Press ESC to close

આપણે ભાઈબીજને નંદીવર્ધનબીજ પણ કહી શકીએ

બેસતાં વર્ષના બીજા દિવસે ભાઈ બીજ આવે . નામ બદલવાની સ્વતંત્રતા લઈ શકાતી હોય તો ભાઈબીજનું બીજું નામ રાખવું જોઈએ નંદીવર્ધનબીજ . 
આજનો દિવસ મહારાજા નંદીવર્ધનનો દિવસ છે . એમનાં આંસુ સુકાઈ નહોતાં રહ્યાં . એમનો શોક ઓછો નહોતો થઈ રહ્યો . એમની પીડા શાંત નહોતી થઈ રહી . એ સ્તબ્ધ હતા , અવાચક હતા . એમણે ખાવાનું પીવાનું છોડી દીધું હતું . અમાસની રાતે પ્રભુ મહાવીરનું મોક્ષગમન થયું . ભગવાનનો વિયોગ થયો હતો . ભાઈનો વિરહ આવી પડ્યો હતો . દુનિયામાં એવો શિરસ્તો જોવા મળે છે કે મોટો ભાઈ દુનિયામાં પહેલાં આવે છે . નાનો ભાઈ દુનિયામાં પછી આવે છે . તદનુસાર મોટો ભાઈ દુનિયામાંથી પહેલાં વિદાય લે છે , નાનો ભાઈ દુનિયામાંથી પછી વિદાય લે છે . પરંતુ , આજે એવું બન્યું હતું કે મોટાભાઈની પહેલાં નાના ભાઈએ વિદાય લઈ લીધી હતી . નાનો ભાઈ ગયો એ વાત હતી ખરી , પણ એ વાતની મુખ્યતા નહોતી . મુખ્યતા એ વાતની હતી કે ભગવાન્ ચાલી ગયા હતા . 
મહારાજા નંદીવર્ધનનાં જીવનમાં ભગવાન્ , ભાઈ બનીને આવ્યા હતા . બાળ નંદીવર્ધને પહેલી વાર બાળ પ્રભુને જોયા હશે એ સમયે એમના અંતરાત્મામાં કેવો આનંદ ફેલાયો હશે ? માતા ત્રિશલા દ્વારા બાળ નંદીવર્ધને ૧૪ સપનાં , ૫૬ દિક્  કુમારી ,  ઇન્દ્ર મહારાજા – આ બધાની વાત સાંભળી હશે એ વખતે એમને પોતાના નાના ભાઈ માટે કેવી લાગણી થઈ હશે‌ ? આમલકી ક્રીડાના બે પ્રસંગ બનેલા .  અજગર આવ્યો હતો અને તાડપિશાચ પ્રગટ્યો હતો . નાના ભાઈએ બંનેને કેવી મહાત આપી હતી તે મોટાભાઈએ જોયું હતું અને એને લીધે નાના ભાઈ માટેનો પ્રેમ ઘણો બધો વધી ગયો હતો . પાઠશાળાગમનનો પ્રસંગ તો ગજબનો થયો હતો . માબાપ નાના ભાઈને ભણવા માટે પાઠશાળા લઈ ગયા હતા પણ નાના ભાઈએ તો પાઠશાળામાં જઈને પંડિતજીને જ પાઠ પઢાવી દીધા હતા . લોકો પાઠશાળામાં જઈને ગ્રંથ વાંચે . નાનાભાઈએ તો પાઠશાળામાં જઈને પહેલાં જ દિવસે ગ્રંથની રચના કરી નાંખી હતી . મોટાભાઈને પોતાના નાના ભાઈ માટે એટલું બધું ગૌરવ થયું હશે એ દિવસે ?
યૌવનકાળ આવ્યો . નાનો ભાઈ યુવાન થઈ ગયો , મોટા મોટા દેવો એની સેવામાં આવતાં હોય , મોટા મોટા રાજપુત્રો એની સાથે મૈત્રી રાખતા હોય . પરંતુ , એ નાનો ભાઈ પોતાના મોટા ભાઈને હંમેશા માન આપે , એ નાનો ભાઈ દરેક જગ્યાએ પોતાના મોટા ભાઈને આગળ જ કરે . ભગવાનનું તો આપણે માનસન્માન જાળવવાનું હોય . એને બદલે જો ભાવિના ભગવાન્ વર્તમાન સમયે આપણું માનસન્માન જાળવતા હોય એ વખતે કેવો અનુભવ થાય ? મહારાજા નંદીવર્ધન નિતનિત એ અનુભવ પામી રહ્યા હતા . પ્રેમ વધતો જતો હતો : દિન દુગુના , રાત ચોગુના . 
વિવાહ થયા . પ્રભુની દીકરી તરીકે પ્રિયદર્શના આવી . સમગ્ર પરિવારમાં ખુશી છવાઈ ગઈ . પરંતુ , નાનો ભાઈ વૈરાગ્યમાં ગળાડૂબ છે એ સમજાતું હતું . માબાપની વિદાય પછી એક દિવસ નાના ભાઈએ દીક્ષાની અનુમતિ માંગી હતી . મોટાભાઈએ તુરંત દીક્ષા લેવાની સ્વીકૃતિ દાખવી નહીં . નાના ભાઈએ બે વર્ષ સુધી સંસારમાં રહેવાનું સ્વીકાર્યું , તે પણ સાધકની અવસ્થામાં . સમય તો ઝડપથી વીતી ગયો અને એક દિવસ દીક્ષાભિષેક થયા ,  દીક્ષા કલ્યાણકનો વરઘોડો નીકળ્યો અને નાના ભાઈની દીક્ષા થઈ . નાના ભાઈની સાથે જંગલમાં જવાનો મોકો મળ્યો નહીં . નાના ભાઈને એકલા જ જવું હતું . નાનો ભાઈ પ્રસ્થાન કરી ગયો . મોટો ભાઈ એકલો રહી ગયો . જંગલમાં નાનો ભાઈ શું તપ કરે છે , કેવી રીતે વિહાર કરે છે , કેવાં કષ્ટો સહન કરે છે – એની ચિંતા રહેતી પરંતુ નાનો ભાઈ કોઈની સાથે સંપર્ક રાખવા માંગતો ન હતો . પાક્કા સમાચાર મળતા નહીં . દીક્ષાના સવા વરસ પછી એક બ્રાહ્મણ આવ્યો હતો . એના હાથમાં દીક્ષા વખતનું દેવદૂષ્ય હતું . તે એને નાના ભાઈ પાસેથી મળ્યું હતું . સિંહાસન પરથી ઊભા થઈને મોટા ભાઈએ એ દેવદૂષ્યનું સ્વાગત કર્યું હતું . એ બ્રાહ્મણ પાસેથી નાના ભાઈના સમાચાર મળ્યા તે સાંભળીને મોટા ભાઈની આંખોમાંથી આંસુઓનો વરસાદ વરસ્યો હતો . મોટાભાઈએ એક લાખ સુવર્ણમુદ્રા આપીને એ દેવદૂષ્ય ખરીદી લીધું હતું . જાણે નાના ભાઈએ મોટાભાઈને આશ્વાસન આપવા માટે જ આ દેવદૂષ્ય મોકલ્યું હતું . 
ભાઈની યાદમાં ભાઈ શું કરી શકે ? મોટાભાઈની યાદમાં નાનો ભાઈ કશુંક કરે એવી સંભાવના હતી નહીં કારણ કે નાનો ભાઈ તો વિરાગી હતો . પરંતુ નાના ભાઈની યાદમાં મોટાભાઈએ કશુંક કર્યું કેમ કે મોટો ભાઈ અતિશય રાગી હતો પોતાના નાના ભાઈ માટે . મોટા ભાઈએ નાના ભાઈની યાદમાં એક ભુવન વિમોહિની મૂર્તિ રચાવી હતી , વર્ધમાન કુમારની મૂર્તિ . એ મૂર્તિમાં કળા હતી , ઉર્જા હતી , અનુભૂતિ હતી , જીવંતતા હતી , સાક્ષાત્કારનો અહેસાસ હતો . 
દીક્ષા પછીના સાડાબાર વર્ષે ઋજુવાલિકાથી સમાચાર આવ્યા હતા કે નાના ભાઈને કેવળજ્ઞાન થઈ ગયું છે . પછી તરત એ સમાચાર મળ્યા કે નાના ભાઈએ પાવાપુરી જઈને ધર્મતીર્થની સ્થાપના કરી છે . નાનો ભાઈ તીર્થંકર બની જાય એ સમાચાર કેટલા બધા રોમાંચક હતા ? કેવળજ્ઞાન પછી થોડા જ સમયમાં તીર્થંકર બનેલા નાના ભાઈ ક્ષત્રિયકુંડ આવ્યા હતા . અહીં ૫૦૦ પુરુષો અને ૧૦૦૦ મહિલાઓની દીક્ષા થઈ હતી , તીર્થંકર બનેલા નાના ભાઈના હાથે . કદાચ , અહીં પહેલી વાર આટલી મોટી સંખ્યામાં દીક્ષા જોવા મળી હતી . મોટાભાઈએ તીર્થંકર બનેલા નાના ભાઈને પેલી મૂર્તિ દેખાડી હતી . કેવલ જ્ઞાની બનેલા નાના ભાઈએ અનંત જ્ઞાનની નજરે એ મૂર્તિને નિહાળી હતી . એ ક્ષણ મહારાજા નંદીવર્ધન માટે ઘણી જ મહત્ત્વપૂર્ણ હતી . 
તીર્થંકર બનેલા નાના ભાઈએ ક્ષત્રિયકુંડથી નીકળ્યા બાદ વિવિધ રાજ્યોમાં વિચરણ કર્યું હતું . ૩૦ વર્ષમાં એમના હાથે ૧૪૦૦૦ સાધુઓની અને ૩૬૦૦૦ સાધ્વીઓની દીક્ષા થઈ . તીર્થંકર બનેલા નાના ભાઈ બોત્તેર વરસની વયે પાવાપુરી પધાર્યા . મોટાભાઈ ૩૦ વર્ષમાં વારંવાર વંદન કરવા જતા , દેશના સાંભળવા બેસતા  , કોઈ અલગ જ ભક્તિભાવની અનુભૂતિ પામતા . આસો માસની અમાસ આવી . તીર્થંકર બનેલા નાના ભાઈનું મોક્ષગમન થયું . મોટાભાઈને સમાચાર મળ્યા . એ મારતા ઘોડે પાવાપુરી પહોંચ્યા . પ્રભુની નિશ્ચેતન કાયાને નિહાળીને મોટા ભાઈ પારાવાર શોકમાં નિમગ્ન થઈ ગયા . ન ખાવાનું સૂઝે ,  ન પીવાનું સૂઝે . ન બોલવાનું સૂઝે ,  બેસવાનું કે ઊંઘવાનું સૂઝે . સ્વયં ઇન્દ્ર મહારાજા સમજાવવા આવ્યા તોય એમનો શોક ઓછો ના થયો . અમાસની રાત વીતી ગઈ . તીર્થંકર બનેલા નાના ભાઈના અગ્નિસંસ્કાર સંપન્ન થયા . મોટા ભાઈ અંદરથી પૂરેપૂરા તૂટી ગયા . જીવનનો બધો જ રસ ઉડી ગયો . હવે ખાઈને શું કરવું છે , પીને શું કરવું છે અને જીવીને શું કરવું છે એવો ઉદ્વેગ એમને ઘેરી વળ્યો . આ પરિસ્થિતિમાં બહેન સુદર્શના દેવી મોટાભાઈને હાથ પકડીને પોતાના ઘરે લઈ ગયા . ખૂબબધું આશ્વાસન આપ્યું . હિંમત આપી . સાંત્વના આપી અને પરાણે ખાવાનું ખવડાવ્યું , પાણી પીવડાવ્યું . એક બહેન રડતી હોય અને ભાઈ એને શાંત કરે એવું દૃશ્ય દર વખતે જોવા મળે . પણ એક ભાઈ રડતો હોય અને બહેન એને શાંત કરે એવું દૃશ્ય પ્રથમ વાર જોવા મળ્યું હતું . ભાઈએ આદરેલો હતો ઉપવાસ , બહેને એ ઉપવાસનું પારણું કરાવ્યું હતું . એ પારણું કારતક સુદ બીજના દિવસે થયું હતું ,  આજના દિવસે . તેથી કારતક સુદ બીજને ભાઈ બીજ એવું નામ મળ્યું છે .
મહારાજા નંદીવર્ધનના બે મહાન્  ઉપકાર સમગ્ર ભારત ઉપર થયા છે . એક , એમણે લચ્છવાડમાં અપ્રતિમ પ્રતિમાનું સર્જન કરાવ્યું .  આજે પણ એ મૂર્તિ લાખો કરોડો‌ લોકોને અનિર્વચનીય શાંતિ આપે છે . બે , પાવાપુરીમાં દેખાતું વિશાલ જલ મંદિર એમની પરિકલ્પના છે . આપણે લછવાડના શ્રી વર્ધમાન સામે ભગવાનની મૂર્તિનાં દર્શન કરીને પવિત્ર આનંદની અનુભૂતિ કરીએ છીએ ત્યારે આ મૂર્તિના નિર્માતા તરીકે મહારાજા નંદીવર્ધનને યાદ કરતા નથી , એમને યાદ કરવા જોઈએ , ભાઈ બીજનો આ પહેલો સંદેશ છે . ૧૬ એકડના તળાવની વચ્ચે દીપી રહેલા જલમંદિરનાં દર્શન કરતી વખતે પણ આપણે અનેરો રોમાંચ અનુભવીએ છીએ . એ વખતે પણ જલમંદિરના નિર્માતા તરીકે મહારાજા નંદીવર્ધનને  આપણે યાદ કરતા નથી , આપણે એમને યાદ કરવા જોઈએ  , ભાઈ બીજનો આ બીજો સંદેશ છે . 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *