Press ESC to close

સારા સ્વભાવના દશ નિયમ

   

સ્વભાવ સારો હોય તેના ફાયદા ઘણા છે પરંતુ ફાયદો મેળવવાની લાલચ , સ્વભાવને સુધારવામાં મદદ કરતી નથી . લાલચ રાખ્યા વિના સાહજિક રીતે સારો સ્વભાવ કેળવાય તેનું ધ્યાન રાખવાનું છે . સારો સ્વભાવ ધરાવનારી વ્યક્તિ દશ નિયમની મર્યાદામાં રહેતી હોય છે .  ૧. શબ્દો ઉત્તમ હોય છે . ૨. વહેવાર ઉત્તમ હોય છે . ૩ . પસંદગી ઉત્તમ હોય છે . ૪. સમજણ ઉત્તમ હોય છે . ૫. લાગણી ઉત્તમ હોય છે . ૬. જિજ્ઞાસા ઉત્તમ હોય છે . ૭. ગુણો ઉત્તમ હોય છે . ૮. વિચારણા ઉત્તમ હોય છે . ૯. અભિપ્રાય ઉત્તમ હોય છે . ૧૦. શ્રદ્ધા ઉત્તમ હોય છે .  તમારો સ્વભાવ સારો છે કે નહીં તે જાણવું હોય તો આ દશ નિયમોનો અભ્યાસ કરતા રહેજો .    

ઉત્તમ શબ્દો 

માનસિક રીતે સ્વસ્થ હોઈએ તો મોઢામાંથી અપશબ્દો નીકળે જ નહીં . બીજાને ઉતારી પાડવાની ભાવનાથી બોલાયેલા શબ્દોને અધમ શબ્દ કહેવાય . ગાળ ઉપરાંત મજાક – મશ્કરી – કટાક્ષની ભાષા પણ ઉત્તમ શબ્દોની મર્યાદામાં ગોઠવાતી નથી . સામી વ્યક્તિ તુચ્છ છે એવું દેખાડવા માટે જે કોઈ શબ્દપ્રયોગ થાય છે તે અધમ શબ્દો છે . સામી વ્યક્તિ ઉત્તમ ન હોય તો તેના વિશે કશું જ ન બોલવું . સામી વ્યક્તિ ઉત્તમ હોય તો તેના વિશે ઉત્તમ રીતે બોલવું . બોલવું તેનો મતલબ એ નથી કે મનમાં આવ્યા તે શબ્દોને ઉચ્ચાર બનાવી દેવા . બોલવું તેનો મતલબ એ છે કે તમારી રજૂઆતને સારા અને સમુચિત શબ્દોથી સજાવી લેવી . પ્રશંસા કરો , પ્રેરણા આપો , જિજ્ઞાસાભાવે પ્રશ્ન પૂછો , સારી વાતનો પ્રચાર કરો , સચ્ચાઈને સારી રીતે સમજાવો – આ બધું તમે કરો છો તો તમે ઉત્તમ શબ્દો પ્રયોજી રહ્યા છો . તમારા શબ્દો તમારા સ્વભાવનો પડછાયો છે . ગમે તેવું બોલીને ગુનેગાર બનવું છે કે ઉત્તમ શબ્દો બોલીને નિર્દોષ પૂરવાર થવું છે તે તમે નક્કી કરો . તમારી ભાષા અને તમારાં મોઢે આવતા શબ્દોનું ચોક્કસ રીતે ચયન કરો . તમારો સ્વભાવ સારો બને તેની માટે આ જરૂરી છે .

ઉત્તમ વહેવાર

તમે જેમને મળો છો તેમને તમે પ્રેમ કરતા જ હશો એવો નિયમ નથી . સારા સ્વભાવનો નિયમ એ છે કે તમે જે વ્યક્તિને મળો છો તે વ્યક્તિને તમે આદર અને સદ્ભાવ આપતા રહો છો . ઉપેક્ષા કરવી એ અનાદર છે . દૂરી ઉભી રાખવી તે અનાદર છે . યોગ્ય રીતે જવાબ ન આપવો તે અનાદર છે . અનાદર વહેવારને ઉત્તમ બનવા દેતો નથી . સદ્ભાવ આપવો તેનો મતલબ એ છે કે તમારા તરફથી સામી વ્યક્તિને તમે લાગણી દર્શાવો છો . સહાનુભૂતિ અને સમાનુભૂતિ તમારા સ્વભાવને ઉત્તમ બનાવે છે કેમકે આ બંનેની અભિવ્યક્તિ માટેનો વહેવાર નમ્રતાપૂર્ણ હોય છે . પોતાની ધૂનમાં ચાલતા રહેવાથી વહેવાર બગડે છે . એક માત્ર હું જ બોલ્યા કરું આવી પદ્ધતિથી વહેવાર બગડે છે . બે જણા વાત કરતા હોય તેમાં વચ્ચે હસ્તક્ષેપ કરવાથી વહેવાર બગડે છે . સામી વ્યક્તિ તમારા વર્તન દ્વારા કંઈક પામે છે . વર્તન દ્વારા વાત પહોંચાડવી તે વહેવાર છે . સારો વહેવાર હોય તો સારી વાત પહોંચે . સારો વહેવાર ના હોય તો સારી વાત પહોંચતી નથી . બોલવા દ્વારા સારી વાત પહોંચાડીએ તે તો સારું જ છે . બોલીએ નહીં અને વહેવાર એવો રાખીએ કે એના દ્વારા સારી વાત પહોંચે તો એ ઉત્તમ વહેવાર છે .  

ઉત્તમ પસંદગી 

તમને શું ગમે છે અને શું નથી ગમતું તે તમારા સ્વભાવને ઓળખવા માટે તમારે સ્પષ્ટ રીતે જાણી લેવું જોઈએ . પસંદગીનું ધોરણ ઉત્તમ – સાત્ત્વિક હોય તો સ્વભાવ સારો ઘડાય છે .  ખાવાપીવાની બાબતમાં , પહેરવેશની બાબતમાં , મનોરંજનની બાબતમાં , સંબંધોની બાબતમાં , કામ અને જવાબદારીની બાબતમાં અને બીજી ઘણી બધી બાબતમાં તમે તમારી રીતે પસંદગી કરી લીધી છે . મને આ ગમે , આ ન ગમે . મને આમ ફાવે , આમ ન ફાવે . આ પસંદગીનું ધોરણ નાનીનાની વસ્તુઓમાં અટવાઈ પડે અને મામૂલી બાબતોની પસંદગી થયા કરે તે સારા સ્વભાવની નિશાની નથી . સારો સ્વભાવ સ્વાધીનતામાં માને છે . સારા સ્વભાવની વિશેષતા એ છે કે તે અનુકૂલન સાધી શકે છે . પરિસ્થિતિ પ્રમાણે રહેવાની આવડત , સારા સ્વભાવની નિશાની છે . નાની નાની બાબતમાં ગમો – અણગમો રાખીને તેમાં રચ્યા કરવું તે ઉત્તમ સ્વભાવ નથી . નાનીનાની બાબતોમાં જે હોય તે ચલાવી લેવાની વૃત્તિ રાખવી અને મહત્ત્વની બાબતોમાં સાત્ત્વિકતા અને સચ્ચાઈનું ધોરણ પસંદ કરવું . તમે જે પસંદ કરો છો તે તમારા સ્વભાવને પ્રભાવિત કરે છે . તમારો સ્વભાવ તમારી પસંદગીને પ્રભાવિત કરે છે .

ઉત્તમ સમજણ 

સારો સ્વભાવ બહાર વ્યક્ત થાય છે . વ્યક્ત જ્યાંથી થાય છે તે સરનામું અંદર છે . સારો સ્વભાવ , સારી સમજણમાંથી આવે છે . સ્વભાવનો અર્થ છે સંતુલિત વિચારણા . વિચારણા ઉત્તમ હોય તો સ્વભાવ ઉત્તમ બનવાનો જ છે . તમારા વિચારોને તમે પોતે પારખી શકો , વિચારો સારા હોય તો પોતાની જાતને શાબાશી આપી શકો , વિચારો નબળા હોય તો પોતાની જાત પાસેથી પરિવર્તનનો આગ્રહ કરી શકો . આ સારા સ્વભાવનાં ભીતરની ભાગોળ છે . સામી વ્યક્તિનો સ્વભાવ અને આશય સમજવાની આવડત હોવી જોઈએ . સામી વ્યક્તિની નબળાઈ અને ઉણપ ઓળખી શકે તેવી દૃષ્ટિ હોવી જોઈએ . સામી વ્યક્તિની માનસિકતા સમજીને તેની સાથે વાત કરવા માટે સમજણપૂર્વક બોલવું પડે છે . વાણીની છટા અહીં કામ નથી લાગતી . સામી વ્યક્તિ તમને કંઈ કહેવા માંગે છે તો તેના શબ્દો ઉપર ધ્યાન આપવાને બદલે તેનું મન વાંચવા પર ધ્યાન આપવું જોઈએ . એ શું બોલે છે તે મહત્ત્વનું હશે પરંતુ એ શું વિચારીને બોલે છે તે વધારે મહત્ત્વનું છે . પોતાને સાચી રીતે સમજવાની આવડત , સામી વ્યક્તિને સારી રીતે સમજવાની આવડત તે ઉત્તમ સમજણ  છે .

ઉત્તમ લાગણી 

લાગણીમાં વળતરની અપેક્ષા ન હોય , અધિકારનો ભાવ ન હોય અને પ્રદર્શનની વૃત્તિ ન હોય તો લાગણી ઉત્તમ . લાગણી તમારા હ્નદયમાંથી ઉઠે છે . સ્વાર્થ તમારાં મનમાંથી ઉઠે છે . હ્રદય અને મન સાથે કામ કરતા હોય ત્યારે હ્રદયનો અવાજ બુલંદ હોવો જોઈએ . મન આટાપાટા ખેલે છે . હ્રદય સીધી લીટીમાં ચાલે છે . મને શું મળ્યું અને મને શું ન મળ્યું આ મનની રજૂઆત છે . મેં શું આપ્યું અને મારે શું કરવું જોઈએ આ હ્રદયની રજૂઆત છે . મન શું કરશે ? સામી વ્યક્તિને દોષિત પૂરવાર કરીને છટકી જશે . હ્રદય શું કરે , સામી વ્યક્તિ દોષિત હશે તો દયા કેળવીને પણ જવાબદારી નિભાવશે . તમને મહત્ત્વ મળે તો તમે કામ કરો – એ મનની ભાષા છે . તમારી જવાબદારી છે માટે તમે કામ કરો તે હૃદયની ભાષા છે . લાગણી હોય ત્યાં શું વિચાર આવે કે મારે શું કરવું જોઈએ ? અહંકાર હોય ત્યાં વિચાર આવે કે તમારે શું કરવું જોઈએ . લાગણીમાં સ્વાર્થ ન હોય , લાગણીમાં દેખાડો ન હોય . લાગણીમાં હોય એક અપરિસીમ આદરભાવના .  

ઉતમ જિજ્ઞાસા

મનમાં સતત સવાલો ચાલતા હોય છે . આતમા શું છે ? આતમા શરીરમાં શું કામ છે ? કર્મોનું બંધન કેમ લાગુ પડ્યું છે ? ભગવાન વીતરાગ છે તો તેમનો સ્વભાવ કેવો છે ? ગુરુભગવંતની સાધનાનું બળ કયું છે ? ધર્મ કરીએ તો તેનું અંતિમ પરિણામ શું ? ધર્મ ન કરો તો શું નુકસાન થાય ? આવા સુંદર મજાના પ્રશ્નો સતત મનમાં ચાલતા રહેવા જોઈએ . મનને ખોટા સવાલોમાં ફસાઈ જવાની આદત છે . કામ વગરના સવાલો કરવાથી હાથમાં કશું આવતું નથી . તમારા સવાલો કેવા છે ? એ તમારા સ્વભાવનું લક્ષણ બને છે . સુંદર મજાના સવાલો પરથી સમજાય છે કે જિજ્ઞાસા ઉત્તમ છે . જિજ્ઞાસા , માનસિકતામાંથી આવે છે . માનસિકતા ઉત્તમ એટલે જિજ્ઞાસા ઉત્તમ . જિજ્ઞાસા ઉત્તમ એટલે સ્વભાવ ઉત્તમ . 


ઉત્તમ ગુણો 

પૈસાની જેમ ગુણોની કમાણી પણ વધતી રહેવી જોઈએ . સારો બિઝનેસ હોય તો પૈસાની કમાણી સારી થાય . સારો સ્વભાવ હોય તો ગુણોનું ઘડતર સારું થાય . અભિમાન કર્યા વિના પોતાના ગુણોને જોવા જોઈએ . પોતાના ગુણો માટે મમતા રાખવી જોઈએ . ગુણો ઘટે નહીં તેની પૂરી તકેદારી રાખવી જોઈએ . ગુણોમાં સતત ઉમેરો કરવાનો હોય . એક ગુણ દ્વારા બીજો નવો ગુણ આવે . બીજા ગુણ દ્વારા ત્રીજો નવો ગુણ આવે . આ રીતે ગુણોની પાછળ ગુણો આવતા રહેવા જોઈએ . ઉંમર વધતી જાય છે . બંધાઈ રહેલાં કર્મો વધતા જાય છે તો ગુણો પણ વધતાં રહેવા જોઈએ . દસ નાના ગુણના મૂળમાં એક મોટો ગુણ હોય છે . આવા મોટા અને મુખ્ય ગુણો ઘણા હોય તો નાના નાના ગુણો તો પાર વિનાના મળી રહે છે . ગુણોની ભૂમિકા ઊંચી હોવી જોઈએ . બીજાની સામે મહાન્ પૂરવાર થવા માટે ગુણો કેળવવાના નથી . ગુણો પોતાની જાતને ઉત્તમ બનાવવા માટે કેળવવાના છે . ગુણો સાહજિક રીતે મળ્યા હોય તો ઉત્તમ . ગુણો કેળવવા માટે મહેનત કરીને ગુણો મેળવ્યા હોય તો પણ ઉત્તમ . ગુણવાન વ્યક્તિને દુનિયામાં કોઈ દુઃખી કરી શકતું નથી . ગુણવાન વ્યક્તિની વિશેષતા એ હોય છે કે તે પ્રેમ , પ્રેરણા અને ધર્મ આપવામાં સફળ રહે છે .

ઉત્તમ વિચારણા    

વિચારશીલતા  એ મનુષ્યનો સ્વભાવ છે . સતત અને સતત વિચારતા રહેવાની શક્તિ મનુષ્યને મળી છે . આપણને મુદ્દો નક્કી કરીને વિચારવાની આદત નથી હોતી એટલે આડેધડ વિચારો ચાલુ રહે છે . મનની આ દોડધામને ઉત્તમ વિચારણા કહી શકાય નહીં . ઉત્તમ વિચારણા ત્રણ બાબતની અપેક્ષા રાખે છે . ૧.  શરીર અને મન સિવાયની ત્રીજી દુનિયા છે . આત્માની દુનિયા . મૃત્યુ થશે તે પછી આતમા સાથે આવશે . શરીર અહીં જ રહી જશે . શરીર પર કેન્દ્રિત વિચારોને વિષયવાસના કહેવાય . મન પર કેન્દ્રિત વિચારોને કષાયવાસના કહેવાય . વિષય અને કષાયની આધીનતા ઓછી થાય તે પછી જે વિચારણા ચાલે તે ઉત્તમ વિચારણા છે . ૨ . બીજાના ગુણો , બીજાનો ધર્મ , બીજાનું સુખ અને બીજાની સફળતા જોઈને રાજી થવું એ મૈત્રીભાવનામૂલક પ્રમોદભાવના છે . આ જ તો ઉત્તમ વિચારણા છે . ૩.  મારે સ્વતંત્ર રીતે વિચારવું હોય તો મારું અજ્ઞાન મને સમ્યક્ વિચારણા નહીં કરવા દે . મારું સદ્ વાંચન અને શાસ્ત્રશ્રવણ ચાલુ હશે તો જ સમ્યક્ ચિંતન થઈ શકશે . ‘ આવી સભાનતા એ ઉત્તમ વિચારણા છે .  

ઉત્તમ અભિપ્રાય        

ઘટનાઓ અને વ્યક્તિઓ તમને હંમેશા જોવા મળશે . તમે ઘટનામાંથી બોધપાઠ લેતા રહો . તમે વ્યક્તિઓમાંથી ગુણોનું ગ્રહણ કરતા રહો . આદત પડી છે ફરિયાદો કરવાની અને ભૂલો કાઢવાની અને દોષો જોવાની . આ આદતની અસરહેઠળ રહીને તમે જે અભિપ્રાય આપો છો તે ઉત્તમ હોતો નથી . તમારો અભિપ્રાય ગુણગ્રાહી હોવો જોઈએ . તમારો અભિપ્રાય મૂલ્યસાપેક્ષ હોવો જોઈએ . તમારો અભિપ્રાય સંતુલિત હોવો જોઈએ . તમે તટસ્થ અભિપ્રાય આપી શકો છો તેવું બીજાને ક્યારે જાણવા મળે ? સામાન્ય વહેવારમાં ઘટના અને વ્યક્તિઓની બાબતમાં તમારો અભિપ્રાય સારું ધારાધોરણ ધરાવતો હોય તો જ બીજી – ત્રીજી વ્યક્તિઓ તમારા અભિપ્રાયને માન આપશે . ઉત્તમ અભિપ્રાયનું સ્તર બનાવવું હોય તો સમજી – વિચારીને બોલવાની આદત રાખવી પડે . મનમાં આવ્યું તે તુરંત બોલી નાખવું આવી વૃત્તિ હોય તો ઉત્તમ અભિપ્રાયનું સ્તર ઘડાતું નથી . તમે બીજાની માટે શું બોલો છો અને કેવું બોલો છો તે જોતા રહો . બીજા તમારી માટે શું બોલશે અને કેવું બોલશે તેની તમને ખબર પડી જશે .   ઉત્તમ અભિપ્રાય તમારી વ્યક્તિમત્ત્તાને ઉત્તમ બનાવે છે . 


 ઉત્તમ શ્રદ્ધા      

દેવ – ગુરુ – ધર્મની શ્રદ્ધાને સમકિત કહેવાય છે . શ્રદ્ધા એક માનસિકતા છે . ‘ મારામાં રહેલી ઉણપ દૂર કરવા માટે મારે જેમની જરૂર છે તેમને હું સમર્પિત રહીશ . ‘ આવો સ્પષ્ટ આશય સતત જીવતો હોય તે શ્રદ્ધા છે . ફક્ત સમર્પિત હોવું તે સાધારણ શ્રદ્ધા છે . પોતાની ઉણપ સમજતા રહીને , તે તે ઉણપને દૂર કરવાનું લક્ષ્ય રાખીને સમર્પિત રહેવું તે ઉત્તમ શ્રદ્ધા છે .  ત્રણ દોષ સંસારને વધારતા રહે છે . રાગ – દ્વેષ અને મોહ . શ્રી યોગશતક ગ્રંથમાં આ ત્રણને વશમાં લેવાનું માર્ગદર્શન મળે છે .  શ્રદ્ધા વ્યક્તિગત હોય છે તેવું લાગે છે . હકીકતમાં શ્રદ્ધા ચિન્તનપ્રધાન હોવાથી આત્મગત છે . વ્યક્તિગત શ્રદ્ધા દેવ અને ગુરુ અને ધર્મ અંગેની ચોક્કસ ક્રિયાઓ સાથે જોડાયેલી હોય છે . ચિન્તનપ્રધાન આત્મગતશ્રદ્ધા રાગ – દ્વેષ અને મોહના પ્રભાવને કમજોર બનાવવાનાં લક્ષ્ય સાથે જોડાયેલી હોય છે .  ઉત્તમ શ્રદ્ધાનો મતલબ છે કે આતમા ઉત્તમ બની શકે છે તેવી શ્રદ્ધા . ઉત્તમ શ્રદ્ધાનો મતલબ છે કે હું પ્રયત્ન કરીશ તો મારો આતમા વધુ ને વધુ ઉત્તમ બનતો જશે – એવી શ્રદ્ધા . ઉત્તમ શ્રદ્ધાનો મતલબ છે કે મારે મારા આતમાને પરમાતમા બનાવવાનો છે તેવી ભાવનાપૂર્વકની શ્રદ્ધા .  

આતમાનો સ્વભાવ 

ધર્મ અસ્તિત્વની યાત્રા છે . સંસાર વ્યક્તિત્વની યાત્રા છે . વ્યક્તિત્વની સીમામાંથી બહાર આવી અસ્તિત્વની વિશાળ દુનિયામાં પ્રવેશ કરવા માટે સારો સ્વભાવ કેળવવો જરૂરી છે . સારા સ્વભાવને પણ પૂર્ણ સ્વભાવ કહી શકાય નહીં . સારો સ્વભાવ વ્યક્તિની મર્યાદામાં જ જોવા મળે છે . પૂર્ણ સ્વભાવ અસ્તિત્વની અનુભૂતિસ્વરૂપ છે . તે કેવળ મોક્ષમાં હોય છે . આતમાનો સ્વભાવ તે પૂર્ણ સ્વભાવ છે . શું હોય છે આ પૂર્ણ સ્વભાવમાં ? 

૧ .  પૂર્ણ સ્વભાવમાં પ્રતિભાવો નથી હોતા . ૨.  પૂર્ણ સ્વભાવમાં પ્રવૃત્તિ નથી હોતી . ૩.  પૂર્ણ સ્વભાવમાં અજ્ઞાન નથી હોતું . ૪. પૂર્ણ સ્વભાવમાં રાગ નથી હોતો . ૫.  પૂર્ણ સ્વભાવમાં દ્વેષ નથી હોતો . ૬.  પૂર્ણ સ્વભાવમાં મનનો વ્યાપાર નથી હોતો . ૭.  પૂર્ણ સ્વભાવમાં વાસના નથી હોતી . ૮. પૂર્ણ સ્વભાવમાં નબળાઈ નથી હોતી . ૯.  પૂર્ણ સ્વભાવમાં અધર્મ નથી હોતો . ૧૦. પૂર્ણ સ્વભાવમાં સંસાર નથી હોતો .   પૂર્ણ સ્વભાવ શું છે ? તે સમજવું સહેલું નથી . ખૂબ અઘરું છે . સારો સ્વભાવ ઘડાય તો જ પૂર્ણ સ્વભાવ શું છે તેની સમજ પડે છે . તમે તમારા સ્વભાવને સારો સ્વભાવ બનાવી લો . પૂર્ણ સ્વભાવ શું છે તે આપોઆપ સમજાઈ જશે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *