તમારો આત્મવિશ્વાસ કમજોર હશે ત્યારે તમને કશુંક ગુમાવી દેવાનો ડર લાગવા માંડશે . તમારી ધારણા મોટી હશે . તમારી અપેક્ષા ઘણી હશે . એકંદરે બધું સમુંસૂતરું ચાલતું હશે . ત્યાં અચાનક કશુંક જુદું બનશે . તમને ફાળ પડશે . આમ બનવું ના જોઈએ , તેવું તમે વિચારશો . તમે અંદરથી ગભરાશો અને બહારથી ગુસ્સો કરશો . તમારી માટે આ સમસ્યા એક પડકાર હશે . તમે જે નક્કી કર્યું છે તેનાથી અલગ કાંઈક બને ત્યારે તમે તેવું બનવા દેવા તૈયાર નથી હોતા . દીકરાને ડૉક્ટર બનાવવાની ઈચ્છા રાખનારો બાપ , દીકરાને પત્રકાર બનવા નથી દેતો . દૂધીનું શાક બનાવવાનું નક્કી કરી બેસેલી સાસુ , વહુને તુરિયાનું શાક બનાવવા નથી દેતી .
નક્કી કરેલા નિર્ણયોને વડીલો છોડી શકતા નથી . અધિકાર ભાવ કામ કરે છે . તમારાથી નાની ઉંમરના યુવાન પુત્રોની સ્વતંત્રતામાં તમે હસ્તક્ષેપ કરતા રહો છો . પોતાના ધંધામાં સેટ થઈ ગયેલા મહેનતુ માણસને કોઈ વડીલો સલાહ આપતા જ રહે છે . પોતાના વિના બીજાને ચાલવાનું નથી તેનો અહં અને પોતાની બુદ્ધિ પ્રમાણે બીજા નહીં ચાલે તો એમને નુકશાન થશે આવો મિથ્યા આત્મવિશ્વાસ . તમને પૂછ્યા વિના કરાયેલું સારું કામ તમને પ્રશંસા કરવા લાયક લાગતું નથી . બીજા ભૂલ ન કરે તો તમે તમારી મોટાઈ બતાવી શકતા નથી . મમતાની ખોટી ગાંઠ એ જ અધિકાર ભાવના છે .
તમને જેમની પર લાગણી હોય તેમની પર હક જમાવવાનું ગમે છે . તમે જેમને સાચવો છો , તેમને તમારા ઉપકારોની યાદ આપો છો , તમે . તમને તમારી કિંમતનું , તમારાં મહત્ત્વનું વધારે પડતું ભાન થઈ ચૂક્યું છે . તમને લાગે કે તમે તટસ્થ છો અને તમે સારી રીતે વિચારી રહ્યા છો . હકીકતમાં તમે તમારી રૂઢ વિચારશૈલીના શિકાર બની ચૂક્યા છો . તમારો દંભ તમને સમજાતો નથી . તમારી જીદ તમને સચ્ચાઈનો પ્રેમ લાગે છે . તમે સામા માણસને જવાબદારીપૂર્વક સંભાળી રહ્યા છો , તેવું તમે માની લો છો . જાતે ને જાતે તમે પરિસ્થિતિ પર તમારી પકડ જમાવી રાખવા માંગો છો .
તમે તમારી કાર્યક્ષમતા દ્વારા બધા કામો પર કબજો જમાવી લેવાનું વિચારો છો . તમારી પાસે અનુભવ ઓછો હોવા છતાં તમે દરેક વિષયોમાં પોતાને એકદમ નિષ્ણાત માની લો છો . તમે કબજો ગુમાવવા તૈયાર નથી . તમે બીજાને સુધારવા અને બદલવા એટલા બધા તત્પર છો કે તમારા સ્વભાવમાં જે સુધારવા અને બદલવા જેવું છે તે તમે યાદ કરી શકતા નથી . તમે તો બસ , તમારા હાથમાં જ બધું રાખવા માંગો છો .
તમને ન પુછાય તે ખોટું જ હોય છે . તમને ન ગમે તે ખરાબ જ હોય છે . તમારું જે ન માને તે નકામો જ હોય છે . તમારું જે ન સાંભળે તે બદમાશ જ હોય છે . તમારા અભિપ્રાય મુજબની દુનિયા તમને ખપે છે . તમારી મુઠ્ઠીમાં કેદ રહે તેવા માણસો જ તમને ચાલે છે . તમારા કરતાં બીજા વધુ સફળ હોય તે તમારાથી ખમાતું નથી . તમારી ગેરહાજરીમાં બધું સહી સલામત રહી શકે છે તે તમે માની નથી શકતા . તમારી દુનિયાના તમે મંડૂક છે .
તમને બીજાનું સારું દેખાતું નથી . તમારાથી બીજાનું સારું સંભળાતું નથી . તમે સતત ડરો છો કે મારો કબજો જતો રહેશે . તમે સતત વિચારો છો કે મારા વિના એમને ચાલવું ના જોઈએ . તમે તમારી તાકાતને સમજ્યા વિના બીજાની તાકાતને ઓછી આંક્યા કરો છો . તમારું ગજું ન હોય ત્યાં માથું મારો છો . તમે સંબંધોમાં સંઘર્ષ અને સફળતામાં સ્પર્ધા અનુભવતા રહો છો . તમને મુક્ત મને વિચારવાનું આવડ્યું નથી . તમને ઉદારદિલે પ્રશંસા કરવાનું ગમ્યું નથી . તમને તમારી મોટાઈ સિવાય બીજું કશું ખપતું નથી . તમને તમારા વર્ચસ્વને જમાવી રાખવા સિવાય બીજો કોઈ વિચાર જ સૂઝતો નથી .
તમે અધિકાર ભાવના રાખો છો . તમે કડક નથી , પણ કડવા છો . તમે સ્પષ્ટ નથી , પણ આકરા છો . તમે મજબૂત નથી , પણ જડસુ છો . તમે તમારા અસંતુષ્ટ અભિમાનનો ભોગ બની ચુક્યા છો . અધિકારભાવના એ મનોમન ચાલતું મહાપાપ છે .
Leave a Reply