
દીક્ષા પછી ભગવાન્ મહાવીરના શરીર પર દૈવી વિલેપનની સુગંધ હતી . સુગંધથી ભમરાઓ ખેંચાઈને આવતા હતા , ડંખ મારતા હતા . સુગંધને લીધે વનવાસી યુવાનો સુગંધ માંગવા આવતા હતા , જવાબ ન મળે એનો ગુસ્સો કરતા હતા . સુગંધને લીધે વનવાસિની મહિલાઓ આકર્ષિત થઈને અનુકૂળ ઉપદ્રવ કરતી હતી . ભગવાન્ બધું સહન કરી લેતા હતા .
તમારામાં ગુણો પ્રગટશે , એ ગુણો તમને આનંદિત રાખશે . પણ યાદ રાખજો કે તમારામાં ગુણ છે એનો લાભ સજ્જનો પણ લેશે અને એનો ગેરલાભ દુર્જનોને પણ મળશે . તમારામાં પ્રગટેલો ગુણ પરીક્ષામાંથી પસાર થયા પછી જ પાક્કો થાય છે . જે ગુણ પરીક્ષામાં હારી જાય એ ગુણ આત્મા માટે ઉપયોગી સાબિત થતો નથી . જે ગુણ પરીક્ષામાં જીતી જાય એ જ આત્મા માટે ઉપયોગી સાબિત થતો હોય છે .
ચાર સંભાવના બને છે . તમે ગુણવાન્ છો અને તમને જે મળે છે એ ગુણવાન્ છે . તમે ગુણવાન્ છો અને તમને જે મળે છે એ ગુણવાન્ નથી . તમે ગુણવાન્ નથી અને તમને જે મળે છે એ ગુણવાન્ છે . તમે ગુણવાન્ નથી અને તમને જે મળે છે એ પણ ગુણવાન્ નથી . તમે ગુણવાન્ છો અને તમે ગુણવાન્ જ રહો એ સૌથી વધારે અગત્યનું છે . પરિસ્થિતિ કે સંભાવના કોઈ પણ હોય .
- તમે માફ કરી શકો છો એ ગુણ છે . સજ્જન પહેલેથી સચેત રહેશે અને તમને હેરાન કરવાનું ટાળશે . પણ આ જ ગુણનો દુરુપયોગ કરીને અમુક લોકો તમને વારંવાર હેરાન કરતા રહેશે . તમે ગુણને છોડશો નહીં અને એ લોકો ખરાબ આદત છોડશે નહીં .
- તમે ના કહી શકતા નથી એ ગુણ છે . સજ્જન તમારી અનુકૂળતાનો વિચાર પહેલાં કરશે , સજ્જન તમને તકલીફ ના પડે એનું ધ્યાન બરોબર રાખશે . પણ દુષ્ટ લોકો તમારી ઈચ્છા ન હોવા છતાં તમને કામ પકડાવ્યા કરશે અને તમારે કામ પરાણે કરવા જ પડશે .
- તમારામાં દાન કરવાની શક્તિ છે . ક્યાંક કોક જગ્યાએ સારું કામ થતું હશે એમાં સજ્જન તમને જોડશે . ખોટા લોકો બોલવાની જાળ બીછાવીને ખોટેખોટા પૈસા પડાવી જશે .
- તમારામાં માર્ગદર્શન આપવાની શક્તિ છે . સજ્જનો તમને મળશે અને આગામી સમયમાં જે સારાં કામો કરવા છે એનો વિચારવિમર્શ તમારી કરશે . દુર્જન મીઠાશપૂર્વક તમારી સાથે વાતો કરીને , તમારો યુઝ કરીને , પછી તમને જ સાઈડટ્રેક કરી દેશે .
- તમારી પાસે વચનશક્તિ છે , તમારી પાસે લેખનશક્તિ છે . સજ્જનો તમારા દ્વારા કોઈ ઉત્તમ પ્રસ્તુતિ થાય એવી ગોઠવણ કરશે કે કરાવશે . સજ્જનેતર લોકો કેવળ સ્વ સમર્થન માટે કે પોતાની પ્રશંસા રચવા માટે તમને કામ પકડાવશે .
- તમે કોઈની નિંદા કરતા નથી એ ગુણ છે . સજ્જનો તમારી આ વિશેષતા જોઈને રાજી થશે અને તમારી સમક્ષ ઉત્તમ પુરુષોની ગુણગાથા અને ઉત્તમ કાર્યોની અભિલાષા સંબંધી વાતો કરશે . દુર્જનો જુદું જ કામ કરશે . તમે કોઈની નિંદા કરતા નથી આનો ફાયદો ઉઠાવીને અમુક લોકો તમારી જ નિંદા કરતા રહેશે . એમને ખબર છે કે તમે તો એમની નિંદા કરવાના જ નથી , આથી પોતાની રચેલી સ્ટોરી માર્કેટમાં ફેલાતી રહે એવો એડવાન્ટેજ એ લોકો લીધા કરશે .
- તમે છળકપટ કરતા નથી એ ગુણ છે . સજ્જનોને આ સમજાશે અને તમારી સરળતાથી એ પ્રભાવિત રહેશે . તમારી આ વિશેષતાને કારણે સજ્જનો તમારી પર ખૂબબધો વિશ્વાસ મૂકશે . દુર્જનો તમારી સાથે છળકપટ કરશે અને ગાયબ થઈ જશે , તમને સમજાશે ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે .
તમે ગુણવાન્ બન્યા છો . તમે સજ્જન માટે પણ ગુણવાન્ જ છો અને દુર્જન માટે પણ ગુણવાન્ જ છો . તમારી સાથે સારો વ્યવહાર થાય ત્યારે પણ તમે સજ્જન છો અને સજ્જન જ રહેજો . તમારી સાથે ખરાબ વ્યવહાર થાય ત્યારે પણ તમે સજ્જન છો અને સજ્જન જ રહેજો . તમે દુર્જન હશો એનો ફાયદો એ હશે કે અમુક દુર્જનો તમને હેરાન કરશે નહીં કારણ કે દુર્જન પણ દુર્જનથી ડરતો જ હોય છે . તમે દુર્જન હશો એનું નુકસાન એ હશે કે સજ્જન તમારાથી ડરશે અને દૂર રહેશે . ગુણવાન્ સજ્જનને સજ્જન મળવા ચાહે જ છે . ગુણવાન્ સજ્જનને હેરાન કરતી વખતે દુર્જન પણ જાણતો હોય છે કે આમના તરફથી મને તકલીફ આવવાની નથી .
જેનામાં દોષ છે એને તે દોષને કારણે ક્યાંય ને ક્યાંય હેરાન થવું પડે છે એવું આપણે સાંભળતાં આવીએ છીએ . જેનામાં ગુણ છે એને એ ગુણને કારણે ક્યાંય ને ક્યાંય હેરાન થવું પડે છે એવું કહેવામાં આવતું નથી . આથી છાપ એવી ઊભી થાય છે કે ગુણ આવ્યા એટલે સુખ આવ્યાં . ગુણ સ્વયં એક સુખ છે એમાં કોઈ શક નથી . પરંતુ , દરેક ગુણની પરીક્ષા થતી હોય છે . દુર્જનની દુર્જનતાનો ગેરલાભ લેવાયો હોય એવું સાંભળવા મળ્યું નથી . સજ્જનની સજ્જનતાનો ગેરલાભ લેવાયો હોય એવું હંમેશા સાંભળવા મળતું હોય છે . કાંટાઓને ક્યારેય વેઠવાનું આવતું નથી . વેઠવાનું તો ફૂલોને જ હોય છે .
ભગવાન મહાવીરે દસ પ્રકારના યતિધર્મને એટલે કે ૧૦ મહાન્ ગુણોને આત્મસાત્ કર્યા હતા . ઉપસર્ગ કરવાવાળાઓ ઉપસર્ગ કરી શક્યા કારણ કે ભગવાન્ પોતાના ગુણો સાથે બાંધછોડ કરવા તૈયાર નહોતા . શરીરમાં સુગંધ હતી એટલે ભમરા ડંખ મારતા હતા . આત્મામાં ગુણો પ્રગટ્યા હતા એટલે જ ઉપસર્ગકર્તાઓનો પ્રતિકાર થયો નહોતો . તમારી સાથે સારો વ્યવહાર ન થાય ત્યારે પણ તમે ગુણવાન્ સજ્જન બનેલા રહો . તમારી સાથે ખરાબ વ્યવહાર થાય ત્યારે પણ તમે ગુણવાન્ સજ્જન જ બનેલા રહો . તમારા ગુણો પર આક્રમણ થશે , તમારે ગુણોને ટકાવી રાખવાના છે . તમારા ગુણોને ધક્કો લાગે એવું વાતાવરણ બનાવવામાં આવશે , તમે તમારા ગુણોને વફાદાર રહેજો .
લીંબુના રસને દૂધના ટીપાથી ડર નથી લાગતો પરંતુ દૂધને લીંબુરસના એક ટીપાનો ડર લાગે જ છે . જેનામાં ગુણો આવ્યા નથી એના ગુણની પરીક્ષા થવાની જ નથી . એના ખિસ્સા જ ખાલી છે . પરીક્ષા એની જ થવાની છે જેનામાં ગુણ છે . તમારામાં કયા કયા ગુણો છે એ તપાસો . એ ગુણો ખરેખર તમારામાં છે એ બાબતમાં સ્પષ્ટ થઈ જાઓ . આટલું કર્યા પછી પોતાની જાતને સૂચના આપો કે મારામાં ગુણ છે એટલે હું સિદ્ધશિલામાં પહોંચી ગયો છું એવું નથી . મારા ગુણ પ્રતિપાતી છે , અપ્રતિપાતી નથી . ત્રણ વાતો યાદ રાખવાની છે :
૧ . મારામાં પ્રગટેલો ગુણ , મારી જવાબદારી છે . મારા ગુણ ઉપર ઉપસર્ગ આવશે જ . મારે એ ઉપસર્ગથી વિચલિત થયા વગર મારા ગુણને વફાદાર રહેવાનું છે .
૨ . સજ્જનો સારો વ્યવહાર કરે ત્યારે ગુણોની પરીક્ષા થતી નથી . દુર્જનો દુષ્ટ વ્યવહાર કરે ત્યારે જ ગુણોની પરીક્ષા થતી હોય છે . જે રીતે સજ્જનો સાથે ગુણવાન્ બનેલા રહીએ છીએ એ રીતે દુર્જન સાથે પણ ગુણવાન્ બનેલા રહેવાનું છે . દુર્જન દુર્જનતા છોડશે નહીં એની સામે સજ્જન પણ સજ્જનતા છોડશે નહીં .
૩ . તમારામાં ગુણ છે , એ જોઈને બધા લોકો તમારા પ્રશંસક બની જશે એવું નથી . તમારામાં ગુણ છે , એ જોઈને બધા લોકો તમારા વિરોધી બની જશે એવું પણ નથી . જે લોકો ગુણવાન્ હશે એ તમારા ગુણોને સમજી શકશે . જે લોકો ગુણવાન્ નહીં હશે એ તમારા ગુણોને નહીં સમજી શકે .
એક વાત હંમેશા યાદ રાખજો : ફૂલોની સુગંધથી ખેંચાઈને આવેલા ભમરા ફૂલને જ ડંખ મારે છે છતાં ફૂલોમાંથી સુગંધ ઓછી થતી નથી . ગુણવાન્ વ્યક્તિને મળેલી વ્યક્તિ ગુણવાન્ ના હોય તો પણ એ ગુણવાન્ સજ્જન ગુણવાન્ જ બનેલો રહે છે .
Leave a Reply