
પ્રકરણ ૮ . શૂલપાણિ વ્યંતર
શૂલપાણિ પરાસ્ત થયો હતો . એ ભક્ત બન્યો નહોતો . એને લાગ્યું દેવાર્યને ચલિત કરવાનું અસંભવ છે અને એમાં જ એ ચારો ખાને ચિત થઈ ગયો હતો . શક્તિશાળીને જ અપાય એવું સન્માન એ દેવાર્યને આપવા માંગતો હતો . પહેલાં એણે માફી માંગી હતી . પછી એ દેવાર્યની તારીફ કરવા લાગ્યો :
‘ અરે , આપ કંઈ માટીના બન્યા છો ? મેં આવી ઉત્કૃષ્ટ સહનશક્તિ પણ જોઈ નથી , આવું પ્રચંડ સત્ત્વ પણ જોયું નથી અને આવું ઉત્કટ સૌંદર્ય પણ જોયું નથી . તમે આવું દૈવત લાવ્યા ક્યાંથી ? મેં આપને આટઆટલી તકલીફો આપી , આટલો ત્રાસ આપ્યો છતાં આપે કોઈ જ નારાજગી ન બતાવી .ʼ
હજી શૂલપાણિ આગળ બોલે એટલામાં સિદ્ધાર્થ દેવ આવી લાગ્યો હતો . એણે શૂલપાણિની વાત સાંભળી હતી . એ શૂલપાણિ પર ગુસ્સે ભરાયો હતો . એણે ઊંચા અવાજે શૂલપાણિને ધમકાવવાનું શરૂ કર્યું હતું . એના હોંકારા પડકારા જેવા અવાજના પડઘમ ગામનાં ઘરો સુધી પહોંચ્યા હતા . ગામમાં ફફડાટ ફેલાયો હતો . એ વખતે ગ્રામજનોને ખબર નહોતી કે શૂલપાણિ થાકીને હારી ગયો છે .
સિદ્ધાર્થ નામનો દેવ , દેવાર્યની તરફદારી કરી રહ્યો હતો એ બાબત શૂલપાણિ માટે એકદમ આશ્ચર્યકારી હતી , એ સાવ ડઘાઈ જ ગયો . સિદ્ધાર્થ ગુસ્સામાં બોલ્યો : ` આ તે શું કર્યું ? તેં દેવાર્યને હેરાન કર્યા ? તને ખબર છે ખરું કે આ દેવાર્ય કોણ છે ? અરે , બેવકૂફ , ચોસઠે ચોસઠ દેવેન્દ્રો આ દેવાર્યના પરમ ભક્ત છે . એક ઈન્દ્રને પણ ખબર પડી કે તેં આવી નીચ પ્રવૃત્તિ કરી છે તો તારી દશા એવી ભૂંડી થશે કે તું કલ્પના પણ નહીં કરી શકે . ʼ
આ સાંભળીને શૂલપાણિ ભયભીત થઈ ગયો .
` માફી માંગી લે દેવાર્યની . નહીં તો તું હેરાન પરેશાન થઈ જશે . ʼ સિદ્ધાર્થ બરાડો પાડીને બોલ્યો . શૂલપાણિના પગ ઢીલા પડી ગયા . એ દેવાર્યના પગમાં પડ્યો . ફફડતાં હૈયે એણે દેવાર્યની વારંવાર માફી માંગી હતી . દેવાર્યે ન નારાજગી બતાવી હતી , ન ગુસ્સો . એટલે દેવાર્યે અલગથી સ્મિત આપીને માફી આપી , એવું કશું જોવા મળ્યું નહીં . દેવાર્ય જે રીતે પહેલાં પ્રસન્ન દેખાતા હતા અદ્દલ એવી જ રીતે પ્રસન્ન મુદ્રાપૂર્વક ઊભા રહ્યા . દેવાર્યને વિશેષ રીતે રાજી કરવા માટે , શૂલપાણિએ સુગંધી ફૂલો વરસાવ્યા , વાજીંત્ર વગાડવા લાગ્યો , નાચવા લાગ્યો . તેને એમ લાગ્યું કે આ
રીતે પ્રીતિ પ્રદર્શિત કરવાથી દેવાર્ય રાજી થશે .
દેવાર્ય નિર્લેપ હતા . દેવાર્યને શૂલપાણિ સાથે લેવાદેવા હતા જ નહીં . શૂલપાણિ ઉપદ્રવ કરે કે ગીતનૃત્ય બતાવે , દેવાર્ય તટસ્થ હતા . પણ દેવાર્યને શ્રમ ચડ્યો હતો . પહેલીવાર આટલાં કષ્ટો એકીસાથે દેવાર્યનાં શરીરે જોયા હતા . દેવાર્યની આંખો પર ભાર વર્તાયો હતો . ( ક્રમશ: )
Leave a Reply