનાવી લેવાની .

તમને થશે કે આ વાત અચાનક શું કામ યાદ આવી ? જવાબ શાંતિથી સાંભળો . સંગમ નામના દેવે ભગવાનને એક રાતમાં ઘનઘોર કષ્ટ આપ્યા હતા એ આપણે જાણીએ છીએ . આ જ દેવે ભગવાનને છ મહિના સુધી ભિક્ષા ન મળે એવું વાતાવરણ બનાવી રાખ્યું હતું આથી ભગવાનને છ મહિનાના ઉપવાસ થયા એ આપણે જાણીએ છીએ . પરંતુ છ મહિનાના ઉપવાસ દરમિયાન સંગમ દેવે ભગવાનની ઉપર ચારિત્ર્યગત આક્ષેપો આવે એવી હરકતો કરી હતી એ આપણે જાણતા નથી . સંગમ દેવને કારણે ભગવાન્ ઉપર બે પ્રકારના આક્ષેપ આવ્યા હતા . એક , ભગવાનનું ચારિત્ર્ય નબળું છે એવો આક્ષેપ . બે , ભગવાન્ દ્વારા ચોરી થઈ છે એવા આક્ષેપ . આ બંને આક્ષેપો સાચા હતા નહીં . પરંતુ સંગમે દેવતાઈ શક્તિથી વાતાવરણ એવું બનાવી દીધું હતું કે લોકોને આ આક્ષેપો સાચા લાગ્યા હતા . ચારિત્ર્યગત આક્ષેપને લીધે ભગવાનને પ્રચંડ લોકવિરોધનો સામનો કરવો પડ્યો હતો અને ચોરીના આક્ષેપને લીધે ભગવાનને ફાંસીની સજા પણ સાંભળવી પડી હતી . આ આખી વાત આવશ્યકનિર્યુક્તિ ગ્રંથમાં વિસ્તારપૂર્વક વાંચવા મળે છે . વાચકો એ ગ્રંથ ખોલીને આ વિષયને વાંચે નહીં એવી ભલામણ કરવાનું મન થાય છે . કારણ કે આ વાતો વાંચ્યા પછી મનમાં ઊંડી પીડા જાગશે કે મારા ભગવાને કેવું કેવું સહન કર્યું છે ? એ આક્ષેપો એવા વિચિત્ર હતા કે જાહેરમાં એની રજૂઆત પણ કોઈ ગુરુ ભગવંત કરતા નથી . પણ આક્ષેપ થયેલા એ પાકી વાત છે . આક્ષેપ ચારિત્ર્ય સંબંધી હતા . આક્ષેપ ચોરી સંબંધી હતા .

તમે ચારિત્ર્યસંબંધી  ભૂલ કરી ના હોય તો પણ તમારી પણ ચારિત્ર્યસંબંધી આક્ષેપ આવી શકે છે , તમે ચોરી કરી ન હોય તો પણ તમારી પર ચોરીનો આક્ષેપ આવી શકે છે . તમારું ચારિત્ર્ય સારું હોય એ મહત્ત્વનું  છે . તમે ચોરી ન જ કરી હોય એ મહત્ત્વનું  છે . આક્ષેપ ખોટો હોય તો એ આક્ષેપ મહત્ત્વનો રહેતો નથી . આક્ષેપ કેવળ માનસિક ઉપદ્રવ છે . એનાથી વિચલિત નહીં થવાનું .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *