Press ESC to close

પંદરમી ઓગસ્ટે ઉલ્લાલની જૈન રાણી અબ્બક્કા ચૌટાને પણ‌ યાદ કરજો : શી વોઝ ફર્સ્ટ ફિમેલ ફ્રીડમ ફાઈટર ઓફ ઈન્ડિયા

પંદરમી ઓગસ્ટે ભારત દેશને વિદેશી આક્રાંતાઓથી મુક્ત કરવા માટે જેમણે લડાઇ લડી , જેમણે કુરબાની આપી એમને યાદ કરવામાં આવે છે . જેમણે અંગ્રેજોના હાથે લાઠીના માર ખાધા , અંગ્રેજોની બંદૂકમાંથી નીકળેલી ગોળીઓ ઝીલી અને જેમને અંગ્રેજોએ ફાંસીએ ચડાવી દીધા એવા સ્વતંત્રતાવીરોને પંદરમી ઓગસ્ટે વિશેષ રીતે યાદ કરવામાં આવે છે . Dictionary Of Martyrs પુસ્તક અનુસાર સન્ ૧૮૫૭ની ૧૯૪૭ સુધીમાં આશરે ૧૩૫૦૦ લોકો આ દેશને આઝાદી મળે એ માટે શહીદ થઈ ગયા હતા . આમાં હિંદુ મુસલમાન શીખ પારસી જૈન બધા એકસાથે મળીને લડ્યા હતા . સૌ એકબીજાને સાથે રાખીને લડ્યા હતા . પોતાને અલગથી મહાન્ બતાવવાનો વિચાર કે પોતે કશુંક કર્યું છે એવી પ્રદર્શનવૃત્તિનો ભાવ કોઈનાં મનમાં નહોતો . સૌ એકસાથે હતા . સૌ એકબીજાના હતા . આઝાદીની લડત માટે સૌ એક થઈ ગયા હતા .

સન્ ૧૫૨૫માં પણ એક સ્વતંત્રતા સેનાની આવી હતી . સન્ ૧૫૭૦ સુધી એ જીવી . એ સમયે દેશમાં અંગ્રેજોનો પગ પેસારો થયો નહોતો પરંતુ સન્ ૧૪૯૮માં પુર્તગાલ વાસ્કો ડિ ગામા ભારત આવ્યો તે પછી તરત પરદેશી પોર્ટુગિઝ લોકોએ દમણ , મુંબઈ , ગોવા , કાલિકટ અને બીજાપુર પર સત્તા જમાવી દીધી હતી . એમનો કબજો દરિયાઈ રસ્તા પર રહેતો .

એમની સામેની લડત આ જૈન રાણી લડી હતી . ભારતના કર્ણાટક રાજ્યમાં મેંગલોરનો દરિયાકિનારો જોવા મળે છે . ત્યાંથી નજીકમાં ઉલ્લાલ શહેર છે .

ત્યાંની રાજપુત્રી હતી અબ્બક્કા ચૌટા . જૈન માબાપની જૈન દીકરી . વીતરાગપૂજા અને નવકારજાપના સંસ્કાર એને મળેલા . ઘોડેસવારી , તલવારબાજી , ભાલાફેંક અને ધનુષ્યબાણની પ્રશિક્ષા એ બાળપણથી લેતી રહી હતી . રાજનીતિની દરેક વિધામાં એ માહેર બની . ચૌટાવંશીય રાજ્ય વ્યવસ્થામાં માતૃવંશીય પરંપરા ( અલિયા સંતાન ) ચાલતી આથી દીકરાને બદલે દીકરીને રાજ્યગાદીએ બેસાડતા . અબ્બક્કા જુવાન થઈ ત્યારે એને ઉલ્લાલ શહેરની રાણી બનવાનું ગૌરવ મળ્યું . અબક્કાના મામા તિરુમલાય રાયે એને યુદ્ધ અને રાજનીતિના પાઠ પઢાવી ગાદીએ બેસાડી હતી . અબ્બક્કા રાણી ન્યાયપ્રેમી અને પ્રજાવત્સલ હતી આથી એને ઉત્કૃષ્ટ લોકપ્રિયતા હાંસિલ થઈ હતી .

અરબી સમુદ્રના રસ્તે આવતા જતા જહાજો દ્વારા ઉલ્લાલ રાજ્યના ચોખા , મસાલા અને કપડાં મધ્યપૂર્વના દેશોમાં વેચાણ માટે જતા . ઉલ્લાલ રાજ્યના જહાજમાં જે માલસામાન રહેતો તે જોઈ પોર્ટુગિઝનો ડોળો ઉલ્લાલ પર પડ્યો . પોર્ટુગિઝ લોકોએ ઉલ્લાલના વ્યાપારીઓ પાસે સસ્તાભાવે માલસામાન માંગ્યો . રાણી અબ્બક્કા આની માટે તૈયાર નહોતી . એણે પોર્ટુગિઝને વેપારીઓ સામાન નહીં વેંચે એવો આદેશ જારી કર્યો અને પોર્ટુગિઝને ઉલ્લાલથી ખદેડી મૂક્યા . પોર્ટુગિઝ નારાજ થયા . એમણે ઉલ્લાલને કબજે કરવાનો કારસો વારંવાર રચ્યો . રાણીએ એમને દાદ ન આપી .

દરમ્યાન અબ્બક્કાના વિવાહ મેંગલોરના રાજા લક્ષમપ્પા બંગા અંગરાજ સાથે થયા . એ વિવાહ લાંબા ચાલ્યા નહીં . અબક્કા રાણીને રાજાએ વિવાહ વખતે જે જે દાગીના આપ્યા હતા એ બધા જ દાગીના રાજાના હાથમાં મૂકીને રાણી પાછી ઉલ્લાલ આવી ગઈ . રાણીએ પતિનો સંગ હંમેશ માટે છોડી દીધો.

સન્ ૧૫૫૫માં પોર્ટુગિઝ સેનાએ દરિયાઈ રસ્તેથી ઉલ્લાલ પર હુમલો કરવા આવી . સેનાપતિ હતો : એડમિરલ ડોન અલ્વરો સિલ્વેરિયા . એણે અબક્કા રાણીને ડરાવવાની કોશિશ કરીને ટેક્સ માંગ્યો . અબ્બક્કા રાણીએ એનો ઇન્કાર કર્યો . પછી થયું એક ઘમાસાણ યુદ્ધ . પોર્ટુગિઝ સેનાને પોતાની જીત થશે એની સો ટકા ખાતરી હતી. પણ રાણી અબ્બક્કાની સેનાએ પોર્ટુગિઝ સેનાને ધોળે દિવસે તારા દેખાડી દીધા . ઉલ્લાલ પાસે સમુદ્ર યુદ્ધના મહારથી ઘણા હતા . પોર્ટુગિઝ સેના પર ઉલ્લાલના સૈનિકોએ અગ્નિબાણની ઘોર વર્ષા કરી . પોર્ટુગિઝ સેના દુમ દબાવીને ભાગી ગઈ . આ પછી પોર્ટુગિઝ સેના અવારનવાર હુમલા કરતી રહી અને દર વખતે માર ખાઈને પાછી ફરતી રહી . વરસો સુધી સંઘર્ષ ચાલ્યો . રાણી અબ્બક્કા હારી નહીં . પોર્ટુગિઝ જીતી શક્યા નહીં .

સન્ ૧૫૫૭માં પોર્ટુગિઝ સેનાએ મેંગલોર શહેર જીતી લીધું . ત્યાં કબજો જમાવ્યો . ઉલ્લાલને હરાવવાની કોશિશ પોર્ટુગિઝ સેનાએ ચાલુ જ રાખી . સફળતા ના મળી . સન્ ૧૫૬૮માં પુર્તગાલ વોઇસરોય એેન્તોનિયો નોરોન્હવાએ , જનરલ જોવાઓ પિક્સોટોને મોટી સેના સાથે ઉલ્લાલ પર હુમલો કરવા મોકલ્યો . દેખીતી રીતે આ હુમલો સફળ રહ્યો . ઉલ્લાલ હાર્યું . અબ્બક્કા રાણી ભાગી નીકળી . પોર્ટુગિઝ સેનાએે ઉલ્લાલ શહેર પર કબજો જમાવ્યો . પરંતુ રાતે મોટો ખેલો થઈ ગયો . અબ્બક્કા રાણીએ ૨૦૦ સૈનિકો સાથે રાતના સમયે વળતો હુમલો કર્યો . પોર્ટુગિઝ સેના ઉલ્લાલ છોડીને ભાગી નીકળી . જનરલ જોવાઓ પિક્સોટો માર્યો ગયો . આક્રોશે ભરાયેલી અબ્બક્કા રાણીએ તત્કાળ મેંગલોર પર મોટી સેના સાથે ચડાઈ કરી . રાણીએ મેંગલોર પર હકૂમત જમાવીને બેસેલા પોર્ટુગિઝ શાસકને હરાવ્યો અને મેંગલોરમાંથી પોર્ટુગિઝ સેનાને ભગાડી મૂકી . રાણી અબ્બક્કાનું આ પરાક્રમ જોઈને ઉલ્લાલ તેમ જ મેંગલોરની જનતાએ રાણીને અભયા રાણી એવું બિરૂદ આપ્યું હતું .

જો કે , રાણીનો પૂર્વ પતિ લક્ષમપ્પા , ઘરનો ભેદી દુશ્મન નીકળ્યો . એને રાણી અબ્બક્કાની માટે ઘણી ઈર્ષા થતી હતી . એણે રાણી અબ્બક્કાને પરાજીત કરવા માટે પોર્ટુગિઝ શાસકો સાથે હાથ મિલાવ્યા . એ પછી જે લડાઈ થઈ એમાં પાપી પતિના પ્રતાપે રાણી અબક્કા હારી અને પોર્ટુગિઝ સેનાના હાથમાં જીવતેજીવત પકડાઈ . એને જેલ થઈ . એની પર ભયાનક અત્યાચાર થયા . એ ઝૂકી નહીં . એણે વિદ્રોહ ચાલુ રાખ્યો . અને સન્ ૧૫૭૦માં એક દિવસ સમાચાર આવ્યા કે રાણી અબ્બક્કાનું આયુષ્ય સમાપ્ત થઈ ગયું છે . ઉલ્લાલની પ્રજા એ દિવસે છાતીફાટ રોઈ હતી .

+ ઉલ્લાલ નગરમાં અને આસપાસના રાજ્યવિસ્તારમાં અબક્કા રાણી માટે અનેક લોકગીતો અને લોકકથાઓ પ્રચલિત છે . ઉલ્લાલ નગરમાં કર્ણાટક રાજ્ય સરકાર દ્વારા રાણી અબક્કાની વિશાલ કાંસ્ય પ્રતિમા સ્થાપવામાં આવી છે તેમ જ જ્યાં આ પ્રતિમા છે એ સ્થાનને રાણી ચોક નામ આપવામાં આવ્યું છે . ઉલ્લાલ નગરમાં આજે પણ વીર રાણી અબક્કા દિવસ મનાવવામાં આવે છે તેમ જ વિશિષ્ટ મહિલાને વીર રાણી અબક્કા પુરસ્કાર આપવામાં આવે છે .

+ રાણી અબક્કાને ભારત દેશની સર્વ પ્રથમ મહિલા સ્વતંત્રતા સેનાની હોવાનું સન્માન મળેલું છે . સન્ ૨૦૧૨માં ભારતીય તટ રક્ષક બળે એક પ્રચંડ સમુદ્રી જહાજને અબક્કા ચૌટાનું નામ આપ્યું છે . કર્ણાટકમાં તુલુનાડુ મ્યુઝિયમ ખાસ રાણી અબક્કાની યાદમાં બનેલું છે .

+ ભારત દેશની ભૂમિ પર વિદેશી સત્તા હોવી જ ના જોઈએ એવી ખુમારીથી રોમ રોમને ભરી લેનારી અભયા રાણી અબક્કાને કર્ણાટક રાજ્યમાં પારંપરિક યક્ષગાન દ્વારા ભરપૂર સન્માન મળે છે તેમ જ ઉલ્લાલ નગરમાં વીર રાણી અબક્કા ઉત્સવનું આયોજન દર વરસે થાય છે .

ભારતીય સ્વતંત્રતા સંગ્રામની વાતો કરતી વખતે અભયા રાણી અબક્કાને પણ યાદ કરવી જોઈએ . એ શ્રી આદિનાથ ભગવાન્ અને શ્રી પાર્શ્વનાથ ભગવાનની પરમ ઉપાસિકા હતી .

Comments (1)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *