Press ESC to close

વનવગડે વિહરે વીર (૭.૧)

પ્રકરણ ૭ .
વેગવતીતીરે વૃષભરાજની વિદાય

(૧)

વર્ધમાનક ગામની પાસે વહેતી વેગવતી નદીના સામા કિનારે એક સાર્થ આવ્યો હતો . એ સાર્થમાં પાંચસોથી વધુ બળદગાડાં હતાં . એ સાર્થનો સ્વામી હતો ધન શ્રેષ્ઠી . એ બાહોશ , ઉત્સાહી , દયાળુ અને દાનેશ્વરી હતો . એનો પ્રાણીપ્રેમ મોટો હતો . આ સાર્થના પ્રવાસમાં તેણે પોતાના પ્રિય વૃષભરાજને સાથે રાખ્યો હતો . સાર્થવાહને વૃષભરાજ માટે દીકરા જેવી મમતા હતી .

સાર્થવાહ , વૃષભરાજ સાથે રોજ વાતો કરતો . વૃષભરાજ સાર્થવાહની દરેક વાતનો જવાબ આપતો . વૃષભરાજ ક્યારેક આંખો ચમકાવીને જવાબ આપતો , ક્યારેક કાન ફફડાવીને પ્રતિભાવ આપતો , ક્યારેક પુચ્છ રમાડીને પ્રતિક્રિયા જણાવતો , ક્યારેક પગની ખુરા પછાડી પોતાનો મિજાજ પ્રગટ કરતો . વૃષભરાજની આ હરકતો સાર્થવાહને ઘણી જ ગમતી . સાર્થવાહ વૃષભરાજને રોજ મળતો . વૃષભરાજ માણસની જેમ વિચારી શકતો , એની વર્તણૂકમાં માણસ જેવી સમજદારી ઝળકતી . સાર્થવાહ વૃષભરાજને ભરપૂર લાડ લડાવતો . એને મળ્યા વિનાનો દિવસ સાર્થવાહને ખાલી ખાલી લાગતો .

વૃષભરાજના ઠાઠમાઠ અલગ હતા . વૃષભરાજને વેષભૂષા , ઘંટા , ઘુઘરી , હારથી સજાવેલો હોય અને એનાં શરીર પર વિવિધરંગોથી ચિત્રાંકન કરવામાં આવ્યું હોય ત્યારે એનો દબદબો કોઈ મહારાજા જેવો જ લાગતો . સાર્થમાં સેંકડો વૃષભો અને ગાયોનાં ધણ હતાં . વૃષભરાજ આ પ્રાણીઓનો અગ્રણી નેતા હતો જાણે . સાર્થવાહે લાંબા પ્રવાસમાં વૃષભરાજને ચાહીને સાથે રાખેલો .

કૌશાંબી નગરીના ધનાઢ્ય શ્રેષ્ઠી ધનદેવ શેઠનો પુત્ર હતો ધન સાર્થવાહ . એ પહેલીવાર વ્યાપારઅર્થે નીકળ્યો હતો . એને ઉતાવળ હતી . આગળ જવું હતું . દૂર નીકળવું હતું . એને ખબર હતી કે વેગવતી નદી પર સેતુ નહોતો પરંતુ નદીની આરપાર એક રસ્તો નીકળતો જ્યાં પાણી વધારે ઊંડું નહોતું . ચોમાસામાં એ રસ્તો ચીકણા કાદવથી લથપથ રહેતો . એમાં નદીનાં પાણી વધે તો માર્ગ દુર્ગમ થઈ જતો . સાર્થવાહને નદી પાર કરીને આગળ નીકળી જવું હતું . નદીને વેગવતી કહેતા કેમકે પાણીનો વેગ ઘણો વધારે હતો .

સાર્થવાહે વહેતાં પાણીમાં અનુભવી તરવૈયાઓને ઉતાર્યા હતા . નદીનો પટ લાંબો હતો , પાણીનો પ્રવાહ ધસમસી રહ્યો હતો . પરંતુ જે જગ્યાએ છીછરા પાણીનો લાંબો પટ હતો ત્યાંથી બળદગાડાનો કાફલો નદી પાર કરી શકશે એવો એમણે અભિપ્રાય આપ્યો . એકસાથે ઘણાબધા ગાડાઓ પાણીમાં ઉતર્યાં . ધીમેધીમે આ ગાડાં નદીવચાળે પહોંચ્યાં . એ પછી બાકીનાં બધાં જ ગાડાં પાણીમાં ઉતરી ગયાં . એવી ધારણા હતી કે ઘણાબધા ગાડાઓનો સમુદાય એકસાથે પાણીમાં આવશે એનાથી પાણીના વેગનો ધક્કો મોટા સાર્થને લાગશે નહીં .

પાણીનો વેગ ખરેખર ન નડ્યો . પણ પાંચસો ગાડાઓનું ભારીભરખમ વજન નદીનાં તળિયા પર આવ્યું તેને લીધે નદીતળે કીચડના થર ચીરાયા અને ગાડાઓનાં પૈડાં કીચડમાં ફસાયાં . જે કાદવ વરસાદી વહેણમાં ખાસ હાલ્યો નહોતો એનાં કળણમાં ગાડાં ખૂંંતવા લાગ્યાં . બળદિયાઓ જોર લગાવતા રહ્યા , એમની પીઠ પર રાશ વીંઝાતી રહી પણ પૈડાં જાણે એક જગ્યાએ ચીપકી જ ગયાં . આખી વણઝાર નદીમાં ઉતરી હતી . નદીનાં પાણીમાંથી વણઝાર બહાર નીકળી શકે એવી સંભાવના રહી નહીં . ગાડાં જમીન પર હોત તો ગાડાનો સામાન ખાલી પણ કરાવી શકાત . પરંતુ નદીની વચોવચ ફસાયેલ ગાડાઓને શી રીતે ખાલી કરાવાય ? ભેંસના શીંગડાં જેમ ભેંસને ભારે પડે તેમ ગાડાઓનું વજન જ ગાડાઓને ભારે પડી રહ્યું હતું નદીમાં .

સાર્થવાહ મૂંઝાયો . નદીનાં પાણીમાં , ગાડાને આગળ ખેંચવા બળદો વલખાં મારી રહ્યા હતા તે દૃશ્ય સાર્થવાહ જોઈ શકતો નહોતો . જનાવરોનાં મોઢે ફીણ વળી રહ્યા હતા . એણે વૃષભરાજને ગાડાસાથે જોડવા વિચાર્યું . એ વૃષભરાજ પાસે પહોંચ્યો , વૃષભરાજે અચાનક આવી પહોંચેલા શેઠને જોઈ હર્ષની ભાંભર સંભળાવી અને ભરાવદાર પુચ્છને આમતેમ ઉલાળી . શેઠ વૃષભરાજને નદીની સામે લઈ આવ્યા અને બોલ્યા :

` મારા બહાદુર દીકરા , આ જો . કેવી ગડબડ થઈ ગઈ છે ? આપણા બધાં જ વાહન પાણીમાં ફસાઈ ગયા છે . તારા ભાઈઓ પર આફત આવી છે . એ ગાડે બંધાયા છે પણ એમનાથી ગાડા ખેંચાઈ નથી રહ્યા . તું આ બધાયનો દાદૂ છેને ? તારે એમને બહાર લાવવાના છે . મનેં તારી પર ભરોસો છે . તું ઉતરીશ નદીમાં ? તું એક ઝાટકે એક એક ગાડું બહાર ખેંચી શકે એમ છે . બોલ કરવી છે હિંમત ? ʼ

શેઠે વૃષભરાજની પીઠ થપથપાવી હતી . વૃષભરાજે રાજી થઈને ગરદન હલાવી હતી . એના નસકોરામાંથી લાંબા શ્વાસો નીકળ્યા હતા . એના ગળાની ઘંટા અને પગની ઘુઘરી રણકી ઊઠી હતી . પાણીમાં ફસાયેલા પ્રાણીઓએ જોરજોરથી ભાંભરીને વૃષભરાજનાં આગમનને વધાવી લીધું હતું . આ કિનારા તરફ સૌથી છેલ્લે અટકેલા બળદગાડા સુધી પહોંચવા વૃષભરાજ નદીમાં ઉતર્યો . એના લોખંડી ગદા જેવા ચાર પગ પાણીમાં ખાબક્યા ત્યારે વેગવતીનાં એટલાં પાણીમાં નવો ખળભળાટ મચી ગયો .

આ વૃષભરાજને ત્યારે ખબર નહોતી કે દેવાર્યની જીવનકથાનું એક આખુંય પ્રકરણ એનાં નામે લખાઈ જવાનું હતું . સામા કિનારે ઊભેલું વર્ધમાનક ગામ એનું સાક્ષિ બનવાનું હતું . (ક્રમશઃ)

વૃષભરાજ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *