
પ્રકરણ ૯ . દશ મહાન્ સ્વપ્ન
સૂરજના તડકામાં , માણસનાં શરીરનો પડછાયો જમીન પર પથરાય છે . પડછાયાને લાઠી મારવાથી માણસને પીડા પહોંચતી નથી . શું આવું જ દેવાર્ય શરીર અને આત્મા અંગે વિચારતા હશે ? દેવાર્યનાં શરીરને પીડા થતી તે શું દેવાર્યના આત્માને પ્રભાવિત નહીં કરતી હોય ? દેવાર્યનું ઉપયોગ મન ચોક્કસ શારીરિક ઘટનાઓની છાયામાં આવતું નહીં આવતું હોય શું ? કાયાનાં સ્તરે જે બન્યું હોય તે પરાયું લાગતું હશે ? માથા પરના વાળ જેમ શરીર પર હોવા છતાં શરીરથી અલગ રહે છે તેમ આ કષ્ટો શરીર પર હોવા છતાં દેવાર્ય તેને પારકા બનાવી રાખતા હશે કે શું ?
આ ગજબનાક બાબત હતી . દેવાર્ય એમ ને એમ જ મહાસાધક બન્યા નહોતા . એમની સહનશક્તિ અલૌકિક હતી . દેવાર્યનું દેહબળ અકલ્પનીય હતું . દેવાર્યનું મનોબળ અનન્ય સાધારણ હતું . દેવાર્યનું આત્મબળ અપરિસીમ હતું . મનની અને આત્માની સીમા નથી હોતી . દેહની એક સીમા હોય છે . શૂલપાણિએ આપેલી પીડાથી દેહની સીમા આવી ગઈ હશે . શ્રમ ચડ્યો હતો દેવાર્યને . કાઉસગ્ગમાં ઊભા ઊભા જ પળવાર માટે નિદ્રા આવી અને એ જતી પણ રહી.
રાત વીતી અને પ્રભાત થયું . અજવાળું થયું . તે સાથે જ ગ્રામજનો ટેકરી પર આવી પહોંચ્યા. દેવાર્ય કાઉસગ્ગ મુદ્રામાં ઊભા હતા તે જોઈ ગ્રામજનોએ જયજયકાર ગજવી દીધો. ગ્રામજનોએ દેવાર્યને ધૂપ, ચોખા અને ફૂલથી વધાવ્યા. શૂલપાાણિને દેવાર્યે હરાવી જ દીધો હોય એવો હર્ષોલ્લાસ મનાવ્યો સૌએ .
સાથે ઉત્પલ નામનો નિમિત્તશાસ્ત્રી પણ હતો. તેણે દેવાર્યને જોયા, દેવાર્યની આંખોમાં કાંઈક ભાળ્યું. એ બોલ્યો –
‘પ્રભુ, આપે પ્રભાતકાળે નિદ્રાવસ્થામાં દશ સપનાં જોયાં છે. આપનું પુણ્ય અલૌકિક છે, આપનું તેજ અપૂર્વ છે. આપે નિહાળેલ સપનાની વાતડી મારે માંડવી છે. આપ તો વધુ બોલતા નથી. આપ મારી વાત સાંભળશો એ જ મારી ધન્યતા છે.’
આખું ગામ ભેગું થયું હતું. સૌ ઉત્સુક ભાવે સાંભળતા રહ્યા. ઉત્પલે કહ્યું –
પ્રભુ, આપે પ્રથમ સપનામાં એક ઊંચો પિશાચ જોયો અને એનો નાશ કર્યો. આ સપનું એમ સૂચવે છે કે આપ ટૂંક સમયમાં મોહનીય કર્મનો નાશ કરશો.’
‘પ્રભુ, આપે બીજા સપનામાં સફેદ પક્ષી જોયું. આ સપનું એમ સૂચવે છે કે આપ નજીકના સમયમાં ઉત્કૃષ્ટ શુકલ ધ્યાનને ધારણ કરશો.’
‘પ્રભુ, આપે ત્રીજા સપનામાં ચિત્ર રંગી કોયલ જોઈ. આ સપનું એમ સૂચવે છે કે આપના દ્વારા દ્વાદશાંગીની રચના થશે.’
‘પ્રભુ, આપે ચોથા સપનામાં સુગંધી ફૂલોની બે માળા જોઈ. આ સપનું શું સૂચવે છે તે મને સમજાયું નથી.’
‘પ્રભુ, આપે પાંચમા સપનામાં આપની આસપાસ વીંટળાઈને ઊભી રહેલી ઘણી બધી ગાયો જોઈ . આ સપનું એમ સૂચવે છે કે આપના હાથે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા સ્વરૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના થશે.’
‘પ્રભુ, આપે છટ્ઠા સપનામાં પદ્મ સરોવર જોયું. આ સપનું એમ સૂચવે છે કે આપની સેવામાં ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક એમ ચારેય નિકાયના દેવતાઓ ઉપસ્થિત રહેશે.’
‘પ્રભુ, આપે સાતમા સપનામાં જોયું કે આપ વિશાળ દરિયો તરી ગયા છો. આ સપનું એમ સૂચવે છે કે આપ શીઘ્ર સંસારથી પાર ઉતરી જશો.’
‘પ્રભુ, આપે આઠમા સપનામાં દેદીપ્યમાન સૂરજ જોયો. આ સપનું એમ સૂચવે છે કે આપને નજીકના સમયમાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત થશે.’
‘પ્રભુ, આપે નવમા સપનામાં જોયું કે આપે પોતાના આંતરડાઓથી માનુષોત્તર પર્વતને ઘેરી લીધો. આ સપનું એમ સૂચવે છે કે આપનો યશ અને પ્રભાવ ત્રણેય લોકમાં વિસ્તરશે.’
‘પ્રભુ, આપે દશમા સપનામાં પોતાને મેરૂપર્વતના શિખરે બિરાજમાન થયેલા જોયા. આ સપનું એમ સૂચવે છે કે સમવસરણના મધ્યભાગે બિરાજીત થઈને આપ ધર્મદેશનાઓ ફરમાવશો.’
ઉત્પલની વાતો સાંભળી ગ્રામજનો એકદમ અહોભાવિત થઈ ગયા. દેવાર્ય સમાધિલીન હતા. ઉત્પલે પ્રશ્ન કર્યો : પ્રભુ , આ ચોથું સપનું શું સૂચવે છે તે મનેેં સમજાતું નથી. આપ સમજાવવાની કૃપા કરશોજી. ( ક્રમશ: )
Leave a Reply