Press ESC to close

આ ખોટો વિનય છે : આવો વિનય નહીં કરવાનો

દીક્ષા પછીના પહેલા ચોમાસામાં ભગવાને નિયમ લીધો હતો કે ગૃહસ્થનો વિનય કરવો નહીં . ભગવાને આ નિયમ લીધો એનો અર્થ એ થાય કે ભગવાને કોઈ વિનય કર્યો હતો ગૃહસ્થનો . વિનય એટલે શું એ વિચારવાનું છે . સામો માણસ આપણાથી વધારે ગુણવાન્ છે એમ માનીને એને એ રીતે આદર આપવો એ વિનય છે . આપણો ધર્મ ઓછો છે અને સામી વ્યક્તિનો ધર્મ વધારે છે એવું માનીએ અને એ ધર્માત્માને બહુમાન આપીએ એ વિનય . આપણું જ્ઞાન ઓછું છે અને સામી વ્યક્તિનું જ્ઞાન ઘણું વધારે છે એવા અહોભાવપૂર્વક સામી વ્યક્તિને સન્માન આપવું એ વિનય છે . 

ભગવાન્ દીક્ષા લેતી વખતે करेमि સૂત્ર બોલે છે , એમાં भंते બોલતા નથી . જે પ્રભુને भंते બોલવાની જરૂર નથી એ પ્રભુને કોઈનો વિનય શું કામ કરવો પડે ? સામી વ્યક્તિએ આપણને આદર આપ્યો એનો પ્રતિભાવ એ રીતે આપવો કે સામી વ્યક્તિને સારું લાગે , આવો વ્યવહાર વિનય તરીકે ઓળખાતો હશે . જેની સાથે સંબંધ ચાલુ હોય એને સારું લાગવું જોઈએ એવી સભાનતાપૂર્વક જે વ્યવહાર કરીએ તે વિનય ગણાતો હશે . સામા માણસને સારું લાગવું જોઈએ અને સામા માણસને ખોટું ન લાગવું જોઈએ , આ બે ભૂમિકાને સરસ રીતે સાચવીએ એ વિનય હશે . 

વાત સાધનાની છે , વાત અઘરી છે . આપણે જેટલો વખત સામા માણસ માટે વિચારીએ છીએ એટલો વખત પોતાના આત્મા માટે વિચારવાથી વંચિત રહી જઈએ છીએ . આત્માની ઉપેક્ષા થાય એવો વ્યવહાર ખોટો . આત્માનું ધ્યાન રાખવાનું ન થાય એવો વ્યવહાર ખોટો . આત્માની ચિંતા કરી ન શકીએ એનો વ્યવહાર ખોટો . આત્માના વિચારોમાંથી બહાર આવવું પડે એવો વ્યવહાર ખોટો . આત્મા સિવાયના બીજા વિચારો કરવા પડે એવો વ્યવહાર ખોટો . જે કરવું તે આત્મા માટે જ કરવું , જે આત્મા માટે ઉપયોગી નથી એને સદંતર ટાળી દેવું . બીજા લોકોને સાચવવા માટે , પોતાના આત્માને ભૂલવાની શી જરૂર છે ? ભગવાને જે વિનયનો ત્યાગ કર્યો એ વિનય ત્યાગ આ હશે . અન્યને મળી રહેલો આદર એ વિનય હશે . અનાદર ન કરીએ એ જુદો વ્યવહાર . આદર આપતા ફરીએ જુદો વ્યવહાર . આદર આપવામાંથી મુક્ત થવું એ ભૂમિકા હશે વિનયના ત્યાગની . આ કેવળ અનુમાન છે . 

ભગવાને વિનય ત્યાગનો નિયમ લીધો તે પૂર્વે બનેલી ઘટના કંઈ તે શોધવું જોઈએ . 
+ દીક્ષા પછી દુઈજ્જંતગ તાપસનો આશ્રમ , વિહારમાં આવ્યો ત્યારે આશ્રમનો કુલપતિ ભગવાનને આવકાર આપવા માટે સામે આવ્યો હતો . એ મળ્યો ત્યારે ભગવાને હાથ લંબાવ્યા હતા . કલ્પસૂત્રમાં લખ્યું છે કે પૂર્વ અભ્યાસને કારણે પ્રભુએ  હાથ લંબાવ્યા હતા . હાથમાં હાથ મિલાવીએ ત્યારે અરસ-પરસ બંને વ્યક્તિ પોતપોતાના હાથ લંબાવે છે એવી કોઈક રીતે ભગવાને હાથ લંબાવેલા . આ વ્યવહારમાં કોઈ વિનય થયો હોય એવી સંભાવના છે ‌ .
+ ભગવાને પહેલું પારણું પાત્રમાં કર્યું . ભગવાન્ પાસે પોતાનું કોઈ પાત્ર હતું નહીં . પાત્ર ગૃહસ્થ પાસેથી માંગ્યું હશે . એ પાત્રનો ઉપયોગ કર્યો હશે . તે પછી પાત્ર ગૃહસ્થને પાછું આપ્યું હશે . પાછું આપતી વખતે એ પાત્ર , આપવા લાયક હોય એની કાળજી ભગવાને લીધી હશે . પાત્ર લેવું , વાપરવું અને પાછું આપવું એનો વ્યવહાર જે પણ થયો હશે એમાં વિનય થયો હોય , કદાચ . જેણે પાત્ર આપ્યું એની સાથે કોઈ વાત થઈ હશે . પાત્ર પાછું આપ્યું એ વખતે કંઈક કહ્યું હશે . જે કહ્યું હશે એમાં આદર જાળવેલો હશે . અનુમાન કરી શકાય .
+ આશ્રમના કુલપતિએ આગામી ચોમાસું આશ્રમમાં કરવા માટે વિનંતી કરી હતી . ભગવાને વિનંતીનો સ્વીકાર કર્યો હતો . તેમ જ પોતે સ્વીકારેલી વિનંતી અનુસાર ચોમાસાના સમયમાં ભગવાન્ આશ્રમ પાસે આવી પહોંચ્યા હતા . ભગવાન્ , વિનંતીસ્વીકારના સમયે આપેલાં વચન અનુસાર ફરીથી આવ્યા આ વ્યવહારમાં વિનય બન્યો હશે , શાયદ . 
+ ભગવાનને જે ઝૂંપડી આપવામાં આવી એ ઝૂંપડી માટે કોઈ આનાકાની ભગવાને કરી નહોતી . જે મળ્યું તે સ્વીકારી લીધુંએ સ્વરૂપે વિનય જળવાયો હશે . 

ગૃહસ્થનો વિનય કરવો નથી , આ નિયમ લીધા પછી ચોમાસાની વિનંતીવાળી કોઈ ઘટના બની નથી . કોઈને હાથ લાંબો કરીને આવકાર આપ્યો નથી . કોઈની પાસેથી પાત્ર લીધું નથી . ગૃહસ્થનો વિનય કરવો નથી આ નિયમ લેતાં પહેલાં ભગવાને વિનય શું કર્યો એ શોધવાની કોશિશ કરીએ ત્યારે કોઈ મોટો વિનય કર્યો હોય એવી ઘટના મળતી નથી . સામા માણસની લાગણી સાચવી હોય એટલા પૂરતો જ વિનય સંભવે છે . આ વિનયમાં એવી કોઈ ગંભીર અનુચિતતા હશે તેથી આવો વિનય કરવો નથી એનો નિયમ લઈ લીધો . ભગવાને ખરેખર શું નિયમ લીધો એ સમજાય એવું નથી .  ભગવાને નિયમ લીધો એનો અર્થ શું એ સમજવાનું પણ અઘરું જ છે .

વિનયત્યાગના નિયમમાંથી પ્રેરણા શોધવાની છે . 
તમે ભગવાનની ભક્તિ કરવા બેઠા છો એ વખતે તમારે ભક્તિમાં ડૂબેલા રહેવાનું . અન્ય કોઈને રાજી રાખવા માટે તમે તમારી ભક્તિની ધારામાંથી બહાર આવી જાઓ છો . આ ખોટો વિનય છે . આવો વિનય નહીં કરવાનો . તમે વ્યાખ્યાન સાંભળવા બેઠા છો એ વખતે તમારે દેશનાની ધારામાં વહેતા રહેવાનું છે . કોઈ મળવા  આવે છે . તમે એમને સંતોષ આપવા માટે વ્યાખ્યાન સાંભળવાનું છોડી દો છો . આ ખોટો વિનય છે . આવો વિનય નહીં કરવાનો . 

તમે કાઉસગ્ગ કરી રહ્યા છો . એ વખતે તમારે એકાગ્ર રહેવાની ભાવના પ્રબળ રાખવાની છે .  તમને કોઈ નામ દઈને બોલાવે છે . તમે ચાલુ કાઉસગ્ગમાં એમને ઉંહકારાથી કે બીજી રીતે પ્રતિભાવ આપો છો .  આ ખોટો વિનય છે . આવો વિનય નહીં કરવાનો . 

તમે સ્વાધ્યાય કરી રહ્યા છો . એ વખતે તમારી સાથે ટાઇમપાસ વાતો કરવા માટે કોઈ આવીને બેસે છે . સ્વાધ્યાય અણમોલ છે એવું જાણવા છતાં તમે પેલા માણસ સાથે વાત કરવા લાગો છો અને સ્વાધ્યાય સાઈડ પર રહી જાય છે . આ ખોટો વિનય છે . આવો વિનય નહીં કરવાનો . 

તમે કોઈ એક વસ્તુનો ત્યાગ કરેલો છે . તમારું કોઈ સ્વજન તમને એ જ વસ્તુ વાપરવાનું કહે છે જેનો તમને ત્યાગ છે . તમારે તમારા ત્યાગ સાથે બાંધછોડ કરવાની હોય જ નહીં . પરંતુ સ્વજનને ખુશ રાખવા માટે તમે તમારા ત્યાગમાં બાંધછોડ કરી લો છો . આ ખોટો વિનય છે . આવો વિનય નહીં કરવાનો . 

તમે રોજ સામાયિક કરો છો ,  પ્રતિક્રમણ કરો છો . ઘરમાં કોઈ મહેમાન આવ્યા છે કે કોઈ પ્રસંગ ઉપસ્થિત થયો છે એને કારણે તમે સામાયિક અને પ્રતિક્રમણ કરવાનું ટાળી દો છો . ગમે તેટલી જવાબદારી હોય , સામાયિક અને પ્રતિક્રમણ કરવાનો સમય મળી જ શકે છે . તમને ઘરના મહેમાનો માટે કે પ્રસંગની તૈયારી માટે ટાઈમ મળે છે પણ સામાયિક અને પ્રતિક્રમણ માટે ટાઈમ નથી મળતો . આ ખોટો વિનય છે . આવો વિનય નહીં કરવાનો . 

તમે પવિત્ર આચારનું પાલન કરી રહ્યા છો . તમારી સમક્ષ કોઈ વ્યક્તિ આનંદપ્રમોદનું પ્રલોભન મૂકે છે . તમે એ વ્યક્તિને રાજી રાખવા માટે ખોટા પ્રલોભનમાં ફસાઈ જાઓ છો અને જે પવિત્ર આચારનું દૃઢ રીતે પાલન કરવાનું હતું એ પવિત્ર આચારને ખંડિત કરી દો છો . આ ખોટો વિનય છે . આવો વિનય નહીં કરવાનો . 

તમે એક મોટા ગુનેગાર સાથે વાત કરી રહ્યા છો . ગુનેગારે કરેલા ગુનાઓ ભયંકર છે . એ ગુનેગાર તમને કે તમારા પરિવારને કે તમારા સમાજને ખુશ રાખવા માટે કશું જ કરવાનો નથી , નક્કી છે . તેમ છતાં તમે એ ગુનેગારને ખોટું ન લાગે એની ચિંતા કર્યા કરો છો . આ ખોટો વિનય છે . આવો વિનય નહીં કરવાનો . 

વિનય સાચો પણ હોય . આપણે જે ભૂમિકાએ હોઈએ એ ભૂમિકા કરતાં જે ઉપરની ભૂમિકાએ બેઠા હોય એમની સાથે આદરપૂર્વકનો વ્યવહાર રાખીએ . એનાથી આપણને ઉપર ઊઠવામાં સહાય મળે છે . આવો વિનય જરૂરી છે . પરંતુ જેની ભૂમિકા આપણા કરતાં ઘણી જ નીચી છે એને રાજી રાખવા માટે આપણે આપણી ઊંચી ભૂમિકાથી નીચે ઉતરીએ એવી રીતે વિનય કરી શકાય નહીં . શિક્ષક વિદ્યાર્થીના માથે હાથ મૂકે એ શોભે છે . શિક્ષક વિદ્યાર્થીના પગ પકડે એ શોભતું નથી . જે તમારા કરતાં ઓછો ધર્મ કરે છે , ઓછો ધર્મ સમજે છે એમના સંગમાં રહેવા માટે , તમે તમારા ઊંચા ધર્મને ઢીલો પાડી દો , તમે તમારા ઘણા ધર્મમાંથી મોટાભાગનો ધર્મ છોડી દો . આવો વિનય કરાય નહીં . 

કોઈ માણસ કંઈ ખોટું કરે છે . એને પોતાને ખબર નથી એ ખોટું કરે છે . પરંતુ એનો સ્વભાવ એવો છે કે આપણે કંઈક કહીશું તો એને ખરાબ લાગશે . આપણે એને ખરાબ ના લાગવું જોઈએ એની ચિંતા રાખીએ છીએ અને એ જે ખોટું કરે છે એ બાબતે એને સમજાવવાની કોશિશ કરતા નથી . આ ખોટો વિનય છે . આવો વિનય નહીં કરવાનો . 

ભગવાને કોઈ તાપસને કે કોઈ ગૃહસ્થને સંતોષ માટે કોઈ આત્મીય વ્યવહાર બનાવ્યો નહોતો . સાધુ સાધ્વીને ઘણીબધી વિનંતી આવે છે . જેને ઘણી વિનંતીઓ આવે એને મહાન ્ ગણવામાં આવે છે . મોટાભાગની વિનંતીઓનો સ્વીકાર થાય છે . જેણે વિનંતી કરી છે એને સંતોષ આપવાનો છે એવી માનસિકતા હોય છે . સાધનાનું મુખ્ય લક્ષ્ય ગૃહસ્થો નથી . સાધનાનો મુખ્ય લક્ષ્ય પ્રસંગો નથી . સાધનાનું મુખ્ય લક્ષ્ય મોટા મોટા કાર્યક્રમો નથી . સાધનાનું મુખ્ય લક્ષ્ય છે આત્મલીન અવસ્થા . વિનંતીના સ્વીકાર પછી જે વ્યસ્તતાઓ બની જાય છે એને લીધે શાસન પ્રભાવના થાય છે , એના લીધે અનેક આત્માઓ ધર્મ સાથે જોડાય છે , અનેક આત્માઓ ધર્મમાં સ્થિર બને છે , અનેક આત્માઓ ધર્મમાં પ્રગતિ કરે છે . વાત સાચી છે . વિનંતીઓના સ્વીકાર પછી આત્મલીનતાને ન્યાય મળે છે કે અન્યાય થાય છે એ વિચારવાનું રહી જતું હોય છે . કોઈને સાચવવા માટે પોતાની આત્મલીનતા સાથે બાંધછોડ થાય એવું ભગવાને થવા દીધું નહોતું . આજના સમયમાં જેઓ વિનંતી કરે છે એમણે વિનંતી કરતી વખતે આ આત્મલીનતાની ચિંતા કરવી જોઈએ . વિનંતી કરનારા અમુક અંશે ભૂલ કરે છે અને પછી કંઈ થાય છે ત્યારે નામ એમનું આવે છે જેમણે એમની વિનંતીનો સ્વીકાર કર્યો હોય છે . 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *