
(તમે જે ધર્મ કરો છો તે શ્રેષ્ઠ છે . એ ધર્મ સાથે શું શું જોડી શકાય એમ છે એનો વિચાર કરવા જેવો છે . સોનાની સાથે સુગંધ ભળે એની જેમ ધર્મ સાથે આ સરળ અગિયાર સૂત્રો જોડાઈ શકે છે .)
પરિણામલક્ષી બનો
ધર્મ કરવો જોઈએ . સાંભળ્યું છે . ધર્મ દ્વારા પામવાનું છે શું ? મોક્ષ તો દૂર છે . ક્યા જનમે મોક્ષ થશે તેની જાણ સુદ્ધાં નથી . મોક્ષ મળે તે માટે જ ધર્મ કરવાનો છે પણ મોક્ષ ન મળે ત્યાં સુધી બીજું શું મેળવવાનું છે મારે ? વિચાર કર્યો છે કોઈ દિવસ ? ધર્મ કર્યો તે સારું છે . ધર્મ દ્વારા શું પામ્યા , તે મુદ્દાનો સવાલ છે . ધર્મ દ્વારા તમારે એક પરિણામ સુધી પહોંચવાનું છે . પરિણામ શબ્દના બે અર્થ છે . પરિણામ એટલે Result. પરિણામ એટલે નિશ્ચિત વિચાર . આ બંને અર્થમાં પરિણામ સુધી પહોંચવાનું છે ધર્મ દ્વારા . ધર્મ કરતા જઈએ તેમ પરિણામ નિષ્પન્ન થતા આવે તે સાચી પ્રક્રિયા છે . ધર્મ , કરી લેવાની વસ્તુ નથી . ધર્મ સાધના છે . ધર્મ દ્વારા ઘણુંબધું સિદ્ધ કરતા જવાનું છે . અનુષ્ઠાનો અને આલંબનો પ્રવૃત્તિનો ધર્મ આપે છે . એ પ્રવૃત્તિ દ્વારા તમારે પરિણતિના ધર્મ સુધી પહોંચવાનું છે . પ્રવૃત્તિ દ્વારા પરિણતિનું ઘડતર થવું જોઈએ . પરિણતિ દ્વારા પ્રવૃત્તિનું સર્જન થવું જોઈએ . બંને અરસપરસ પૂરક છે . પ્રવૃત્તિ વિના પરિણતિ અધૂરી રહે છે . પરિણતિ વિના પ્રવૃત્તિ અધૂરી રહે છે . ધર્મ દ્વારા તમે શું પામો છો અને ક્યાં પહોંચો છો તેની રૂપરેખા હોવી જોઈએ તમારી પાસે . પરિણામલક્ષી બનો .
કર્મનિર્જરા
કર્મો , તમને દુઃખ આપે છે , દોષબદ્ધ બનાવી રાખે છે . આ કર્મો , તમને સારા વિચારોથી વંચિત રાખે છે અને અનુચિત વિચારોમાં બાંધી રાખે છે . આ કર્મો તમને વિઘ્ન બનીને નડે છે અને સંતાપ બનીને સતાવે છે . આતમા અને કર્મનો સંયોગ એ મૂળભૂત સંસાર છે . આ સંયોગને જે જે બાબતો મજબૂત બનાવે છે તે અધર્મ છે . આ સંયોગને જે જે બાબતો કમજોર બનાવે છે તે ધર્મ છે . આતમાને શરીર લાગુ પડેલું છે . શરીરને સાચવવા જે કાંઈ કરીએ છીએ તે બધું કર્મોનો બંધ કરાવે છે . પરંતુ આ શરીર ધર્મની પ્રવૃત્તિ સાથે જોડાય છે તો પછી શરીર દ્વારા જે કાંઈ થાય છે તે કર્મોના બંધને ઓછો પણ કરે છે અને કર્મો બંધાયેલા હોય છે તેને પણ ઓછા કરે છે . આ અર્થમાં શરીર દ્વારા , ભાવનાપૂર્વક થનારો તમામ ધર્મ કર્મની નિર્જરા કરાવે છે . સમજણપૂર્વક ધર્મ કરવાથી કર્મ તૂટે છે અને કર્મનો અનુબંધ તૂટે છે . અનુબંધ તૂટે છે મતલબ આત્માની કર્મગ્રાહકતા મંદ પડે છે . સમજણ વિના ધર્મ કર્યો હોય તો પણ કર્મ તો તૂટે જ છે પણ આત્માની કર્મગ્રાહકતા મંદ થતી નથી . આમ ધર્મ સમજણપૂર્વક કરો તો સકામનિર્જરા થાય છે . સમજણ વિના કરો તો અકામનિર્જરા થાય છે . કર્મનિર્જરા ધર્મની સાક્ષાત અસર છે .
પુણ્ય નિર્માણ
ઉત્તમ આલંબનોનું આસેવન એ ધર્મ છે . ઉત્તમ અનુષ્ઠાનોનું આચરણ એ ધર્મ છે . ધર્મ કરીએ ત્યારે આપણે ઉત્તમ તત્ત્વના સંપર્કમાં આવીને તે ઉત્તમ તત્ત્વ દ્વારા ભાવિત બનીએ છીએ . તે તે પ્રવૃત્તિ કરતી વખતે આપણો સંપર્ક તે તે પ્રવૃત્તિ સાથે જ રહેતો હોવાથી , ધર્મ કરવાની ક્ષણોમાં સંસાર સાથેનો સંપર્ક તૂટી જાય છે . આ સંસારથી અળગા થવું , તે જ ધર્મની ખરી મજા છે . પ્રવૃત્તિ પવિત્ર હોય છે , એની ભાવનાત્મક અસર જેટલે અંશે મન પર ઊભી થઈ હોય તે અસર પણ પવિત્ર હોય છે . આવું થવાને લીધે આત્મા પુણ્યનું નિર્માણ કરે છે . અસમાધિ અને અશાતાથી દૂર રાખનારા કર્મો આત્માને મળે છે , ધર્મ કરવાને લીધે . ધર્મ કરવાનું લક્ષ્ય પુણ્ય નથી પણ ધર્મ કરવાની અસર પુણ્ય નિર્માણ કરે છે . ફૂલ પોતાની પાસે આવનારને સુવાસ આપે છે . ધર્મ પોતાની પાસે આવનારને પુણ્ય આપે છે . નિઃસ્વાર્થભાવે કરેલો ધર્મ પુણ્યાનુબંધી પુણ્ય આપે . સ્વાર્થભાવે કરેલો ધર્મ પાપાનુબંધી પુણ્ય આપે . ધર્મ કર્યો હોય તે મોટેભાગે નિષ્ફળ જતો નથી . ધર્મ પુણ્યનું નિર્માણ કરનારું તત્વ છે .
શુભભાવનું સર્જન
સમ્યક્ રીતે ધર્મ કરતા હોઈએ તો ધર્મ કરતી વખતે રાગ પ્રધાન વિચારો પણ નથી આવતા અને દ્વેષ પ્રધાન વિચારો પણ નથી આવતા . સંસારકેન્દ્રી રાગ અને દ્વેષ એ આત્માની અનાદિકાલીન નબળાઈ છે . દરેક પ્રવૃત્તિઓ રાગ અને દ્વેષનું સર્જન કરાવતી હોય છે સંસારમાં . જૂના રાગદ્વેષ નવા રાગદ્વેષનું સર્જન કરતા જ રહે છે . સંસાર આ રીતે જ તો આગળ વધે છે . ધર્મ કરતી વખતે સંસારકેન્દ્રી હોઈ નથી શકાતું . ધર્મ કરતી વખતે કેન્દ્રમાં પરમાત્મા હોય અથવા આત્મા હોય . પરમાત્માનો ધર્મ વિચારવાનું આલંબન બને છે . આત્માની અનંત શક્તિ કલ્પના અને ભાવનાનું આલંબન બને છે . પરમાતમા અને આતમા વચ્ચે સેતુ છે આજ્ઞા . આજ્ઞાની શ્રદ્ધા અને આજ્ઞાનો આદર એ વિચારનું આલંબન બને છે . અટકે છે શરીરસંબંધી રાગદ્વેષ . અટકે છે પરિવાર સંબંધી રાગદ્વેષ . અટકે છે અહંકાર અને સ્વાર્થ સંબંધી રાગદ્વેષ . જાગે છે પરમ તત્ત્વનું આકર્ષણ . જાગે છે સાચા ગુણોનું આકર્ષણ . જાગે છે સંસારમાં હોવાનો પસ્તાવો . જાગે છે લાગુ પડેલા દોષોનો પસ્તાવો . ધર્મ કરતાં કરતાં , સંસાર સંબંધી આલંબનોના વિચારો હટે છે અને આતમા સંબંધી આલંબનોના વિચારો જાગે છે . આ વિચારો શુભભાવ છે . શુભભાવની અનુભૂતિ એ સાચી પ્રસન્નતા છે . એ ધર્મ દ્વારા જ મળી શકે .
સંસ્કાર નિષ્પાદન
આતમા સંવેદનશીલ છે . સંવેદનાની સક્રિયતા તે મન છે . સંવેદના જેની સાથે જોડાય છે તેની ચિરસ્થાયી અસર સ્વીકારી લે છે . સંવેદનાને અડ્યું હોય તે તુરંત ભૂંસાતું નથી . સતત જે સંવેદના સાથે રહ્યું હોય તે સંસ્કાર બની જાય છે . ધર્મ , કેવળ શરીર દ્વારા થઈ જનારી બાબત નથી જ . ધર્મ કરીએ ત્યારે પોતપોતાની યોગ્યતા અને ભૂમિકા અનુસાર , મનનું અનુસંધાન રચાતું હોય છે ધર્મ સાથે . જેટલું અનુસંધાન તીવ્ર થયું હોય તેટલો સંસ્કાર તીવ્ર બને છે . ધર્મ કરવા દ્વારા ખરેખર તો આ સંસ્કારનું નિષ્પાદન કરવાનું છે . કેમકે મૃત્યુ પામ્યા બાદ આ જ સંસ્કાર સાથે આવી શકે છે . સંસ્કાર સાથે હશે તો , સારું નિમિત્ત મળતાં જ ફરીથી ધર્મનું જાગરણ થઈ જશે . વહેતું પાણી પથ્થરને લીસા બનાવી દે છે તે પાણીની કોમળતાનો સંસ્કાર છે . આચરાતો ધર્મ મનને ભાવિત બનાવી દે છે તે ધર્મની તારકતાનો સંસ્કાર છે . ધર્મ સંસ્કારભ્રમણને અટકાવે છે તેની ભૂમિકા સ્વરૂપે ધર્મ શુભ સંસ્કારોનું નિષ્પાદન કરે છે . આ સંસ્કારો એવા શક્તિશાળી હોય છે કે સંસારી ભાવોને પાછા હટવું જ પડે છે .
પાત્રતાનો વિકાસ
આત્મા પરમાત્મા બની શકે છે . ધર્મ આત્માને પરમાત્મા થવામાં સતત સહાય કરે છે . ધર્મ આપણને પરમાત્મા બનાવવા જેવું સર્વોત્કૃષ્ટ ફળ આપી શકતો હોય તો એ ધર્મ પરમાત્મા બનાવતા પૂર્વે શું શું આપે ? એક ધડાકે , સંસારી માંથી પરમાત્મા બની જવાતું નથી . સરોવર ટીપે ટીપે ભરાય છે , પરમાત્મા ક્રમે ક્રમે થવાય છે . આત્મામાં ભરપૂર પાત્રતા છે . પાત્રતાનું સંપૂર્ણ અનાવરણ થાય ત્યારે આત્મા પરમાત્મા બને . પાત્રતાનું ક્રમિક અનાવરણ થતું રહે છે , ધર્મ દ્વારા . તમારામાં વસેલો ધર્માત્મા તમે ધારણા પણ ન રાખી હોય એટલી ઊંચાઈ સુધી પહોંચી શકે તેમ છે . જે ધર્મ તમે કરતા નથી તે ધર્મ કરવાની તમારામાં શક્તિ તો છે જ . તમારી સતત પ્રગતિશીલ બની રહેવાની શક્તિ તે તમારી પાત્રતા છે . ધર્મ કરતાં કરતાં ધીમે ધીમે તમારી પાત્રતા ખીલે છે . એક ગાથા નિયમિત ગોખવાની આદત રાખવાથી , ધીમે ધીમે એવું બને છે કે એક ગાથાને બદલે બે ગાથા કે પાંચ ગાથા ગોખવાની શક્તિ ખીલે છે . આ દાખલો છે . આવું ઘણું બની શકે છે . તમારે ધર્મ વધારવાનો છે . તે માટે તમારે ધર્મ કરવાની પાત્રતા ખીલવવાની છે . ધર્મ કરવાથી ધર્મની પાત્રતા ખીલે છે . પાત્રતા ખીલે તેમ ધર્મ વધતો જાય છે . પાત્રતાનો વિકાસ અને વિકાસની પાત્રતા , બન્ને ધર્મ દ્વારા સંભવિત છે .
સત્ત્વ ઉત્થાન
ધર્મ કરવો એટલે સુધારો કરવો અને ઉમેરો કરવો . આજે જ્યાં છીએ ત્યાંથી બે ડગલાં આગળ વધવાનું હોય છે ધર્મ દ્વારા . પ્રશસ્ત કક્ષાની સારી પ્રવૃતિઓ શરૂ કરવાની હોય છે . અપ્રશસ્ત કક્ષાની પ્રવૃતિઓ છોડવાની હોય છે . કરવા જેવું કરવા માટે હિંમત જોઈએ છે . છોડવા જેવું છોડવા માટે પણ હિંમતની જરૂર પડે છે . મન દઢ બનાવવું પડે છે . સંકલ્પ મજબૂત રાખવા પડે છે . મનમાં જાગેલા સારા વિચારને આચારમાં ઉતારવા માટે , ખરાબ તત્વો સાથે બાંધછોડ કરવી જ પડે છે . ધર્મ કરવાનું મન થયું પરંતુ ધર્મ કર્યો જ નથી તો હિંમત નહીં જાગે . ધર્મ કર્યો થોડો થોડો . તેનું પરિણામ મળ્યું જોવા . ધર્મ કર્યો તે બરોબર થાય છે અને તે તે ધર્મ લેખે લાગે છે તેવો વિશ્વાસ આવી ગયો . ધર્મ કરવા દ્વારા જાગતો ધર્મસંબંધી આત્મવિશ્વાસ નવા ધર્મનું નિર્માણ કરે છે . તેમાંથી નવો આત્મવિશ્વાસ આવે છે . તેમાંથી વળી નવો ધર્મ આવે છે . આમ આતમાનુ સત્ત્વ વધતું જાય છે . સત્ત્વ વધે છે એનો અર્થ એ છે કે ધર્મ કરવા માટેનું મનોબળ મક્કમ રીતે વધતું જાય છે .
ગુણ વિકાસ
સારી આદતો . સારી ભાવનાઓ . સારી પ્રવૃતિઓ . આમાં નિયમિતતાને ટકાવી રાખવી તે ગુણ છે . ગુણો ઘણા છે . ધર્મ દ્વારા એક પછી એક ગુણો મળતા જાય છે . આત્મવિકાસની શાસ્ત્રશુદ્ધ વિકાસયાત્રાને ગુણસ્થાનક કહેવાય છે . ચૌદ ગુણસ્થાનક છે . દરેક ગુણસ્થાનકમાં પ્રવેશ થાય ત્યારે એકાદ નવા ગુણનો પ્રવેશ થાય જ છે આતમામા . ધર્મ દ્વારા ગુણો ખીલવા જોઈએ . ધર્મ કર્યો અને ગુણો ન આવ્યા તો ધર્મ પૂર્ણરીતે નિષ્ફળ ગયો એમ સમજવાનું . ધર્મ થતો ગયો તેમ ગુણો આવતા ગયા અને ગુણો આવતા ગયા તેમ ધર્મ વધતો રહ્યો આ સાચી પદ્ધતિ છે આત્મવિકાસની . ગુણોના સ્વરૂપનો અભ્યાસ કરીને તે તે ગુણોને આત્મસાત્ કરવાની પદ્ધતિ તે જ સાચી ધર્મસાધના છે . ગુણોના અભ્યાસ વિના સ્વાધ્યાય અધૂરો રહે છે . ગુણોના વિકાસ વિના ધર્મ અધૂરો રહે છે . ગુણો પામવાની ભાવનાથી ધર્મ કરવાનો છે અને ધર્મ પામવાની ભાવનાથી ગુણો મેળવવાના છે .
દોષ વિસર્જન
ઠંડુ પાણી પીવાથી તરસ મટે છે એમ ધર્મ કરવાથી દોષ ઘટે છે . સ્વભાવમાં પેસી ગયેલા અવગુણોને દૂર કરવા માટે ધર્મને સાધન બનાવવાનો છે . ધર્મની પ્રવૃત્તિ અને પરિણતિની અસર જીવનવ્યાપી બને છે . ધર્મ કર્મોને નબળા પાડે છે તેને લીધે કર્મોદયજનિત દોષો ઓછા થવા લાગે છે . કર્મ નિકાચિત હોય તેને લીધે અમુક દોષો કદાચ , ન ટળે તો પણ તે દોષ માટેનો પક્ષપાત તો અવશ્ય ઘટે છે . દોષનો ડંખ જાગે . દોષને ટાળવાનું મન થાય . દોષ હાજર હોય તે ખૂંચ્યા કરે . દોષની સામે પગલાં લેવાનું મન થાય . દોષોથી થનારા નાનામોટા નુકસાનોની સમજ પડે . દોષો દૂર થયા તો એને લીધે થનારા લાભની પણ સ્પષ્ટ સુવાંગ કલ્પના કરી શકાય . ધર્મ દ્વારા દોષ ઢીલા પડે , ધર્મ દ્વારા દોષનું વર્ચસ્વ તૂટે . થોડા થોડા સમયના ગાળે એકાદ દોષ નાબૂદ થતો જાય . ધર્મ જ દોષવિસર્જન કરવાની તાકાત આપે છે .
ત્રણ સવાલ
ધર્મ કરવા દ્વારા આઠ પરિણામ પેદા થાય છે તે સમજી લીધા બાદ પોતાની જાતને ત્રણ સવાલ પૂછવાના છે : ૧) હું આજે જેટલો ધર્મ કરું છું તેનાથી વધારે ધર્મ મારાથી થઈ શકે એમ છે ? ૨) હું આજે જેટલો ધર્મ કરું છું તેનાથી વધારે ધર્મ કરું તો મને કોઈ રોકે એમ છે ? ૩) હું આજે જે ધર્મ કરું છું તેનાથી વધારે ધર્મ કરું તો મને કોઈ નુકશાન છે ? પહેલા સવાલનો જવાબ છે , હા . બીજા અને ત્રીજા સવાલનો જવાબ છે , ના . હવે આ ત્રણ જવાબોને ત્રણ સવાલોપૂર્વક દસ વાર વિચારો . આ વિચારવાની પ્રક્રિયા સતત એક મહિનો ચાલુ રાખો . ત્રણ સવાલો દ્વારા તમે અનુભવશો કે મારામાં ધર્મ કરવાનો નવો ઉત્સાહ જાગી રહ્યો છે . એ ઉત્સાહને કામે લગાડી દો . મોડું ના કરો . ધર્મના આ પરિણામો સુધી પહોંચવું હોય તો આ ત્રણ સવાલો સાથે કાયમી દોસ્તી બનાવી લેજો .
ત્રિપદી
ત્રણ શબ્દો યાદ રાખી લો . શ્રદ્ધા + શક્તિ + વિધિ . તમે જે ધર્મ કરો તેમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખો . કરવા પૂરતો ધર્મ કરી લેવાથી ફાયદો નહીં થાય . આગળ બતાવ્યા તે આઠ પરિણામ , ધર્મ દ્વારા મારા આત્મામાં જાગી રહ્યા છે તેવો દઢ વિશ્વાસ રાખો . તમારી ઉપલબ્ધિ બાબત તમે જેટલા સ્પષ્ટ હશો તેટલી શ્રદ્ધા તીવ્ર બનશે . તમારામાં રહેલી શક્તિને પૂરેપૂરી કામે લગાવી દેવાની છે . શક્તિ વાપર્યા વગરની પડી રહે તો તેને કાટ ચડી જાય છે . પૂરી તાકાતથી ધર્મ કરો . ધર્મ સાથે જેટલી શક્તિ જોડાશે તેટલું જ ધર્મ , ઊંચું ફળ આપશે . • ધર્મ કરતી વખતે ધર્મના દરેક નિયમોનું ચુસ્તરીતે પાલન કરવાનું છે . ધર્મ કરો પણ જો અવિધિ ચાલુ રાખો તો ધર્મનું સાચું ફળ મળી શકતું નથી . ધર્મ ખૂબબધો કરો અને જે ધર્મ કરો તે પૂરેપૂરી વિધિ સાચવીને કરો .
Leave a Reply