
પ્રકરણ ૭ .
વેગવતીતીરે વૃષભરાજની વિદાય
( ૩ )
ગામના વડીલો અને યુવાનોનું એક નાનકડું જૂથ શ્રેષ્ઠીને મળવા આવ્યું . શ્રેષ્ઠીએ એમને પરિસ્થિતિ સમજાવીને કહ્યું હતું કે ` મારી જરાય ઈચ્છા નથી , અહીંથી નીકળવાની . પણ આટલો મોટો સાર્થ એક જગ્યાએ રોકાઈ ન શકે . વૃષભરાજ મને સગા દીકરા જેવો લાગે છે . એ સાજો હોય ત્યારેય હું એનાથી દૂર રહી શકતો નથી . અત્યારે તો આની તબિયત એકદમ કમજોર છે . હું આને છોડીને જવાનું વિચારી પણ ન શકું . પણ સાર્થને આગળ લઈ જવો જરૂરી છે . આ પ્રવાસને આ રીતે વધારવા હું માનસિક તૈયાર જ નથી . પણ મારે નીકળવું પડશે . ʼ
સાર્થવાહ નિશ્વાસ મૂકીને આગળ બોલ્યો : તમે આ મારા વહાલા વૃષભરાજનું ધ્યાન રાખજો . મારી તમને ખાસ વિનંતી છે . એને કાંઈ ન થવું જોઈએ . આ ઘાસચારો છે , આ ઔષધ છે અને આ પૈસા છે . આ બધું તમે રાખો . થોડા દિવસમાં વૃષભરાજ ઊભો થઈ જશે તો ખુશી જ ખુશી છે . સમજો કે એ ઊભો ન થઈ શક્યો તો એનો ઉપચાર સારામાં સારી રીતે કરાવજો . કોઈ કમી આવે નહીં તે જોજો . હું વૃષભરાજને પશુ માનતો જ નથી . એને મારા પરિવારનો અંશ માનું છું . આ મારા કલેજાનો ટુકડો છે . એનું ધ્યાન રાખજો . ʼ
ગામવાસીઓએ શ્રેષ્ઠીની વાત સાંભળી લીધી . એમણે શ્રેષ્ઠીને હૈયાધારણ આપી કે `તમે ચિંતા ન કરો , અમે છીએને અહીંઆ .ʼ એમની વાણીથી શ્રેષ્ઠીને આશ્વાસન મળ્યું . એ વૃષભરાજ પાસે આવ્યો . એની આંખમાં પણ આંસુ હતાં અને વૃષભરાજની આંખમાં પણ આંસુ હતાં . ભારે હૈયે શ્રેષ્ઠીએ સાર્થ સાથે વિદાય લીધી .
શ્રેષ્ઠીએ માની લીધું કે મેં પૈસા આપ્યા છે , સામાન આપ્યો છે એટલે વૃષભરાજ સચવાઈ જશે . એની એ ભૂલ હતી . શ્રેષ્ઠીએ પોતાનો એક માણસ વૃષભરાજની સાથે રાખી જવો જોઈતો હતો . એ માણસ વૃષભરાજનું બધું જ ધ્યાન રાખત , પૈસા પણ એની પાસે રહેત . શ્રેષ્ઠીએ પોતાનો એક પણ માણસ વૃષભરાજ સાથે રાખ્યો નહીં . શ્રેષ્ઠીએ આ મોટી ભૂલ કરી . અજાણ્યા ગામવાસીઓ પર પૂરો ભરોસો મૂક્યો તે વળી બીજી ભૂલ હતી . આ બે ભૂલ સીધેસીધી શ્રેષ્ઠીને ન નડી પણ વૃષભરાજને ખૂબ નડી .
ગામવાસીઓએ અંદરઅંદર વિચારી લીધું કે ` આ બળદ મરવાનો થયો છે . આની પર શું ખર્ચો કરવાનો ? આને ઘાસચારો પણ ન અપાય , પાણી પણ ન અપાય . એને જેમનો તેમ પડ્યો રહેવા દો . ʼ અને મનહૂસ ગામવાસીઓએ વૃષભરાજનો જાણે બહિષ્કાર કરી દીધો .
વૃષભરાજ પાસે કોઈ જતું નહીં . એને શરીરે કમજોરી લાગતી , કૂણું ઘાસ ખાવાનું મન થતું . એ ઊઠી શકે કે ચાલી શકે એવી એની હાલત નહોતી . ઉત્સુકતાથી એ ગામવાસીઓને જોતો રહેતો . એને લાગતું કે હમણાં કોઈ આવશે અને મને વહાલથી ચારો નીરશે . પણ કોઈ આવતું નહીં . એને તરસ લાગતી પણ એને પાણીનો એક ઘૂંટ પણ ભરવા ન મળતો . એનાં શરીરમાંથી નીકળેલાં છાણમૂતરની સફાઈ ન થતી . એ ઉંહકારા ભરતો તે જાણે કોઈને સંભળાતા જ નહીં . એની આંખોની સામેથી માણસો નીકળતા પણ એને કોઈજ મળતું નહોતું અને એને કાંઈ જ મળતું નહોતું . કાગડા આવતા . એ કાન ફફડાવીને અને પૂછડું ઉલાળીને એને ઉડાડવા મથતો . આ સરાધિયા પંખીડાઓ પીછો ન છોડતા . એનાં શરીર પર જખમ થયા હતા ત્યાં માખીઓ બણબણતી . મલમપટ્ટો થાત તો જખમ મટી જાત પણ મલમપટ્ટો થયો જ નહીં . કોઈ એની પાસે આવ્યું જ નહીં . એને તાવ જેવું લાગતું .
એ વિચારતો : માણસો આવા કંઈ રીતે થઈ શકે ? એક કે બે માણસ ખરાબ હોય તે સમજાય . આખું ગામ ઊંધા રવાડે ચડી જાય ? ગામના બધા સારા લોકોને કોઈએ ભરમાવી દીધા હશે . કોણે ભરમાવી દીધા હશે ? જેણે સૌને ભરમાવ્યા તેનાં મનમાં શું પાપ હશે ? અરે , જે લોકો ભરમાઈ ગયા તેઓ શું નાના કીકલા હતા કે ? આટલી હદે કોઈ ભરમાતું હશે ? એક અજાણી ગાયને પણ તુરંત ખવડાવી દેવાનું હોય એવી આ દેશની સંસ્કૃતિ છે . આ લોકો સંસ્કૃતિને પણ ભૂલી ગયા ? મારાથી આ ભૂખતરસ સહન નથી થતી . મારું આ શરીર કમજોર પડતું જાય છે . સરખી રીતે બેસાતું પણ નથી , ઊભા થવું તો દૂરની વાત છે .
વૃષભરાજના વિચારો ચાલતા રહ્યા : આજે મારા માલિક મને બહુ યાદ આવે છે . એ કેમ મને મૂકીને જતા રહ્યા ? એ સાથે હોત તો આજે મારી આ અવસ્થા ન હોત . એ નીકળી ગયા એ વાત અલગ છે . એમની જગ્યાએ એ બરોબર છે . હું એમનો કોઈ વાંક માનતો નથી . આ ગામના લોકો જ વિચિત્ર નીવડ્યા . આવું તે કાંઈ હોય ? મારા શેઠ આમને બધું આપીને ગયા છે પણ આ લોકોને કાંઈ કરવું જ નથી . શેઠે આમની પર ભરોસો મૂક્યો અને આ લોકોએ એ ભરોસાનું ખૂન કરી નાંખ્યું . હું આવું ક્યારેય ન કરું . શેઠે મારી પર ભરોસો મૂક્યો તેને મેં જાળવી બતાવ્યો હતો . મારા ભાઈવૃષભોને મેં નદીથી બચાવી લીધા હતા અને એકેક ગાડું નદીપાર ઉતરી ગયું હતું . આમાં મને ત્રણ લાભ મળ્યા . એક , મારા સ્વામીના આદેશનું પાલન થયું . બે , મારા સ્વજન વૃષભોનું સંકટ દૂર થયું , ત્રણ , મારા સમગ્ર માનવ સાર્થને મારા થકી સહાય મળી હતી . હવે જીવું કે મરું , ઝાઝો ફેર નથી પડતો . મેં મારા તરફથી હંમેશા પ્રામાણિકતા અને પરાર્થકારણ વૃત્તિને નિભાવી છે . મારું બળ એળે ગયું નથી . કાંઈક સારું કામ થયું છે મારા થકી …ʼ
આગળ વૃષભરાજ કશું વિચારે તે પૂર્વે જ તેના શ્વાસ અટકી ગયા હતા . એનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું .
થોડીવારે ગામવાસીઓને ખબર પડી . એમણે વૃષભરાજનાં શરીરને સરકાવીને બાજુમાં મૂકવાની તસ્દી પણ ના લીધી . એ મહાબલિષ્ઠ પ્રાણીનો વિદાયસમય શાનદાર ન રહ્યો . એ એકલવાયો જ મર્યો . એનું શરીર પણ એકલુંઅટૂલું સડતું રહ્યું .
ગામવાસીઓને એમ લાગ્યું કે કિસ્સો ખતમ થયો છે . જોકે , ખરો કિસ્સો જ હવે શરૂ થયો હતો . વૃષભરાજની વિદાય પછી વર્ધમાનક ગામના ઈતિહાસનું સૌથી ખોફનાક પ્રકરણ શરૂ થયું હતું . (ક્રમશ:)
Leave a Reply