
કોઈ તમને માન આપશે . કોઈ તમને હેરાન કરશે . કોઈ તમારું સ્વાગત કરશે . કોઈ તમારો વિરોધ કરશે . કોઈ તમારી આરતી ઉતારશે . કોઈ તમારી પર પથ્થર ફેંકશે . કોઈ તમને સાચવશે . કોઈ તમને તરછોડશે . કોઈ તમારું સમર્થન કરશે . કોઈ તમારું ખંડન કરશે . તમારી સાથે બંને રીતનો વ્યવહાર થવાનો . જેની માટે તમે સારા છો એ તમારી સાથે સારો વ્યવહાર કરશે . જેની માટે તમે ખરાબ છો એ તમારી માટે ખરાબ વ્યવહાર કરશે . તમે સારા હશો નહીં , તો પણ તમને સારા માનવાવાળા લોકો હશે જ . તમે ખરાબ હશો નહીં , તો પણ તમને ખરાબ માનવાવાળા લોકો હશે જ . દુનિયાદારી એમ કહે છે કે જે તમને સાચવે છે , એમને તમે સાચવી લો . જે તમને સાચવતા નથી , એમની પર તમે ધ્યાન ના આપો . દુનિયાદારી એમ પણ કહે છે કે જે તમને સાચવે છે એમને ખુશ રાખો , જે તમને નથી સાચવતા એમને લાત મારી દો . દુનિયાદારીની વાત છે .
સાધના અલગ વાત કરે છે . તમારું પુણ્ય ઉદયમાં આવે ત્યારે તમારી સાથે સારું થવા લાગે છે . તમારું પાપ ઉદયમાં આવે ત્યારે તમારી સાથે ખરાબ થવા લાગે છે . તમારું સારું થયું એમાં પુણ્યની ભૂમિકા મોટી છે . તમારું ખરાબ થયું એમાં પાપની ભૂમિકા મોટી છે . તમારું સારું થયું એમાં જે જે વ્યક્તિનો હાથ છે એ વ્યક્તિ માટે રાગ થાય એનાથી બચવાનું છે . ઉપકારીના ઉપકારને ભૂલી ન શકાય પરંતુ કોઈ પણ વ્યક્તિ માટેનો રાગ આત્માને અનુકૂળ હોતો નથી . રાગ વધે એટલે સંસાર વધે . રાગ ઘટે કે તૂટે એ પછી જ સંસાર ઘટે કે તૂટે . જે તમને સાચવે છે એ તમને સારા લાગે છે . એનો અર્થ એ છે કે જે તમારું સુખ સાચવે એની માટે તમને રાગ થાય છે . જે તમને સાચવતા નથી અને જે તમને તકલીફ આપે છે એમની માટે તમને નારાજગી થાય છે . એનો અર્થ એ છે કે જે તમારાં દુઃખનું કારણ છે એની માટે તમને દ્વેષ થાય છે . તમારાં મનમાં રાગ આવ્યો એટલે આત્માને નુકસાન થયું . તમારાં મનમાં દ્વેષ આવ્યો એટલે આત્માને નુકસાન થયું .
સાધનામાં તમારે બન્નેથી બચવાનું છે . સેવા કરનારા સેવા કરશે , રાગ નથી કરવાનો . હેરાન કરનારા હેરાન કરશે , દ્વેષ નથી કરવાનો . સેવા કરનાર માટે ઔચિત્યની ભૂમિકાએ જે કરવાનું હોય તે કરવાનું જ . હેરાન કરનાર ધર્મની ગૌરવહાનિ કરતો હોય એવું લાગે ત્યારે એની સામે કડક પણ થવાય . સાવધાની એટલી જ રાખવાની છે કે મનમાં રાગ બનવો ના જોઈએ , મનમાં દ્વેષ બનવો ના જોઈએ .
જનમોજનમથી આપણને રાગ કરવાની આદત પડી ગઈ છે આથી આપણાં મનમાં જે જે રાગ ચાલે છે એ વ્યાજબી છે એવી દલીલ આપણે કરવાના જ છીએ . આવું જ દ્વેષમાં પણ થાય છે . જનમોજનમથી આપણને દ્વેષ કરવાની આદત પડી ગઈ છે આથી આપણાં મનમાં જે જે દ્વેષ ચાલે છે એનો બચાવ કે ખુલાસો આપણે કરવાના જ છીએ . આપણે કહી દઈએ કે મારાં મનમાં ખોટા રાગ નથી એટલા માત્રથી આપણે વીતરાગી બની જવાના નથી . આપણે રાગી જ રહેવાના છીએ . આપણે જવાબ આપી દઈએ કે મારાં મનમાં ખોટા દ્વેષ નથી , એનાથી એ સિદ્ધ થવાનું જ નથી કે આપણે દ્વેષમુક્ત થઈ ગયા . આપણે જાણીએ જ છીએ કે આપણે રાગમાં ડૂબેલા છીએ . આપણને યાદ જ છે કે આપણે દ્વેષની આગમાં ફસાયેલા છીએ .
રાગ બને કે વધે એવા નિમિત્ત મળે એ વખતે સાવધાની રાખવાની છે કે આ રાગ થયો તે થવો ના જોઈએ. દ્વેષ બને કે વધે એવા નિમિત્ત મળે એ વખતે પણ સાવધાની રાખવાની છે કે આ દ્વેષ થયો તે થવો ના જોઈએ . તમે ક્યાં ક્યાં રાગ કરો છો એ જોવાનું તમે શીખી લો. તમે ક્યાં ક્યાં દ્વેષ કરો છો એ જોવાનું તમે શીખી લો. રાગ કર્યો એનો પસ્તાવો બનાવો . પસ્તાવો રાગની શક્તિને કમજોર પાડે છે . દ્વેષ કર્યો એનો પસ્તાવો બનાવો . પસ્તાવો દ્વેષની શક્તિને કમજોર પાડે છે .
ભગવાન્ મહાવીરે , ભક્તિ કરનારા ઇન્દ્ર ઉપર રાગ ના કર્યો અને ડંખ મારનારા ચંડકૌશિક પર દ્વેષ ના કર્યો. સંસાર રાગનું કારણ આપશે . સાધકે રાગથી બચીને રહેવાનું છે . સંસાર દ્વેષનું કારણ આપશે . સાધકે દ્વેષથી બચીને રહેવાનું છે .
Leave a Reply