Press ESC to close

સાક્ષાત્ આર્હન્ત્યની ભૂમિ : ક્ષત્રિયકુંડ મહાતીર્થ

આજનો દિવસ અલૌકિક . આજે પ્રભુ વીરની જન્મભૂમિની સ્પર્શના થઈ . જીવનના એકેએક શ્વાસ ઉપર જે પ્રભુનો હક છે એ પ્રભુએ આ ભૂમિ પર પ્રથમ શ્વાસ લીધો . જીવનની એકેએક ક્ષણ સાથે જે પ્રભુએ ચૈતન્ય જોડ્યું છે તે પ્રભુનાં જીવનની પ્રથમ ક્ષણ કલ્યાણક બનીને અહીં ઉગી . દેવાનંદાજીની કુક્ષિમાં કાયાનો પ્રથમ અંકુર ફૂટ્યો એ ક્ષણ એટલે ચ્યવન . ત્રિશલાજીની કુક્ષિએથી માનવલોકમાં પ્રથમ પહેલી વાર પગ મૂક્યો એ ક્ષણ તે જન્મ . એક ક્ષણમાં આપણે ખુદને પણ સુખ આપી શકતા નથી અને અન્ય કોઈને પણ નહીં . પ્રભુએ એક ક્ષણમાં ત્રણ લોકને સુખ આપી દીધું . જે આખી દુનિયાને સુખ આપી શકે એ સ્વયં કેટલોબધો સુખી હશે ? અને જે અવતરણની કે જન્મની પહેલી જ ક્ષણે આટલો બધો સુખી હોય તે આગળનાં જીવનમાં કેટલો મોટો સુખી થયો હશે ? સમજવાની વાત છે . ક્ષત્રિયકુંડની ભૂમિએ અનંત સુખની પ્રસ્તાવના તરીકે આર્હન્ત્યનું સુખ જોયું છે . આર્હન્ત્ય એટલે અપરિસીમ ઊર્જા . ક્ષત્રિયકુંડની ભૂમિમાં એ ઉર્જા છે . આર્હન્ત્ય એટલે પરમોત્કૃષ્ટ પવિત્રતા . ક્ષત્રિયકુંડની ભૂમિમાં એ પવિત્રતા છે . આર્હન્ત્ય એટલે અધધધધધધધ શક્તિ . ક્ષત્રિયકુંડની ભૂમિમાં એ શક્તિ છે . આર્હન્ત્ય એટલે સકલ વિશ્વવ્યાપિની કરૂણા . ક્ષત્રિયકુંડની ભૂમિમાં એ કરુણાનાં જીવંત સ્પંદન છે . આર્હન્ત્ય એટલે વિશ્વ ઉદ્ધારક બળ .  ક્ષત્રિયકુંડની ભૂમિમાં એ બળ સિંચાએલું છે . આર્હન્ત્ય એટલે એવી અપરાજેય નિર્લેપતા જે રાગને અને દ્વેષને ખતમ કરીને જ જંપે છે . ક્ષત્રિયકુંડની ભૂમિમાં એ નિર્લેપતાની ઝાંખી છે . નંદન મુનિના ભવમાં એ આર્હન્ત્ય નિર્ધારિત થયું . આર્હન્ત્ય એટલે પાતાલલોક , માનવલોક અને દેવલોક પરનું આધિપત્ય . भूर्भुवस्स्वस्त्रयीशानम् , સકલાર્હત્ સ્તોત્ર ફરમાવે છે . ક્ષત્રિયકુંડની ભૂમિએ આધિપત્યનો પરમ સ્પર્શ મેળવ્યો છે . ક્ષત્રિયકુંડની ભૂમિ એ આર્હન્ત્યની ભૂમિ છે . આર્હન્ત્ય કાયા રૂપે અવતર્યું એ વર્ધમાન ભગવાન્ . એ કાયા જે ભૂમિને સ્પર્શે એ ભૂમિમાં અસંખ્ય તીર્થોનું ઘન તત્ત્વ અવતરે . ક્ષત્રિયકુંડની ભૂમિમાં એ ઘન તત્ત્વ વસે છે . આર્હન્ત્ય વાણી રૂપે અવતર્યું એ વર્ધમાન ભગવાનનો અમૃતનિ:સ્યંદી અવાજ . એ અવાજ જ્યાં ગુંજે ત્યાં પાવનતા પાંગરતી આવે . ક્ષત્રિયકુંડની હવામાં એ પાવનતાના અણુ પરમાણુ વસે છે . આર્હન્ત્ય ભાવના રૂપે સ્ફુરણા પામ્યું એ વર્ધમાન ભગવાનનો વૈરાગ્યવાહી વાત્સલ્ય ભાવ . એ વાત્સલ્ય જેમને જેમને મળે એનો આત્મા ધન્ય બની જાય . ક્ષત્રિયકુંડનાં વાતાવરણમાં એ વાત્સલ્ય આજે પણ‌ અકબંધ જીવે છે . અહીં જે આવે તે ધન્ય બની જાય છે . આજે આર્હન્ત્યની આ ભૂમિને નજરથી નિહાળી , શ્વાસથી જુહારી , કાયાથી સ્પર્શી , આંગળીઓથી અડકી , લાગણીઓથી વધાવી . એમ‌ લાગે છે આજે જીવનને અભિનવ અવતાર મળ્યો . 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *