Press ESC to close

મમતા સભાનતાપૂર્વક થતી નથી : મમતાનો ત્યાગ સભાનતાપૂર્વક થાય છે .

પ્રભુનો ત્રીજો અભિગ્રહ છે : ગૃહસ્થનાં પાત્રમાં વાપરવું નહીં . પોતાની પાસે કોઈ પાત્ર હતું નહીં . ગૃહસ્થ પાસેથી પાત્ર લેવાનું બંધ કર્યું . વાપરવાનું શી રીતે ? પાણિપાત્ર અવસ્થા . જે વાપરવાનું મળે તે હાથમાં લઈને જ વાપરવાનું , પાત્રનો ઉપયોગ નહીં કરવાનો . આ અભિગ્રહને કારણે જે અગવડ પડે તે વિચારવું જોઈએ . ભોજન પાત્રમાં લેવાનું હોય તો સરખી રીતે બધી વસ્તુ જુદી જુદી રાખી શકાય . ભોજન , અંજલિમાં લેવાનું હોય તો વસ્તુઓ જુદી જુદી રાખી શકાતી નથી . ભોજન , પાત્રમાં લેવાનું હોય તો ગરમ વસ્તુ પણ લેવાય . ભોજન , અંજલિમાં લેવાનું હોય તો ગરમ વસ્તુ લેવામાં અનુકૂળતા ના આવે . ભોજન , થાળીમાં લેવાનું હોય તો હાથ મોકળો હોય . બે વસ્તુ , ત્રણ વસ્તુઓ આંગળીઓના સહારે મિક્સ કરી શકાય . જેમ કે રોટલીનો ટુકડો કરી એમાં શાક ભરી શકાય . ભોજન અંજલિમાં લેવાનું હોય તો બે વસ્તુને ભેગી કરવાની સંભાવના જ ન રહે . પાત્રમાં પીરસેલી વસ્તુ વાપરવાનું સહેલું છે . અંજલિમાં લીધેલી વસ્તુ વાપરવાનું સહેલું નથી . વાપરવા બેઠા હોઈએ ત્યારે પાણીનો ગ્લાસ જુદો હોય છે , દાળની વાટકી જુદી હોય છે , રોટલી માટેની થાળી જુદી હોય છે . ચમચી પણ હોય છે . પાત્ર નહીં એટલે ગ્લાસ નહીં , થાળી નહીં , ચમચી નહીં , વાટકી નહીં . આ સિસ્ટમમાં વાપરવાનું કેવી રીતે ? 

વાપરવાનું અઘરું થઈ જાય એટલે વાપરવામાંથી સ્વાદ લેવાની વૃત્તિ કમજોર પડી જાય . સમજાય એવી વાત છે . તમે વાપરો છો એટલે કે ખાવાનું લો છો પરંતુ તમને વાપરવામાં એટલે કે ખાવામાં સ્વાદ લેવાનો છે એ યાદ હોતું નથી , આ છે સાધના . જે મળ્યું તે મોઢામાં નાંખી દીધું એ સાધના છે . જે આહાર લેવાનો છે એ કેવો દેખાય છે કે કેવી રીતે મૂકવામાં આવે છે એની ઝંઝટ ના કરવી એ છે સાધના . મારી સૌથી પ્રિય આઈટમ કંઈ છે , મને કંઈ આઈટમ બિલકુલ નથી ભાવતી , આવા ધારાધોરણ ન રાખીએ એ સાધના . મને કેવું પાત્ર ગમશે , મને કેવું પાત્ર નહીં ગમે , એવી પસંદ-નાપસંદથી મુક્ત હોય તે સાધના .

આહારની સાથે પાત્ર જોડાય એટલે પાત્રના રંગરૂપની કલ્પના જોડાય છે . પાત્ર સોનાનું હોય , ચાંદીનું હોય , પિત્તળનું હોય , લાકડાનું હોય એ પ્લાસ્ટિકનું હોય – માત્ર મોંઘુ છે કે સસ્તું છે એની વિચારણાઓ જોડાય છે . જેમ શરીર આત્માનો સ્વભાવ નથી , આહાર આત્માનો સ્વભાવ નથી એમ પાત્ર પણ આત્માનો સ્વભાવ નથી . પાત્રનો ઉપયોગ કરવાનો પણ પાત્રની બાબતમાં નિર્લેપ રહેવાનું  . પાત્ર આવે એટલે પાત્રને સાચવવાની વ્યવસ્થા આવે . પાત્ર રાખવાનું ક્યાં ? પાત્ર રાખવાનું કેવી રીતે ? પાત્ર ઉંચકવાનું કોણે ? પાત્ર ઉંચકવાનું કેવી રીતે ? પાત્રની સારસંભાળના વિચારો ચાલતા જ રહે છે . પાત્રની બાબતે નિર્લેપ રહેવાનું . મારું પાત્ર છે એ મારી પાસે જ રહેવું જોઈએ , મારું પાત્ર બીજા કોઈને આપીશ નહીં , મારું પાત્ર તૂટવું ના જોઈએ , પાત્ર જૂનું થયું તો હવે નવું પાત્ર લાવો ….. પાત્ર માટેના વિચારો ભાગતા જ રહે છે . સાધના માટેનું પાત્ર , પવિત્ર સાધન છે . જે પવિત્ર છે એની માટેનો આદરભાવ હોવો જોઈએ . પરંતુ મમતાભાવ કે અધિકારભાવ કોઈપણ વસ્તુનો હોય , એ ભાવોથી નુકસાન થતું જ હોય છે . પાત્ર માટે , ઉપકરણ માટે મમતા ન હોય એ સાધના છે . 

ભગવાને પાત્ર ન રાખવાનો નિયમ લીધો . પાત્ર ન વાપરવાનો નિયમ લીધો એ વખતે ભગવાને જે પાત્ર છોડ્યું એ પાત્ર ફક્ત સાધના માટે ઉપયોગી થવાનું હતું . જે સાધનામાં જ ઉપયોગી થવાનું હતું એનો પણ ભગવાન્ ત્યાગ કરે છે . સાધનાનો નિયમ જ આ છે : જેનો ત્યાગ કરી શકાય એનો ત્યાગ કરી જ દેવાનો . ત્યાગ કરવાની આદત કેળવીએ નહીં , એનું પરિણામ શું આવે ?  ખબર છે ? જે ત્યાગ કરવાનું જાણતો નથી તે સંગ્રહખોર બની જાય છે . 

સામાન ઓછો કરવાની આદત કેળવવી પડે છે . અન્યથા સામાન વધતો જ જાય છે , વધતો જ જાય છે . સામાનમાં કપડાં આવે , સામાનમાં વાસણ આવે , સામાનમાં ફર્નિચર આવે , સામાનમાં નોટ , પેન અને પુસ્તકો આવે . સામાનમાં ઘણું આવે . સાધકની જીવનશૈલી એવી હોય કે ઓછામાં ઓછાં સામાનથી કામ ચાલી જાય . જે સંસારી હોય એનો પથારો લાંબો હોય . જે સંસારી ના હોય એનો પથારો લાંબો હોય તે ચાલે નહીં . ભગવાને દીક્ષા પછીના પહેલાં ચોમાસામાં અલગથી નિયમ લીધો કે મારે પાત્રનો ઉપયોગ કરવાનો જ નથી . આ નિયમનું ચુસ્ત પાલન ભગવાને ૪૨ વર્ષ સુધી કર્યું . 

જે લોકો ઘરમાં રહે છે , સંસારી છે એમણે વિચારવું જોઈએ :  મારા ઘરમાં વધારાનાં કપડાં કેટલા છે ? વધારાનાં વાસણ કેટલાં છે ? વધારાનાં બુટ ચપ્પલ મોજાં કેટલાં છે ? વધારાનું ફર્નિચર શું છે ? સંસારી ભૂમિકાનો જીવ એવું જ વિચારતો હોય છે કે બધો સામાન જરૂરી છે , હજી નવો સામાન લેવાનો છે એ પણ જરૂરી છે . સામાન ઓછો ન કરીએ , સામાન વધારતા રહીએ – આ છે સાધનાથી વિપરીત અવસ્થા . સામાન ઓછો થતો જાય , સામાનનો સંગ્રહ વધે નહીં , આ છે સાધનાની અવસ્થા . 

આપણાં ઘરમાં જે પણ સામાન આપણે ભેગો કરી રાખ્યો છે એ પરિગ્રહ છે . જેનો પરિગ્રહ ઘણો હોય એ સુખી ગણાય છે સંસારમાં . જેનો પરિગ્રહ મોટો હોય તે શ્રીમંત ગણાય છે સંસારમાં . સુખી દેખાવા માટે , શ્રીમંતમાં ગણતરી પામવા માટે આપણે સામાન વધારતાં રહીએ છીએ . આપણે નવોનવો સામાન વધારતાં જ જઈએ છીએ , મનને રાજી રાખવા માટે .‌ જેમ જેમ સામાન વધતો જાય છે તેમ તેમ સાધના કમજોર પડતી જાય છે . જેમ જેમ સામાન ઘટતો જાય છે તેમ તેમ સાધના શક્તિશાળી બનતી જાય છે . જે દિવસે બધો જ સામાન છૂટી જાય છે એ દિવસે સાધના જીતી જાય છે‌ , સંસાર હારી જાય છે . 

જે સામાન તમારા કબજામાં છે , એનો તમે વિચાર કરવાના જ છો , એની તમે મમતા પાળવાના જ છો . પોતાના કપડાં દાગીના ફર્નિચર કોસ્મેટિક્સ વાસણો વગેરે સાધન સરંજામને જોઈ જોઈને‌ તમે રાજી થતા રહો છો , અહંકાર બનાવો છો . આપણો સ્વભાવ આ રીતે જ ઘડાયો છે . કપડાં દાગીના ફર્નિચર કોસ્મેટિક્સ વાસણો વગેરે સાધન સરંજામ , એ આત્માનો સ્વભાવ નથી . યાદ રહેવું જોઈએ . કપડાં દાગીના ફર્નિચર કોસ્મેટિક્સ વાસણો વગેરે સાધન સરંજામના વિચારો જ્યારે ચાલુ હોય છે ત્યારે આત્માનું વિસ્મરણ થતું જ હોય છે , આ હકીકત છે . 

ભગવાન્ પાસે પાત્ર નહોતું . આ કારણે જે માનસિક ભૂમિકા બની એ સમજાય છે . પાત્ર માટેના વિચારો મનમાં બનતા જ નથી . પાત્રની કાળજી લેવાની વૃત્તિ જાગતી જ નથી . પાત્રની યાચના કરવાની જ  નથી , પાત્રનો સંગ્રહ કરવાનો જ નથી . પાત્ર નથી એટલે પાત્ર કેવું છે , કેવું નહીં એવા રાગ દ્વેષ નથી . પાત્ર નથી એટલે પાત્ર માટેની વિરાધના નથી , પાત્ર દ્વારા થનારી વિરાધના નથી . પાત્ર નથી એટલે પાત્રની ચોરીનો ડર નથી . પાત્ર નથી એટલે પાત્ર તૂટ્યું એનું દુઃખ નથી . 

સાધકે ચોવીસેચોવીસ કલ્લાક આત્માના વિચારોમાં ડૂબેલા રહેવાનું હોય . સ્વજનોનો ત્યાગ કર્યો એટલે સ્વજનોની મમતા અને સ્વજનોના વિચારથી મુક્ત થયા . ઘરનો ત્યાગ કર્યો એટલે ઘરની મમતા અને ઘરના વિચારોથી મુક્ત થયા . પૈસાનો ત્યાગ કર્યો એટલે પૈસાની મમતા અને પૈસાના વિચારોથી મુક્ત થયા . દાગીનાનો ત્યાગ કર્યો એટલે દાગીનાની મમતા અને દાગીનાના વિચારોથી મુક્ત થયા . આ સિલસિલો આગળ ચાલ્યો . દીક્ષા પછી પાત્રનો ત્યાગ કર્યો એટલે પાત્રની મમતા અને પાત્રના વિચારોથી મુક્ત બન્યા . 

શીખવાનું એ છે કે પાત્ર કે કપડાં કે ઉપકરણની મમતાથી બચવાની સભાનતા સાધકે સ્વયં રાખવાની છે . મમતા પોતાની મેળે થાય છે . મમતા સભાનતાપૂર્વક થતી નથી . મમતાનો ત્યાગ સભાનતાપૂર્વક થાય છે . મમતાનો ત્યાગ પોતાની મેળે થતો નથી . જ્ઞાન સંબંધી , દર્શન સંબંધી અને ચારિત્ર સંબંધી ઉપકરણ આપણે વાપરીએ એ અલગ વાત છે પરંતુ આ ઉપકરણો માટે સુખમૂલક મમતા બને , અધિકાર ભાવ બને , ચિંતાની લાગણી બને એનાથી સાધનાને નુકસાન થતું હોય છે . જે સંસારી છે તેણે ધાર્મિક ઉપકરણનો પ્રેમ બનાવવાનો છે . જે સાધક છે એણે ધાર્મિક ઉપકરણનો આદર ધારવાનો છે . સાધન સામગ્રીનો આસક્તિરૂપ પ્રેમ સાધકને શોભે નહીં . 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *