Press ESC to close

સવારે પારસનાથજીની ટૂંકમાં ભીડ હતી : સાંજે ચંદ્રપ્રભજીની ટૂંકમાં એકાંત હતું .

માગશર વદ અગિયારસ . એક જ દિવસમાં જલમંદિરથી પારસનાથજી અને  પારસનાથજીથી ચંદ્રપ્રભજી અને ચંદ્રપ્રભજીથી જલમંદિર સુધીની યાત્રા થઈ હતી . આટલામાં નવ કલાક લાગી ગયા હતા . દરેક ટૂંકમાં ત્રણ પ્રદક્ષિણા , ચૈત્યવંદન , સ્તવનગાન , કલ્યાણકજાપ આ ક્રમ અખંડ રાખ્યો  . કોઠી તરફથી નાનકડી ચોપડી છપાઈ છે . એમાં કુલ મળીને એકત્રીસ ચૈત્ય વંદન બતાવ્યાં છે . મારે વીસ કલ્યાણક પ્રભુનાં બધા જ ચૈત્યવંદન સરસ થયાં . પહેલેથી જ સ્પષ્ટ રાખ્યું હતું કે ઉતાવળ કરવી નથી .

વહેલી સવારે અભિનંદનજીની ટૂંક જુહારી . પ્રચંડ શ્યામ મહાશિલાઓની ઉત્તુંગ શ્રેણિઓ રચાઈ હતી , એની ટોચ પર દેરી . ચારેકોર આકાશ હાથ લંબાવી રહ્યું હતું . નિસર્ગનું સૌંદર્ય નિખરી રહ્યું હતું . હવામાં સખ્ખત જોશ હતું . ચૈત્યવંદન પછી पारंगताय नम:નો જાપ કરતાં કરતાં સમજાતું હતું કે સૌથી ઊંચે બેઠા હોઈએ ત્યારે નીચેનું જગત્ કેવું વામણું લાગતું હશે ? સિદ્ધશિલામાં બિરાજમાન અભિનંદન દાદા અને અન્ય અનંત મુક્ત ભગવંતોને આપણે સૌ કેવા વામણા લાગતા હોઈશું ?

આપણા ઠાઠમાઠ અને આડંબર અને જનસમૂહો અને યશોગાથાઓ અને પુણ્યોદયના ભરોસે આપણે પોતાને મહાન્ ગણાવતા રહીએ છીએ અને પોતાની મહાનતાનો પ્રચાર કરતા રહીએ છીએ . સિદ્ધ ભગવંતો સામે આપણું શું ગજું છે ? એમનાં સુખ જેવું સુખ આપણી પાસે નથી . એમની શુદ્ધિ જેવી શુદ્ધિ આપણી પાસે નથી . એમની પવિત્રતા જેવી પવિત્રતા આપણી પાસે નથી . એમની પાસે જે સત્ય છે એવું સત્ય પણ આપણી પાસે નથી . આપણે લોકો નાહકના ઘમંડમાં રાચીએ છીએ , બસ . અભિનંદનજીની ટૂંક પર સૂર્યોદયના સમયે બેઠો હતો . ધુમ્મસને લીધે સૂરજ દેખાઈ રહ્યો નહોતો . આપણું સુખ અને આપણું જ્ઞાન ધૂંધળું છે , સિદ્ધ ભગવાનનું સુખ અને જ્ઞાન પૂર્ણ અને પારદર્શી છે , સમજાઈ રહ્યું હતું . પાછા વળતાં વાસુપૂજ્ય ભગવાનની દેરીએ દર્શન કર્યાં . થોડીવારે પારસનાથજી જવા નીકળ્યા . ધર્મનાથ , સુમતિનાથજી , શાંતિનાથજી , સુપાર્શ્વનાથજી , વિમલનાથજી આ કલ્યાણકની દેરીઓ તેમ જ અન્ય દેરીઓમાં પ્રભુને ભાવે જુહારતા જુહારતા પારસનાથજીની ટૂંકમાં પહોંચ્યા . પારાવાર ભીડ હતી . આશરે બે વાગે ત્યાંથી નીકળ્યો .

ચન્દ્રપ્રભજીની ટૂંકે પહોંચ્યો ત્યારે સાડા ચાર વાગી ગયા હતા . અહીં કોઈ જ નહોતું . રસ્તો પણ સાવ વેરાન હતો . એવી અફવા ચાલે છે કે ચન્દ્રપ્રભજીની ટૂંકના રસ્તે બપોરે બે વાગ્યા પછી ન જવાય , વાઘ નીકળે છે . અમે કુલ ચાર હતા એટલે ડર નહોતો . સન્નાટો ગજબનાક હતો . દૂર દૂર સુધી જંગલ હતું . ગમ્મે ત્યારે કોઈ પણ ટપકી પડશે તો કોણ બચાવશે એવો ડર લાગે . એ રસ્તે એકમાત્ર માણસ મળ્યો એને પૂછ્યું : ઇધર બાઘ નિકલતા હૈ ક્યાં ? ઉમ્મીદ હતી કે એ ના પાડશે અને સાંત્વના આપશે કે બાપજી ડરો મા , કાંઈ નથી અહીંયા . પરંતુ એણે તો ધડામથી કહી દીધું કે હા , યહાં વાઘ નિકલતા હૈ . મેં કહ્યું : ભૈયા , આપ મઝાક કર રહે હો ક્યાં ? પેલાએ કહ્યું : નહીં , નહીં . મેં બિલકુલ જૂઠ નહીં બોલ રહા હૂં . યહ ઇલાકા બાઘ કે લિયે ખુલા હૈ . મેં કહ્યું : આપ તો ડરા રહે હો . એ બોલ્યો : ડરને કી બાત નહીં હૈ . આજતક બાઘ ને કિસી કો કુછ નહીં કિયા હૈ . યહાં વાઘ આદમી કો નહીં પકડતા હૈ . હમ ઉપર યહી સોતે હૈ . કુછ નહીં કરતા વો . હવે સારું લાગ્યું . 

તમે માનશો ? મુનિસુવ્રતજીની દેરીથી ચન્દ્રપ્રભજીના રસ્તે ઉતરવાનું શરૂ કર્યું ત્યાંથી માંડીને છેક જલમંદિર સુધી કોઈ મળ્યું નહીં . એકદમ જ નિર્જન એકાંત હતું . આ શાંત વાતાવરણ સિદ્ધશિલાની યાદ અપાવતું હતું . 

ભગવાન્ સિદ્ધશિલામાં બિરાજમાન થયા એનું પ્રસ્થાન અહીંથી થયું . ચૌદમું ગુણસ્થાનક . અનાદિકાલીન કાર્મણ શરીર અને તેજસ શરીરનો નાશ . એક શરીરમાંથી બીજા શરીરમાં જવાની પ્રક્રિયાનો અંત . આત્માએ સમગ્ર સંસાર પરિભ્રમણમાં સૌ પ્રથમવાર અનુભવી દેહ વિનાની અવસ્થા . અઘાતી કર્મના અનંત અભાવનો પ્રારંભ . ચૌદ રાજલોકના જીવોને કાયમી અભયદાન . સાધક અવસ્થા , વીતરાગ અવસ્થા અને સર્વજ્ઞ અવસ્થાથી આગળ છે સિદ્ધ અવસ્થા . અરિહંત દેશનાદાતા છે એટલે પ્રથમ પરમેષ્ઠી . પણ અરિહંત સાથે કર્મો છે . સિદ્ધ દેશનાદાતા નથી એટલે દ્વિતીય પરમેષ્ઠી . પણ સિદ્ધ સાથે કર્મો નથી . શ્રી ચંદ્રપ્રભ સ્વામી ભગવાન્ , અરિહંત રૂપે દેશના આપતા હતા તે પછી સિદ્ધ રૂપે સર્વ કર્મથી મુક્ત થયા . સમેતશિખરજીની આ સીધા ચઢાણવાળી પહાડીની ટોચ પરથી સાદિ અનંત શુદ્ધિ મેળવી લીધી હતી પ્રભુએ . જ્યાં ચરણપાદુકા છે તેનાથી બરોબ્બર ઉપર સિદ્ધશિલામાં બેઠા છે ભગવાન્ . પ્રભુ ત્યાંથી કૈવલ્ય દ્વારા મને જોઈ રહ્યા છે એવું સમજાતું હતું . એ‌ ચરણપાદુકા સમક્ષ માથું ટેકવીને ત્રણ પ્રાર્થના કરી : મારા હાથે સારાં કામ કરાવજો , મારાં મનને સમાધિમાં રાખજો , મારા અપરાધો માફ કરજો .

જ્વાલામાલિની કલ્પનું સુવર્ણજળ અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપયોગી બને છે . જ્વાલામાલિનીના અધિનાયક છે શ્રી ચંદ્રપ્રભજી ભગવાન્ . ભગવાનની ભૂમિ પર ભગવાન્ વધારે પ્રિય લાગે . આપણને પણ અને દેવી દેવતાઓને પણ . આ પહાડની ઊંચાઈ જોઈએ તો વિચાર આવે કે દેવલોક કેટલે ? દીવો બળે એટલે . આ પહાડ ખૂબ ઉર્જાવંત છે , ચમત્કારવંત છે . અદૃશ્ય શક્તિઓ અહીં હાજરાહજૂર છે . મનમાં એવા પ્રાણવંત વિચારો ભરી દે છે આ ભૂમિ કે દેવી દેવતાના વિચારો મનમાં બનતા જ નથી . ફક્ત ભગવાનના જ વિચાર . એક તું , બસ , એક તું , ચારે તરફ દેખાયજી .

ચંદ્રપ્રભજીની ટૂંકથી સમેતશિખરજીનાં દર્શન

દેરીને પ્રદક્ષિણા આપી . ચોતરફ દૂર દૂર સુધી પહાડીઓ જ પહાડીઓ . કહેવાય છે કે શિખરજીને આસપાસ પચાસ કિલોમીટરના વિસ્તારમાં ઘનઘોર જંગલ છે .‌ આપણો ચાલવાનો રસ્તો સહીસલામત છે બાકી એકાદ કિલોમીટર જંગલમાં ચાલીને જઈએ તે પછી કોઈ જગ્યા સલામત નથી . આખાય પહાડ પર લીલીછમ વનરાજી પથરાયેલી હતી . પંખીઓના કલબલાટ હતા . વાંદરાઓની હૂપાહૂપ હતી . તે સિવાય આખોય વિસ્તાર સૂમસામ . ચંદ્રપ્રભજીની ટૂંકની ટેકરી પરથી નીચે ઉતર્યા બાદ શ્રી આદિનાથ દાદાની ટેકરી આવે છે . બે ટેકરીની વચ્ચે એક મોટું ઝાડ છે , એની નીચે બેસીને પાણી ચૂકવ્યું હતું . પાંચ વાગે તે પહેલાં .

ચંદ્રપ્રભજીની ટૂંકથી આદિનાથજીની ટૂંક તરફનો રસ્તો

એ પછી ઉતાવળ કર્યા વિના આદિનાથજી , અનંતનાથજી , શીતલનાથજી અને સંભવનાથજીની ટૂંક જુહારી હતી . જલમંદિર પહોંચ્યા ત્યારે આસમાનમાં તારા ચમકવા માંડ્યા હતા . થોડો હરખ હતો , એકેએક પ્રભુની ટૂંક જુહારી એનો . થોડો અફસોસ હતો ,જેટલો સમય પારસનાથદાદાની ટૂંકને આપ્યો એટલો સમય બાકી ભગવાનની ટૂંકમાં પણ આપવો જોઈએ . એવું ન થયું એનો . એક ટૂંકમાં વધારે સમય વીત્યો . બાકીની ટૂંકમાં ઓછો સમય વીત્યો . કોઈ એક ભગવાન્ માટેનો પક્ષપાત મનમાં પણ ન બનવો જોઈએ અને વહેવારમાં પણ નહીં . સમયની ઓછપ હતી એટલે આ ગડબડ થઈ . ઓછામાં ઓછી વીશ યાત્રા કરવી જોઈએ અને એક યાત્રા એક ભગવાન્ પર કેન્દ્રિત હોવી જોઈએ . 

પાલીતાણામાં નવાણું યાત્રાનું આયોજન થાય છે એ રીતે શિખરજીમાં વીશ કલ્યાણક યાત્રાનું આયોજન કરવું જોઈએ . એક દિવસ એક કલ્યાણકની દેરીને સમર્પિત . પહેલાં દિવસે પહેલાં કલ્યાણકની દેરીમાં સ્નાત્રપૂજા , જાપ , પુષ્પના શણગાર , સામૂહિક ભક્તિ , આરતી મંગલદીવો એમ બધી જ આરાધના કરવાની . ઓટલો નાનો પડે તો શું થઈ ગયું . ઓટલાની ફરતે ઘણી જગ્યા છે . બીજા દિવસે બીજાં કલ્યાણકની દેરી . આમ વીશમા દિવસે વીશમાં કલ્યાણકની દેરી . એકવીશમા દિવસે એક સાથે ૩૧ દેરીઓમાં સામૂહિક અભિષેક . એક કે બે દિવસમાં શિખરજીની યાત્રા પૂરી થઈ શકતી નથી .

આપણા શ્વેતાંબર જૈનોનું વલણ ગજબ છે . મોટાભાગના લોકો જલમંદિર અને ગૌતમ સ્વામીજીને વાંદી લીધા , એમાં યાત્રાની ઈતિ માની લે છે . શિખરજી કલ્યાણકપર્વત છે . શિખરજી પર ચડ્યા પછી કલ્યાણકચૈત્યને જુહાર્યા ન હોય તો યાત્રા અધૂરી ગણાય એવી સમજણ‌ ઓછા લોકોમાં છે . જલમંદિરમાં પ્રતિમાજી છે , પ્રતિમાજી પ્રભાવવંતા છે એ સાચું . પરંતુ કલ્યાણકની સ્પર્શનાનો લાભ તો તે તે ભગવાનની દેરીને જુહારવાથી જ મળે . આ સત્ય ઘણાને યાદ નથી . પહાડ પર ચડીને જલમંદિરમાં પ્રભુ પૂજા કરી એટલે યાત્રા સંપન્ન એવો વહેવાર અમુક અંશે બનેલો છે. . જેટલા શ્વેતાંબરો પહાડ પર આવે છે એ દરેકેદરેક કલ્યાણકની દેરીને જુહારે એવી પ્રેરણા અને સૂચના , શ્વેતાંબર પરંપરાના સર્વ સૂરિભગવંતોએ આપવી જોઈએ . 

( પારસનાથજીની ટૂંકયાત્રાનો સ્વતંત્ર લેખ થોડા સમયમાં આવશે . )

ચંદ્રપ્રભજીની પાળીએ બેઠા છે કપિરાજ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *