
પ્રકરણ ૭ .
વેગવતીતીરે વૃષભરાજની વિદાય
(૪)
વૃષભરાજની વિદાય પછી ગામમાં અકાળમરણનો સિલસિલો શરૂ થયો હતો . નાની વયના અને યુવા વયના લોકોમાં એકાદ જણ એકાદ વાર મરે તે સ્વાભાવિક ગણાય . આવી વયના લોકો વારંવાર મરે , એક પછી એકની શૃંખલામાં મરે તે બિલકુલ અસ્વાભાવિક કહેવાય . પણ આવું જ બનવા માંડ્યું હતું . એવું પણ નહોતું કે ચોક્કસ વયના જ લોકો મરી રહ્યા હતા . બધી જ વયના લોકો મૌતની લપેટમાં આવવા લાગ્યા પણ બાળમરણ , યુવામરણનાં કારણે ભારે આતંક છવાયો હતો .
ગામનાં સ્મશાનમાં એક દિવસમાં એક કે બે કે ત્રણ મૃતક આવ્યા હોય એવું બનેલું , ક્યારેક વળી એક પણ મૃતક ન આવ્યું હોય એવું પણ બનેલું , પણ એક દિવસમાં ચાળીસ પચાસ મૃતક આવે એ નાનીસૂની વાત નહોતી . આવું એક દિવસ બન્યું , બીજા દિવસે બન્યું અને રોજેરોજ બનવા લાગ્યું . ગામની દરેક ગલીમાંથી રોજ સ્મશાનયાત્રા નીકળતી . સ્મશાનની બહાર સ્મશાનયાત્રાઓની કતાર બનેલી રહેતી . એક મૃતક બાળવાનું પતે એટલામાં આઠ દશ મૃતક નવાં આવી જતાં . દિવસો આમ જ વીત્યા . હવે મૃતક બાળવાની જગ્યા ઓછી પડવા લાગી . અરે , જગ્યા તો ઠીક , મૃતક બાળવા લાકડાં જોઈએ તે પણ ખૂટી પડ્યાં . મૃતકને સ્મશાને લઈ જશું પણ બાળશું કેવી રીતે ? આ સમસ્યા ઊભી થઈ . કોઈ મૃતક સ્મશાનની બહાર એમનેમ પડ્યા પડ્યા સડવા લાગ્યા . કોઈ મૃતક ઘરની બહાર જ એમનેમ પડ્યા પડ્યા સડવા લાગ્યા . આખું ગામ મૃતકોથી ઊભરાઈ પડ્યું .
કોણ ક્યારે મરશે તેનો કોઈ અંદાજ નહોતો . દવાઓ કામ કરતી નહોતી . મરકી ફેલાઈ છે એમ દેખાતું હતું પણ ઉપચારો કારગત નીવડતા નહોતા . આખા ગામમાં મૃતકોની તીવ્ર બદબૂ છવાયેલી રહેતી . અગ્નિ સંસ્કારના અભાવે મૃતકો સડવા લાગ્યા , એમાં કીડા ખદબદવા લાગ્યા . એ ઘોર કીડાઓ ધીમેધીમે આખા મૃતકને ભરખી જતા . તે પછી મૃતકનાં હાડપિંજર બચતાં . તેય ગલીગલીમાં આમતેમ પડેલા રહેતાં . અડે કોણ ? હટાવે કોણ ? દિન પ્રતિદિન નવાનવા મરણ થતાં . મૃતક આવતાં . એની નવી બદબૂ ફેલાતી અને એમાં નવા કીડાઓ ખદબદતા . નવા ને નવા હાડપિંજર ખડકાતા રહેતાં . વાતાવરણ વધુ ને વધુ ડરામણું , ભયાવહ બનતું જતું હતું .
આ મરણદાયી ઉપદ્રવની બે વાતો સ્પષ્ટ હતી . એક , આ ઉપદ્રવ ફક્ત વર્ધમાનક ગામમાં જ હતો . આસપાસના કોઈ પણ ગામમાં આવો ઉપદ્રવ હતો નહીં . બે , આ ગામના રહેવાસીઓ બીજા ગામમાં જતા તો આ ઉપદ્રવ તેમને ત્યાં પણ થતો . એ બીજા ગામના રહેવાસીઓ બચેલા રહેતા . વર્ધમાનક ગામનો નિવાસી , બીજા ગામમાં પણ પીડામય મરણ પામતો .
વર્ધમાનક ગામવાસીઓ દ્વારા આ ભૂતિયા તકલીફ છે એમ સમજીને હોમહવન , જંતરમંતર , દોરાધાગા પણ કરવામાં આવ્યા . મરણનો ખૌફ સહેજ પણ ઓછો ન થયો .એટલાબધા મરણ થયા કે જાણે ગામ ખાલી થઈ ગયું . હાડપિંજર એટલા ભેગા થઈ ગયા કે આ હાડપિંજરોનું જ ગામ હોય એવું લાગવા માંડ્યું . ગામનું સૈકાઓ જૂનું નામ હતું વર્ધમાનક . પણ એ નામ ભૂલાવા માંડ્યું . હવે ગામનું નવું નામ પ્રચલિત થવા લાગ્યું : અસ્થિક ગ્રામ . અર્થાત્ હાડપિંજર અને હાડકાઓથી ભરેલું ગામ .
બચેલા ગામવાસીઓએ વિચાર્યું કે આ સ્થાનિક ક્ષેત્રદેવતાની નારાજગી હશે . બધા ગામવાસીઓ એક ચૌરાહા પર ભેગા થયા . ધૂપ પ્રગટાવ્યા . દીવા જલાવ્યા . ફૂલ ચડાવ્યા . નૈવેદ મૂકાયા . ફળ અર્પિત થયા . માળાઓ પથરાઈ . સૌ ઘૂંટણિયે બેઠા . આસમાન તરફ જોઈને ક્ષમાયાચના કરી . પ્રાર્થનાઓ ગાઈ . આંસુઓ ટપક્યાં . કરગરીને માફી માંગવામાં આવી .
અને આકાશમાંથી વીજળીના કડાકા જેવી દેવવાણી સંભળાઈ : ` તમે લોકો હવે માફી માંગો છો ? તમારા સ્વજનો મર્યા છે એટલે તમે લાગણીવશ રડો છો , પેલો કૌશાંબીનો વૃષભરાજ મરી રહ્યો હતો ત્યારે તમારી લાગણીને કોઈ અસર નહોતી થઈ ? આજે તમે મરવાના થયા છો એટલે મારી પાસે દયાની ભીખ માંગી રહ્યા છો ? તમારાં ગામના પાદરે વૃષભરાજ મરી રહ્યો હતો ત્યારે તમને કોઈ દયા ન આવી ? ʼ
ગામવાસીઓ તો સમજી જ ન શક્યા કે વાત શું થઈ રહી છે ? દેવવાણી આગળ ચાલી : ` તમે વાત સમજ્યા નથી . હું એક વ્યંતર છું . ગયા જનમમાં હું આ વૃષભરાજ હતો .જે તમારાં ગામનાં આંગણે મર્યો હતો તે . તમે એ વૃષભરાજનું સાધારણ બળદ ગણી અપમાન કર્યું . તમે એને દવા ન આપી , ચારો ન નીર્યો , પાણી ન પાયું . તમારાં પાપે એ ભૂખેતરસે રીબાયો અને મર્યો . તમે લોકોએ એ વૃષભરાજનાં મૃતકનું પણ માન ન રાખ્યું . એનું મડદું સડીને હાડપિંજર થઈ ગયું . એ વૃષભરાજ જ મરીને હું વ્યંતર બન્યો છું . મારું નામ શૂલપાણિ યક્ષ . તમે જે હાલત વૃષભરાજની કરી તેવી જ હાલત હું તમારી કરવાનો છું . તમે સૌ રીબાઈને મરશો . તમારાં મૃત શરીર પણ સડશે . એમનો અગ્નિસંસ્કાર પણ નહીં થાય . લખી રાખજો . તમે જેવું કર્યું તેવું જ તમારે ભોગવવું પડશે . તમને હું ક્યારેય માફ નહીં કરું . ʼ
ભયાનક દેવવાણી અટકી હતી . ગામવાસીઓના હાજા ગગડી ગયા હતા . (ક્રમશઃ)
Leave a Reply