Press ESC to close

ગિરનાર મહાતીર્થના અધિપતિ શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમાની ત્રણ‌ વિશેષતાઓ

આપણે લોકો વર્ષોથી દેરાસર આવીએ છીએ , પ્રભુમૂર્તિનાં દર્શન કરીએ છીએ . આપણે જે જે પ્રભુમૂર્તિનાં દર્શન કરતાં આવ્યા છીએ કે દરેક મૂર્તિની સાથે ત્રણ ત્રણ હકીકત જોડાયેલી રહી છે . એક એ જિનમૂર્તિ માનવનિર્મિત છે . બે , જિનમૂર્તિ માનવ પૂજીત છે . ત્રણ , એ જિનમૂર્તિ માનવ લોકમાં જ બિરાજમાન રહી છે . હવે વિચારો કે કોઈ જૈનમૂર્તિની સાથે ત્રણ હકીકત આ મુજબની જોડાઈ હોય : એ મૂર્તિ દેવનિર્મિત છે , એ મૂર્તિ દેવપૂજિત છે અને એ મૂર્તિ દેવલોકમાં બિરાજમાન રહી છે . આવી મૂર્તિનાં દર્શન કરવા મળે તો કેટલો આનંદ થાય ? આવી મૂર્તિની પૂજા કરવા મળે તો કેટલો આનંદ થાય ? આવી મૂર્તિની આરતી કરવા મળે તો કેટલો આનંદ થાય ? 

આપણે લોકો આજની તારીખે જે જે પ્રભુમૂર્તિનાં દર્શન કરીએ છીએ એ પ્રભુમૂર્તિનાં નિર્માણ પાછળ કોઈ આચાર્ય ભગવંતની કે મુનિ ભગવંતની વાણીએ કામ કર્યું હોય છે . હવે વિચારો કે એક જિનમૂર્તિ એવી હોય જેનાં નિર્માણની પાછળ એક તીર્થંકર ભગવાનની વાણીએ કામ કર્યું હોય તો એ મૂર્તિનું માહાત્મ્ય  કેટલું મોટું થઈ જાય ? આપણે લોકો આજે જે પ્રભુમૂર્તિનાં દર્શન કરીએ છીએ એ કોઈ શિલ્પીએ બનાવીને સંઘને કે લાભાર્થી પરિવારને સોંપી હોય છે અને સંઘ દ્વારા કે લાભાર્થી પરિવાર દ્વારા એની પ્રતિષ્ઠા સંપન્ન થઈ હોય છે . હવે વિચારો કે એક મૂર્તિ એવી હોય જે સ્વયં શાસનદેવીએ પ્રગટ થઈને માનવ લોકને સોંપી હોય તો એ મૂર્તિની ઉર્જા કેવી પ્રબળ હોય ? 

ત્રણ વાતો યાદ રાખજો .
૧ . મૂર્તિ એવી છે જેનું નિર્માણ દેવતા દ્વારા થયું છે અને જેની પૂજા દેવતાઓએ કરી છે . 
૨ . મૂર્તિ એવી છે જેના નિર્માણની પાછળ તીર્થંકર ભગવાનની વાણીએ કામ કર્યું છે . 
૩ . મૂર્તિ એવી છે જેને શાસન દેવતાએ પ્રગટ કરીને મનુષ્ય લોકને સોંપી છે . 
તમને એમ થશે કે આવી મૂર્તિ આજના સમયમાં કંઈ જગ્યાએ છે ? આપણે તરત જઈએ અને આ મૂર્તિનાં દર્શન કરીએ .  જવાબ ધ્યાનથી વાંચજો . આ મૂર્તિ આજે ગિરનાર મહાતીર્થનાં મુખ્ય જિનાલયમાં મૂળનાયક તરીકે બિરાજમાન છે . પ્રભુનું નામ છે : મહાપ્રભાવશાળી ત્રિલોકદિવાકર સાક્ષાત્ ચૈતન્યવંત દેવાધિદેવ શ્રી નેમિનાથ ભગવાન્ . 

૧ .  પાંચમા દેવલોકના ઇન્દ્ર બ્રહ્મ ઇન્દ્રએ પ્રભુની પ્રતિમાનું નિર્માણ કર્યું છે . પાંચમા દેવલોકના અગણિત દેવોએ આ પ્રતિમાને શાશ્વત પ્રતિમા માનીને વર્ષો વર્ષો વર્ષો સુધી ઉપાસના કરી છે .
૨ . ગઈ ચોવીસીના ત્રીજા તીર્થંકર  શ્રી સાગર ભગવાનની વાણીના પ્રભાવે પ્રભુની પ્રતિમાનું નિર્માણ થયું છે .
૩ . શાસનસુરી શ્રી અંબિકાદેવીએ આ મૂર્તિને અદૃશ્ય લોકમાંથી પ્રગટ કરીને એક તપસ્વી શ્રાવકને સમર્પિત કરી હતી  . 
ગિરનારના શ્રી નેમિનાથ ભગવાન્ સાથે પાંચમા દેવલોકના ઈન્દ્રનું વૈક્રિયબળ જોડાયેલું છે .
ગિરનારના શ્રી નેમિનાથ ભગવાન્ સાથે ગઈ ચોવીસીના  ત્રીજા તીર્થંકર ભગવાનનું  મહામંગલ વચન જોડાયેલું છે .
ગિરનારના શ્રી નેમિનાથ ભગવાન્ સાથે શાસનની અધિષ્ઠાયિકા શ્રી અંબિકાદેવીનું જીવંત ઉર્જાબળ જોડાયેલું છે . 

તમે ગિરનારના નેમિનાથ ભગવાનની સમક્ષ જ્યારે પણ ઉપસ્થિત થાઓ ત્યારે પ્રભુ સ્વરૂપ તીર્થંકર ભગવાનનાં દર્શન પણ કરજો અને પ્રભુમાં આ ત્રણ ત્રણ મહાન્ તત્ત્વનાં દર્શન પણ અવશ્ય કરજો .  ત્રણ વિશેષતાઓની પાછળ જે જે વાર્તાઓ છે એને આપણે આગળ આગળ જોઈશું .

( content copyright is reserved )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *