
બીજા વરસનું કથાનક :
સિદ્ધાર્થ દેવનું પરાક્રમ – ૨
કોઈ ગામડિયો મોરાક સંનિવેશની બહાર ગયો હશે તે પાછો આવી રહ્યો હતો . સિદ્ધાર્થે તેને નામ દઈને બોલાવ્યો . એ ગામડિયાને લાગ્યું કે દેવાર્યે તેને બોલાવ્યો છે . એ દેવાર્ય પાસે આવ્યો . સિદ્ધાર્થે એ ગામડિયાને એવી વાતો કહી જેનાથી એ ગામડિયો હતપ્રભ થઈ ગયો . ગામડિયો ક્યાંથી આવ્યો , શું કરીને આવ્યો , નરી આંખે શું જોઈ આવ્યો અને સપનામાં શું જોઈ આવ્યો આ બધું સિદ્ધાર્થે ગામડિયાને કહ્યું . એ ગામડિયાને લાગયું કે આ વાતો દેવાર્ય કહી રહ્યા છે , એને વિશ્વાસ બેસી ગયો કે દેવાર્ય ત્રિકાળ જ્ઞાની છે . એ દોડતો દોડતો ગામમાં ગયો . એણે પોતાના સ્વજનોને અને મિત્રોને પોતાનો અનુભવ જણાવ્યો . જોતજોતામાં મોરાક સંનિવેશમાં આ વાત ફેલાઈ ગઈ .
એક પછી એક લોકો દેવાર્યની પાસે આવવા લાગ્યા . સિદ્ધાર્થે પોતાના અવધિજ્ઞાનના જોરે ગ્રામજનોના ભૂતકાળની અને ભવિષ્યની નાની મોટી વાતો રજૂ કરી . ગ્રામજનો માટે આ બહુ મોટો ચમત્કાર હતો . એ સૌ દેવાર્યના ભક્ત બની ગયા . દેવાર્યની પૂજા થવા લાગી . દેવાર્યની આસપાસ મોટી મોટી ભીડ ઉભરાવા લાગી . સિદ્ધાર્થને આ જ જોઈતું હતું . એ રાજી રાજી રહેવા લાગ્યો .
દેવાર્યે આવું શું કામ થવા દીધું ? આ એક અજીબ રહસ્ય હતું . સિદ્ધાર્થ જ્ઞાની નહોતો , દેવાર્ય તો જ્ઞાની હતા . ટોળું ભેગા કરવાનો શોખ સિદ્ધાર્થને હતો , એવો શોખ દેવાર્યને તો નહોતો . ઈતિહાસમાં આ પ્રશ્ન હંમેશા ઊભો રહેશે કે દેવાર્યે આવું શું કામ થવા દીધું ? આજ સુધીમાં કોઈ તીર્થંકર સાથે આવું થયું નહોતું . એકમાત્ર દેવાર્ય સાથે આવું બન્યું હતું . દશ આશ્ચર્ય જેવી જ આ કોઈ અભૂતપૂર્વ ઘટના હશે ? દેવાર્યના દેહમાં કોઈ દેવ પ્રવેશ કરે તે કેવું કહેવાય ? દેવાર્યને મૌનનો નિયમ હોય અને એ દેવ દેવાર્ય દ્વારા જ બોલતો રહે તે નાની વાત નહોતી . પણ બન્યું તો એવું જ . સિદ્ધાર્થ દિવસો સુધી બોલતો રહ્યો . કથા એવી બનતી રહી કે દેવાર્ય બોલે છે .
દેવાર્યે આ પરિસ્થિતિને પણ એક ઉપસર્ગ તરીકે સ્વીકારી લીધી હશે . દેવ બોલે છે તે દેવની મરજી . મારે એ દેવથી શું લેવાદેવા ? હું તો મારી સાધના નિમગ્ન રહીશ . શરીરમાં પેસેલો કાંટો દેવાર્ય પોતાના હાથે ન કાઢે એની જેમ શરીરમાં પેસી ગયેલા દેવને દેવાર્યે ભગાડ્યો નહીં , એને ચૂપ રહેવા પણ ન જણાવ્યું . શરીરમાં ઘૂસેલું ભૂત હેરાન કરતું હોય છે એવી માન્યતા , અલબત્ત , ખોટી પડી હતી . સિદ્ધાર્થ ભૂત નહોતો , દેવ હતો . શરીરમાં પ્રવેશીને પણ સિદ્ધાર્થે દેવાર્યની પીડા આપી નહોતી . લાગણીનો અતિરેક , અવિવેકને ખેંચી લાવે છે તે વખતે અવિવેકને ખોટો કહેવો પડે , અતિરેકને ખોટો કહેવો પડે , લાગણીને ખોટી ન કહેવાય . શું આવો કોઈ વિચાર હશે દેવાર્યનાં મનમાં ? આપણે તો બસ તુક્કા લડાવી શકીએ . દેવાર્યે સિદ્ધાર્થને રોક્યો નહીં તેનું સાચું કારણ કેવળ દેવાર્ય જ જણાવી શકે . સિદ્ધાર્થનું જનભાષણ લાંબો વખત ચાલ્યું હતું . લોકો આવતા . પ્રશ્નો પૂછતા . સિદ્ધાર્થ જવાબ આપતો . જવાબ સાચો પુરવાર થતો . જવાબમાં આપેલું માર્ગદર્શન કારગર સાબિત થતું . દેવાર્યનો પ્રચાર વધતો , ભક્તોનો ઘસારો પણ સતત વધતો .
એક વાર કોઈકે પૂછ્યું કે ,
‘ તમે અચ્છંદકજીના વિષયમાં કાંઈ જાણો છો ? એ પણ ભૂતભાવિની વાતો કરે છે . ‘
સિદ્ધાર્થે અચ્છંદક માટે ઊલટી વાત કરી . જણાવ્યું કે અચ્છંદક કશું જાણતો નથી . સિદ્ધાર્થે અચ્છંદકની નિંદા કરવી જોઈતી નહોતી . સિદ્ધાર્થની આ ભૂલ હતી . બન્યું એવું કે દેવાર્ય અચ્છંદક માટે અવળું બોલ્યા છે તે વાત ગામમાં ફેલાઈ અને અચ્છંદક સુધી પહોંચી . એ છંછેડાયો . સમજો કે એનો અહં ઘવાયો . એણે દેવાર્યને પડકારવાનું નક્કી કર્યું .
અચ્છંદકને દેવાર્ય કોણ છે તેની પૂરેપૂરી જાણકારી નહોતી . અચ્છંદકની દુકાન આ સંનિવેશમાં સરસ રીતે જામેલી હતી . લોકો અચ્છંદક પાસે આવતા અને અગમ નિગમની વાતો સાંભળી અહોભાવિત થતા . દેવાર્યને લીધે , કહો કે સિદ્ધાર્થને લીધે અચ્છંદકની ઘરાકી તૂટી રહી હતી . અચ્છંદકને આ સમજાતું હતું . હવે આ અપપ્રચારને લીધે અચ્છંદકનો કારોબાર જ ખતમ થઈ જાય એવી સંભાવના હતી . અચ્છંદકને પોતાનાં મામૂલી જ્ઞાનનું ઘમંડ હતું . આજ સુધી તેના થકી જંતરમંતર ના કોઈ કોઈ કિસ્સા સફળ બન્યા હશે . તેનો એને આત્મવિશ્વાસ પણ હતો . એણે વિચાર્યું કે હું દેવાર્ય પાસે જઈશ અને એવા સવાલ પૂછીશ કે દેવાર્ય જૂઠા સાબિત થઈ જશે .
સિદ્ધાર્થે ખેલ શરૂ કરેલો પણ વિરોધ દેવાર્યનો થવાનો હતો . ( ક્રમશઃ )
Leave a Reply