Press ESC to close

આપણે બોલવાનું છોડી દઈશું તે પછી અંદરનાં આંદોલનો જાગી ઉઠશે .

એકદમ સર્વ સાધારણ બની ગયેલું સત્ય . કોઈ સાંભળવાનું છે એટલા માટે જ આપણે બોલીએ છીએ . આપણે બોલીએ તેનો કોઈ શ્રોતા જ ન હોય એવી પરિસ્થિતિની આપણે કલ્પના કરી નથી . આપણે નાનપણથી બોલતા આવ્યા છીએ , આપણે બોલ્યા અને કોઈએ સાંભળ્યું એવું દૃશ્ય જોતાં આવ્યા છીએ . આપણે બોલીએ છીએ તેનાં મુખ્ય કારણ બે છે : આપણને બોલતા આવડે છે માટે આપણે બોલીએ છીએ . કોઈ સાંભળવાનું છે એની આપણને ખબર છે એટલા માટે આપણે બોલીએ છીએ .

આપણને બોલતા જ આવડતું ન હોય અને આપણને સાંભળવાવાળું કોઈ હોય જ નહીં , આ બંને પરિસ્થિતિ ભેગી થાય ત્યારે બોલવાની પ્રક્રિયા શૂન્ય બની જાય છે . બોલવાનું જ ન હોય અને સાંભળવાવાળા કોઈ હોય જ નહીં . ઈશારો કરવાનો જ ન હોય અને ઈશારાને સમજવા કોઈ હાજર જ ન હોય . લખવાનું જ ન હોય અને વાંચવા માટે કોઈ ઉપલબ્ધ ના હોય . આદાનપ્રદાન બોલવા દ્વારા નથી , આદાનપ્રદાન ઈશારો કરવા દ્વારા નથી , આદાનપ્રદાન લખવા વાંચવા દ્વારા નથી . આવી પરિસ્થિતિમાં આદાનપ્રદાન છે જ નહીં એ નક્કી થઈ જાય છે . 

જે કામ કરવાનું ન હોય એ કામની તૈયારી કરવાની હોતી નથી . બોલવાનું નથી એનો અર્થ એ છે કે બોલવાની તૈયારી કરવાની નથી . તમે જ્યારે નિર્ણય લો છો કે અમુક કામ નથી કરવું ત્યારે જ એ નિર્ણય થઈ જાય છે કે આ કામ માટેની તૈયારી પણ નથી જ કરવાની . જે કામ કરવાનું નથી એ કામની તૈયારી કરતા રહીએ એને મૂર્ખતા કહેવાય . મૌનમાં આપણે બોલવાનું છોડી દઈએ છીએ . મૌનમાં આપણો નિર્ણય હોય છે કે બોલવું નથી . બોલવાનું જ ન હોય તો બોલવાની તૈયારી પણ ન જ હોય . આપણે કંઈક બોલીશું એમ સમજીને આપણે કંઈક વિચારીએ છીએ . આપણે વિચારીએ છીએ ત્યારે આપણાં દિમાગમાં કલ્પના હોય છે કે આપણે આ બધું બોલી શકશું . એકવાર પાકું થઈ ગયું કે બોલવાનું છે જ નહીં . એટલે પછી શું બોલવાનું છે એ મુદ્દો ખતમ થઈ જાય છે .

મૌનનો પહેલો અર્થ છે : બોલવું નહીં . મૌનનો બીજો સમાંતર અર્થ છે : બીજાને ઉદ્દેશીને વિચારવાનું નહીં . બીજાને ઉદ્દેશીને વિચારવાનું બંધ થાય તે પછી સ્વને ઉદ્દેશીને વિચારવાનું શરૂ થાય છે . બોલવા બોલવાના ચક્કરમાં આપણે કોને શું કહેવું છે એ વિચારીએ છીએ , કોને શું કેવી રીતે કહેવું છે એ વિચારીએ છીએ . કોને શું ગમશે એ વિચારીએ છીએ , કોને શું નહીં ગમે એ વિચારીએ છીએ . કોણ માનશે એ વિચારીએ છીએ , કોણ નહીં માનશે એ વિચારીએ છીએ . કોઈ સાંભળવાનું છે એ પાકું છે માટે કોને શું કહેવાનું છે એ વિચારતા રહીએ છીએ .

કોઈને સંભળાતું નથી , કોઈને સમજાતું નથી એવી પરિસ્થિતિની કલ્પના કરો . કોઈને ઈશારો સમજાતો નથી એવી પરિસ્થિતિની કલ્પના કરો . કોઈને કંઈ વાંચવાનું ફાવતું જ નથી એવી પરિસ્થિતિની કલ્પના કરો . તમે કહેશો તો કોને કહેશો ? તમે સમજાવશો તો કોને સમજાવશો ? તમે ઈશારો કરશો તો કોને કરશો ? તમે લખશો તો કોને ઉદ્દેશીને લખશો ? એ બધું કોઈને પહોંચવાનું જ નથી . આ કલ્પના સ્પષ્ટ કરી લો . ક્યાંય કોઈ સાંભળવાવાળું છે જ નહીં એટલે કાંઈ પણ બોલવાનો કોઈ અર્થ નથી .

હવે બીજી કલ્પના : બોલવાનું છે નહીં એટલે બોલવાના મુદ્દા બનાવવા માટે વિચારવાનું પણ નથી . બોલવાનું નથી એની ખબર છે એટલે એ દિશામાં વિચારવાનું જ બંધ છે . કોઈને મળવું જ નથી એટલે કોઈના વિચાર બંધ છે . કોઈને કંઈ કહેવું જ નથી એટલે શું કહેવું છે એના વિચારો બંધ છે . સારાંશ એ છે કે વ્યર્થનું વિચારવાની ભાગદોડ ઓછી થાય એ મૌનનો પ્રભાવ છે . 

જે નિરર્થક વિચારો કરે છે એને સારા અને નક્કર વિચારો કરવાનું સૂઝતું નથી . લાંબા સમયનું મૌન રાખ્યું તેને લીધે નિરર્થક વિચારો અટકી ગયા . નિરર્થક વિચારો અટક્યા તે કારણે અંદરથી શક્તિશાળી વિચારો જાગવા લાગ્યા . ઘણાખરા નક્કર વિચારો મૌન રાખ્યા પછી જ પ્રગટે છે . અમુક વિચારો સુધી પહોંચવા માટે લાંબા સમય સુધી મૌનમાં ડૂબવું જ પડે છે .  પ્રથમ ચરણ : બોલવાનું અટકે છે . બીજું ચરણ : નિરર્થક વિચારો અટકે છે . ત્રીજું ચરણ : ઉર્જાવંત વિચારો જાગવા લાગે છે . તમે માનતા હશો કે બોલવાનું બંધ કર્યું એ મૌન છે . હકીકત એ છે કે નબળા વિચારો ઓછા થઈ ગયા અને ઉજ્જ્વળ વિચારો વધી ગયા એ મૌન છે . તમે સળંગ સાત આઠ દિવસ સુધી મૌન રહીને જુઓ . બોલવાનું પણ નહીં . ઈશારા પણ નહીં . લખવાનું પણ નહીં . આ પ્રક્રિયામાંથી પસાર થયા પછી તમારી અંદરથી અનેરાં આંદોલનો જાગશે . મૌન સાધ્ય છે . મૌન સાધન છે . આપણે બોલતાં જ રહીશું , બોલતાં જ રહીશું એને કારણે અંદરનાં આંદોલનો દબાયે‌લા રહેશે . આપણે બોલવાનું છોડી દઈશું તે પછી અંદરના આંદોલનનો જાગી ઉઠશે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *