Press ESC to close

પ્રભુ , તમારી માટે થોડાં સપનાં જોયાં છે . પ્રભુ , તમારી માટે મારાં નયણાં રોયાં છે .

 

૧ . કૈવલ્ય માર્ગ અને શાસનસ્થાપના માર્ગ 

રોજ બપોરે ત્રણ વાગ્યા બાદના સમયમાં હું મારી અટારીએથી ૠજુવાલિકાને જોતો રહું છું . સૂરજનું હાલતું ચાલતું પ્રતિબિંબ ૠજુવાલિકાનાં પાણીમાં ચળકતું હોય છે . વૈશાખ સુદ દશમે ત્રીજા પ્રહરના અંતે પ્રભુ કેવલજ્ઞાન પામ્યા ત્યારે નદીમાં આ જ પ્રતિબિંબ પથરાયેલું હતું . જેમ બપોરના ઉગ્ર સૂરજને જોવાનું મુશ્કેલ થાય છે તેમ આ પ્રતિબિંબને જોવામાં પણ આંખોને તકલીફ પડે છે .  એ લાંબું અને ઝળહળતું પ્રતિબિંબ , આખી પશ્ચિમ દિશાને દેદીપ્યમાન બનાવી દે છે . બનારસમાં જેમ આહ્લાદક સૂર્યોદય જોવા માટે પૂર્વ દિશામાં વહેતી ગંગા સહજ ઉપલબ્ધ છે એમ બરાકરમાં  મોડી બપોરે અને સાંજે , આંખોને આંજી દેનાર સૂર્યના પડછાયા જોવા માટે , ૠજુવાલિકા સહસા સમક્ષ રહે છે .  એક વૈશાખ સુદ દશમની સાંજ , આશરે ૨૫૭૯ વરસ પૂર્વે ૠજુવાલિકામાં આવી હતી . પ્રભુએ એક ક્ષણની દેશના આપી દીધી હતી , દેવતાઓએ વરસાવેલા ફૂલો હજી ધરતી પર બિછાયેલા હતા , સમવસરણ હજી એમનું એમ ઊભું હતું , સમવસરણના ચારેય મુખ્ય દ્વારે પ્રગટેલી ધૂપની ધૂમ્રઘટા હજી હવામાં તરતી હતી , હજી અશોક વૃક્ષ આકાશને અડીને ઊભું હતું , હજી દુંદુભિનાદના પડઘા , વાતાવરણમાં ગુંજતા હતા , હજી ચામર અને છત્રત્રય , અવકાશમાં ઝૂલી રહ્યા હતા . હજી સોનાનું મહાસિંહાસન , પ્રભુના ક્ષણભરના સ્પર્શથી રોમાંચિત , પુલકિત દેખાતું હતું . આ બધાની ઉપર પેલો સાંજ સમયનો સૂરજ , સોનેરી અજવાસ પાથરી રહ્યો હતો . એ સાંજે ૠજુવાલિકાના સામા કિનારે ઊભા રહેલા લોકોને આ નદીમાં સમવસરણની પ્રતિછાયા પણ દેખાઈ હશે . ૠજુવાલિકા નદીમાં જ્યારે ઢળતા સૂરજની અને સમવસરણની ચમકિલી ઝલક પથરાયેલી હતી ત્યારે પ્રભુ વીરે , પાવાપુરી તરફ પ્રસ્થાન કર્યું હતું . એક જ રાતમાં  વિહાર પૂરો થયો હતો . પાવાપુરીમાં વૈશાખ સુદ અગિયારસે , પ્રભુની છત્રછાયામાં શાસનસ્થાપના થઈ . 
ૠજુવાલિકાથી પાવાપુરીનો માર્ગ એ શ્રી શાસનસ્થાપના મહામાર્ગ તરીકે પ્રસિદ્ધ થવો જોઈએ . એ મહામાર્ગ પર ચાલવા જેવું છે , એ રસ્તે વહેવા જેવું છે . એ પંથે કોઈ પથ્થર પર , કોઈ વૃક્ષના તળિયે , કોઈ પૂલની પાળી પર બેસવા જેવું છે . પ્રભુએ આ મારગડે ,  જતી વખતે પણ શ્વાસ લીધેલા અને આવતી વખતે પણ શ્વાસ લીધેલા . એ શ્વાસને વાયા વાયા વાયા સ્પર્શવા મળે એવી લાલચ સાથે , આ રસ્તા પર વધુમાં વધુ સમય વીતાવવો જોઈએ. 
સવાલ એ છે કે ૠજુવાલિકાથી પાવાપુરીના માર્ગે શું કોઈ છ’રી પાલક સંઘ નીકળ્યો  છે ? જવાબ છે  : લગભગ , ના . શું આ માર્ગથી કોઈ છ’રી પાલક સંઘ નીકળવો જોઈએ ? જવાબ છે , હા . પ્રભુ વીરના ભક્તો માટે આ માર્ગનું મહત્ત્વ પણ ઘણું મોટું છે . પ્રભુ વીરે કેવળજ્ઞાન પામ્યા બાદ ૠજુવાલિકાથી પાવાપુરી તરફ વિહાર કર્યો હતો . ગૂગલ મેપથી જોઈએ તો , ૠજુવાલિકાથી પાવાપુરીના  બે માર્ગ છે . એક માર્ગ ૧૭૭ કિલોમીટર લાંબો છે , આ રસ્તે નવાદા આવે છે . બીજો માર્ગ ૨૦૩  કિલોમીટર લાંબો છે .
કૈવલ્ય અવસ્થાનો સૌથી પહેલો વિહાર પ્રભુએ આ રસ્તેથી  કર્યો . પ્રભુ વીરે શાસન સ્થાપના કરવા ૠજુવાલિકાથી પાવાપુરી તરફ વિહાર કર્યો હતો . એ વિહાર , આપણા સૌનાં આત્મકલ્યાણનો માર્ગ સ્થાપવા માટેનો વિહાર હતો . એ વિહાર , અગિયાર ગણધર ભગવંતો માટેનો વિહાર હતો . એ વિહાર , દ્વાદશાંગીની રચના માટેનો વિહાર હતો . એ વિહાર , ચંદનબાળાજીની દીક્ષા દ્વારા શ્રમણી સંઘની સ્થાપના માટેનો વિહાર હતો . એ વિહાર બારવ્રતધારી શ્રાવક શ્રાવિકાઓની પરંપરાનો પ્રારંભ કરાવવા માટેનો વિહાર હતો . એ વિહાર સાંજે થયો હતો . અને પાવાપુરીથી ૠજુવાલિકાનો માર્ગ …. શું આ માર્ગથી કોઈ છ’રી પાલક સંઘ નીકળ્યો છે ? જવાબ છે : એકાદ વાર નીકળ્યો હશે એ જુદી વાત . બાકી , આવો સંઘ નીકળ્યો છે એ સમાચાર દુર્લભ છે .  શું આ માર્ગથી  પણ છ’રી પાલક સંઘ નીકળવવા જોઈએ ? જવાબ છે , હા . પ્રભુ વીરના ભક્તો માટે આ માર્ગનું મહત્ત્વ ઘણું મોટું છે . પ્રભુ વીરે કેવળજ્ઞાન પામવા પાવાપુરીથી ૠજુવાલિકા તરફ  આ મારગથી વિહાર કર્યો હતો . આ માર્ગને , શ્રી મહાવીર ભગવાન્ કૈવલ્ય માર્ગ તરીકે જોવો જોઈએ . છદ્મસ્થ અવસ્થાનો છેલ્લો વિહાર પ્રભુએ આ રસ્તેથી કર્યો . પ્રભુ કેટલા દિવસમાં પાવાપુરીથી ૠજુવાલિકા પહોંચેલા એનો કોઈ આંકડો મળતો નથી . આજની તારીખે આ રૂટ પર સરકારી રોડ તૈયાર છે . અમુક મહાત્માઓ આ રૂટથી વિહાર પણ કરી ચૂક્યા છે . આ માર્ગ પરથી પ્રભુનાં સ્મરણપૂર્વક વિહાર કરવો જોઈએ . શ્રીશાંબ અને પ્રદ્યુમ્નની યાદમાં જેમ સિદ્ધગિરિરાજ પર છ ગાઉની યાત્રા થાય છે , એવી રીતે પાવાપુરીથી ૠજુવાલિકાની યાત્રા થાય . આ રસ્તેથી છ’રી પાલક સંઘો નીકળતા હોય , વાહન વ્યવહાર દ્વારા યાત્રાપ્રવાસ ચાલુ રહેતા હોય એવી કલ્પના મનમાં રમી રહી છે . આ માર્ગ જ પહેલા તબક્કે કૈવલ્ય માર્ગ બન્યો હતો અને બીજા તબક્કે શાસનસ્થાપના માર્ગ બન્યો હતો .  
પ્રભુનો આ કૈવલ્ય માર્ગ આજે ઉપલબ્ધ છે  એની આપણને ખબર જ નથી . એ માર્ગની યાત્રાઓ કરવી જોઈએ એવો આપણને વિચાર જ નથી આવ્યો . વિચાર આવે , એ દુર્લભ બાબત હોય છે . એક વાર વિચાર શરૂ થાય એટલે એ સાકાર થવાનો જ છે . 
ૠજુવાલિકા મહાતીર્થ માટે આ પહેલું સપનું છે . કૈવલ્ય માર્ગ અને શાસનસ્થાપના માર્ગ , બેય માર્ગ યાત્રાળુઓથી ધમધમતા રહેવા જોઈએ  . 

૨ . વૈશાખ દશમનો મેળો 

પોષ દશમનો મેળો જેમ શંખેશ્વરમાં દરવરસે ભરાય છે એમ વૈશાખ સુદ દશમનો મેળો ૠજુવાલિકામાં ભરાવો જોઈએ .  પ્રભુનાં કેવળજ્ઞાન કલ્યાણકની ભૂમિ પર સેંકડો અથવા હજારો લોકો ભેગા થયા હોય . કેવળજ્ઞાન કલ્યાણકની આરાધના કરવા સ્વરૂપે આરાધકોએ છઠ કર્યો હોય . એ તપ ન કરી શકનારા ,  બે આંબેલ કે બે એકાસણા કરે . આરાધના તરીકે ,  બે દિવસમાં સાડાબાર હજારનો જાપ કરવા માટે ૧૨૫ માળા કરવાની થાય . મંત્ર : ॐ ह्रीँ श्रीँ महावीर स्वामी सर्वज्ञाय नम: . બાકી ઉભયકાળ આવશ્યક ક્રિયા , ત્રિકાળપૂજા , આરતી , ભક્તિભાવના અને પ્રવચન . પ્રવચનનો વિષય કેવળજ્ઞાન કલ્યાણકને અનુરૂપ હોય . 
વૈશાખ સુદ દશમની બપોરે , ત્રીજો પહોર પૂરો થાય તે વેળાએ નદીકિનારે જવાનું . પાણીને સ્પર્શ કર્યા વિના , પ્રભુને યાદ કરી , જાપ કરવાનો . ૠજુવાલિકાની ઓતરાદી દિશાએ આપણે બેઠા હોઈએ . આપણાથી દખણાદી દિશામાં આ નદી હોય અને નદીની પાછળ દક્ષિણમાં જ થોડેક દૂર વિરાટ સમેતશિખર ગિરિરાજ , ચોથા આરાના જોગંદર જેવી વિરાટ કાયા લઈને બેઠો હોય . એ ગિરિરાજ સમક્ષ ચૈત્યવંદન કરાય , વીશ તીર્થંકર કે પારસનાથ દાદાનું સ્તવન ગવાય . એ પછી મહાવીર સ્વામી ભગવાનનું સ્તવન , પ્રભુનાં કેવળજ્ઞાન અને સમવસરણ સંબંધી સ્તવન ગવાય . જયવીયરાય  અને અરિહંત ચેઈયાણં બોલાય , થોય ગવાય . તે પછી પ્રભુ વીરનાં અરિહંત પદની આરાધનાર્થે બાર લોગસ્સનો કાઉસગ્ગ થાય , પ્રભુ વીરનાં કેવળજ્ઞાનની આરાધનાર્થે એકાવન લોગસ્સનો કાઉસગ્ગ થાય . નદી કિનારે જ જિનાલય છે. ત્યાં સાંજની આરતી થાય , એ આરતી કેવળજ્ઞાન સંબંધી હોય . રાત્રે ભક્તિભાવના થાય . વૈશાખ સુદ દશમના છઠ સાથે પ્રભુએ મૌન ધારેલું એની યાદમાં બે દિવસની મૌનસાધના પણ થાય . 
મહા મહિનો કે ફાગણ મહિનો આવે ત્યારથી ગુજરાત , રાજસ્થાન , મહારાષ્ટ્ર  , મધ્યપ્રદેશ  , ઉત્તરપ્રદેશ  , પશ્ચિમ બંગાળ  , ઝારખંડ , બિહારના સંઘોમાં એટલે કે પોતપોતાના સંઘમાં એવી જાહેરાત  પહેલેથી જ થાય કેવૈશાખ સુદ દશમે , ઋજુવાલિકા મહાતીર્થ જવું છે . વૈશાખ સુદ દશમે , ઋજુવાલિકા મહાતીર્થની યાત્રા કરવાનો મહિમા શું છે એનો સરસ પ્રચાર થાય . વધુમાં વધુ ભાવિકો યાત્રા કરવા આવે એ રીતનાં આયોજન થાય . આ વાતાવરણ સર્જાયું  હોય એનું પરિણામ એ આવે કે વૈશાખ સુદ દશમે , ઋજુવાલિકા મહાતીર્થની ભૂમિ પર , સેંકડો સેંકડોની કે હજારો હજારોની ભીડ ઉભરાય . 
ૠજુવાલિકા મહાતીર્થ માટે આ બીજું સપનું છે . વૈશાખ સુદ દશમે , કેવળજ્ઞાન કલ્યાણકનો મેળો ભરાવો જોઈએ .  

૩ . સૂરિમંત્ર , વર્ધમાન વિદ્યા આદિ મંત્રોની સાધના

પ્રભુ વીરે અન્ય અન્ય સ્થાનોમાં મોટાં મોટાં તપ આચર્યાં . છ મહિનાના ઉપવાસ . પાંચ મહિના પચીસ દિવસના ઉપવાસ . ચાર મહિનાના , ત્રણ  મહિનાના , બે મહિનાના , દોઢ મહિનાના , એક મહિનાના ઉપવાસ  , ઘણા થયા . પણ એ ઉપવાસોએ કેવળજ્ઞાન ના આપ્યું . પ્રભુએ ૠજુવાલિકામાં ફક્ત બે ઉપવાસ કર્યા અને મળ્યું કેવળજ્ઞાન  . જોકે , સાડાબારવર્ષીય સમગ્ર તપસ્યાનું એ સાગમટું ફળ હતું . પરંતુ ૠજુવાલિકાની ભૂમિ પર , ફક્ત છઠનો તપ થયો અને કૈવલ્યલાભ થયો એ ઘટનાક્રમ વાસ્તવિક છે . પંચમકાળમાં સુવિહિત મર્યાદાનુસારી જાપવિધાન અત્યંત લાભકારી નીવડે છે .  મહામંત્ર નવકાર , નવપદ મંત્ર . વીશ સ્થાનક મંત્ર . ચોવીશ તીર્થંકર ભગવંતોમાંથી કોઈ એક ભગવાનનો વિશેષ મંત્ર .  ઉવસગ્ગહરં જેવા સ્તોત્રમાં નિહિત મંત્ર . કોઈ પણ એક વિદ્યામંત્ર . ગુરુનિર્દેશ અનુસાર મંત્રજાપ કરવાનો હોય છે . એ જાપ માટે ભૂમિ , તીર્થની હોય તો એક અનોખો શુદ્ધિયજ્ઞ સર્જાતો હોય છે . 
સૂરિભગવંતો સૂરિમંત્રની પીઠિકા સાધે છે અને વિશિષ્ટ જાપ કરે છે . મહાત્માઓ વિવિધ પ્રકારે વર્ધમાન વિદ્યાની આરાધના કરે છે . શ્રમણી ભગવંતો કેટલાય મંત્રજાપ કરતા હોય છે . ગૃહસ્થોમાં – વિધિકારકો , ગીતકારો , ગાયક કલાકારો , પંડિતો , પ્રવક્તાઓ  અને આરાધકો ચોક્કસ મંત્રજાપ કરતા હોય છે .  પ્રાચીન પૂજનોમાં , પુરાતન સ્તોત્ર આધારિત અનુષ્ઠાનોમાં મંત્ર ઊર્જા અપરંપાર હોય છે . ૠજુવાલિકા નદીનો કિનારો , દરેક મંત્રસાધનાને અભિનવ ઓજસ આપી શકે છે . 
આ તીર્થમાં રહેવાનું . યથાશક્તિ તપસ્યા સ્વીકારવાની . બાહ્ય પ્રવૃત્તિઓથી સ્વયંને મુક્ત રાખવાનો સંકલ્પ લેવાનો . નિયત કલાકો સુધી કે નિયત દિવસો સુધી મંત્રજાપ કરવાનો . ૠજુવાલિકાની ભૂમિ કેવલજ્ઞાન દાયિની છે . ૠજુવાલિકાની ભૂમિ પરમ સિદ્ધિ દાયિની છે . ૠજુવાલિકાની ભૂમિ સર્વોચ્ચ સાફલ્ય દાયિની છે .
ૠજુવાલિકા મહાતીર્થ માટે આ ત્રીજું સપનું છે . અહીં ઘણાબધા સાધનાપ્રેમીઓ આવે , રોકાય . મંત્રસાધના અને મંત્રગર્ભિત સાધના કરે . 

૪ . સ્ટેશન નહીં , જંક્શન બને 

યાત્રાળુઓ , સમેતશિખરજી કે પાવાપુરીજી માટે નીકળે છે . વચ્ચે  થોડો વખત ૠજુવાલિકાને આપી દે છે . સમેતશિખરજીને , જે યાત્રિકો એક કે બે દિવસ આપે છે , તે યાત્રિકો ૠજુવાલિકાને એક કે બે કલાક આપે છે . જે યાત્રિકો પાવાપુરીજીને આઠ કે દશ કલાક આપે છે તે યાત્રિકો , ૠજુવાલિકાને દોઢ કે એક કલાક આપે છે . આ દૃશ્ય બદલાવું જોઈએ . યાત્રિકો ૠજુવાલિકાને આઠ દશ કલાક કેમ ન આપે ? 
નાનું સ્ટેશન હોય ત્યાં ગાડી થોડું રોકાય છે . જંક્શન હોય ત્યાં ગાડી ઘણું રોકાય છે .  ૠજુવાલિકા સાથે સ્ટેશન જેવો વહેવાર થાય છે . યાત્રિકો ૠજુવાલિકા ઘણું રોકાય એવું કેમ ન બને ? શું  સ્પેશિયલી ૠજુવાલિકા માટે જ યાત્રિક નીકળ્યા હોય , ૠજુવાલિકામાં જ બાર પંદર કલાક રોકાવાનું નક્કી હોય , એવી રીતે યાત્રા ન થાય ? ધારણા એવી છે કે ‘ દેરાસરમાં પૂજા પતી ગઈ એટલે યાત્રાનું મુખ્ય કાર્ય પતી ગયું , હવે નીકળો . ‘ ૠજુવાલિકા માટેની ધારણા પૂજા પૂરતી સીમિત ના રહી શકે . ૠજુવાલિકામાં , દિવસનો ચોથો પહોર પરમારાધ્ય છે , એ કૈવલ્યનો સમય છે , એ કર્મક્ષયનો સમય છે , એ મોહવિજયનો સમય છે . મધ્યગગનથી પશ્ચિમ તરફ ઢળતા સૂર્યના તડકા નદી ઉપર ઝબૂકતા હોય , ખુદ સૂરજ , ૠજુવાલિકાને અરીસો બનાવી એમાં , પોતાનો ચહેરો જોવા નીચે ઝૂકી રહ્યો હોય એ સમયે નદીકિનારે બેસવાનું હોય , સર્વજ્ઞાય નમઃ – ની ધૂન જગાવવાની હોય . અરિહંત પદનો અથવા પંચમ જ્ઞાનનો કાઉસગ્ગ કરવાનો હોય . 
ચોવિહારનો સમય થાય તે પહેલાં નદીકિનારે આરાધના કરી લેવાની અને ચોવિહાર કર્યા પછી પંચમ જ્ઞાનની ભૂમિ પર પાંચ જ્યોતિવાળી આરતી  કરવાની . આટલું કર્યું તે પછી જ ૠજુવાલિકાની યાત્રા પૂરી થઈ ગણાય . આ ધારણા બનવી જોઈએ . ૠજુવાલિકા તીર્થ ઉડતી મુલાકાત માટે નથી , ૠજુવાલિકા તીર્થ ઊંડી મુલાકાત માટે છે . ૠજુવાલિકામાં ઘણાબધા દેરાસરો નથી એટલે કામ પતાવીને ઝડપથી નીકળી જવાનું વલણ ન રાખવું જોઈએ . ૠજુવાલિકા સાથે જંક્શન જેવો વહેવાર થવો જોઈએ . 
ખાસ વાત : એવું નથી કે પ્રભુ મહાવીર , સમેતશિખરજી માટે નીકળ્યા હતા અને થોડો વખત જ ૠજુવાલિકા રોકાયા . પ્રભુ ફક્ત અને ફક્ત ૠજુવાલિકા માટે જ નીકળ્યા હતા . પ્રભુ ફક્ત અને ફક્ત ૠજુવાલિકામાં જ રોકાયા હતા . પ્રાય:કથન એવું છે કે પ્રભુ વીર સમેતશિખરજી પધાર્યા નહોતા . તમે જો મહાવીર પ્રભુના ભક્ત છો તો , તમારે , ૠજુવાલિકાની મુખ્યતા યાદ રાખીને જ નીકળવાનું હોય . ૠજુવાલિકાને પૂરતો સમય આપી દીધો એ પછી , સમેતશિખરજીને પણ પૂરતો સમય આપવાનો . ૠજુવાલિકાને પૂરતો સમય આપવાનું રહી જાય એ ભૂલ છે . ભૂલથી બચવાનું . ભૂલ થવી ન જોઈએ એ યાદ રાખવાનું  . 
ૠજુવાલિકા મહાતીર્થ માટે આ ચોથું સપનું છે . એક શામ , ૠજુવાલિકા કે નામ હોની ચાહિએ . આટલું તો દરેકે દરેક યાત્રિકે યાદ રાખવું જ જોઈએ . 

૫ . ધૂણી રે ધખાવી , સ્વાધ્યાયની ધ્યાનની 

ૠજુવાલિકાની ભૂમિ   , શુભ વિચારોનાં નવતર આંદોલનો આપી શકે છે , આપે છે .  અહીં દેરાસરમાં  , ઉપાશ્રયમાં , બગીચામાં કે નદીકિનારે બેઠા હોઈએ એ વખતે મનને ઊંચું આલંબન આપી રાખવાનું .  એક ઉત્તમ ગ્રંથનો પૂરેપૂરો સ્વાધ્યાય કરવાનો . એક શાસ્ત્ર પૂરેપૂરું સાંભળવાનું . એક સાત્ત્વિક પુસ્તક સંપૂર્ણ વાંચવાનું . જે વાંચ્યું કે સાંભળ્યું તેની પર સતત ચિંતન કરવાનું .  
પ્રભુ વીરે અહીં અપૂર્વ કરણ સાધ્યું હતું . પ્રથમ અપૂર્વ કરણથી ગ્રંથિભેદ થાય અને સમકિત મળે .  અપૂર્વ કરણ એટલે આજ સુધી ક્યારેય ન કર્યો એવો વિચાર કરવો . દ્વિતીય અપૂર્વ કરણ , કેવળજ્ઞાન અપાવે . ૠજુવાલિકામાં પ્રભુએ દ્વિતીય અપૂર્વ કરણ સાધ્યું જે પ્રભુને ક્ષપક શ્રેણિ સુધી લઈ ગયું હતું . એ ક્ષપકશ્રેણિ પ્રભુને કેવળજ્ઞાન સુધી લઈ ગઈ હતી . આ ભૂમિ એવા શક્તિશાળી વિચાર આપે છે જે સામાન્ય ભૂમિકામાં આવતા નથી . તીર્થનો ઉપયોગ કરવાનો છે , અપૂર્વ કરણ માટે . એવા શુભ વિચારો અંદર જગાડવાના જે આજ પહેલા જાગ્યા ન હોય . તીરથની ભૂમિ પર બેસીને , ફાલતુની ગપ્પાગોષ્ઠિ કરવાની નહીં , મોબાઈલ પર ચપડ ચપડ વાતો નહીં કરવાની . તીર્થની ભૂમિ પર બેસીને સારું સારું સતત વાંચવાનું  , જે વાંચ્યું તે સતત વાગોળવાનું .  
હજી એક વાત : અહીં ધ્યાનમગ્નતા સાધવાની છે . વિધવિધ મુદ્રાએ કાઉસગ્ગ કરવાના છે . ગોદોહિકા આસનમાં ખાસ્સોબધો સમય વીતાવવાનો . સૂત્ર , અર્થ અથવા તત્ત્વનાં ચિંતનમાં એકાગ્રતા પૂર્વક ડૂબવાનું . મનમાં ચાલી રહેલા સરેરાશ વિચારોને વિશ્રામ આપવાનો . એક શાંત , સુસ્વસ્થ માનસિકતા રાખવાની . આ ભૂમિ ઊંચો વિચાર આપવા માંગે છે . જે મનને સાત્ત્વિક બનાવી રાખે એને આ ભૂમિ ખરેખરો ઉચ્ચ વિચાર આપે છે . એટલું જ નહીં .  જે ઉત્તમ વિચાર આ ભૂમિ આપે તે વિચારને સાકાર કરવાનું બળ પણ આ ભૂમિ આપે છે . જરૂર હોય છે , શાંત , પ્રસન્ન મને એકાગ્ર ધ્યાન રચવાની . આ સંકલ્પ નિર્માણની ભૂમિ છે અને સંકલ્પ સિદ્ધિની ભૂમિ છે . 
ૠજુવાલિકા મહાતીર્થ માટે આ પાંચમું સપનું છે . અહીં જ્ઞાનપ્રેમી , ધ્યાનપ્રેમી જનો લાંબો નિવાસ કરે . સ્વાધ્યાય અને ધ્યાનની ધૂણી ધખાવે  . 

૬ . આરાધકોની આરાધનાઓ અવતરે

સામૂહિક ચાતુર્માસ થાય , નવપદની ઓળીઓ થાય . ઉપધાન યોજાય . છ’રીપાલક સંઘ નીકળે અથવા આવે . જીવિત મહોત્સવ . વાચના શ્રેણિ . સદ્ ધ્યાન સાધક ઉપક્રમ  . મહા અભિષેક  . વિશિષ્ટ અનુષ્ઠાનો . પ્રાચીન પૂજાઓ , પૂજનો . 
ૠજુવાલિકાની ભૂમિ પર આ બધું જ સંભવી શકે છે . આપણે લોકો અમુક જ તીર્થોમાં આ બધું કરતા હોઈએ છીએ  . પ્રભુ વીરનાં કૈવલ્યતીર્થમાં આરાધનાઓ વધે તે માટે જે વિચારી શકાય , જેટલું વિચારી શકાય , જે રીતે વિચારી શકાય – વિચારવું જ જોઈએ . 
દુઃખની વાત છે કે પ્રભુ વીરની કૈવલ્યભૂમિ પર ભારતના સંઘોનું ધ્યાન ઘણું ઓછું છે . ઉપેક્ષાનું વલણ આ બહાનાઓમાંથી આવે છે :  દૂર પડે છે , બીજા તીર્થોમાં પણ જવાનું હોય છે , વ્યવસ્થાઓ ઓછી છે , ગરમી બહુ છે , આ નાનું ગામડું છે વગેરે વગેરે . આ બહાનાઓની સામે એક જ વાક્ય લખવાનું છે : આ દેવાધિદેવ શ્રમણ ભગવાન્ શ્રી મહાવીર સ્વામી પરમાત્માની કૈવલ્ય ભૂમિ છે . 
ૠજુવાલિકા મહાતીર્થ માટે આ છટ્ઠું સપનું છે . ભારતભરના આરાધકો આવે . રોકાય અને ઘણી ઘણી આરાધનાઓ કરતા રહે . દેરાસરો ખાલી ન દેખાય . ઉપાશ્રયો સૂના ન રહે . ભોજનશાળા અને ધર્મશાળામાં લાંબા સમયનો સન્નાટો ના રહે . 


૭ . સ્વર્ગીય વાતાવરણનો નઝારો 

+ સવારે અને સાંજે પંખીઓનો કલબલાટ  ગજબ હોય છે . મોટા મોટા વૃક્ષો પર સાંજે ઉતરી આવે છે અગણિત પંખીડાઓ . એમની ઉડાન . એમની ટોળાબંધી . એમનો અસ્ખલિત અવાજ . એમની ફફડતી પાંખો . વરસો વરસો પૂર્વે પ્રભુ વીરનું સર્વપ્રથમ સમવસરણ અહીં રચાયું હતું ત્યારે તિર્યંચ્ પર્ષદામાં જે પક્ષીઓ આવ્યા હશે એમના આ વારસદારો છે . પોતાના પૂર્વજો પાસેથી સાંભળેલી સમવસરણની કહાની એ પંખીડાઓ એકબીજાને સંભળાવતા હોય છે . શહેરી સાંજથી તદ્દન વિપરીત , આ તીર્થની સાંજ વાહનનાં ઘોંઘાટથી મુક્ત છે .

 + નદીના દોડતાં પાણી મીઠો સાદ સુણાવે છે . એ જાણે કહે છે કે અમે પ્રભુને જોયા છે . તમે જોયા છે ? શું પ્રભુનું રૂપ હતું ? શું પ્રભુનો ધ્વનિ હતો ? શું પ્રભુની ગતિ હતી ? શું પ્રભુની આંખો હતી ? શું પ્રભુનું આસન હતું ? શું પ્રભુની ગતિ હતી , ચાલ હતી ? તમે નદીનો એ સાદ સાંભળો એટલે તમને સમજાય કે પ્રભુને જોવાનો હરખ કેવો હોય , એ ગદ્ગદભાવ કેવો હોય , એ ઉલ્લાસ ઉમંગ કેવો હોય ? ક્યાંક પાણી પથ્થરોને અફળાય છે અને વળ ખાય છે , ક્યાંક પાણીની ધારા પથ્થરને ટકરાઈટકરાઈને  ધુંવાદાર ફીણ ઉડાડે છે . ક્યાંક ચૂપચાપ સરકતાં નીર છે , ક્યાંક જળના નૈસર્ગિક કુંડ બનેલાં દેખાય . 

+ નદીના સામા કિનારે ઘેરો જંગલવિસ્તાર છે . નદીનો ઢાળ ઊંડો છે . એની નાનીઅમથી ટેકરી જેવી ઊંચાઈએથી જંગલ શરૂ થાય છે .  એ જંગલમાં હાથીનાં ટોળાં ફરે છે .  જંગલ સમેતશિખરજીથી છત્તીસગઢ સુધી ફેલાયેલું છે . આદિવાસીઓ ઘણા વસે છે . ઝારખંડી સંસ્કૃતિની તમામ ધારાઓ આ જંગલમાં ધ્રબુકતી રહે છે . જંગલની વચાળે ટેકરીઓ ઉપસેલી છે .  

+ શિયાળામાં વહેલી સવારના ધુમ્મસ ફેલાય છે . એના પટલ એકદમ સ્વર્ગીય દૃશ્યો રચે છે . બારીમાંથી બહાર બધું ઝાંખું થઈ જાય . નદી ગાયબ . દેરાસર અલોપ . બારીના કાચ પર વરાળના લાંબા લાંબા રેલા . વૃક્ષોનાં પાંદડાં ઓસબિંદુઓનાં ઘરેણાં પહેરી લે . ફૂલની પત્તીઓ ઝાકળની ચાદર ઓઢી લે . ઘાસમાં ભીનાશનું રેશમ વર્તાય . ધુમ્મસના પાલવમાં બેસેલું તીર્થ , ચોથા આરાની અનુભૂતિ કરાવે છે . + વરસાદ બહુ જ જોશથી પડે . પાણીની ધાર જમીનને ફાડી નાંખે . આંધીનો વેગ ધરતીકંપ જેવો પવનકંપ ફેલાવે . વીજળીના પ્રચંડ કડાકા , છાતીના ધબકારા વધારી દે . વરસાદ વરસતો હોય ત્યારે જમીન પર દરિયા જેવું પાણી ઉભરાઈ આવે અને ગાંડી હવા ચારેકોર ઊંચા ઊંચા સમંદરી મોજાં જેવું પાણી ઉછાળે .  વરસાદ સિવાય બીજું કશું દેખાય જ નહીં . એ વરસાદનો ઘોર નાદ , કાનને ફાડી નાંખે .   આવું ઘણું છે ૠજુવાલિકામાં . તમે આવશો  , રોકાશો તો બધું જોવા મળશે . સ્વર્ગીય વાતાવરણનો નઝારો એટલા માટે ગમે કારણ કે એની પર પ્રભુ વીરની છાયા પથરાયેલી છે . ઉર્દૂ શાયર નવાઝ દેવબંદીની બે કડી યાદ આવે : वो घडी दो घडी जहां बैठे वो जमीं महके वो शझर महके . અર્થ : જ્યાં તમે ઘડી બે ઘડી બેઠા હતા ત્યાંની જમીન અને વૃક્ષમાંથી કાયમ સુગંધ નીતરે છે . 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *