
પ્રકરણ ૬ .
પહેલું ચોમાસું , પંદર દિવસો , પાંચ અભિગ્રહ
(૪)
દેવાર્યનો ચોથો નિયમ હતો : ભિક્ષાગ્રહણ માટે પાત્ર લેવું નહીં . આ ઝૂંપડી રહેવા માટે લીધી તેમાં કેટલી વાતો થઈ ગઈ ? ગૃહસ્થ પાસેથી કશું લઈએ તો પ્રશ્ન ઊભો થાય ને ? કશું લેવું જ નહીં .
ગૃહસ્થ પાસેથી પાત્ર લેવું , પાત્રનો ઉપયોગ કરવો અને પાત્ર પાછું આપવું આ ત્રણ ક્રિયાઓમાં ગૃહસ્થનો પ્રેમાળ હસ્તક્ષેપ રહેતો જ હોય છે . પાત્ર લેવું હોય તો કોઈક રીતે ગૃહસ્થ સાથે તે રીતનો સંવાદ બનાવવો પડે . પાત્ર લેવું જ ન હોય તો એવા સંવાદની આવશ્યકતા જ નહીં .
મુખ્ય નિયમ હતો કે સાથે પાત્ર ન રાખવું . એ નિયમનું પાલન કરવા બે રીતે આહારગ્રહણ કરવાનું રહે . એક , ગૃહસ્થનું પાત્ર લેવું , એમાં વાપરવું , પારણું કરવું અને પછી એ પાત્ર પાછું આપવું . બે , પાત્ર લેવું જ નહીં અને હાથની અંજલિ દ્વારા જ પારણું કરવું .
ગૃહસ્થનું પાત્ર લેવામાં પળોજણ ઘણી હતી . પાત્ર લો ત્યારે તે ચોખ્ખું હોવું જોઈએ . પાત્ર પાછું આપો ત્યારે તે ધોઈને ચોખ્ખું કરેલું હોવું જોઈએ . આ વ્યવસ્થા લાંબી ખેંચાઈ જતી હતી . પાત્ર રાખવાનું જ નહીં અને હાથમાં જ વાપરવાનું . એમાં વ્યવસ્થાઓ ઘણી ઓછી થઈ જતી હતી .
( નોંધ : શ્રી કલ્પસૂત્રની સુબોધિકાવૃત્તિ અનુસાર પ્રભુએ પ્રથમ પારણું પાત્રનો ઉપયોગ કરવાપૂર્વક કર્યું હતું . આ પાત્ર ગ્રહણ કારતક વદ એકાદશીના દિવસે થયું . પાત્ર ન વાપરવું એવો નિયમ પ્રભુએ અષાઢ માસ અર્ધો પૂરો થયો એ સમયે લીધો . આશરે આઠ મહિના જેટલો સમયગાળો હતો જેમાં પ્રભુએ બીજીવાર પાત્ર ગ્રહણ કર્યું નથી . છતાં પ્રભુએ આ નિયમ જ્યારે પણ લીધો ત્યારે એ એક માત્ર પાત્રગ્રહણની ઘટનાનો સંદર્ભ જોડાયો જ હતો . પ્રભુએ એકવાર પાત્રમાં પારણું કર્યું કેમ કે પ્રભુ ભાવિમાં સપાત્ર મુનિધર્મનો ઉપદેશ આપવાના હતા .)
દેવાર્યનો પાંચમો નિયમ હતો : ગૃહસ્થનો વિનય કરવાનો નહીં . સામાન્યતઃ ગૃહસ્થને આદર આપવાનો પ્રસંગ આવે નહીં . દેવાર્યે એકવાર હાથ લંબાવીને જ્વલન શર્માને આવકાર આપ્યો હતો . દેવાર્યે એની વિનંતીનો સ્વીકાર કર્યો હતો . દેવાર્ય વચન પાલન માટે એના આશ્રમમાં આવ્યા હતા . દેવાર્યનું આ વલણ શું હતું ? શું આમાં ગૃહસ્થનો કોઈ વિનય થયો હતો ? દેવાર્યની જીવનચર્યાને સમજવાનું આસાન નહોતું . દેવાર્યની અનંતબલી ભાવનાઓને પારખવાનું ગજું કોઈનું નહોતું .
દેવાર્યે પાંચ નિયમ લીધા તેની પાછળ દેવાર્યનું ચિંતન શું હતું તે કેવળ દેવાર્ય જ જાણે . આ નિયમનું સાધારણ આદમી જે અર્થઘટન કરે તે સાધારણ જ હોય . દેવાર્યે દીક્ષાગ્રહણ વખતે પંચમહાવ્રતનો ઉચ્ચાર અલગથી કર્યો નહોતો . करेमि सामाईअं-માં જ પાંચ મહાવ્રત સમાઈ જતાં હતાં . આટલું સ્પષ્ટ આત્માવલોકન હોવા છતાં દેવાર્યે અલગથી પાંચ નિયમ લીધા હતા . એવું કશુંક હતું જે છેલ્લા આઠ મહિનાઓમાં થયું હતું . અને એ જે થયું તે હવે પછી ક્યારેય પુનરાવર્તન પામશે નહીં એનો સંકલ્પ આ પાંચ નિયમ દ્વારા થયો હતો .
દેવાર્ય વરસાદી મૌસમમાં વનવગડે વિહરતા આગળ વધ્યા , એક નવી ભૂમિ તરફ . ( ક્રમશઃ )
Leave a Reply