Press ESC to close

અહોભાવ અને અનુમોદનાનાં આલંબન બદલાય એ પછી જ વિચારો બદલાય છે

ઉપધાન વાચના : ૮

વિ.સ. ખાંડેકરની વાર્તામાં અલગ અલગ લોકો દ્રાક્ષના ઝૂમખાને જુએ છે . એક વૈદ્ય દ્રાક્ષના ઝૂમખાને જુએ છે તો એને વિચાર આવે છે કે આમાંથી દવા સારી બનશે . એક દારૂડિયો દ્રાક્ષના ઝૂમખાને જુએ છે તો એને વિચાર આવે છે કે આમાંથી દારૂ સારી બનશે . એક ચોર દ્રાક્ષના ઝૂમખાને જુએ છે તો એને વિચાર આવે છે કે આ દ્રાક્ષની ચોરી કરીશ તો પૈસા સારા બનશે .  દ્રાક્ષનો ઝૂમખો એ જ છે પણ એને જોઈને બનનારા વિચારો અલગ અલગ છે . 

જે વિચાર તમને આવે છે એ વિચાર બીજાને ન આવે . જે વિચાર બીજાને આવે છે એ વિચાર તમને ન આવે . એક જ વિષયને લઈને બે જુદી વ્યક્તિ વિચારે તો બે જુદા વિચાર બને . એક જ વિષયને લઈને પાંચ જુદી જુદી વ્યક્તિ વિચારે તો પાંચ જુદા જુદા વિચાર બને . આ સંભાવના બનેલી રહે છે . તમને આવેલો વિચાર તમને સાચો લાગશે પણ તમને આવેલો વિચાર સાચો ન પણ હોય . આ નિયમ મનોવિજ્ઞાનનો છે પરંતુ ધર્મને લાગુ પડે છે . 

જે વિચાર તમે કરી શકતા નથી એ વિચાર પણ હોય છે જરૂર . એ વિચાર સુધી તમે પહોંચી શકો છો એની માટે તમારે સારા વાચક કે સારા શ્રોતા બનવું પડે . ઉત્તમ પુસ્તકોને હંમેશા વાંચતા રહો , ઉત્તમ પ્રવચનકારને ઘણા ઘણા દિવસો સુધી સાંભળતા રહો . એનાથી તમારી વિચારની પેટર્ન બદલાય છે . તમારી વિચારપદ્ધતિ નબળી હોય એમાં ફરક પડે છે , અધૂરી હોય એમાં બદલાવ આવે છે , ઢીલી હોય એમાં ફેરફાર થવા લાગે છે . જૈનને શ્રાવક કહેવામાં આવે છે . જેને નવું નવું સાંભળવાનું ગમે છે એ શ્રાવક છે . જે વધારેમાં વધારે અભિનવ જ્ઞાન મેળવવા માટે ઉત્સાહિત છે એ શ્રાવક . શ્રાવક હંમેશા યાદ રાખે છે કે મારી વિચાર કરવાની પદ્ધતિ સુધરી શકે છે , મારે એ સુધારવી છે . તમારા વિચાર જેમ જેમ સુધરતા જાય તેમ તેમ તમારી લાગણીઓ અને પ્રવૃત્તિઓ બદલાતી જાય , સમજી શકાય એવી વાત છે . 

સાધનાનો માર્ગ એમ સૂચવે છે કે દરેક માણસ ચોક્કસ વ્યક્તિઓ માટે અહોભાવ બનાવેલો રાખે છે અને સતત ચોક્કસ વ્યક્તિઓની અનુમોદના કરતા રહે છે . તમારો અહોભાવ જેની સાથે જોડાયેલો હોય એ વિષય સારો હોવો જોઈએ , તમારી અનુમોદના જે પ્રવૃત્તિ માટે બનતી હોય એ પ્રવૃત્તિ સારી હોવી જોઈએ . આપણે ત્યાં ચાર પુરુષાર્થનાં નામ આવે છે . ધર્મ પુરુષાર્થ , અર્થ પુરૂષાર્થ , કામ પુરુષાર્થ અને મોક્ષ પુરુષાર્થ . આમાં બે પુરુષાર્થ પૂર્ણતઃ સંસાર સાથે જોડાયેલા છે . અર્થ અને કામ .  તમે તમારાં જીવનમાં કેટલા પૈસા બનાવ્યા અને કેટલો આનંદ કર્યો એ તમારી વ્યક્તિગત બાબત છે . પરંતુ તમારી આસપાસ અને તમે જ્યાં સુધી જોઈ શકો છો ત્યાં સુધીમાં – તમારા કરતાં વધારે પૈસા જેમણે જેમણે બનાવ્યા છે , તમારા કરતાં વધારે આનંદપ્રમોદ જેમનાં જેમનાં જીવનમાં છે એમને એમને જોઈને તમને કોઈ ઈર્ષાનો અનુભવ જરૂર થયો હશે . તમને એમની ઉપલબ્ધિઓ સારી લાગતી હશે . તમે એમની જેટલા પૈસા કે એમનાથી વધારે  પૈસા કમાવાનું વિચારતા રહેતા હશો . એમની જેમ જ મહાન્ થવાનું સપનું જોતાં હશો . જેઓ દુનિયાદારીની દૃષ્ટિએ એ મહાન્ ,  સફળ અને ઊંચા લોકો બન્યા છે , એમની એક એક ઉપલબ્ધિઓ તમને ગમતી હોય , એમની ઉપલબ્ધિઓથી પ્રેરણા લઈને તમને મોટા માણસ બનવાના વિચાર આવતા હોય , તમે એમની જેમ મોટા માણસ બની ના શક્યા એનો તમને અફસોસ હોય અને એ કેવી રીતે આટલા મોટા માણસ બની ગયા એની વિસ્મયભાવના તમારાં મનમાં હંમેશા રહેતી હોય તો સમજી લેજો કે તમારાં મનમાં એ વ્યક્તિ માટે અહોભાવ અને અનુમોદનાની લાગણી બેસેલી છે . એણે જે કર્યું એ સરસ કર્યું તે અહોભાવ છે . હું જે ના કરી શક્યો એ એણે કરી બતાવ્યું તે અનુમોદનાની લાગણી છે . 

અર્થ પુરૂષાર્થ અને કામ પુરુષાર્થનાં ક્ષેત્રમાં જેમણે અવ્વલ દરજ્જો મેળવ્યો છે એમની માટેનો અહોભાવ અને એમના પ્રત્યેની અનુમોદનાનો ભાવ તમારાં મનને અસાત્ત્વિક બનાવી રાખે છે . તમારે એનાથી બચવાનું હોય . વિચારોને બદલવાની ભૂમિકા હવે આવે છે . ઘણાઘણા આત્માઓએ ધર્મ પુરુષાર્થ અને મોક્ષ પુરુષાર્થનાં ક્ષેત્રમાં અવ્વલ દરજ્જો મેળવેલો છે . આપણે એવા આરાધકો અને સાધકો માટે અહોભાવ બનાવીએ અને અનુમોદનાની લાગણી રાખીએ . એમણે જે સર્વશ્રેષ્ઠ ધર્મ કર્યો એની માટેનો અહોભાવ . જે ધર્મ આપણે ક્યારેય કરી શકવાના નથી એ ધર્મ એમણે કરી લીધો છે એની અનુમોદના . દાનધર્મનાં ક્ષેત્રમાં જેઓ ઘણા આગળ નીકળી ગયા છે , સામાયિક-પૌષધ-પ્રતિક્રમણ-બ્રહ્મચર્ય-દેશવિરતિ આદિ ચારિત્રનાં ક્ષેત્રમાં જેઓ ખૂબ ઊંચે ચડેલા છે , ઉપવાસ આંબેલ આદિ તરસ્યાનાં ક્ષેત્રમાં જેઓ ઘણી પ્રગતિ કરી ચૂક્યા છે , જ્ઞાન – ધ્યાન – શુભ ભાવની ભૂમિકામાં જેમનો પ્રચંડ વિકાસ થઈ ચૂક્યો છે એ લોકો આધ્યાત્મિક ભૂમિકાએ મહાન્ છે . એમની માટે અહોભાવ બનાવીએ એ પવિત્ર અહોભાવ છે , એમની અનુમોદના કરીએ એ પવિત્ર અનુમોદના છે .  

વિચારો બદલીએ એનો અર્થ એ છે કે અહોભાવને બદલીએ  , અનુમોદનાને બદલીએ . સાંસારિક ઉપલબ્ધિઓના અહોભાવ રાખવાના ન હોય , એવી ઉપલબ્ધિઓની જ અનુમોદના કરવાની ન હોય . આધ્યાત્મિક ઉપલબ્ધિઓના જ અહોભાવ રાખવાના હોય અને એવી ઉપલબ્ધિઓની જ અનુમોદના કરવાની હોય . કોઈ સાંસારિક ઉપલબ્ધિ , કોઈ સાંસારિક સફળતા તમારું ઇન્સ્પિરેશન ન હોઈ શકે . તમારું ઇન્સ્પિરેશન કોઈ આધ્યાત્મિક ઉપલબ્ધિ જ હોઈ શકે , તમારું ઈન્સ્પિરેશન કોઈ આધ્યાત્મિક સફળતા જ હોઈ શકે . સાધનામાં આ અપેક્ષિત છે . જે તમારું ઈન્સ્પિરેશન છે તેના સંસ્કાર તમારી સાથે પરલોકમાં આવશે . જે તમારું ઇન્સ્પિરેશન નથી એના સંસ્કાર તમારી સાથે પરલોકમાં નહીં આવે . 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *