Press ESC to close

અનુમોદનાને ધન સાથે ના જોડવી જોઈએ : અનુમોદનાને ધર્મ સાથે જોડવી જોઈએ .

સંસાર સુખ દુઃખનો ખેલ છે . સંસારમાં ક્યાંક સુખનો મેળો છે , ક્યાંક દુઃખનું તાંડવ છે . ક્યાંક મહેલ છે , ક્યાંક ઝૂંપડી છે . ક્યાંક હોટેલ છે , ક્યાંક હોસ્પિટલ છે . ક્યાંક સંતાનનો જન્મ છે , ક્યાંક વડીલના અગ્નિસંસ્કાર છે . ક્યાંક ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો છે , ક્યાંક શેરબજારનો આંક એકદમ નીચે છે . વૈરાગ્યશતક અને શાંતસુધારસ જેવા ગ્રંથોમાં સુખ અને દુઃખના ખેલનું વર્ણન એકદમ રોચક શબ્દોમાં કરવામાં આવ્યું છે . 

ધર્મગ્રંથો કહે છે કે જીવન એ પુણ્ય અને પાપનો ખેલ છે .  સંસારનું પોતાનું કોઈ પુણ્ય નથી . સંસારનો પોતાનું કોઈ પાપ નથી . પણ સંસારમાં જે જે લોકો છે એમનાં પોતપોતાનાં પુણ્ય છે , પોતપોતાનાં પાપ છે .  પુણ્યના આધારે સુખ બને છે જે સંસારમાં દેખાય છે . પાપના આધારે દુઃખ બને છે તે સંસારમાં દેખાય છે . પુણ્ય ઓછું પડે ત્યારે સુખ ઓછું થાય છે .  પાપ નબળાં પડે ત્યારે દુઃખ ઓછાં થાય  છે . જીવન પુણ્ય અને પાપના આધારે ચાલે છે . પુણ્ય વધારે હશે તો સુખ વધારે મળશે ,  પુણ્ય ઓછું હશે તો સુખ ઓછું પડશે ,  પુણ્ય હશે નહીં તો સુખ મળશે નહીં . પાપનો ઉદય મોટો હશે તો દુઃખ મોટા આવશે . સાધારણ પાપનો ઉદય હશે તો સાધારણ દુઃખ આવશે . પાપનો ઉદય હશે નહીં તો દુઃખ આવશે નહીં . તમને જ્યાં સુખ દેખાય છે ત્યાં સુખની પાછળ પુણ્ય બેઠું છે . તમને જ્યાં દુઃખ દેખાય છે ત્યાં દુઃખની પાછળ પાપ બેઠું છે . આમાં મીનમેખનો ફરક નથી .

કોઈ નાનો કે મોટો ધર્મ કરે છે એની પાછળ એનું પુણ્ય કામ કરતું હોય છે . જૂના જમાનામાં સ્વદ્રવ્યથી સંપૂર્ણ જિનાલયનું નિર્માણ કરાવનાર મહાપુરુષો ઘણા થયા : આબુમાં વિમલમંત્રી . તારંગામાં રાજા કુમારપાળ . રાણકપુરમાં ધરણાશા . માંડવગઢમાં પેથડ શાહ . સિદ્ધગિરિ પર મોતીશા . આવાં સ્વદ્રવ્યનિર્મિત જિનાલય અનેક તીર્થોમાં જોવા મળે છે . એમાં પુષ્કળ ધનસમર્પણ થયું હોય છે . સ્વદ્રવ્યથી સંપૂર્ણ જિનાલયનું નિર્માણ કરાવનાર આજે પણ જોવા મળે છે . આબુની તળેટીમાં ભેરુતારકતીર્થ . રાજસ્થાનમાં પાવાપુરીતીર્થ .  ગુજરાતમાં  મણિલક્ષ્મી તીર્થ . ઋજુવાલિકામાં નંદપ્રભા પ્રાસાદ . ભૂમિ સંપાદનથી માંડીને જિનાલય નિર્માણ , મૂર્તિ રચના , પ્રતિષ્ઠા , ભાવિસુરક્ષા સુધીનું તમામ કાર્ય એક જ પરિવાર સંભાળે . આ આસાન નથી હોતું . એક ઘર બનાવવામાં કે ઓફિસ બનાવવામાં પણ ઘણા પૈસા લાગી જાય છે અને પછી ઘર કે ઓફિસ ચલાવવા પડે એના પૈસા અલગ . લોકો ફેક્ટરી અને કંપની પણ બનાવે છે . એમાં કેટલો બધો પૈસો લાગી જાય છે ? ઓફિસ , ફેક્ટરી કે કંપનીને વ્યવસાયિક રીતે ચલાવવામાં આવે છે . એના આધારે એ લોકોનાં ઘર પણ ચાલે છે . મંદિર અને તીર્થ વ્યવસાયિક હોતા નથી . આ રીતે મંદિર કે તીર્થનું સંચાલન પણ ઘણી પરીક્ષા લેતું હોય છે . સ્વદ્રવ્યથી જિનાલયનિર્માણ કે તીર્થનિર્માણ કરનારા પરિવારને જોયા બાદ આપણને આવનારા વિચારો કેવા હોય છે ? તમે જોજો . 

આમણે આટલું મોટું તીર્થ કે મંદિર બનાવ્યું છે તે ઘણાબધા પૈસા વિના બને નહીં એ હકીકત છે . દેખીતી વાત છે કે આમની પાસે પૈસા ઘણા છે . આટલા પૈસા આમની પાસે આવ્યા ક્યાંથી ? આમનો વ્યવસાય શું હશે ? આ કેટલા વ્યવસાય કરતા હશે ? આ બહુ મોટા ઉદ્યોગપતિ છે – ધનપતિ છે , આ સંસારની સફળ વ્યક્તિઓમાંથી એક છે : આ જે વિચારો બને છે તે પૈસાની અનુમોદનાના વિચાર હોય છે . કોઈએ પૈસાની ભરપૂર કમાણી કરી છે એની અનુમોદના . કોઈની પાસે ઘણા પૈસા છે એની અનુમોદના . આ રીતે ધર્મનાં સ્થાન જોતાં જોતાં પણ અનુમોદના ફક્ત પૈસાની જ થતી હોય તો આપણું લક્ષ્ય અસ્પષ્ટ છે એ કબૂલવું રહ્યું . 

 પ્રશ્ન થાય કે પૈસાની અનુમોદના ન હોય એ વાત બરોબર છે પરંતુ પૈસા વપરાયા છે , સારી જગ્યાએ વપરાયા છે એ રીતે એની અનુમોદના જરૂર હોય ? એમાં શું વાંધો ? આનો જવાબ સમજી લો . અહોભાવ અને અનુમોદનામાં થનારી વિચાર પ્રક્રિયા લાંબી હોય છે . કોઈને  ખૂબ બધા પૈસા મળે છે તો એની પાછળ પુણ્ય કામ કરતું હોય છે . એ પુણ્ય આવે છે પ્રભુની ભક્તિમાંથી . જ્યારે પણ કોઈ પણ વ્યક્તિનાં જીવનમાં તમને પૈસા દેખાય તો એના પૈસાથી અહોભાવિત થઈ જશો એવું બનશે . પણ એ વિચાર પ્રક્રિયા અધૂરી ગણાશે . કોઈપણ વ્યક્તિનાં જીવનમાં પૈસા દેખાય ત્યારે વિચારવું એ જોઈએ કે આમણે પૂર્વભવમાં ભગવાનની ભક્તિ ઘણી કરી હશે , એને કારણે આમણે પુણ્ય ઘણું બાંધ્યું હશે . એ પુણ્યનો ઉદય થયો છે તેથી આમની પાસે આટલા પૈસા આવ્યા છે . આ વિચારમાં પૈસાની અનુમોદના ઓછી છે , પૂર્વભવની પ્રભુભક્તિની અનુમોદના વધારે છે .  તમારો અહોભાવ ભગવાન્ સાથે જોડાયેલો રહ્યો એટલે તમારા અહોભાવની પવિત્રતા બનેલી રહી . જ્યાં પુણ્ય છે ત્યાં પ્રભુની કૃપા છે એમાં કોઈ સંદેહ નથી .

કોઈ શ્રીમંત છે તે કારણથી તમે અહોભાવિત થયા તો આ અહોભાવ નબળો છે . કોઈ શ્રીમંતે મોટું સુકૃત કર્યું છે એ જોઈને તમને તે શ્રીમંતે પૂર્વભવમાં કેટલી ઉત્તમ પ્રભુભક્તિ કરી હશે એમ યાદ આવે ત્યારે તમે શ્રીમંતનાં ધનની અનુમોદના નથી કરતા , તમે શ્રીમંતના પૂર્વભવનાં સુકૃતની અનુમોદના કરો છો . તમારું ધ્યાન આ ભવ કે પૂર્વ ભવનાં સુકૃત સાથે જોડાયું તે અહોભાવનું ઔચિત્ય છે . કોઈ સ્વદ્રવ્યનિર્મિત તીર્થ કે જિનાલય જોવા મળે ત્યારે વિચારજો કે આ તીર્થના નિર્માતા કે જિનાલયના નિર્માતાએ પૂર્વભવમાં બહુ ભક્તિ કરી છે , એ પાક્કી વાત છે . એ ભક્તિમાંથી બનેલું પુણ્ય આજે આ રીતે ઉદયમાં આવેલું છે . જ્યાં પુણ્ય છે ત્યાં પ્રભુની કૃપા છે . જેણે પ્રભુની ભક્તિ કરી હોય એની પર પ્રભુની કૃપા વરસતી જ હોય . સ્વદ્રવ્યનિર્મિત તીર્થ કે જિનાલયને જોઈને નિર્માતાના પૂર્વભવનાં સુકૃતની અનુમોદના કરીએ અને તેના વર્તમાન ભવના ભક્તિભાવની અનુમોદના કરીએ , આ રીતે સુકૃત અને ભક્તિ પર જ ફોકસ રાખીએ તો અનુમોદનાની પવિત્રતા જળવાયેલી રહે છે .

અન્ય ધર્માત્મામાં ઉત્તમ ધર્મ જોયા બાદ બે કામ કરો : એક ,  એના પૂર્વભવનાં સુકૃતની ભરપૂર અનુમોદના કરો . બે , એના વર્તમાન ભવનાં સુકૃતમાંથી પ્રેરણા લો અને સ્વયં સુકૃત કરવાનો સંકલ્પ કરો . એનાં સુકૃતની અનુમોદના થાય અને એની પાસેથી સુકૃત કરવાની પ્રેરણા મળે , આ બે કામ આપણી અનુમોદનાને પવિત્ર બનાવી દે છે . 

અહોભાવ અને અનુમોદના , બે શબ્દ છે : અમુક પ્રવૃત્તિ , અમુક ઉપલબ્ધિ એવી હોય છે જેને જોયા બાદ આપણને એવું જ લાગે કે આપણે આ ક્યારેય નહીં કરી શકીએ . આ પ્રકારની લાગણીને અહોભાવ કહી શકાય છે . જોકે , અમુક પ્રવૃત્તિઓ અને ઉપલબ્ધિઓ એવી પણ હોય છે ,  જેને જોઈને આપણને એવું લાગે કે મેં પ્રયત્ન કર્યો હોત તો હું પણ અહીં સુધી પહોંચી શક્યો હોત . મેં મહેનત ના કરી. મેં હિંમત ના કરી એટલે હું રહી ગયો . એમણે મહેનત કરી , એમણે હિંમત કરી એટલે એ ફાવી ગયા . હું રહી ગયો અને એ ફાવી ગયા એવી લાગણીને અનુમોદના કહી શકાય . કોઈ શ્રીમંત હોય અને એ શ્રીમંત છે એ કારણસર આપણને એ મહાન્ લાગતો હોય તો આપણો દૃષ્ટિકોણ ખોટો છે . જે પોતાનાં પુણ્યનો સદુપયોગ કરે છે અનુમોદનાપાત્ર છે . જે પોતાનાં પુણ્યનો સદુપયોગ કરતા નથી તે ગમે તેટલા શ્રીમંત હોય તો પણ દયાપાત્ર છે . સમીકરણ સ્પષ્ટ છે .

સાધકે ક્યારેય પણ સાંસારિક ઉપલબ્ધિની અનુમોદના કરવાની હોય નહીં . સાધક કોઈનાં સંસારી સુખની ઈર્ષ્યા કરતો નથી . સાધક કોઈનાં સંસારી સુખને જોઈને એવું વિચારતો નથી કે એ આવી ગયા અને અમે રહી ગયા . સાધકનાં મનમાં સંસારી સુખ અને સંસારી સફળતા સંબંધી અહોભાવ કે અનુમોદના હોતા જ નથી આથી અંતિમ ક્ષણોમાં સાધકનાં મનમાં સંસારી સુખ કે સફળતા સંબંધી સંસ્કારો હોતા નથી . સંપૂર્ણ જીવન દરમિયાન સાધકનાં મનમાં સૌ આરાધકોની ધાર્મિક અને આધ્યાત્મિક ઉપલબ્ધિ સંબંધી અહોભાવ કે અનુમોદના અપરંપાર હોય છે . આથી અંતિમ ક્ષણોમાં સાધકનાં મનમાં ધાર્મિક અને આધ્યાત્મિક સ્પંદનો બેય કાંઠે છલકાતાં હોય છે . સાધક પરલોકના પંથે પ્રસ્થાન કરે છે ત્યારે તેનાં મનમાં અસત્ અહોભાવ અને અસત્ અનુમોદના હોતી નથી . સાધકનું મહાપ્રસ્થાન થાય છે ત્યારે એનું મન સત્ અહોભાવ અને સત્ અનુમોદનાથી છલોછલ ભરેલું હોય છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *