Press ESC to close

ધર્મ અને ઔપચારિકતા‌ સાથે સાથે દેખાય છે પરંતુ જુદા જુદા રહેતા હોય છે …

ધર્મમાં ઔપચારિકતાઓનો વિરોધ પણ નથી અને આગ્રહ પણ નથી . ધર્મ જુદો હોય છે  . ઔપચારિકતા જુદી હોય છે . તમે તપ કરો છો તે ધર્મ છે . તમે તપનાં નિમિત્તે પ્રભાવના રાખો છો તે ઔપચારિકતા છે . જેનામાં પ્રભાવના કરવાની શક્તિ નથી એ પણ તપ કરે છે . એ કર્મનિર્જરા સાધે જ છે . જેનામાં પ્રભાવના કરવાની શક્તિ છે એ પણ તપ કરે છે . એ પણ કર્મનિર્જરા સાધે જ છે . જેણે તપ કર્યા બાદ પ્રભાવના કરી એને પ્રભાવના કરવાનું મન થયું અને એની પાસે પ્રભાવના કરવાની શક્તિ હતી , એણે પોતાની શક્તિનો ઉપયોગ કર્યો . સારું થયું . જેણે તપ કર્યા બાદ પ્રભાવના ન કરી એને પ્રભાવના કરવાનું મન થયું હતું પણ એની પાસે પ્રભાવના કરવાની શક્તિ હતી નહીં . એ પ્રભાવના ન કરી શક્યો . શું એનો તપ નિષ્ફળ ગયો ? ના . એનો તપ સફળ જ રહ્યો . જે તપ પછી પ્રભાવના થાય એ તપ જ કર્મનિર્જરાનું કારણ બને છે એવું નથી ‌. જે તપ પછી પ્રભાવના ન થાય એ તપ કર્મનિર્જરાનું કારણ બનતો નથી એવું પણ નથી ‌. છેલ્લાં બે વાક્ય ફરીવાર વાંચજો . એકવાર વાંચવાથી મુદ્દો નહીં પકડાશે . તપ જુદો છે . ઔપચારિકતા જુદી છે . ચાર પરિસ્થિતિ બને છે . 

૧ . તમે તપ કર્યો . પ્રભાવના કરવાનું મન થયું .  પ્રભાવના કરવાની શક્તિ હતી . પ્રભાવના કરી . આ પહેલી પરિસ્થિતિ . તમારામાં શક્તિ હતી . તમે એનો ઉપયોગ કર્યો . તમારામાં શક્તિ હોય એ અગત્યનું છે . તમે એ શક્તિનો ઉપયોગ કરવાનું વિચારો એ પણ અગત્યનું છે . અને તમે ખરેખર શક્તિનો ઉપયોગ કરો એ પણ અગત્યનું છે .‌ 

૨. તમે તપ કર્યો . પ્રભાવના કરવાનું મન થયું .  પ્રભાવના કરવાની શક્તિ નહોતી . તમે પ્રભાવના ન કરી . આ બીજી પરિસ્થિતિ . તમારામાં શક્તિ ન હોય અને તમે પ્રભાવના ના કરો એને કારણે તપ અધૂરો રહી જતો નથી . તપ આરાધના છે અને પ્રભાવના ઔપચારિકતા છે . ઔપચારિકતાથી તપની શોભા અવશ્ય વધે છે પરંતુ ઔપચારિકતાના અભાવમાં તપ કમજોર પડતો નથી .

૩. તમે તપ કર્યો . પ્રભાવના કરવાનું મન ના થયું . પ્રભાવના કરવાની શક્તિ હતી . તમે પ્રભાવના ન કરી . આ ત્રીજી પરિસ્થિતિ . તમારી શક્તિ એ તમારી જવાબદારી છે . શક્તિનો જે ઉપયોગ કરે તે જવાબદાર કહેવાય . શક્તિનો જે ઉપયોગ ન કરે એ બેજવાબદાર કહેવાય . ઘણાબધા લોકો શક્તિથી વંચિત હોય છે એને કારણે રડતા હોય છે . તમે શક્તિથી વંચિત નહોતા પણ તમને પોતાની શક્તિનો ઉપયોગ કરવાનું ગમતું નહોતું . તમારામાં શક્તિ ન હોય એ તમારો ગુનો નથી . તમારામાં શક્તિ હોય પરંતુ તમને એ શક્તિનો ઉપયોગ કરવાનું ગમતું નથી એ તમારો ગુનો છે . તમે પ્રભાવના ન કરી એ ગુનો નથી . તમારામાં પ્રભાવના કરવાની ઈચ્છા ના પ્રગટી એ ગુનો છે .

૪. તમે તપ કર્યો . પ્રભાવના કરવાનું મન ના થયું . પ્રભાવના કરવાની ન શક્તિ હતી . તમે પ્રભાવના ન કરી . આ ચોથી પરિસ્થિતિ . તમે પ્રભાવના કરો છો એ નાની વાત છે . તમને પ્રભાવના કરવાનું મન થાય છે એ મોટી વાત છે . તમારામાં પ્રભાવના કરવાની શક્તિ નથી તેમ છતાં તમને મન થવું જોઈએ કે મારે પ્રભાવના કરવી છે . પ્રભાવના કરવાનું મન થાય એનાથી પણ આત્માને લાભ થતો હોય છે . પ્રભાવના કરવાનું મન થયું એનો અર્થ એ છે કે સુપાત્ર દાન કરવાનું મન થયું . સુપાત્રદાનની ભાવના પણ પુણ્યનું નિર્માણ કરાવતી હોય છે . પ્રભાવના કરવાની શક્તિ તમારામાં નથી એમ છતાં તમને વિચાર આવે છે કે જો મારામાં શક્તિ હોય તો હું આવી આવી પ્રભાવના જરૂરથી કરું . પ્રભાવના કરવાની પ્રામાણિક ભાવના તમારામાં હોય અને તમે ફક્ત શક્તિના અભાવને લીધે પ્રભાવના ન કરો ત્યારે પ્રભાવના કરવાની પ્રવૃત્તિ માટેનો મનોરથ તમે ઉભો રાખ્યો છે . આ મનોરથ પરિસ્થિતિને ઉત્તમ બનાવી રાખે છે . પરંતુ તમારામાં પ્રભાવના કરવાની શક્તિ નથી અને તમારાં હૈયામાં પ્રભાવના કરવાની ઈચ્છા પણ નથી . આ પરિસ્થિતિમાં તમે પ્રભાવના કરવાનો મનોરથ ના રાખ્યો એ તમારો ગુનો બને છે . 

આજકાલ એક પાંચમી પરિસ્થિતિ પણ જોવા મળે છે . જે તપસ્વીને જુએ છે એને તપસ્વી પાસેથી પ્રભાવના શું મળી એના વિચાર આવે છે . જે તપસ્વી પાસેથી મોટી પ્રભાવના મળી એ તપસ્વી મોટો લાગે છે . જે તપસ્વી પાસેથી નાની પ્રભાવના મળી એ તપસ્વી નાનો લાગે છે . જે તપસ્વી પાસેથી પ્રભાવના મળતી નથી એ તપસ્વી આદરપાત્ર લાગતો નથી . પાંચમી પરિસ્થિતિમાં સમસ્યા એ જ હોય છે કે તપસ્યાનું મૂલ્યાંકન પ્રભાવનાના આધારે થતું હોય છે , તપસ્યાનું મૂલ્યાંકન તપસ્યા નિમિત્તે થયેલો પ્રોગ્રામ કેટલો મોટો છે એના આધારે થતું હોય છે . તપસ્વીએ કરેલી તપસ્યા મહાન્ હોય છે અને અનુમોદના તપસ્યાની જ કરવાની હોય છે . તપસ્વીને ત્યાં જનારા મહાનુભાવો , તપસ્વીને ઓછું જુએ અને તપસ્વીએ આપેલી પ્રભાવનાને વધારે જુએ એ પરિસ્થિતિ દર્દનાક છે . તમને મળેલી પ્રભાવના તમને મોક્ષ અપાવતી નથી . તમે કરેલી અનુમોદના જ તમને મોક્ષ આવે છે . 

ભગવાને બીજો નિયમ લીધો કે ગૃહસ્થનો વિનય કરવાનો નહીં . ભગવાને ઔપચારિકતાને મહત્ત્વ આપવાનું છોડી દીધું . ભગવાન મૂળ માર્ગને મહત્ત્વ આપતા રહ્યા . આપણે ઔપચારિકતાને મહત્ત્વ આપતા રહ્યા છીએ . આપણે મૂળ માર્ગને યાદ રાખીને અનુમોદના કરીએ છીએ કે કોઈ જુદા જ માર્ગ પર ચાલી રહ્યા છીએ એ તપાસવાની જરૂર છે . 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *