
૧ . પ્રતિભાવ આનંદ આપે છે
આદરણીય સૂરિભગવંતોનાં પત્રો આવે છે. કોઈ કૌશાંબીને લઈને રાજી છે. કોઈ ભદ્દિલપુર માટે પ્રસન્ન છે. કોઈ ઋજુવાલિકા અંગે આનંદિત છે. કોઈ પુરિમતાલ બાબતે હર્ષ અનુભવે છે. યાત્રાળુઓ મળે છે ત્યારે એમના પ્રતિભાવ ચમકાવી દે છે . એક ભાઈ મળેલા તે ઋજુવાલિકા વિશે બોલતા જ રહ્યા , બોલતા જ રહ્યા . મેં એમને પૂછ્યું કે તમારી પાસે આટલી બધી જાણકારી કેવી રીતે ? એમણે મને કહ્યું કે ‘હું કલ્યાણમાં જે લેખમાળા આવે છે એ વાંચું છું . તમે પણ કલ્યાણ મંગાવો અને લેખમાળા વાંચો , તમને બહુ કામ આવશે . ‘
એ દૃશ્ય ગજબ હતું . આ લેખમાળાના લેખકને જ એક યાત્રાળુ દ્વારા એવી સૂચના મળી રહી હતી કે તમે આ લેખમાળા વાંચો . મેરી બિલ્લી , મેરે કો મ્યાઉં . કેટલાય યાત્રાળુ એવા મળ્યા જેમણે કહ્યું કે અમે ઋજુવાલિકા આવવાના જ નહોતા . કલ્યાણમાં વાંચ્યું તો ખબર પડી કે ઋજુવાલિકાનો મહિમા મોટો છે એટલે કલ્યાણની લેખમાળાને લીધે ખાસ આવ્યા છીએ . અમુક યાત્રાળુઓ એવા પણ મળ્યા , જેમણે કહ્યું કે અમે અડધો પોણો કલાક લઈને જ આવવાના હતા . કલ્યાણમાં વાંચ્યું ત્યારે ઇતિહાસની ખબર પડી તો આખો દિવસ લઈને આવ્યા છીએ . કેટલાય પ્રવચનકાર મહાત્માઓ પોતાના વ્યાખ્યાનમાં આ લેખમાળાના વિષયને લઈને હોંશે હોંશે બોલે છે . કોઈ લેખક પોતાના લેખમાં આ લેખમાળાનું એકાદ ઉદ્ધરણ ટાંકે છે . કોઈ મહાત્મા આ લેખોનો સંગ્રહ કરે છે અને ભક્તોને વાંચવા આપે છે . કોઈ ભક્ત આ લેખોની ઝેરોક્ષ કોપી બનાવે છે અને મિત્રોને વાંચવા માટે આપે છે . જે ગુણાનુરાગી છે એમને સારું લાગે છે .
અમુક મહાનુભાવને ભૂલો જોવી હોય છે . લેખકને સીધો પત્ર લખવાની હિંમત એ બનાવી શકતા નથી . એ કોઈ ત્રીજી વ્યક્તિને પત્ર લખે છે . એમાં તથાકથિત ભૂલની ચર્ચા કરે છે અને તે વિગત એ ત્રીજી વ્યક્તિ મને પહોંચાડે એવી એ અપેક્ષા રાખે છે . આ જબરું કહેવાય . મને કહેવું છે તો મને સીધેસીધું કહી દેવું જોઈએ . કોઈ ત્રીજી વ્યક્તિ શું કામ વચ્ચે આવે ? પણ અમુક લોકોની માનસિકતા વિચિત્ર હોય છે . એમને ભૂલો દેખાય છે , ત્યારથી એમને એ ભૂલોનો પ્રચાર કરવાનું શૂરાતન ચડે છે . ભૂલ ખરેખર છે કે નહીં એ વિશે સૌથી પહેલાં સ્પષ્ટ થવું જોઈએ . ખરેખર ભૂલ હોય તો વ્યક્તિગત સંપર્ક કરવો જોઈએ . જો ભૂલ હોય જ નહીં તો પોતાને શીખવા મળશે . જો ભૂલ હશે તો જેમની ભૂલ હશે એમને શીખવા મળશે . ભૂલ થઈ છે કે નહીં એ નક્કી થાય એ પહેલાં જ ભૂલનો પ્રચાર કરવા માંડીએ એને પરિપક્વતાનો અભાવ કહેવાય . વાત એક ચોક્કસ તીર્થના એક ચોક્કસ ચરણ પાદુકાની છે . એ તીર્થમાં જે મુખ્ય સ્થાન છે ત્યાં જે ચરણ પાદુકા છે તે પ્રાચીન નથી . અને એ જ તીર્થમાં જે મુખ્ય સ્થાન નથી ત્યાં પ્રાચીન ચરણપાદુકા બિરાજમાન છે . મુખ્ય સ્થાન પાસે બધા આવે છે અને જે ચરણ પાદુકા મુખ્ય સ્થાને છે એને જ પ્રાચીન ચરણ પાદુકા માનીને વ્યવહાર કરે છે . તીર્થની ભક્તિની દૃષ્ટિએ વ્યવહાર સરસ રીતે ચાલી જ રહ્યો છે . ઉપેક્ષાની હાલતમાં પ્રાચીન ચરણ પાદુકા છે . પ્રાચીન ચરણપાદુકા એવી જગ્યાએ વિરાજમાન છે કે જ્યાંથી એમને મુખ્ય સ્થાને લાવવાનું થોડું અઘરું છે . આવી પરિસ્થિતિમાં મુખ્ય સ્થાને બિરાજમાન ચરણપાદુકાનું ગૌરવ અખંડ રહે અને એના થકી મુખ્ય સ્થાનનું ગૌરવ બનેલું રહે એ અગત્યનું છે . મુખ્ય સ્થાને પ્રાચીન ચરણ પાદુકા શું કામ નથી ? આ પ્રશ્ન વિચાર માંગી લે છે . મુખ્ય સ્થાને જે ચરણ પાદુકા છે તે નવા છે તો એ નવા ચરણપાદુકા મુખ્ય સ્થાને કેવી રીતે આવી ગયા આ પણ વિચાર માંગી લે એવો પ્રશ્ન છે . જ્યાં સુધી આખો મુદ્દો પ્રમાણપૂર્વક સ્પષ્ટ થાય નહીં ત્યાં સુધી આ વિષયમાં મોઘમ વાત કરવાની રહે . જે ભાગ્યશાળી ભૂલ જણાવવા ઉત્સુક છે એમને ફક્ત મુખ્ય સ્થાનમાં ચરણપાદુકા છે એટલી જ ખબર છે . એ સિવાયના સ્થાને બીજા પણ એક ચરણપાદુકા છે એનો એમને ખ્યાલ જ નથી . આવા અર્ધદગ્ધ મહાનુભાવો પણ પોતાની ભૂમિકાએ ચિત્ર વિચિત્ર પ્રતિભાવ મોકલતા રહે છે . આપણે હાથ જોડીને એ પ્રતિભાવને સ્વીકાર્ય લેખતાં રહેવાનું છે તે સમજાય છે . મારી પાસે બેય ચરણપાદુકાનો ફોટો છે . ફોટા પરથી જ સમજાય છે કે આ ચરણપાદુકા પ્રાચીન નથી અને આ ચરણપાદુકા પ્રાચીન છે . આપણે લોકો જ્યારે જે તીર્થમાં જઈએ છીએ ત્યારે ઊભા ઊભા જે જોવા મળી ગયું એટલું જોઈને નીકળી જઈએ છીએ . પછી જેટલું જોયું એના આધારે તીર્થના ઇતિહાસની ચર્ચા શરૂ કરીએ છીએ . તીર્થમાં ગયા પછી તીર્થમાં જે છે એ બધું જોવાની જવાબદારી આપણી છે . કશુંક જોવાનું રહી જાય તો એ આપણી કચાશ છે એ યાદ રાખવું જોઈએ . એ તીર્થમાં મુખ્ય સ્થાને કશું જ હતું નહીં એવી પણ પરિસ્થિતિ બનેલી . એ પરિસ્થિતિ આજે નથી . અત્યારે મુખ્ય સ્થાને ચરણપાદુકા છે અને એ ચરણપાદુકાએ મુખ્ય સ્થાનની ગરિમા વધારી છે એ ખુશીની વાત છે . એ તીર્થનું નામ જાહેર કરીને એનાં મુખ્ય સ્થાને બિરાજીત ચરણપાદુકાનું ગૌરવ ઘટાડવાની ફિલહાલ કોઈ આવશ્યકતા નથી .
૨ . કોલસાની ખાણનો વિસ્તાર : બેરમો
જંગલોથી હર્યુંભર્યું દેખાતું ઝારખંડ રાજ્ય કોલસાની ખાણો માટે મશહૂર છે . ભારત દેશનું કોયલા મંત્રાલય જણાવે છે કે દેશમાં ૪૨૬ કોયલા ખદાન એટલે કે કોલસાની ખાણ છે . એમાંથી ૧૧૯ કોયલા ખદાન ઝારખંડમાં છે . ત્રણ લાખ મજૂરોની એ જીવાદોરી છે . દર વરસે એકસો પંદર મેટ્રિક ટન કોલસો આ ખાણોમાંથી નીકળે છે . એક મેટ્રિક ટન એટલે એક હજાર કિલોગ્રામ . ૧૧૫ મેટ્રિક ટન એટલે કેટલા કિલો થાય એ જાતે ગણી લેજો . રાનીગંજ , ઝરીઆ , ચંદ્રપુરા , ધનબાદ , બોકારો , બેરમો , રામગઢ , કરણપુરા , ઔરંગા , હુટર , દલતોનગંજ , ઈખતોરી , છોપે , ગિરિડિહ , જૈન્તી , સહજોરી , કુન્ડિતકરિયા , બ્રહ્માણી , પછવારા , છૂપરભિટા , જીલવારી , હુરા . આ બધા વિસ્તારોમાં કોલસાની ખાણ છે . ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ સન્ ૧૭૭૪માં રાનીગંજમાં કોલસાની ખાણ ખોદી કાઢી . ત્યારથી માંડીને આજસુધી આ ઇલાકો કોલસા માટે જાણીતો છે . એમ કહેવાય છે કેટલીય ખાણના માલિક જૈન હતા . એમના લીધે ઝારખંડ રાજ્યના અમુક શહેરોમાં જૈન શેઠિયાઓનો દબદબો હતો . અમદાવાદમાં કાપડ બજાર અને સુરતમાં હીરાબજાર પર જે રીતે જૈનોનો કબજો છે એ રીતે ઝારખંડમાં કોલસાની ખાણ પર જૈનોની પકડ બનેલી હતી . જે કોલસાની ખાણનો માલિક હોય છે તેની પર લક્ષ્મીદેવી મહેરબાન હોય છે . જોકે , કોલસાની ખાણ સ્વયં એક પડકાર હોય છે . જમીન ખોદ્યા જ કરવાની . જમીનને ખોદવાના , ખોતરવાના મોટા મોટા મશીનો જમીનની અંદર ભમરડા લેતાં ફર્યા કરે . કાળી માટી , કાળો ધુમાડો અને કાળી ધૂળની વચ્ચે કામ કરનારા મજૂરિયાઓ પગથી લઈને માથા સુધી કાળા થઈ જાય . સેંકડો સેંકડો ફીટ નીચે મજૂરિયાઓ ઉતરે . અંદરથી કાચો માલ ઉઠાવે . તોતિંગ લિફ્ટ વાટે બહાર મોકલાવે . અંદર રેલવેના પાટા પાથર્યા હોય , એની ઉપર બે ટાયરવાળી ટ્રોલીઓ ભાગતી હોય એ કોલસાની હેરાફેરી કરે . માથા પર ટોર્ચ વાળો પટ્ટો બાંધીને મજૂરે અંદર જવાનું . અંદર લાઈટ ન હોય . અજવાળું ન હોય . પૂરતો ઓક્સિજન ન હોય . ગરમી અને અંધારું હોય એમાં કામ કરવાનું . ગમે ત્યારે સુરંગ ફૂટે , અંદરથી પહાડ તૂટે . કોઈ વાર મજૂરિયાઓ દટાઈ મરે . કોઈ વાર મોટા પહાડમાં ઊભી તિરાડ પડે , બહાર વહેતી કોઈ નદીના પાણી નીચે ટનલમાં ધસી આવે અને મજૂરિયાઓ ફસાઈ મરે . મજૂરિયાઓ જીવતાં હોય એમના ફેફસાં કમજોર પડે . કોલસાની ખાણનું કામકાજ કોઈ પણ રીતે સરળ નથી . ખાણના માલિક પાસે હજારો કે સેંકડો મજૂરિયાઓ હોય , મોટી મોટી મશીનરી હોય , કેટકેટલાય ખટારા હોય , સરકારી અને બીન સરકારી ખરીદારો હોય , મોટ્ટી ઓફિસ હોય , મજબૂત મેનેજમેન્ટ અને મેનેજર્સ હોય . ઠાઠમાઠ તો કોઈ રાજા મહારાજા જેવો હોય . ભારત દેશ આઝાદ થયો તે પછી પણ કોલસાની ખાણના માલિકોનો ઠાઠમાઠ ચાલતો રહ્યો . ઇન્દિરા ગાંધીએ ઈમરજન્સી લાદી ત્યારે કોલસાની ખાણના માલિકો પાસેથી એ ખાણની માલિકિયત છીનવાઈ ગઈ . આવું બન્યું તે પછી કોલસાની ખાણ મોટાભાગે સરકાર હસ્તક થઈ ગઈ અને ખાણના માલિકો અંગૂઠાછાપ બનીને બેઠા રહ્યા . જૈનોનો દબદબો હતો તેમાં ફરક આવી ગયો .
મારે આ કોલસાની ખાણનો વિસ્તાર જોવાનો બાકી હશે . વિ.સં.૨૦૮૦ની સાલમાં ચૈત્ર મહિને હું ઋજુવાલિકાથી બેરમો જવા નીકળ્યો . પહેલો મુકામ પિરટાન્ડ , બીજો મુકામ પારસનાથ , ત્રીજો મુકામ નવાદિહ અને ચોથા મુકામે બેરમો . નવાદિહથી ફુસરો થઈને બેરમો જવાય . ફુસરોથી કોલ માઈન એરિયા શરૂ થઈ જાય છે . હાઈવે રોડ છે . બંને તરફ નાની નાની ટેકરીઓ ઉપસેલી છે . રોડને અડીને ઘણાય લીલા ઝાડ ઉગે છે . હું નીકળ્યો એ દિવસે તો પાર વિનાના પતંગિયાઓ વૃક્ષે વૃક્ષે ઉડાઉડ કરી રહ્યા હતા . કોલ માઈનની પહેલી નિશાની એટલે ઘણા બધા ટ્રકની સતત ઘરઘરાટી , બીજી નિશાની એટલે રોડના બંને કિનારે પથરાયેલી કાળીમસ ધૂળ . કોલસાઓથી ઠાંસોઠાંસ લદાયેલી ટ્રક , કાળા ધુમાડા ઓકતી ઓકતી ભાગે ત્યારે એના ટાયરથી કાળીમસ ધૂળ હવામાં ચોતરફ ફેલાય . આપણે રોડ પરથી ચાલીને જતા હોઈએ તો આપણા સફેદ કપડાં , માથાના વાળ , હાથ પગ , નાક અને આંખ – આ બધું જ કાળી કાળી ધૂળથી ભરાઈ જાય . પસીનો લૂંછીએ ત્યારે કપડાં પર , પસીનાની સાથે કાળી રજના ધાબા ચોટેલા દેખાય . નાકના બેય બાકોરામાં એ કાળાશના ધબ્બા વળગે . અમુક જગ્યાએ ટેકરીમાંથી ધુમાડા નીકળતા હતા . પૂછ્યું તો ખબર પડી કે સેંકડો ફૂટ નીચે જમીનમાં કોલસાને આગ લાગેલી છે એના આ ધુમાડા છે . ખતરનાક વાત હતી . હું બેરમો પહોંચ્યો એ પહેલાં સામે લેવા ઘણા શ્રાવકો દૂર સુધી આવ્યા હતા . એમની લાગણી હૃદયને સ્પર્શી જાય તેવી હતી . રસ્તામાં પાણીના મોટા મોટા તળાવ દેખાતા હતા. કોલસાના વિસ્તારમાં આ તળાવ કેવી રીતે બન્યાં એવું મેં પૂછ્યું તો જાણવા મળ્યું કે આ તળાવ હતા જ નહીં . આ વપરાઈ ચૂકેલી કોલસાની ખાણ હતી . ખાણમાંથી જેટલો કોલસો નીકળવાનો હતો તે નીકળી ગયો એ પછી ખુલ્લી પડી રહેલી ખાણમાં ચોમાસી વરસાદના ભરપૂર પાણી ભરાયા એનાથી તળાવ બની ગયાં હતાં . જે તળાવ મેં સૌથી પહેલું જોયું એ એક હજાર ફૂટ ઊંડું હતું . તળાવમાં કોઈ અંદર પડે તો બહાર આવવાનું અઘરું થઈ જાય . અમુક ખાણમાં કામ ચાલુ હતું. કોલસાને ખોદીને ભેગો કરવામાં આવેલો એ મોટી મોટી ટ્રકમાં ભરાઈ રહ્યો હતો . કોલસા ખોદતા પહેલાં જે માટી નીકળે એના મોટા મોટા ટીંબા ખાણની આજુબાજુમાં ઉભા થયેલા હતા . રાત્રે પણ કામ ચાલતું હોય એટલે મોટી મોટી ટાવર લાઈટ્સ ઉભી હતી . ટ્રકના અવાજ કાન થકવી દેતા હતા . ટ્રકની દોડધામ શ્વાસમાં શ્યામ રજકણો ભરી દેતી હતી . દૂરથી સુરંગ ફૂટવાના અવાજ આવી રહ્યા હતા . અહીં આ રોજનું હતું . સુરંગથી જમીન ફાટે પછી જમીનની અંદર ખોદકામ થાય . અંદર ઉતરતાં ઉતરતાં છેવટે કોલસો મળે . ખોદકામ અટકે . ટ્રકના કાફલા આવે અને જમીનને લૂંટી લે . આ બધું રોડ પરથી સહજ રીતે દેખાતું હતું . બેરમો આવ્યું . દેરાસર ઉપાશ્રય બેય પહેલાં માળે છે . પ્રભુનાં દર્શન કર્યા .

ઉપાશ્રયમાં પગ મૂક્યો . સાફસફાઈ તો થઈ ચૂકી હતી પણ કોલસાના વિસ્તારની હવાએ બારીબારણા પર કાળી રજ પાથરેલી હતી એ દેખાતું હતું . મકાનમાં એવી ગરમી કે સહન ના થાય . આ ગરમીનું કારણ ઉનાળો હતો એનાથી વધારે કોલસાનો વિસ્તાર હતો . સાધુસાધ્વીજીઓએ બેરમો જેવા વિસ્તારમાં જવું હોય તો શિયાળામાં જ જવું જોઈએ જેથી ગરમી હેરાન ના કરે . ઉનાળામાં અહીં રહેવાનું ઘણું જ અઘરું છે . આ વાત ઉનાળામાં ત્યાં પહોંચ્યા પછી સમજાઈ . જોકે , બેરમોમાં જે થોડા જૈન પરિવાર છે એમની ગુરુભક્તિ ઘણી ઉત્તમ છે . હું થોડા દિવસ રહ્યો . આશ્ચર્યની વાત એ રહી કે ચૈત્ર સુદ તેરસે શ્રી મહાવીર પ્રભુનાં જન્મ કલ્યાણકના વરઘોડામાં કોઈ મુનિ ભગવંતની નિશ્રા હોય એવું દૃશ્ય બેરમોના ઘણાંય ભાવિકોએ પહેલીવાર જોયું . ચૈત્ર સુદ પૂનમે સિદ્ધચક્ર પૂજન રાખ્યું હતું . બેરમોવાસીઓએ ૨૦ વર્ષ પછી સિદ્ધચક્ર પૂજન જોયું હતું . આપણે સહુ મોટા સંઘોમાં થનારી મોટી સંખ્યાની આરાધનાઓ સાથે એકદમ જોડાઈ ગયા છીએ . નાનો સંઘ હોય , નાની સંખ્યા હોય ત્યાં થનારી આરાધનાનું વાતાવરણ સમાચારના લિસ્ટમાં આવે એવું આપણને લાગતું જ નથી . આપણે મોટા શ્રીમંતો અને મોટી સંખ્યા પર અવલંબિત થઈ ગયા છીએ એવું ક્યારેક જરૂર લાગે છે . પાંચ પંદર ઘરવાળા સંઘમાં કોઈ મહારાજ સાહેબ પધારે , રોકાય અને આરાધના કરાવે એવા દૃશ્ય વિરલ થઈ ગયા છે . મોટી ધર્મશાળાઓ અને મોટા સંઘોનું પુણ્ય મોટું છે તેવી ધારણા જાણેઅજાણે મજબૂત બનેલી છે .
બેરમોમાં દેરાસર કેવી રીતે બન્યું એની એક કથા છે . દેરાસરની બહાર તકતી પર એ લખાઈ છે . ગૃહજિનાલય જેવું નાનું નમણું દેરાસર છે . પંચધાતુના શ્રી સંભવનાથ પ્રભુ , મૂળનાયક ભગવાન્ છે . વિ. સં. ૨૦૧૦માં પ્રભુ આવ્યા . પ્રભુ એકલા નથી આવતા . પ્રભુ આવે એટલે પ્રભુના પ્રતિષ્ઠાચાર્ય આવે . પ્રભુ આવે એટલે શાસનની પ્રભાવના આવે . પ્રભુ આવે એટલે સંઘની ઉન્નતિ આવે . પ્રભુ આવે એટલે ઘણુંબધું આવે .
પ્રભુ અજીમગંજથી આવ્યા . પ્રભુના પ્રતિષ્ઠાચાર્ય ઝરિયાથી આવ્યા . ઝરિયામાં બહુ મોટો પ્રતિષ્ઠા મહોત્સવ થયો હતો . પ્રભુના પ્રતિષ્ઠાચાર્ય વિ.સં. ૨૦૦૮ની સાલમાં દિલ્હીમાં ચાતુર્માસ કરીને કલકત્તા પધાર્યા હતા . દિલ્હીમાં તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ , વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને અન્ય રાજનેતાઓએ એમની પાસેથી ભરપૂર જ્ઞાનપ્રસાદી મેળવી હતી . દિલ્હીમાં ચાતુર્માસ કર્યાબાદ એમણે વિ.સં. ૨૦૦૯ની સાલમાં કલકત્તામાં ચાતુર્માસ કર્યું હતું . કલકત્તામાં અવિસ્મરણીય શાસનપ્રભાવનાઓ થઈ હતી . કેનીંગ સ્ટ્રીટમાં શ્રી મહાવીર સ્વામી જિનાલય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ યાદગાર બન્યો હતો . આ મહોત્સવમાં જ ઝરિયાના અભિનવ જિનાલયમાં બિરાજિત થનારા શ્રી મહાવીર સ્વામી ભગવાનની પ્રતિમાના પણ અંજનશલાકાવિધાન સંપન્ન થયા હતા . કલકત્તાથી તેઓ વિવિધ કલ્યાણકતીર્થોની યાત્રા કરીને ઝરિયા પધાર્યા હતા . કલકત્તામાં પણ વીરવિક્રમ પ્રાસાદમાં પ્રતિષ્ઠા થઈ હતી . ઝરિયામાં પણ વીરવિક્રમ પ્રાસાદમાં પ્રતિષ્ઠા થઈ હતી . તે પછી કરકેન્દ્ર , પુટકી , કુમારડીહ , નોર્થ કેસરગડા કોલિયારી , ભંડારીદહ , ફુસરો આ ક્ષેત્રોને લાભ આપીને , પ્રભુના પ્રતિષ્ઠાચાર્ય પ્રભુના આદેશથી પ્રભુ માટે બેરમો પધાર્યા હતા . સામૈયાનો દિવસ હતો વૈશાખ વદ બીજ . મૂળનાયક ભગવાન્ શ્રી સંભવનાથ પ્રભુ વૈશાખ વદ છઠે બેરમો પધાર્યા . વૈશાખ વદ સાતમે સવારે ૫.૦૦ વાગે પ્રભુનો જિનાલયમાં પ્રવેશ થયો અને સવારે ૭.૦૦ વાગે પ્રભુની મંગલ પ્રતિષ્ઠા સંપન્ન થઈ . પંચ કલ્યાણક પૂજા , મોહનીય કર્મ નિવારણ પૂજા , અંતરાય કર્મ નિવારણ પૂજા , નવપદજીની પૂજા , પાટલા પૂજન , અઢાર અભિષેક , શાંતિસ્નાત્ર અને સત્તરભેદી પૂજા થકી અઠ્ઠાઈ મહોત્સવ ઉજવાયો હતો . વિધિકારક હતા અમદાવાદના ભોગીલાલ ગુલાબચંદ અને ગાયક કલાકાર હતા અમદાવાદના જ ગજાનન ઠાકુર .
દ્વારોદ્ઘાટનના દિવસે વ્યાખ્યાન ઉપાશ્રયમાં થયું એમાં સકળ શ્રી સંઘ ઉપસ્થિત હતો . તદુપરાંત સ્થાનકવાસી પરંપરાના શ્રી જગજીવનજી મહારાજ પણ આવ્યા હતા . પ્રભુના પ્રતિષ્ઠાચાર્યની ધર્મદેશનામાં ચાર વસ્તુઓના ત્યાગ કરવાની વિશેષ પ્રેરણા કરી હતી : રાત્રિભોજન ત્યાગ , કંદમૂળ ત્યાગ , વાસી આહાર ત્યાગ અને દ્વિદળ ભક્ષણ ત્યાગ . શ્રોતાજનોએ પ્રેરણાનો યથા સંભવ અમલ કરવાની ભાવના બનાવી હતી . વૈશાખ વદ નોમે પ્રતિષ્ઠાચાર્ય સૂરિભગવંતે પાવાપુરી તરફ પ્રસ્થાન આદરી દીધું હતું . બેરમો પાસે હવે પોતાના ભગવાન્ હતા , પોતાનું જિનાલય હતું . વિ.સં.૨૦૮૦ની સાલમાં હું બેરમોના ઉપાશ્રય અને દેરાસરની દીવાલ પર એ પ્રતિષ્ઠાચાર્યનું નામ વાંચી રહ્યો હતો . લખ્યું હતું કે પૂ. આચાર્ય શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ કી નિશ્રા મેં શ્રી સંભવનાથ દાદા કી પ્રતિષ્ઠા સંવત્ ૨૦૧૦ વૈસાખ વદી ૭ તા. ૨પ – પ – ૧૯૫૪ કી હુઈ જિસ કી પ્રતિષ્ઠા કા લાભ બેરમો નિવાસી શ્રી મણીલાલ રાઘવજી કોઠારી ને લિયા .

આપણા ગુરુનું નામ ઉપાશ્રયની દીવાલ પર વર્ષો પહેલાં કોતરાયેલું હોય તે જોઈને કેટલો બધો રાજીપો થાય ? પૂર્વ ભારતના નાનામોટા સંઘોમાં જ્યારે ગુરુનિશ્રાનો લાભ નહીં જેવો મળતો ત્યારે તેઓ ગામે ગામે પધાર્યા . રોકાયા . ધર્મ સમજાવ્યો , શીખવાડ્યો . નાસ્તિકને આસ્તિક બનાવ્યા. અધાર્મિકને ધાર્મિક બનાવ્યા . ઢીલા હતા એમને મજબૂત બનાવ્યા . શૂન્યમાંથી સર્જન થયું હોય એવા પરિવર્તન આણ્યાં . જ્યાં ભગવાન્ નહોતા ત્યાં ભગવાન્ આવ્યા . જ્યાં દેરાસર નહોતા ત્યાં દેરાસર બન્યાં . ધર્મ નહોતો ત્યાં ધર્મ આવ્યો . સંસ્કાર નહોતા ત્યાં સંસ્કાર આવ્યા . જાગૃતિ નહોતી ત્યાં જાગૃતિ આવી . જે જીરણ હતું એનો ઉદ્ધાર થયો . જ્યાં કોઈ આવતું નહોતું ત્યાં ઘણાબધા લોકો આવતા થયા . આ મહાપુરુષ અંગ્રેજોના જમાનામાં વ્યાખ્યાન આપતા અને એ વખતેય તેમની સભામાં દસ દસ હજાર લોકો ભેગા થતા . આવું વરસો સુધી બનેલું છે. અંગ્રેજોએ ભારત છોડતાં પહેલાં ભારતને જે જે નુકસાન કરવાનું વિચારેલું તેમ જ ભારત છોડતી વખતે ભારતને જે જે નુકસાન કરીને જવાનું વિચારેલું એ આ મહાપુરુષ જાણતા હતા . એમણે અંગ્રેજોની છાયામાં આવી ગયેલા કાળા અંગ્રેજ જેવા ભારતીય લોકોને બુદ્ધિભ્રમથી બચાવવાનો ભરપૂર પુરુષાર્થ કર્યો હતો . અમુક લોકો અંગ્રેજોની છાયામાંથી બહાર આવીને ભારતીયતા સાથે જોડાઈ ગયા હતા . અગણિત આત્માઓ અંગ્રેજોની છાયામાં આવવાથી બચી ગયા હતા . દીક્ષા , બાળદીક્ષા , પ્રાચીન શાસ્ત્રોની ગરિમા , ગુરુ તત્ત્વનું ગૌરવ , આર્ય દેશની પરલોક પ્રધાન સંસ્કૃતિને ભૂંસી નાંખવા માટે ગોરા અંગ્રેજો અને કાળા અંગ્રેજો જે જે કારસ્તાન રચતા હતા તેની સામે એ જૂના જમાનામાં જે મહાપુરુષાર્થ થયેલો એમાં અન્ય મહાપુરુષોની સાથે સાથે આ મહાપુરુષનું પણ બહુ જ મોટું યોગદાન રહ્યું છે . એ યોગદાનને કારણે આજની તારીખે પણ લાખો લોકો આ મહાપુરુષને ઘણો મોટો આદર આપે છે .
આજકાલ અમુક મહાનુભાવો આ મહાપુરુષ વિશે ઘસાતું બોલવાનું અને ઘસાતું લખવાનું ચાલુ રાખે છે . એમને આ મહાપુરુષ માટે આદર નથી તે દેખાય છે. એમની માનસિકતા પણ સમજાય છે . જેમની માટે મને આદર નથી એમને લાખો લોકો શું કામ આદર આપે છે ? આ એમની પીડા છે . એવું કશુંક બોલવું કે લખવું જેથી એમની માટેનો આદરભાવ તૂટે – આમ એ વિચારી લે છે . કોઈક મુદ્દાને પકડીને , કોઈક પરિસ્થિતિને યાદ રાખીને તેઓ આમતેમ બોલે છે અથવા લખે છે . એ મહાનુભાવને બોલવાની સ્વતંત્રતા મળી છે. એ બોલે . એ મહાનુભાવને લખવાની સ્વતંત્રતા મળી છે . એ લખે . એમના લખવાથી કે બોલવાથી જૂના ઇતિહાસ બદલાવાના નથી . અંગ્રેજોના જમાનામાં અને ભારત સ્વતંત્ર થયું એ પછીના પ્રારંભિક વર્ષોમાં ધર્મની સુરક્ષા માટે આ મહાપુરુષે જે કર્યું છે એને આગામી દરેક પેઢી હંમેશ માટે આદરપૂર્વક યાદ કરતી રહેશે . કોઈ કંઈક બોલી દે એટલામાત્રથી કે કોઈ કંઈક લખી દે એટલામાત્રથી આ મહાપુરુષની ગરિમા લવલેશ પણ ઓછી થવાની નથી . પૂર્વ ભારતની ભૂમિ પર એમની ઉપકારધારા આજે પણ જીવિત છે . તે જોવાનું ગમે છે .
૩ . રાણકપુર મહાતીર્થના પ્રતિષ્ઠાચાર્ય
રાણકપુર મહાતીર્થ વિશ્વપ્રસિદ્ધ છે . વિક્રમ સંવત્ ૧૪૩૪ માં રાણકપુરનાં દેરાસરનું બાંધકામ શરૂ થયું અને વિક્રમ સંવત્ ૧૪૯૬માં પ્રતિષ્ઠા થઈ એમ શેઠ શ્રી આણંદજી કલ્યાણજી પેઢીની ડોક્યુમેન્ટરી જણાવે છે . રાણકપુર મહાતીર્થના પ્રતિષ્ઠાચાર્ય તરીકે તપાગચ્છીય પૂજ્યપાદ શ્રી સોમસુંદર સૂરીશ્વરજી મહારાજાનું નામ અજર અમર છે. બેરમોના ૭૦ વર્ષ જૂના દેરાસરમાં શાંતિનાથ ભગવાનની પંચતીર્થી પ્રતિમા છે . એ ઘણી જ પ્રાચીન છે એવું સમજાયું એટલે એ પ્રતિમાના લેખને ઉકેલવાની કોશિશ કરી . પ્રતિમા ઉપર પાછળની તરફ જે લખ્યું છે એ બધું તો ન સમજાયું . પણ એ પ્રતિમા ઉપર જે સંવત્ લખી છે એ સમજાઈ અને એ પ્રતિમા ઉપર જે પ્રતિષ્ઠાચાર્યનું નામ લખ્યું છે એ નામ સમજાયું . વિક્રમ સંવત્ ૧૪૯૪ કે ૧૪૯૬ કે ૧૪૯૮ની સાલ લખેલી છે . પ્રતિષ્ઠાચાર્ય તરીકે તપાગચ્છીય શ્રી સોમસુંદર સૂરીશ્વરજી મહારાજાનું નામ લખેલું છે . આ સાલ જો ૧૪૯૬ જ હોય તો મૂર્તિની પ્રતિષ્ઠાનો સમય અને રાણકપુર દેરાસરની પ્રતિષ્ઠાનો સમય એકસમાન ગણાય . સોનામાં સુગંધ જેવી વાત એ છે કે જે ગુરુ ભગવંત પંચતીર્થી મૂર્તિના પ્રતિષ્ઠાચાર્ય છે તે જ ગુરુ ભગવંત રાણકપુર દેરાસરના પ્રતિષ્ઠાચાર્ય છે . આ તો કમાલ થઈ . સાવ ખોબા જેવડા બેરમો ગામમાં તપાગચ્છાધિરાજ શ્રી સોમસુંદરસૂરીશ્વરજી મહારાજાનાં જાણે કે દર્શન કરવા મળી ગયા .

આપણે લોકો તેરસના પ્રતિક્રમણમાં જે સંતિકરં સ્તોત્ર બોલીએ છીએ એ શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજાએ લખ્યું છે . એમના ગુરુ હતા શ્રી સોમસુંદરસૂરીશ્વરજી મહારાજા . દેરાસર ૭૦ વરસ પ્રાચીન અને પ્રતિમા આશરે ૫૮૪ વરસ પ્રાચીન . બેરમોમાં આવો ઇતિહાસ વસે છે એની કલ્પના બેરમોવાળાને પણ નહોતી . નગરશેઠ ગિરિશભાઈને આ ખબર આપી . એ રાજી રાજી થઈ ગયા . નાનકડા ગામમાં આપણે લોકો જતા નથી . જઈએ તો રોકાતા નથી . નાના ગામનું ગૌરવ સાચવવામાં આપણે કમજોર સાબિત થયા છીએ . જ્યાં ગૌરવ સાચવતા જ નથી આવડતું ત્યાં ગૌરવ વધારવાની આવડત તો આપણામાં ક્યાંથી આવવાની ? જે જે સાધુસાધ્વીજી શિખરજી આવે છે તે બધા બેરમો આવતા નથી . જે જે બેરમો આવતા નથી તે આ રાણકપુર પ્રતિષ્ઠાકાલીન પ્રતિમાના દર્શનથી વંચિત રહે છે . આ નુકસાન જેને જેને થયું છે તે જિંદગીભર પસ્તાશે . હું આ પસ્તાવાથી બચી ગયો છું . ધન્ય ઘડી , ધન્ય ભાગ્ય .
અલબત્ત , બેરમોની કહાની લાંબી છે . ગામની આજુબાજુમાં કોલસાની ખાણો ઘણી છે . એમાં સુરંગના વિસ્ફોટ થયા જ કરે છે . એવા વિસ્ફોટને લીધે એકવાર દેરાસરના મકાનના પાયા હલી ગયા . વિ . સં . ૨૦૪૦માં પ્રભુની પ્રતિષ્ઠા બીજી વાર કરવી પડી . બીજી વારની પ્રતિષ્ઠા પૂજ્ય મુનિરાજ શ્રી હેમરત્ન વિજયજી મહારાજ સાહેબના હાથે સંપન્ન થઈ . હું બેરમો વધારે રહેવાનો હતો . પરંતુ ગરમી અસહ્ય હતી અને કોલસાવાળી હવાને લીધે મને એલર્જીના શરદી ખાંસી ઉધરસ થઈ ગયાં . બેરમો જેવી જ ગરમી અને બેરમો જેવી જ કોલસા વાળી હવા , બોકારો – ધનબાદ – ઝરીયામાં છે એવી ખબર પડી એટલે બેરમોથી નીકળીને હું ચૂપચાપ પાછો ઋજુવાલિકા આવી ગયો . કોલસાવાળા વિસ્તારમાં વસેલા આપણા દરેક જૈન સંઘમાં જવાનું ઘણું મન છે પણ હજી સુધી જવાનું બાકી જ છે .

જૂના જમાનાની બાંધણીવાળો ડેલો બેરમો સંઘની ઈમારતને રોનકદાર બનાવે છે . એ વખતની પદ્ધતિ મુજબ દિવાલોમાં જ સ્લોગન બનાવેલા છે . બેરમો જૈન મંદિરના શિખર પર આંબાની ડાળો પથરાયેલી હોય છે . ધજાની આસપાસ કેરીઓ ઝૂલતી દેખાય છે . ભગવાનનાં ચૈત્ય ઉપર હંમેશ માટે આમ્રવૃક્ષની છાયા બનેલી રહે છે .

દેરાસરના મકાનની પાછળ તરફ ફૂલના કુંડાઓ છે એમાં ખૂબબધાં ગુલાબ આવે છે . ત્યાંની છત પર ઘણાબધા સફેદ કબૂતરોએ ઘર બનાવેલાં છે . દેરાસરના પૂજારીજી વરસોથી પ્રભુભક્તિ કરે છે . તેમને ભગવાનના ઘણાય ચમત્કારી અનુભવો થાય છે . એમનાં મોઢે એ અનુભવો સાંભળવાની મજા અનેરી છે . સંઘ પાસે પોતાની પાલખી અને ઘણી સામગ્રી છે . એક જમાનો હતો જ્યારે બેરમોમાં જૈનોના ઘણાં ઘર હતાં . વ્યાખ્યાનમાં એવી ભીડ થતી ઉપાશ્રયનો હોલ નાનો પડી જતો . બેરમો ગામ દામોદર નદીના કિનારે વસેલું છે . દામોદર નદી આસનસોલ પાસે પહોંચે છે ત્યારે એમાં ઋજુવાલિકા નદી આત્મસમર્પણ કરી દે છે . એટલે દામોદર નદી સાથે ઘરોબો બનેલો જ રહે છે .

Leave a Reply