
આપણે જે દેરાસરમાં પૂજા કરીએ છીએ એની આજુબાજુમાં રહેનારા જે લોકો જૈન હોય તે જૈન સંઘમાં ગણના પામે છે , બાકીના જે લોકો છે તે જૈન નથી . આપણું કોઈપણ મોટું અનુષ્ઠાન જૈન સંઘના સભ્યોને કેન્દ્રમાં રાખીને થતું હોય છે . જે લોકો જૈન નથી એ જૈન ધર્મ માટે અહોભાવ પામે , આત્મીયતા બનાવે એવું કોઈ ટાર્ગેટ આપણે રાખતા હોતા નથી . જૈન સંઘ માટે આપણે જે કરીએ તે ભક્તિ છે . જે જૈન સંઘમાં નથી એની માટે આપણે જે કરીએ તેને ઔચિત્યદાન , પ્રીતિદાન કે અનુકંપાદાનની શ્રેણિમાં મૂકી શકાય . ભક્તિનું પાત્ર એ ઊંચું પાત્ર છે . એમની ભક્તિ સ્વરૂપે જે કરીએ તે મોટા પાયે કરીએ એવો આપણો અભિગમ હોય છે અને એ અભિગમ સાચો પણ છે . જે ભક્તિનું પાત્ર નથી કે ઊંચું પાત્ર નથી એની માટે સાવ થોડું કરી લેવાનું એવો આપણો અભિગમ બને એ સ્વાભાવિક છે . પરંતુ આ પાત્ર ઊંચું છે અને આ પાત્ર નીચું છે એ રીતે જોવાને બદલે બીજી રીતે પણ પરિસ્થિતિને જોઈ શકાય છે . એમ વિચારો કે જે ધર્મના પ્રેમી બન્યા નથી એ ધર્મના પ્રેમી બને એ માટે પણ હું ઘણો પુરુષાર્થ કરી શકું છું . જે ધર્મનો પ્રેમી નથી એ આજે આપણા લીધે ધર્મનો પ્રેમી બની શકે છે . આવતીકાલે એ ધર્માત્મા બની શકે છે . આગળ જતાં એ મોક્ષના માર્ગે દોડતો થઈ જશે . આપણે તો બસ , શરૂઆત કરાવવાની છે .
જે જૈન નથી એને આપણે અજૈન કે જૈનેતર કહીએ છીએ . આ બંને સંબોધન દ્વારા એમની માટે તુચ્છતાના ભાવ ન બને એનો વિવેક આપણે જાળવવાનો છે . જાણીતા કટાર લેખક સૌરભ શાહ લખતા હોય છે કે ‘ જૈનો , જે જૈન નથી એમને અજૈન કહે છે કે જૈનેતર કહે છે . જૈનોએ વિચારવું જોઈએ કે જે જૈન નથી એમને આ બે સંબોધન ગમે છે કે નહીં ? વૈષ્ણવો જૈનને અવૈષ્ણવ કે વૈષ્ણવેતર કહીને બોલાવતા નથી . અજૈન અને જૈનેતર આ બે શબ્દને બદલે બીજો કયો પોઝિટિવ શબ્દ વાપરી શકીએ , એ આપણે શોધવાનું છે . સભામાં ફક્ત જૈનો જ બેઠા હોય ત્યારે આ બે શબ્દો ઠીક છે . વાચક તરીકેનું ટાર્ગેટ ઓડિયન્સ ફક્ત જૈનો જ હોય ત્યારે આ બે સંબોધન ઓકે છે . બાકી જાહેર સભાઓમાં કે જાહેર મુખપત્રોમાં આ શબ્દો વાપરવાનું ટાળવું જોઈએ .
આપણા વિસ્તારમાં એવા સજ્જનો પણ રહે છે જેમનાં મનમાં જૈન ધર્મ માટે આદર જાગવાનો બાકી છે . આપણા વિસ્તારમાં એવા ગરીબો પણ વસે છે જેમનાં મનમાં જૈન ધર્મ માટે અહોભાવ જાગવાનો બાકી છે . એ ધનસંપન્ન પણ હોય , એ ડોક્ટર વકીલ કે સીએ પણ હોય . એ પાડોશી પણ હોય અને દુકાનદાર પણ હોય . એ વોચમેન પણ હોય , રસોઈયો પણ હોય , સર્વન્ટ પણ હોય , લેબર પણ હોય .
આપણાં ઘરે લગ્ન હોય ત્યારે ઘરના બધા જ પરિવારજનો માટે નવા કપડાં સીવાય છે . સાથેસાથે ઘરના નોકર અને નોકરાણી માટે પણ નવાં કપડાં આવે છે . આખું કુટુંબ નવાં કપડાં પહેરે અને નોકરનોકરાણી જૂનાં કપડામાં ફરતા હોય કેવું લાગે ? આપણને આ વ્યવહાર સમજાય છે . ધર્મ સંબંધી જાહેર પ્રસંગનું પણ કંઈક આવું જ સમજવાનું છે . આ અવસરમાં ધર્માત્માઓ આવે એ સહજ છે , આ અવસરમાં ધર્મમાં પ્રવેશ ન પામેલા જીવો પણ જોડાય એવું કંઈક કરવાનું છે .
આપણા દેરાસરઉપાશ્રયની બાજુમાં રહેનારા સુખી સંપન્ન લોકો , આપણા ધર્મના અનુરાગી બનેલા રહે એવો વ્યવહાર આપણા તરફથી થવો જોઈએ . એમને શું આપવું , એમને કેવી રીતે જોડવા , એમનાં અંતરમાં અહોભાવ કેવી રીતે જગાડવો એ આપણા હાથમાં છે . આપણા પડોશી વર્ષોથી આપણી આજુબાજુમાં રહેતા હોય અને એ આપણા ધર્મના અનુરાગી ના બન્યા હોય એ આપણી નિષ્ફળતા છે . આપણો પાડોશી જૈન બને કે ન બને , જૈન ધર્મનો પ્રેમી તો બનવો જ જોઈએ .
આપણા વિસ્તારમાં રહેનારા મધ્યમવર્ગી પરિવારોની સંખ્યા મોટી હશે . એ રોજેરોજ દેરાસરઉપાશ્રયમાં આવે એવું બનવાનું નથી . એમને રોજેરોજ દેરાસરઉપાશ્રયમાં કંઈક થઈ રહ્યું છે એ દેખાતું હશે , સમજાતું હશે . એમને આપણા ધર્મ માટે અણગમો થાય એવું કરવાનું હોય નહીં . એ આપણા ધર્મ માટે આત્મીયતા અનુભવે એવું કંઈક જરૂર કરી શકાય . મોટો પ્રસંગ આવે ત્યારે દેરાસરઉપાશ્રયની આજુબાજુમાં રહેનારા મધ્યમ વર્ગી પરિવારો માટે એવું કશુંક કરાય કે એ લોકો દેરાસર ઉપાશ્રય માટે આદરભાવ , અહોભાવ બનાવેલો જ રાખે .
આપણા વિસ્તારમાં નિયમિત રીતે જોવા મળતા ગરીબોનાં મનમાં આપણાં દેરાસર ઉપાશ્રય માટે અહોભાવ હોય એવું બની જ શકે છે . આ નાના માણસો છે , એમનાં મન નાના હોય એવું પણ બને . આપણો વ્યવહાર એવો હોય કે એમનાં મનમાં પણ દેવ અને ગુરુ માટે પૂજ્યતાના ભાવ હોય જ .
હવે વાત રહી છે નોકરોની . નોકરો દેરાસરઉપાશ્રયમાં પણ કામ કરતા હોય છે , નોકરો આપણાં ઘરમાં પણ કામ કરતા હોય છે . આપણે ત્યાં કામ કરનારા નોકરો આપણા ધર્મના પ્રેમી હોય એવું ક્યારે બને ? આપણે એમનાં મનમાં ધર્મનો અહોભાવ જગાડવાની મહેનત કરી હોય ત્યારે . આપણાં સંસ્થાનોમાં કે આપણાં ઘરમાં કે આપણી ઓફિસોમાં , દુકાનોમાં કામ કરવા વાળા નોકર એ જાણતા હોય છે કે આપણા શેઠ જૈન છે . એ નોકરો સ્વયં જૈન હોતા નથી . એમને શેઠમાં જૈન ધર્મ દેખાય છે . એમની સાથે શેઠ જે વ્યવહાર કરે છે એને કારણે એમને જૈન ધર્મ સારો લાગે છે . કોઈ મોટો પ્રસંગ ઉપસ્થિત થયો હોય ત્યારે આ નોકરોને ધાર્મિક પ્રસંગના ઉપલક્ષ્યમાં કંઈક સ્પેશિયલ મળવું જોઈએ . જે મળે તે એ રીતે મળે કે એમને આપણા ભગવાન્ સારા લાગે , આપણા ગુરુ સારા લાગે , આપણો ધર્મ સારો લાગે . એમનાં મનમાં દેવગુરુધર્મ માટે અહોભાવ જાગે અને એમનો એ અહોભાવ બનેલો જ રહે એ માટે આપણે સતત એમને ધાર્મિક પ્રસંગે કશુંક વિશિષ્ટ રીતે આપતા રહીએ . આ છે અનુકંપાદાન .
આપણા પરિવારમાં કોઈ પણ ધાર્મિક ઉજવણીનો પ્રસંગ ઉપસ્થિત થાય ત્યારે ઔચિત્ય પાલન સ્વરૂપે એવું કશુંક અવશ્ય કરવું જોઈએ જેનાથી આપણી આસપાસમાં રહેનારા શ્રીમંત અને મધ્યમવર્ગી સજ્જનો , આપણા ધર્મ માટે આદરભાવ અનુભવે . યાદ રાખજો , શ્રીમંત અને મધ્યમ વર્ગીને દયાદાનની આવશ્યકતા નથી . એમનાં મનમાં આપણા ધર્મ માટે અહોભાવ જાગે એવું કશુંક કરવાનું છે . જે કરીએ તે એ રીતે કરીએ કે આપણું ગૌરવ જળવાય અને એમનું સન્માન જળવાય . ઔચિત્યપાલન એ રીતે જ કરવાનું કે શ્રીમંત કે મધ્યમવર્ગી માણસને એવું ન લાગે કે કશુંક વધારે પડતું થઈ રહ્યું છે .
આપણા પરિવારમાં કોઈ પણ ધાર્મિક ઉજવણીનો પ્રસંગ ઉપસ્થિત થાય ત્યારે અનુકંપા દાન સ્વરૂપે એવું કશુંક અવશ્ય કરવું જોઈએ જેનાથી આપણા વિસ્તારમાં રહેનારા ગરીબો અને આપણે ત્યાં કામ કરનારા નોકરો , આપણા ધર્મ માટે વિશેષ આદરભાવ અનુભવે . અનુકંપાદાન એ રીતે થવું જોઈએ કે સાધારણ અવસ્થાનો આદમી ખરેખર સંતૃપ્તિ અનુભવે .
સો વાતની એક વાત : આપણા વિસ્તારમાં વસી રહેલા સજ્જનોનાં અને ગરીબોનાં મનમાં આપણા ધર્મ માટે અહોભાવ બને અને એમનો એ અહોભાવ વધતો જ રહે , એનું ધ્યાન આપણે રાખવાનું છે . એમનો પોતાનો ધર્મ હશે જ . એમને પોતાના ધર્મ માટે અભિરુચિ હશે જ . આપણા સુંદર વ્યવહારને કારણે એમને આપણા ધર્મ માટે ઊંડી અભિરુચિ થવી જોઈએ . જે જૈન નથી એ જૈન ધર્મનો પ્રેમી બને એવું કરવાનું છે . એ માટે ઔચિત્યપાલન પણ કરી શકાય અને અનુકંપાદાન પણ કરી શકાય .
Leave a Reply