
હું ઋજુવાલિકા નદી છું . ભારત દેશમાં ગંગા , સિંધુ , નર્મદા , કાવેરી , બ્રહ્મપુત્રા જેવી મહાન્ નદીઓ અવિરત વહેતી રહે છે . આ બધી નદીઓની સામે હું તો સાવ પામર અને વામણી લાગું . મને મારામાં કશુંક છે એવો અહેસાસ જ નહોતો . જંગલોની વચ્ચેથી વહેતાં વહેતાં જિંદગી ગુજારી દેવાની છે એટલું જ હું જાણતી હતી . મેં કોઈ મોટું સપનું જોયું નહોતું . મોટું સપનું જોઈ શકાય છે એવો વિચાર પણ મનમાં આવ્યો નહોતો . જે સપનું મેં જોયું નહોતું એ સપનું અચાનક જ સાકાર થઈ ગયું . જે યોગ્યતા મારામાં મનેં દેખાઈ ન હતી . એ યોગ્યતા અચાનક મારામાં પ્રગટ થઈ ગઈ . આજે મનેં લાખો લાખો લોકો ઓળખે છે . મેં તો એવું કશું કર્યું નથી કે લોકો મારી પાસે આવે . પરંતુ એક વાર , મારા કિનારે , મારા સાહેબ આવ્યા હતા . મારા સાહેબે મારા કિનારે બિરાજીને તપસ્યા કરી હતી , સાધના કરી હતી , ગોદોહિકા આસન ધારણ કર્યું હતું , કર્મક્ષય કર્યો હતો અને અનંત જ્ઞાન ઉપાર્જીત કર્યું હતું . મારા સાહેબ જ્યાં જાત ત્યાં એમને કેવળજ્ઞાન મળી શકત . પરંતુ મારા સાહેબે કેવળજ્ઞાન પામવા માટે મારા કિનારાને યાદ કર્યો , મને યાદ કરી એ મારા જીવનનું અનંત સૌભાગ્ય છે . મને તો મારા સાહેબ , તરીકે કોઈક છે એવી પણ કલ્પના નહોતી . મારા સાહેબ આવ્યા . મેં એમને કશું માનસન્માન આપ્યું નહીં પરંતુ એમણે મનેં ભરપૂર માન સન્માન અપાવ્યું . મારા સાહેબે મારાં પાણીને સ્પર્શ નથી કર્યો , મારી સહજ સુંદરતાને નજરે નિહાળી સુદ્ધાં નથી . મારા સાહેબ નિર્લિપ્તતાની ટોચ પર હતા . એ એમની નિજાનંદ અવસ્થામાં નિમગ્ન હતા . અહીં આવીને એમણે જે મેળવ્યું એ શું હતું તે હું જાણતી નથી કેમ કે હું અજ્ઞાની છું . મને એટલી ખબર છે કે મારા સાહેબે મારી જિંદગીને બે દિવસમાં જ બદલી નાંખી હતી . મેં જોયું છે . મારા સાહેબ આવ્યા એની પહેલાં હું એક નોંધારી નદી હતી . કિનારાના પથ્થરો પર માથું ટીંચીને જિંદગી ગુજારી રહી હતી . મારા સાહેબ આવ્યા . એ પછી મને મારામાં કશુંક છે એવું ભાન થયું . મને સભાન અવસ્થા આપનાર મારા સાહેબે મારી પર કેટલા ઉપકારો કર્યા છે એ હું દિવસ રાત વિચારતી રહું છું . એક એક ઉપકારો યાદ આવે છે . અને એમ થાય છે કે મેરે સાહેબને મુજકો બહોત કુછ દિયા .
પ્રથમ ઉપકાર : ક્ષપક શ્રેણીની સાધના
મારા સાહેબે મારા તટ પ્રદેશ પર બિરાજીને ગોદોહિકા આસન ધારણ કર્યું હતું . સાડા બાર વરસની તપસ્યા અને આત્મશુદ્ધિ , એ જ હતી ગાય . વૈશાખ સુદ દસમે એ ગાયનું દોહન કરવાનો સમય આવી પહોંચ્યો હતો . મારા કિનારે પ્રભુ દોહન કરવા બેઠા હતા . પ્રભુએ અપૂર્વ કરણ , અનિવૃત્તિ કરણ અને સૂક્ષ્મ સંપરાય , આ ત્રણ ગુણ સ્થાનકને સ્પર્શ કર્યો હતો . મારા સાહેબ અહીં આવ્યા ત્યારે તે છઠ્ઠાસાતમા ગુણસ્થાનકે બિરાજમાન હતા . એ અવસ્થા પણ અનુપમ હતી . પરંતુ કેવળ જ્ઞાન પામવા માટે ક્ષપક શ્રેણી સાધવી પડે છે . મારા સાહેબે ચાર ઘાતી કર્મના ક્ષયનો પ્રારંભ કર્યો અપૂર્વ કરણ દ્વારા , ઘાતી કર્મના ક્ષયની પ્રક્રિયાને ઉત્કૃષ્ટ બનાવી અનિવૃત્તિકરણ દ્વારા અને ઘાતી કર્મના ક્ષયની મહાપ્રક્રિયાને નિર્ધારિત પરિણામ સુધી પહોંચાડી સૂક્ષ્મ સંપરાય દ્વારા . આત્મા સમગ્ર સંસારજીવનમાં એક જ વાર ક્ષપક શ્રેણીની સાધના કરી શકે છે . મારા સાહેબનાં સમગ્ર સંસારજીવનની આ એકમાત્ર ક્ષપક શ્રેણી હતી . ઘાતી કર્મના નાશની પ્રક્રિયા સ્વરૂપ ક્ષપક શ્રેણી સાધવા માટે મારા સાહેબે મારા કિનારાની ભૂમિ સ્વીકારી . મારા સાહેબનો મારી પર આ સર્વપ્રથમ ઉપકાર છે .
દ્વિતીય ઉપકાર : વીતમોહ અવસ્થા
ક્ષપક શ્રેણીની સાધનાનું સમાપન બારમાં ગુણસ્થાનકે થાય છે . વીતમોહ અવસ્થા . ક્રોધ , માન , માયા અને લોભ આ ચાર કષાય અને હાસ્ય , રતિ , અરતિ , ભય , શોક જુગુપ્સા , પુરુષ વેદ , સ્ત્રી વેદ , નપુંસક વેદ આ નવ નોકષાય આત્મા પરથી પૂર્ણતયા હટી જાય એ અતિશય દુર્લભ અવસ્થા છે . એકવાર કષાય અને નોકષાય સ્વરૂપ મોહનીય કર્મ આત્મા પરથી હટી જાય તે પછી એ ફરીથી આત્મા પર આવી શકતું નથી . આ અવસ્થાને જ બારમું ગુણ સ્થાનક કહેવાય છે . ધર્મ સાધનાનું લક્ષ્ય છે આ વીતરાગ ભાવ . પ્રભુ જન્મથી જ નિર્મોહી હતા . મોહનીય કર્મ પ્રભુને પરેશાન કરી શકે એવું તો ક્યારેય બન્યું નથી . પરંતુ સત્તામાં પડેલા મોહનીય કર્મનો બારમા ગુણ સ્થાનકે સદંતર અભાવ સિદ્ધ થયો . પ્રભુનું લક્ષ્ય જ હતું આ વીતરાગ ભાવ . મારા સાહેબે મારા કિનારે બિરાજીને સમગ્ર મોહનીય કર્મનો નાશ કર્યો એ મારા સાહેબનો મારી ઉપરનો બીજો ઉપકાર છે .
તૃૃતીય ઉપકાર : કેવલજ્ઞાન અને એની સર્વપ્રથમ ક્ષણ .
મારા સાહેબને જે ક્ષણે કેવલજ્ઞાન થયું એ ક્ષણે એમને સર્વ પ્રથમ વાર સમગ્ર વિશ્વને પૂર્ણ રૂપે જાણી લીધું હતું . મારા સાહેબે કેવલ જ્ઞાનની પ્રથમ ક્ષણે જીવમાત્રનો સંપૂર્ણ ભૂતકાળ , સંપૂર્ણ વર્તમાન કાળ અને સંપૂર્ણ વર્તમાન કાળ જાણી લીધો . મારા સાહેબે કેવલજ્ઞાનની પ્રથમ ક્ષણે અજીવમાત્રનો સંપૂર્ણ ભૂતકાળ , સંપૂર્ણ વર્તમાન કાળ અને સંપૂર્ણ વર્તમાન કાળ પણ જાણી લીધો . જીવ અને અજીવ સિવાય બીજું શું છે આ વિશ્વમાં ? કેવલજ્ઞાનની પ્રથમ ક્ષણે જે જાણ્યું એ પરિપૂર્ણ જાણ્યું . એના પછીના સમય માટે નવું કશું જાણવાનું બાકી ના રહ્યું . મારા સાહેબે મારા કિનારે બિરાજીને સમગ્ર જ્ઞાન આવરણ કર્મનો નાશ કર્યો , કેવલ જ્ઞાનની પ્રથમ ક્ષણે મારા જ કિનારેથી સમગ્ર વિશ્વને સૌ પ્રથમ વાર પરિપૂર્ણ રીતે જાણ્યું . આ એમનો મારી પરનો ત્રીજો ઉપકાર છે .
ચતુર્થ ઉપકાર : કેવલ દર્શન અને એની સર્વપ્રથમ ક્ષણ .
મારા સાહેબને જે ક્ષણે કેવલ દર્શન થયું એ ક્ષણે એમણે સર્વ પ્રથમ વાર સમગ્ર વિશ્વને પૂર્ણ રૂપે જોઈ લીધું હતું . મારા સાહેબે કેવલજ્ઞાનની પ્રથમ ક્ષણે જીવમાત્રનો સંપૂર્ણ ભૂતકાળ , સંપૂર્ણ વર્તમાન કાળ અને સંપૂર્ણ વર્તમાન કાળ જોઈ લીધો . મારા સાહેબે કેવલજ્ઞાનની પ્રથમ ક્ષણે અજીવમાત્રનો સંપૂર્ણ ભૂતકાળ , સંપૂર્ણ વર્તમાન કાળ અને સંપૂર્ણ વર્તમાન કાળ પણ જોઈ લીધો . જીવ અને અજીવ સિવાય બીજું શું છે આ વિશ્વમાં ? કેવલજ્ઞાનની પ્રથમ ક્ષણે જે જોયું એ પરિપૂર્ણ જોયું . એના પછીના સમય માટે નવું કશું જોવાનું બાકી ના રહ્યું . મારા સાહેબે મારા કિનારે બિરાજીને સમગ્ર દર્શનાવરણ કર્મનો નાશ કર્યો અને કેવલ દર્શનની પ્રથમ ક્ષણે મારા કિનારેથી સમગ્ર વિશ્વને સૌ પ્રથમ વાર પરિપૂર્ણ રીતે જોયું આ એમનો ચોથો ઉપકાર છે .
પાંચમો ઉપકાર : અનંત આનંદ ઊર્જાનું અનાવરણ
ચાર ઘાતી કર્મમાં ચોથું કર્મ છે અંતરાય કર્મ . અંતરાય કર્મનો પૂર્ણ નાશ થવાથી આત્મા અવર્ણનીય આનંદસ્ફૂર્તિ અને અંતરંગ તાજગી અનુભવે છે . આત્માની અપરિસીમ ઊર્જા , એ આત્માના અનંત આનંદનું આધારસૂત્ર છે . એકધારી એકસરખી આનંદ અવસ્થામાં સતત અને સતત પ્રસન્નતા અને ઉલ્લાસનો ઝગમગાટ અખંડ વરતાયેલો રહે છે . આ આનંદ અવસ્થા પ્રથમ ક્ષણે જેવી હતી એવી ને એવી જ અનંત કાળ સુધી બનેલી રહે છે . મારા સાહેબે મારા કિનારે બિરાજીને સમગ્ર અંતરાય કર્મનો નાશ કર્યો અને અનંતાનંદી અવસ્થાની સૌ પ્રથમ ક્ષણ મારા કિનારે સાધી એ એમનો પંચમ ઉપકાર છે .
છટ્ઠો ઉપકાર : આઠ પ્રાતિહાર્યનું પ્રાગટ્ય .
મારા સાહેબને કેવળજ્ઞાન થયું એ સાથે જ એમની સેવામાં આઠ પ્રાતિહાર્ય ઉપસ્થિત થઈ ગયા હતા . અશોક વૃક્ષ . સુર પુષ્પ વૃષ્ટિ . દિવ્ય ધ્વનિ . ચામર . સિંહાસન . ભામંડલ . દુંદુભિનાદ . છત્ર ત્રય . આ અષ્ટ મહાપ્રાતિહાર્યનું સ્મરણ કરવાથી પણ કર્મનો ક્ષય થતો હોય છે . મહાયોગીઓ અને મહર્ષિઓ આમનું ધ્યાન પણ ધરતા હોય છે . જેમનું ધ્યાન પણ મહા પુણ્યકારી ગણાય એ મહાપ્રાતિહાર્ય આ ભૂમિ ઉપર સૌ પ્રથમ વાર સાક્ષાત્ સ્વરૂપે પ્રગટ થયા એ મારા સાહેબનો મારી પરનો છઠ્ઠો મહાન્ ઉપકાર છે .
સાતમો ઉપકાર : ત્રિલોકમાં કૈવલ્યતીર્થ તરીકે પ્રસિદ્ધિ મળી
ૠજુવાલિકાની ભૂમિ એકાંત સ્થાને વસેલી છે . લોકોની વસ્તી દૂર છે . અવરજવર બહુ જ ઓછી . પ્રભુને પણ એકાંત જ જોઈતું હતું . સાવ એકાંત સ્થાનમાં પ્રભુ ધ્યાનસ્થ થયા . પ્રભુને કૈવલ્યનો લાભ જ્યાં થયો એ મનુષ્ય લોકનો એક અજાણ્યો ખૂણો હતો . પ્રભુના પ્રભાવે કૈવલ્યના સમાચાર , આ ખૂણેથીત્રણ લોકમાં વિસ્તરી ગયા . આ ભૂમિને ત્રિલોકમાં કૈવલ્ય તીર્થ તરીકે પ્રસિદ્ધિ મળી . આ ભૂમિ પર અગણિત દેવતા આવ્યા અને એમણે ઘણીબધી રીતે આનંદનૃત્ય કર્યાં . મારી સાધારણ જેવી ભૂમિને મારા સાહેબે ત્રિલોક વિશ્રુત મહાતીર્થનું ગૌરવ અપાવી દીધું એ મારા સાહેબનો સાતમો ઉપકાર છે .
આઠમો ઉપકાર : સમવસરણની રચના
સમવસરણ દેવતાઓની પ્રિય રચના છે . ભવનપતિ , વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક દેવો સાથે મળીને સમવસરણ રચે છે . આ દેવો એકવાર પણ જ્યાં સ્વયં સમવસરણ રચ્યું હોય એ સ્થાનને યાદ રાખે છે . એકવાર જ્યાં સમવસરણ બન્યું એ ભૂમિ સમવસરણતીર્થ તરીકે વંદનીય બને છે . મારા સાહેબના પ્રભાવે મારા કિનારે સમુત્તુંગ સમવસરણ રચાયું . મારી સાધારણ ભૂમિ , સમવસરણ ભૂમિ તરીકે આદરણીય બની ગઈ એ મારા સાહેબનો આઠમો ઉપકાર છે .
નવમો ઉપકાર : સમવસરણની પરંપરાનો પ્રારંભ
મારા સાહેબ કેવલજ્ઞાની બન્યા પછી ત્રીસ વરસ સુધી ધરાતલ પર વિહર્યા . ત્રીસ વરસમાં એમની માટે કુલ મળીને કેટલાં સમવસરણ બન્યાં હશે ? ગણના ન થઈ શકે . એ તમામ સમવસરણોમાંનું સૌ પ્રથમ સમવસરણ ૠજુવાલિકાની આ ભૂમિ પર બન્યું . મારા સાહેબ અહીં પધાર્યા ત્યારે એમની માટે સમવસરણ બનતાં નહોતાં . અહીથી પ્રસ્થાન કરીને મારા સાહેબ જ્યાં જ્યાં પધાર્યા ત્યાં ત્યાં એમની માટે સમવસરણ બનતાં રહ્યાં . પ્રભુ હવે રોજેરોજ સમવસરણમાં બિરાજમાન થશે , એવી ત્રીસવર્ષીય પરંપરાનો પ્રારંભ આ ભૂમિ પરથી થયો , એ મારા સાહેબનો નવમો ઉપકાર છે .
દશમો ઉપકાર : મૌન સમાપન
મારા સાહેબ સાડાબાર વરસથી મૌન ધારણ કરી ચૂક્યા હતા . કોઈની સાથે બોલવું નહીં . કોઈને જવાબ આપવો નહીં . કોઈને કશું કહેવું નહીં . મારા સાહેબે ૠજુવાલિકાની ભૂમિ પર એક ક્ષણની જે ફરમાવી તે દેશના ભલે એક ક્ષણની હતી પણ એ દેશના થકી સાડાબાર વરસનાં મૌનનું સમાપન કર્યું હતું . પ્રભુ મૌન રાખે એ પણ ઉપકારક જ હોય , પ્રભુ મૌન ત્યાગે એ પણ ઉપકારક જ હોય . મૌન સમાપન એ પ્રભુનો દશમો ઉપકાર છે .
અગિયારમો ઉપકાર : મહાદેશનાની સર્વ પ્રથમ ક્ષણ
મારા સાહેબની પ્રથમ દેશનાને નિષ્ફળ દેશના પણ કહેવામાં આવે છે. કોઈએ દીક્ષા ગ્રહણ ન કરી એટલે આવું પ્રતિપાદન થાય છે . પરંતુ અહીંની એક ક્ષણ દ્વારા પ્રભુએ ત્રીસવર્ષીય દેશનાધારાનો મહામંગલકારી પ્રારંભ કર્યો હતો . ૩૦ વર્ષ સુધી પ્રભુએ બોલવાનું ચાલુ રાખ્યું . પ્રભુ પ્રાયઃ બે પ્રહરની દેશના ફરમાવતા . બે પ્રહર એટલે છ કલાક થાય . ૩૦ વર્ષના દિવસ ગણાય આશરે ૧૦.૮૦૦ . જાડી ગણત્રી માંડીએ તો મારા સાહેબ ત્રીસ વરસમાં ૬૦.૦૦૦ કલાક બોલ્યા . એ ૬૦.૦૦૦ કલાકની મહાદેશનાની સર્વ પ્રથમ ક્ષણ ૠજુવાલિકાની ભૂમિને મળી હતી એ મારા સાહેબનો અગિયારમો ઉપકાર છે .
બારમો ઉપકાર : યક્ષ અને યક્ષિણીનું પ્રાગટ્ય
મારા સાહેબ પ્રથમ વાર સમવસરણમાં બિરાજમાન થયા ચારેય નિકાયના દેવતાઓ ઉપસ્થિત થયા . કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજા ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિતનાં દશમા પર્વમાં લખે છે કે પ્રથમ સમવસરણમાં માતંગ યક્ષ અને સિદ્ધાયિકાદેવી પ્રગટ થયા હતા. અહીંથી માતંગ યક્ષને પ્રભુતીર્થના અધિષ્ઠાયક દેવની ભૂમિકા મળી . અહીંથી જ સિદ્ધાયિકાદેવીને પ્રભુતીર્થના અધિષ્ઠાયિકાદેવીની ભૂમિકા મળી . આ બંને ૩૦ વર્ષ સુધી પ્રભુની સેવામાં જોડાયેલા રહ્યાં . પ્રભુનાં મોક્ષ ગમન પછી જ્યાં જ્યાં પ્રભુનું મંદિર છે , બિંબ છે , પરિકર છે , અનુષ્ઠાન છે , તીર્થ છે , યંત્ર છે ત્યાં ત્યાં આ યક્ષ અને યક્ષિણી પ્રભુની સેવામાં અદૃશ્ય સ્વરૂપે ઉપસ્થિત રહે છે . આ બંને મારા સાહેબ સાથે ૠજુવાલિકાની ભૂમિ પરથી જોડાયાં એ મારા સાહેબનો બારમો ઉપકાર છે .
તેરમો ઉપકાર : સાક્ષાત્ ચરણનો સ્પર્શ
પ્રભુની કાયાનો સ્પર્શ જેને મળે એને સાક્ષાત્ પ્રભુનો સ્પર્શ મળ્યો એમ જ કહેવાય . મારા સાહેબ અહીં ખુલ્લા પગે પધાર્યા હતા . એમના બે પગના દશ આંગળા , એમનો કમળકોમળ પંજો , એમાં વસેલાં સામુદ્રિક લક્ષણો અને એ ચરણમાં વસેલી અનંત ઊર્જા . આનો આખેઆખો સ્પર્શ ૠજુવાલિકાની ભૂમિને મળ્યો છે . મારા પથ્થરોમાં પ્રભુનો સ્પર્શ વસેલો છે . મારી લાલ અને પીળી માટીમાં અને રેતીમાં પ્રભુનો સ્પર્શ વસે છે . પથ્થર , માટી , રેતી કેવળ કુદરતનો હિસ્સો હતા . એને તીર્થની પૂજનીયતા આપી મારા સાહેબે . મારા સાહેબનો ચરણ સ્પર્શ મારી રેતીમાં , મારી માટીમાં અને મારા પથ્થરમાં વસે છે એ મારા સાહેબનો તેરમો ઉપકાર છે .
ચૌદમો ઉપકાર : શ્વાસોશ્વાસનો સુગંધ સ્પર્શ
મારા સાહેબ અહીં આવ્યા . એ શ્વાસ લેતા હતા . તીર્થંકરના શ્વાસમાં ફૂલોની સુગંધ વસેલી હોય છે . મારા સાહેબ અહીં આશરે ૪૮ કલાક રોકાયા હશે . મારા સાહેબના શ્વાસમાં સુગંધ હતી . મારા સાહેબના શ્વાસમાં ઉર્જા હતી . મારા સાહેબ અહીંથી ગયા પરંતુ પોતાના શ્વાસની સુગંધ અને ઊર્જા મૂકતા ગયા . અહીંની હવામાં મારા સાહેબની સુવાસનો અને ઊર્જાનો સ્પર્શ વસે છે . મારા સાહેબનો આ ચૌદમો ઉપકાર છે .
પંદરમો ઉપકાર : ધ્યાનભૂમિનું નિર્માણ
મારા સાહેબે આ ભૂમિ પર શુક્લધ્યાન ધારણ કર્યું હતું . આમ તો આ ક્ષપક શ્રેણીનો જ હિસ્સો ગણાય . પણ ધ્યાન શબ્દમાં એક વજન છે . મારા સાહેબે આ ભૂમિ પર એ રીતે ધ્યાન ધારણ કર્યું કે મોહનીય કર્મનો નાશ થઈ ગયો . મારા સાહેબે સાડાબાર વરસમાં છ મહિનાના ઉપવાસ પણ કર્યા , ચાર મહિનાના , ત્રણ મહિનાના , બે મહિનાના , દોઢ મહિનાના , એક મહિનાના ઉપવાસ વારંવાર કર્યા . પરંતુ મોહનીયનો નાશ બાકી રહી જતો હતો . મારા સાહેબ અહીં પધાર્યા અને ફક્ત બે ઉપવાસ કર્યા એમાં મોહનીયના ભુક્કા બોલાઈ ગયા . મારા સાહેબ જ્યાં ધારે ત્યાં જઈને કેવળ જ્ઞાન હાંસિલ કરી શકે પણ મોહનીય કર્મનો ક્ષય કરવા માટે મારા સાહેબે આ ભૂમિ ઉપર ધ્યાન ધરવાનું સ્વીકાર્યું . મારા સાહેબે આ ભૂમિને ધ્યાન ભૂમિ બનાવી દીધી. અહીં આજે કોઈપણ મંત્ર જાપ કરો , સ્તોત્ર પાઠ કરો , કોઈપણ સૂત્રનો સ્વાધ્યાય કરો , તમને મારા સાહેબનાં ધ્યાનની ઊર્જાનો તુરંત અનુભવ થશે . મારા સાહેબે આ ભૂમિને ધ્યાનની ભૂમિ બનાવી દીધી છે . એ મારા સાહેબનો પંદરમો ઉપકાર છે .
સોળમો ઉપકાર : અરહસ્યભાગી અવસ્થાનો સ્વીકાર
દીક્ષાની પહેલી રાતે ઇન્દ્રએ પ્રભુને વિનંતી કરી હતી કે હું આપની સેવામાં રહીશ . એ વખતે મારા સાહેબે દેવતાની સેવાનો અસ્વીકાર જાહેર કરી દીધો હતો . સાડાબાર વર્ષ સુધી મારા સાહેબે દેવતાઓની સેવાનો અસ્વીકાર ચાલુ જ રાખ્યો હતો . પરંતુ , ભવ્ય જીવો ઉપર ઉપકાર કરવાનો સમય આવી ગયો હતો એ હેતુથી મારા સાહેબે દેવતાઓની સેવા લેવાનો પ્રારંભ કર્યો . બારસાસૂત્રમાં લખ્યું છે કે ૠજુવાલિકાતીરે મારા સાહેબ અરહસ્યભાગી બન્યા . અર્થાત્ ૠજુવાલિકા આવતા પહેલાં મારા સાહેબેપોતાની સેવામાં કોઈને રાખ્યા નહોતા . અહીં પધાર્યા એ પછી , ઓછામાં ઓછામાં એક કરોડ દેવ પોતાની સેવામાં રહેશે એ ભૂમિકાનો મારા સાહેબે સ્વીકાર કર્યો હતો . સેવા સ્વીકારવાનું શરુ કર્યું એ મારા સાહેબનો સોળમો ઉપકાર છે .
સત્તરમો ઉપકાર : તપસ્યાકાળને મળ્યો અલ્પવત્ વિરામ
મારા સાહેબનો દીક્ષા પર્યાય ૪૫૧૫ દિવસનો . આ દરમ્યાન મારા સાહેબે ૪૧૬૬ ઉપવાસ કરેલા . પારણા કેવળ ૩૪૯ કરેલા . આવું પ્રખર તપ શું મારા સાહેબે કેવળજ્ઞાન પછી ચાલુ રાખ્યું હતું ? જવાબ છે , ના . કેવલજ્ઞાન પછી મારા સાહેબની તપસ્યા જરૂર ચાલુ હતી . પણ પ્રચંડ , ઘનઘોર , દુર્ગમ તપસ્યાઓ જે સાડાબાર વર્ષમાં થઈ એવી ઘનઘોર તપસ્યાને આગામી ત્રીસ વરસમાં સ્થાન મળ્યું નહીં . પ્રભુ ઉગ્ર તપ કરે તેની પણ અનુમોદના જ હોય . પ્રભુ ઉગ્ર તપનાં સ્થાને સામાન્ય તપસ્યા કરે તેની પણ અનુમોદના જ હોય . અહીં આવ્યા બાદ પ્રભુની ઉગ્ર તપસ્યાને અલ્પવત્ વિરામ મળ્યો એ મારા સાહેબનો સત્તરમો ઉપકાર છે .
અઢારમો ઉપકાર : એક દિવસમાં સાત રૂપે દર્શન આપ્યાં
મારા સાહેબ અહીં પધાર્યા ત્યારે છટ્ઠા અને સાતમા ગુણસ્થાનકે બિરાજમાન હતા . અહીં પધાર્યા બાદ આઠમું , નવમું અને દશમું ગુણસ્થાનક સાધ્યું . તે પછી બારમે ગુણસ્થાનકે પહોંચ્યા , છેવટે તેરમાં ગુણસ્થાનકે બિરાજમાન થયા . પ્રભુનાં સાત અલગ રૂપ અહીં એક જ દિવસમાં જોવા મળ્યાં એ મારા સાહેબનો અઢારમો ઉપકાર છે .
ઓગણીસમો ઉપકાર : જીવન્ મુક્ત અવસ્થા
મારા સાહેબનું મોક્ષ કલ્યાણક તો પાવાપુરીમાં સંપન્ન થયું . પરંતુ યોગગ્રંથો જણાવે છે વીતરાગ અવસ્થા અને કેવલી અવસ્થા એ જીવન્ મુક્તિ દશા છે કેમ કે અઘાતી કર્મો આત્માનું કશ્શું બગાડી શકવાના નથી . મારા સાહેબે જીવન્ મુક્તિ દશા તરીકેનો અડધો મોક્ષ , ૠજુવાલિકાની ભૂમિ પરથી મેળવી લીધો એ મારા સાહેબનો ઓગણીસમો ઉપકાર છે .
વીસમો ઉપકાર : તીર્થંકર નામકર્મનો રસોદય
તીર્થંકરના આત્મા અંતિમ ભવમાં જ્યાર સુધી છદ્મસ્થ હોય છે ત્યાર સુધી તીર્થંકર નામકર્મનો પ્રદેશ ઉદય અનુભવતા હોય છે . તીર્થંકરના આત્માને કેવળજ્ઞાન થયા બાદ તીર્થંકર નામકર્મનો રસ ઉદય થતો હોય છે . આ રસ ઉદયને લીધે જ સમવસરણ , આઠ પ્રાતિહાર્ય , પાંત્રીસ વાણીગુણ , ચોત્રીસ અતિશય આદિ વિશેષતાઓ પ્રગટે છે . બાર ગુણ અરિહંત દેવ , આ અવસ્થાનો પ્રારંભ , મારા કિનારેથી થયો તે વીસમો ઉપકાર છે .
એકવીસમો ઉપકાર : ચાર રૂપ ધારણ કર્યાં
પ્રભુએ બેતાલીસ વર્ષની જિંદગીમાં ક્યારેય ચાર રૂપ લીધેલા નહીં . મારા કિનારે પ્રભુએ સર્વપ્રથમ વાર ચાર રૂપ ધારણ કર્યાં . અને ચાર રૂપ લેવાનો સિલસિલો ત્રીસ વર્ષ સુધી ચાલતો જ રહ્યો . પ્રભુએ મારી સમક્ષ ચાર રૂપ પ્રગટાવ્યા એ પ્રભુનો એકવીસમો ઉપકાર .
મારા સાહેબે કરેલા એકવીસ ઉપકાર , એ આ ભૂમિની ૨૧ મહાન્ વિશેષતા છે . પ્રભુએ આ ભૂમિ પર ફક્ત એક જ ક્ષણની દેશના આપી છે એ વાક્યમાંથી , ફક્ત શબ્દને ફગાવી દેવો જોઈએ . એ એક ક્ષણની દેશનાની સાથે જોડાયેલી ૨૧ મહાન્ વિશેષતાઓએ આ ભૂમિને એકમેવ અદ્વિતીય તીર્થ તરીકે સ્થાન અપાવ્યું છે એ યાદ રાખવું જોઈએ . મારી આ આત્મકથા વાંચ્યાબાદ , આ ૨૧ મહાન્ વિશેષતાઓને યાદ રાખી લેજો અને વધુમાં વધુ લોકોમાં આ ૨૦ મહાન્ વિશેષતાઓનો પ્રચાર કરજો . તમે દર વૈશાખ સુદ દશમે , ઋજુવાલિકા તીર્થની યાત્રાએ આવજો . ઋજુવાલિકા તીર્થની ભૂમિ પર બેસીને આ ૨૧ મહાન્ વિશેષતાઓનો સ્વાધ્યાય કરજો , કરાવજો . કૈવલ્યભૂમિ વિશેનું આત્મીય ચિંતન મનન , આગામી ભવમાં જ કેવળજ્ઞાન અપાવી દે એવી સંભાવના છે , યાદ રાખજો .
અહીં આવનારા યાત્રાળુઓ જાણતા નથી કે મારા સાહેબ અહીં કેવી રીતે આવ્યા હતા ? યાત્રાળુઓ અહીં આવે છે ગાડીમાં બેસીને . મારા સાહેબ અહીં ચાલીને આવ્યા હતા . યાત્રાળુઓ અહીં પગમાં ચંપલ પહેરીને આવે છે . મારા સાહેબ અહીં ખુલ્લા પગે આવ્યા હતા . યાત્રાળુઓ અહીં શરીર પર રૂપાળાં વસ્ત્રો ઓઢીને આવે છે . મારા સાહેબ અહીં નિરાવરણ અવસ્થાએ પધાર્યા હતા . યાત્રાળુઓ અહીં આવીને ગાદી તકિયા પર લેટી જાય છે . મારા સાહેબે અહીં આવીને આરામ કર્યો જ નથી , નિદ્રા લીધી નથી . યાત્રાળુઓ અહીં આવીને ખાય છે , પીએ છે . મારા સાહેબે અહીં આવીને આહાર ગ્રહણ કે જલ ગ્રહણ કર્યું નથી . યાત્રાળુઓ અહીં આવે છે અને બે ત્રણ કલાકમાં નીકળી જાય છે . મારા સાહેબ અહીં બે દિવસ રોકાયા હતા અને એમાં મારા સાહેબે ચોવિહારો છઠ કર્યો હતો . યાત્રાળુઓ અહીં આવીને અવાજ કરે છે , ઘોંઘાટ કરે છે . મારા સાહેબે અહીં આવ્યા બાદ એક જ ક્ષણ માટે બોલવાનું સ્વીકાર્યું હતું . બાકી તો , મારા સાહેબ અહીં મૌન જ મૌન રહ્યા હતા . યાત્રાળુઓ અહીં આવીને થોડી ભક્તિ કર્યા બાદ આનંદ પ્રમોદમાં ખોવાઈ જાય છે . મારા સાહેબે અહીં આવીને એકમાત્ર ધ્યાન અવસ્થા જ સ્વીકારી હતી . મારા સાહેબે અહીં આવીને શું કર્યું અને શું ના કર્યું એનું લિસ્ટ ઘણું લાંબુ છે . એ લિસ્ટ હું બનાવી રહી છું , તમે પણ બનાવજો .
Leave a Reply