Press ESC to close

મહત્ત્વાકાંક્ષા કમ્ફર્ટ ઝૉનમાંથી બહાર લાવે છે : સાધના સુખશીલતામાંથી બહાર લાવે છે

સુખનો ત્યાગ કરવાની ક્ષમતા દરેકમાં હોય છે . તબિયત ખરાબ થાય ત્યારે કોઈપણ માણસ સુખનો ત્યાગ કરી જ લે છે . માથે મોટી જવાબદારી આવે ત્યારે પણ લોકો સુખનો ત્યાગ કરીને મહેનતનો મારગ અપનાવી લેતા હોય છે .  સુખનો ત્યાગ અઘરો નથી . સુખ કરતાં વધારે મહત્વનું બીજું કંઈક છે એ સમજાઈ જાય એટલે સુખ છૂટવા લાગે છે . સુખ બે પ્રકારનાં છે . એક , એવું સુખ જેને આપણે આરામથી છોડી શકીએ . બે , એવું સુખ જેને છોડવું અઘરું પડે છે . આપણે મીઠાઈ છોડીએ એમાં મીઠાઈ એવું સુખ છે જે છોડવામાં સહેલું છે . પણ આપણે આરામ કરવાનું છોડી દઈએ એમાં આરામ એવું સુખ છે જે છોડવામાં અઘરું છે . તમે આરામ કરવાનું ન છોડી શકો એવી પરિસ્થિતિમાં પણ મીઠાઈને તો છોડી જ શકો છો . તમારે આરામ પણ છોડવો નથી અને મીઠાઈ પણ છોડવી નથી તો તમે સુખનો ત્યાગ નહીં કરી શકવાના . જેનામાં સુખનો ત્યાગ કરવાની હેસિયત નથી એ ક્યારેય મોટાં કામ કરી શકતો નથી . 

આજકાલ એક શબ્દ બહુ પ્રચલિત થયો છે કમ્ફર્ટ ઝૉન . તમને એવું લાગતું હતું કે તમારી પાસે જે સુખ છે એ સુખ જાળવીને પણ મોટાં કામ થઈ શકે છે એટલે તમે સુખને વધારે મહત્ત્વ આપતા રહ્યા અને મોટાં કામને ઓછું મહત્ત્વ આપતા રહ્યા . તમને એમ લાગ્યું કે મોટાં કામને વધારે સમય આપવાને બદલે ઓછો સમય આપો . તમે એવું માનતા રહ્યા કે સુખને સમય ન આપીએ એવું કેમ ચાલે ? સુખને તો સમય આપવો જ પડે .  પછી તમે સુખને સમય આપવાનાં ચક્કરમાં મોટાં કામને સમય આપવાનું ઓછું કરી દીધું . તમે મોટાં કામ ભૂલી જાઓ અને સુખમાં મગન રહો એ પરિસ્થિતિ પહેલી નજરે સારી લાગે છે પરંતુ લાંબા ગાળે આ પરિસ્થિતિ નુકસાનકારક પુરવાર થાય છે .

તમારી પાસે બાર કલાક હતા . એમાંથી તમે મોટાં કામને અગિયાર કલાક આપી શકતા હતા અને એક કલાક સુખને આપી શકતા હતા . એક કલાકમાં સુખની ભૂખતરસ પરિપૂર્ણ થઈ જતી હતી અને અગિયાર કલાકમાં તમે મોટાં કામ માટે મહેનત કરી શકતા હતા પરંતુ તમે સુખને પૂરા છ કલાક કે આઠ કલાક આપતા રહ્યા . આને લીધે મોટાં કામને તમે બાર કલાક આપી શકતા હતા એના બદલે મોટાં કામને છ કલાક કે ચાર કલાક જ આપી શક્યા . આ ભૂલ હતી . તમને આ ભૂલ સમજાઈ નહીં . તમારું ફોકસ સુખ ઉપર હતું . તમે તમારાં સુખને લીધે તમારાં મોટાં કામને ભૂલી જાઓ એવી પરિસ્થિતિને કમ્ફર્ટ ઝૉન મૅન્ટાલિટી કહેવામાં આવે છે . તમને મોટાં કામ પર ભરોસો નથી પરંતુ સુખ પર ભરોસો છે . તમારે મોટાં કામને સમય નથી આપવો કેમ કે એમાં મહેનત કરવી પડે છે . તમને સુખ માટે ભરોસો છે કેમ કે સુખમાં કોઈ મહેનત નથી એટલે સુખમાં કોઈ તકલીફ નથી . આ માનસિકતાનો સવાલ છે . તમે કોઈ મહત્ત્વાકાંક્ષા રાખો છો ત્યારે સુખ સાથે બાંધછોડ કરો છો . તમે સુખ સાથે બાંધછોડ કરો એની માટે એમ કહેવાય છે કે તમે કમ્ફર્ટ ઝૉનમાંથી બહાર આવ્યા .

જો સાધારણ મહત્ત્વાકાંક્ષા પણ સુખને છોડાવી શકતી હોય તો આત્મશુદ્ધિની આકાંક્ષા સુખને છોડાવી શકે એમાં કોઈ આશ્ચર્ય નથી . ફરક એટલો છે કે મહત્ત્વાકાંક્ષા થોડાક સુખ છોડાવે છે , થોડાક સમય માટે સુખ છોડાવે છે .  આત્મશુદ્ધિની આકાંક્ષા ઘણાં સુખ છોડાવે છે અને લાંબા સમય માટે છોડાવે છે . 

સાધનામાં સુખનો ત્યાગ કરીએ એનું મહત્ત્વ ઘણું વધારે છે. તમે ખાવામાં ૨૦૦ આઇટમની જગ્યાએ ૨૦ આઈટમ લો છો . તમે મોંઘા કપડાંને બદલે સાદાં કપડાં પહેરો છો . તમે કપડાં તો પહેરો છો પણ દાગીના નથી પહેરતા . તમે ચાંદીની થાળીમાં જમવાને બદલે સાધારણ થાળીમાં જમો છો . તમે છ વિગઈને બદલે પાંચ વિગઈ કે ચાર વિગઈથી કામ ચલાવો છો . તમે એકાસણું કરવાને બદલે આંબેલ કરો છો . તમે પગમાં ચંપલ પહેરવાને બદલે ખુલ્લા પગે ચાલો છો . તમે જાહેરમાં માનસન્માન લેવાને બદલે ગુપ્તતા રાખવાનું પસંદ કરો છો . તમે ચોખ્ખાચણક કપડાંને પહેરવાને બદલે થોડા લઘરવઘર રહી શકો છો . તમે લોકોથી ઘેરાયેલા રહેવાને બદલે ટોળાથી દૂર રહેવાની તાકાત બનાવી શકો છો . તમે કોઈની સેવા લેવાનું ટાળો છો પરંતુ સેવા કરવાનું ચૂકતા નથી . તમને માથાના વાળ ઓળવાનું યાદ આવતું નથી . તમને મોટા માણસ બનવાનો શોખ નથી અને સારા માણસ બનવાનું લક્ષ હાંસિલ કરીને તમે સંતુષ્ટ છો . સાધનામાં તમે સુખથી દૂર ભાગો છે . સાધનામાં તમે મહત્ત્વાકાંક્ષાની જેમ દશ કલાકની મહેનત અને બે કલાકનું સુખ એવું કૅલ્ક્યુલેશન નથી રાખતા . સાધનામાં બાર કલાક સુખથી દૂર રહેવાનું સમીકરણ સ્પષ્ટ હોય છે . બાકીના બાર કલાક દરમિયાન મહત્ત્વાકાંક્ષા આરામ કરવામાં માને છે પરંતુ બાકીના બાર કલાકમાં સાધના સાધના જ રહે છે . મહત્ત્વાકાંક્ષાની પછી જે આવે છે તે સુખશીલતા હોય છે . સાધનામાં પહેલાં અને પછી એવો કશો ફરક નથી . સાધનાની પહેલાં પણ સાધના હોય છે અને સાધનાની પછી પણ સાધના હોય છે અને સાધનાના સમયમાં પણ સાધના હોય છે . હું સુખ વગર ખુશ રહી શકું છું આવો આત્મવિશ્વાસ સાધના થકી મળે છે .

તમે સુખ છોડવાની કાબેલિયત મેળવી લીધી એટલે તમારી કામ કરવાની શક્તિ હજારો ઘણી વધી ગઈ છે એમ સમજી લેજો . તમે સુખ શેની માટે છોડ્યું છે તે તમારે સમજવાનું છે . તમે આગામી સમયમાં મળનારા સુખ માટે વર્તમાન સમયનું સુખ છોડો એમાં સાધના જેવું કશું બનતું નથી . તમે કોઈ પણ સુખ વિના પ્રસન્ન રહી શકો છો એવી ભૂમિકા આગામી સમયમાં બનવાની છે . તેની માટે તમે વર્તમાન સમયમાં સુખથી દૂર રહો છો એમાં સાધના બને છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *