
સુવિહિતશિરોમણિ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સમુદાયનું અણમોલ રત્ન આગમવિશારદ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય અક્ષયભદ્રસૂરીશ્વરજી મહારાજા આજે કાળધર્મ પામ્યા . જ્ઞાનીની વિદાય અસહ્ય બનતી હોય છે . એમની પાંચ વિશેષતાઓ હંમેશા યાદ રહેશે .
૧. એમણે આગમોનું ઊંડું અવગાહન કર્યું હતું
પરમાત્માની મૂળવાણી આગમ સૂત્રોમાં સચવાયેલી છે . શ્રી સુધર્મા સ્વામીજી મહારાજાથી માંડીને આજ સુધી ગુરુ પરંપરા દ્વારા આગમનું અધ્યાપન ચાલુ રહ્યું છે . ગુરુપરંપરા દ્વારા એમને આગમવાચના મળી હતી . એમના જ્ઞાનગુરુ તરીકે પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાનું નામ અવશ્ય આવે . એમનાં માર્ગદર્શનમાં આગમો વાંચ્યા . આગમના પદાર્થો આત્મસાત્ કર્યા . આગમના ટીકાકાર મહર્ષિઓ જે રીતે આગમના પદાર્થોને સમજાવે એ રીતે શ્રી અક્ષયવિજયજી મહારાજ આગમના એક એક રહસ્યો ખોલીને પદાર્થોને સમજાવતા હતા . ઉપદેશ આપવાનું ઘણું સરળ છે . પદાર્થો ખોલીને સમજાવવા એ અઘરું છે . એમનો પદાર્થ બોધ ઉત્કૃષ્ટ હતો અને એમની પાસે પદાર્થ બોધ આપવાની શક્તિ પણ ઉત્કૃષ્ટ હતી . કેટલાય સાધુ સાધ્વીઓએ એમની પાસે આગમોનો અભ્યાસ કર્યો છે . જેમણે એમની પાસે આગમો વાંચ્યા હોય એમને પદાર્થોની જે સ્પષ્ટતા મળી હોય એ કોઈ અનેરી હોય . દરેક પદાર્થ સાથે એ પોતાનું ચિંતન જોડતા અને એમનું પોતાનું ચિંતન હંમેશા માર્ગાનુસારી રહેતું .
૨ . તેઓ શાસ્ત્રશુદ્ધ શૈલીના વ્યાખ્યાનકાર હતા
તેઓ છટાદાર શૈલીમાં વ્યાખ્યાન આપતા . બુલંદ અવાજે બોલે . શ્રોતાઓને પ્રેમથી ઠપકારે પણ ખરા . એમની પ્રરૂપણા શાસ્ત્ર આધારિત જ રહેતી . પોતાનાં મનમાં સૂઝેલા તુક્કાઓના આધારે એ બોલતા નહીં . કોઈ એક પંક્તિ કે કોઈ એક શ્લોકનો આધાર લે , એમાંથી કોઈ એક મુદ્દો તારવે અને મુદ્દાનું સરળ વિશ્લેષણ કરે . નિરૂપણ એટલું સરળ હોય કે આ કોઈ શાસ્ત્રની ગંભીર વાત છે એવું લાગે જ નહીં પરંતુ એ શ્લોક કે પંક્તિ ટાંકે ત્યારે સમજાય કે ઓહો , આ વાત આ શાસ્ત્રમાં આ રીતે લખવામાં આવી છે . એમનું વ્યાખ્યાન સાંભળીને જે ઉભો થાય તે બે પાંચ શાસ્ત્રીય પદાર્થો લઈને જ જાય એ નક્કી . એમની વ્યાખ્યાનશૈલી ઉપર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાની ઊંડી અસર જોવા મળતી .
૩ . તેઓ સક્ષમ રચનાકાર હતા
કોબાના દેરાસરમાં શ્રી મહાવીર સ્વામી ભગવાનની મૂર્તિ ઉપર વર્ષે એકવાર સૂર્ય કિરણનો તેજલિસોટો આવે છે . શ્રી સાગરજી સમુદાયના એક મહાત્માએ મને કહ્યું હતું કે એકવાર આ સૂર્ય કિરણ પ્રભુ મૂર્તિ પર આવ્યું ત્યારે શ્રી અક્ષય વિજયજી મહારાજ સાહેબ દર્શનાર્થે ત્યાં જ બેઠા હતા . જ્યાં સુધી મૂર્તિ ઉપર સૂર્યકિરણનો સ્પર્શ બનેલો રહ્યો ત્યાર સુધી તેઓ અભિનવ સ્તવન તત્કાળ રચતા ગયા અને ગાતા ગયા . હાથમાં કાગળ પેન લીધા વગર નવી રચના કરવી એ સહેલું નથી . તેઓ ભગવાનની સામે જોતાં જોતાં મનમાં જે આવ્યું એ રચતા ગયા અને જે રચાતું ગયું તે ગાતા જ રહ્યા , ગાતા જ રહ્યા . ઘણીબધી નવી પંક્તિઓ એક પછી એક આવતી જ ગઈ , આવતી જ ગઈ . કમાલની રચનાશક્તિ હતી . શ્રી પ્રેમસૂરિદાદાનાં માર્ગદર્શનમાં અભિનવ કર્મસાહિત્યસર્જનનો જે મહાયજ્ઞ મંડાયો હતો એમાં હજારો શ્લોક પ્રમાણ સંસ્કૃત લેખન એમના હાથે થયું હતું . સંસ્કૃતમાં લખવું અઘરું છે . સંસ્કૃતમાં એવું લખવું જેના દ્વારા પદાર્થનું વિસ્તૃત નિરૂપણ થયું હોય એ તો વધારે અઘરું છે અને મહાજ્ઞાની શ્રી પ્રેમસૂરિદાદાની સ્વીકૃતિ મળે એવું લખવું તો એકદમ જ અઘરું છે . એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નહીં થાય કે તેઓ સમર્થ શાસ્ત્રકાર હતા . એમણે લખેલી સંસ્કૃત ટીકા વાંચો , તમને આ વાત સાચી જ લાગશે .
૪ . એમનું પુણ્ય વિશિષ્ટ કક્ષાનું હતું
એમની પાસે નવકારવાળીઓ મોંઘામાં મોંઘી હોય . એમની ઘડિયાળ ચીલાચાલુ ન હોય . કામળી હોય , આસન હોય , જે પણ હોય બધું બહુ સરસ હોય . જોવાથી સમજાય કે એમના ભક્તો શક્તિશાળી છે . એવું નહોતું કે એમને શોખ હતો . એમને ભક્તો જ એવા મળતા કે એમની પાસે ઉત્તમ વસ્તુઓ બરોબર પહોંચી જતી . પોતાની પાસે એમણે બધું સંઘરીને રાખ્યું નહોતું . જ્યારે જેને જે આપવાનું હોય એ આપતા . એમણે મંત્ર શાસ્ત્રનો અભ્યાસ ઘણો કર્યો હતો , મંત્ર સાધનાઓ ઘણી કરી હતી એટલે એમનું પુણ્ય જાગતું રહેતું . છેલ્લા સમયમાં એમની સેવા અનેક અનેક મુનિ ભગવંતો ખૂબ શ્રદ્ધાપૂર્વક , ખૂબ અહોભાવપૂર્વક કરતા હતા . એમની સેવા જે રીતે થઈ એનાથી સમજાય કે એમનું પુણ્ય હંમેશા ઊંચું જ રહ્યું છે .
૫ . તેમણે સમાધિ માટે સ્વભાવ પરિવર્તન કર્યું હતું
અંતિમ સમયની સમાધિ આસાનીથી મળતી નથી . સ્વ ની ઉપર જે ઘણું ઘણું કામ કરે તે જ સમાધિને પાત્ર બને છે . પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય મુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજાને એમણે પોતાનાં જીવનની લગામ સોંપી રાખી હતી . હું જેટલું વિચારી શકું છું એના કરતાં વધારે આપ વિચારી શકો છો એવું સમર્પણ એમણે રાખ્યું હતું . મને જે સમજાય છે એનાથી વધારે આપને સમજાય છે એવો આદરભાવ એમણે જાળવી રાખ્યો હતો . મારે જે કરવાનું છે એ હું નક્કી નહીં કરું , એ આપે નક્કી કરવાનું છે એવો સમર્પણ ભાવ એમણે અખંડ રાખ્યો હતો . જેમણે એમને યુવા અવસ્થામાં જોયા છે તેઓ જાણે છે કે એમનામાં કેટલું જોશ હતું , કેટલી ઉર્જા હતી . તેઓ ભલભલાને ટાઢા પાડી દે એવા પાવરફૂલ હતા . કોઈના બાપની સાડાબારી ના રાખે એવા હિંમતવાન્ હતા . હતા ઘણા કડક , પરંતુ ધીમે ધીમે એમણે પોતાના સ્વભાવનું પરિવર્તન કરી લીધું હતું . એમણે કોઈ આગ્રહ રાખ્યા નહોતા , કોઈ અભિનિવેશ પાળ્યા નહોતા . તેઓ કર્તૃત્વભાવમાંથી બહાર આવીને સાક્ષિભાવ તરફ ઢળી ચૂક્યા હતા એ દેખાતું હતું . પોતાની શક્તિ એમને વધારે અગત્યની નહોતી લાગતી . પોતાની શાંતિ એમને વધારે અગત્યની લાગતી હતી . પોતાની ઈચ્છા એમને અગત્યની નહોતી લાગતી . પોતાની સમાધિ એમને અગત્યની લાગતી હતી . આ મન:પરિવર્તન એમના આત્માને અઢળક શાંતિ આપી રહ્યું હતું .
વર્ષોનાં વર્ષો સુધી આગમોના પદાર્થોમાં એમણે એકાગ્રતા બનાવી હતી . વર્ષોનાં વર્ષો સુધી કર્મગ્રંથના ગહન પદાર્થોમાં એ રમમાણ રહ્યા હતા . અધ્યાપન અને વાચનાપ્રદાન દ્વારા પણ તેઓ શાસ્ત્રો સાથે સતત જોડાયેલા રહ્યા હતા . એક મહાન્ જ્ઞાનયોગી તરીકેનું જીવન એ જીવ્યા . એ સતત પ્રભુનાં વચન સાથે જોડાયેલા રહે એની પર પ્રભુના વિશેષ આશીર્વાદ રહેતા હોય છે . વીશ વીશ તીર્થંકર ભગવંતોની કલ્યાણક ભૂમિ શ્રી સમેત શિખર મહાતીર્થની ભૂમિ ઉપર , ૧૫૦ કલ્યાણકની આરાધનાનો દિવસ સુંદર રીતે વિતાવીને માગશર સુદ બારસના દિવસે તેઓ પરમના પંથે સંચરી ગયા . ધન્ય જ્ઞાન . ધન્ય ધ્યાન .
Leave a Reply