ભાયાણી પરિવાર ધાર્મિક હતો . વૈષ્ણવ પરંપરા . નાની હવેલી અને મોટી હવેલીએ જવાનું એટલે જવાનું જ . શ્રીનાથજી , જમનાજી , રાધાજીનાં દર્શન વગર કોઈને ન ચાલે . શ્રી કૃષ્ણઃ શરણં મમ-ની માળા સૌ ગણે . જલારામ બાપા પર ખૂબ આસ્થા . આળંદી અને વિઠ્ઠલવાડીની યાત્રાઓ ચાલતી જ હોય . નવરાત્રિમાં નાચવા જવાનું . ગણપતિમાં રાતે ફરવા જવાનું . દીવાળીએ ફટાકડા ફોડવાના . ઘરમાં રામાયણ , મહાભારત , ભાગવતનું વાંચન થતું . રામચંદ્રજી ડોંગરે , મોરારિબાપુ , આઠવલેજી જેવા વરિષ્ઠ કથાકારોનો સત્સંગ કરવામાં ભાયાણી પરિવાર આળસ ન રાખે . વરસે એકવાર પંઢરપુરની ડિંડીમાં હજારો હજારો મરાઠી યાત્રાળુઓ દુકાન પાસેથી પદયાત્રાએ નીકળે તેમને અલ્પાહાર અપાતો .
પાડોશીઓ સાથે ખાસ્સો ઘરોબો . ખાવાપીવાનો શોખ તગડો . મન્ના ડે , તલત મહેબૂબ , સાયગલ , સુરૈયા , મોહમ્મદ રફી , મુકેશ , કિશોરકુમાર જેવા ગાયકો અને પૃથ્વીરાજ કપૂર , સોહરાબજી મોદી , અશોકકુમાર , રાજ કપૂર , અમિતાભ બચ્ચન જેવા અભિનેતાઓ વિશે લાંબી લાંબી વાતો થતી કેમ કે આ જ બિઝનેસ લાઈન હતી . મશીન રિપેરિંગમાં સતત મોટા અવાજે સાઉન્ડ ટેસ્ટિંગ કરવું પડતું તેને લીધે નાની ઉંમરે બહેરાશ આવી જશે , એવી મજાક રોજેરોજ અરસપરસ થતી રહેતી . બાળકોને આરસીએમ ગુજરાતી સ્કૂલમાં ભણવા મૂક્યા હતા . બાળકો , દરવરસે સમાજમિલનમાં , ગુડ એજ્યુકેશન કેટેગરીનું સ્પેશ્યલ ઈનામ જીતી લાવતા . વ્યાવસાયિક , પારિવારિક અને સામાજિક વર્તુળ સેટ હતું તેમાં ક્યાંય જૈનધર્મનું નામોનિશાન નહોતું .
સુરેશભાઈ સુપર ટેલેન્ટેડ હતા . ભલભલા વકીલોને દલીલમાં હરાવી દે . સ્વીમિંગનો ભારે શોખ . બેકસ્ટ્રોક પોઝિશનમાં બોડીને ફ્લોટિંગ મોડ પર મૂકી દે . કાન પાણીમાં ડૂબે , બહારના અવાજો બંધ થાય અને અગાધ શાંતિ અનુભવે , ખુલ્લા નાકે શ્વાસ લેતા રહે . એકવાર પત્ની સાથે હોટેલમાં ગયેલા ત્યારે એટલાબધા ઓર્ડર આપતા ગયા કે વીસ પચીસ વેઈટર્સ ઓછા પડી ગયા હતા . નાતનાં જમણવારનું રસોડું એમને સોંપાતું . આત્મીય જનોના અંતિમયાત્રાના પ્રસંગો પણ સંભાળી લેતા . ઇલેક્ટ્રોનિક ઇંજીનિયરિંગમાં એમઈ સુધી પહોંચેલા . વિચક્ષણ બુદ્ધિ પ્રતિભા . સ્પષ્ટવાદી સ્વભાવ . મર્યા પછી ક્યાંક જવાનું છે આટલી શ્રદ્ધા પાકી હતી . मैं मृत्यु सिखाता हूं – ના ઉદ્ઘોષક આચાર્ય રજનીશને સાંભળવા પણ જતા .
અમુક વિચારો દિમાગમાં સ્પષ્ટ હતા : મર્યા બાદ , ફરી જનમવું જ પડે . આ ચક્રનો અંત આપણા હાથમાં નથી . ભગવાનની ભક્તિ થકી સારી જગ્યાએ નવો જનમ થાય . સુખનો અહેસાસ અનેક રસ્તે થાય છે , સુખ કેવળ ભૌતિક સીમાઓમાં બંધાયેલું નથી . ભૌતિકતા સિવાયના સુખની ખોજ ચાલુ રહેતી .
મહામહિમ સૂરિસમ્રાટ્ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાનાં વ્યાખ્યાનો સાંભળવાનું શરૂ કર્યું ત્યારે એવું લાગ્યું કે આજસુધી ગાડી જ્યાં અટકેલી છે ત્યાંથી આગળ વધવાની વાત અહીં થઈ રહી છે . ચાલુ વ્યાખ્યાનમાં ઉટપટાંગ સવાલો પૂછે . જડબાતોડ જવાબ મળે તેનાથી રાજી થાય . અમુક વિચારો જે સૅટ થઈ ચૂક્યા હતા તેમાં સુધારો પણ થવા લાગ્યો અને વધારો પણ થવા લાગ્યો . જૈન દૃષ્ટિએ ભગવાનનું સ્વરૂપ શું છે એ અંગે લાંબો વિચારવિમર્શ થયો . કોઈ પણ આત્મા , સિદ્ધ અવસ્થાએ ભગવાન્ બની શકે છે આ વાત ધીમે ધીમે સમજમાં આવી . આ વાત એકદમ જ ગમી ગઈ . હું પણ સિદ્ધ અવસ્થાએ ભગવાન્ બની શકું છું આ વિચારણાએ આત્મામાં નવું જોશ ભરી દીધું . જૈન આચાર્ય ભગવંત સાથેના પ્રારંભિક પરિચયમાં જ હૈયે એક સંકલ્પ જાગ્યો . વૈષ્ણવ ધર્મના ત્યાગનો સંકલ્પ . જૈન ધર્મના સ્વીકારનો સંકલ્પ . જોકે , આ સંકલ્પની જાણકારી , ભાયાણી પરિવારને કેવી રીતે આપવી આ પ્રશ્ન ઘણો જ મોટો હતો . ( ક્રમશઃ)
Leave a Reply