
પ્રકરણ ૬ .
પહેલું ચોમાસું , પંદર દિવસો , પાંચ અભિગ્રહો
ત્રિકૂટ પર્વત . મયૂરાક્ષી નદીનાં ખળખળતાં પાણી એને અફળાતા રહેતા . સૈકાઓ જૂની નિશાનીઓ આ પહાડ પર હતી . આ ગિરિવરની પહોળાઈ અપરિસીમ હતી , ઊંચાઈ નેત્રાતીત હતી અને લંબાઈ અત્યંત દુર્લંઘ્ય હતી . એક જ પર્વત ત્રણ શિખરો રચાયેલા દેખાતા તેમને વૈદિક ૠષિઓએ શિવ , વિષ્ણુ અને અને બ્રહ્મા એમ ત્રણ નામ આપેલાં . રાવણની લંકાના દ્વીપોમાં એક ત્રિકૂટ રચાયેલો હતો જે ભારતવાસીઓ માટે દુર્ગમ હતો પણ એની સરખામણી આ ત્રિકૂટ સાથે જરૂર કરવામાં આવતી . રામાયણની દંતકથાઓમાં ત્રિકૂટ પહાડીનું નામ વણાઈ ચૂક્યું હતું . કોઈ એમ કહેતું કે વિષ્ણુકૂટ પર રાવણ , જટાયુ જેવા રામાયણીય કથાપાત્રો સદેહે આવ્યા હતા . અહીં વાંદરાઓ ઘણા હતા અને એમની આબાદી કૂદકેનેભૂસકે વધતી રહેતી . આ વાનરસેનાની વર્તણૂક એવી રહેતી કે જાણે સમગ્ર પહાડી પર એમના જ બાપદાદાઓનું રાજ હોય .
ત્રિકૂટ પહાડ જોગંદરોની નિવાસભૂમિ હતો . જુગજૂની ગુફાઓમાં જટાધારી જોગીઓ વસતા , ઝરણાઓના કિનારે તેઓ તડકો લેવા બેસતા ત્યારે સાચા અઘોરીઓ પ્રગટ થયા હોય એવું લાગતું . જંગલની ઔષધિઓમાં દૈવત હતું . પથ્થરો પર કોતરાયેલા દેવીદેવતાના પુરાતન ચિત્રોએ પર્વતને એક મહાન્ પૌરાણિક તીર્થનું ગૌરવ અપાવ્યું હતું . ત્રિકૂટ ગિરિની ખ્યાતિ ખૂબ હતી . યાત્રાએ પુષ્કળ લોકો આવતા . ત્રિકૂટ ગિરિની ચોતરફ ફેલાયેલા જંગલોમાં નાનામોટા આશ્રમો બનેલા હતા જેને ત્રિકૂટ ગિરિની ખ્યાતિનો સીધો લાભ મળતો . કોઈ પણ આશ્રમમાં ગમે ત્યારે યોગીઓ અથવા યાત્રાળુઓ આવી રોકાતા . મયૂરાક્ષી નદીની અડોઅડ ફેલાયેલો વનવિસ્તાર અને આશ્રમવિસ્તાર , મોરાક સંનિવેશ તરીકે ઓળખાતો . ત્રિકૂટ ગિરિનો પડછાયો જાણે મોરાક સંનિવેશ પર પથરાયેલો રહેતો .
દેવાર્યનું સૌ પ્રથમ ચાતુર્માસ મોરાક સંનિવેશના દુઈજ્જંતગ આશ્રમમાં હતું . જોકે , ન ચાતુર્માસ પ્રવેશનું સામૈયું થયું હતું , ન ચાતુર્માસ પ્રવેશનો કાર્યક્રમ થયો હતો , ન ચાતુર્માસ પ્રવેશનું વ્યાખ્યાન થયું હતું . દેવાર્ય ભીડ અને ભક્તોથી દૂર હતા . દેવાર્ય સાધનાકાળની માવજત લઈ રહ્યા હતા .
દેવાર્યને રહેવા માટે એક ઘાસની કુટિર મળી . કુટિરનું છાપરું ઘાસનું બન્યું હતું , દીવાલો ઘાસના પૂળાની બની હતી . દેવાર્ય લાંબા સમયનો કાઉસગ્ગ કરવા માંગતા હતા . માથે છાપરું હોય અને ચોપાસ દીવાલ હોય એનો ફાયદો એ હતો કે વરસાદ , કાઉસગ્ગમાં વિઘ્નકારી બની શકે નહીં . દેવાર્યે એ કુટિરમાં કાઉસગ્ગ ધારણ કર્યો . વરસાદથી બચવા કુટિરમાં નિવાસ સ્વીકાર્યો હતો અને વરસાદ જ ન આવ્યો એને લીધે કુટિર સામે જ સંકટ આવીને ઊભું રહ્યું .
બન્યું એવું કે અષાઢ મહિનો બિનવરસાદી રહ્યો તેથી ઘાસચારો ખૂટી પડ્યો . ગાય – ભેંસ – બકરીને ચારો મળવો મુશ્કેલ થઈ ગયો . આશ્રમથી પરિચિત ગાયો આશ્રમની અંદર આમતેમ માથું મારીને ચારો શોધવા લાગી . આશ્રમની દરેક ઝૂંપડી ઘાસની જ બની હતી . દરેક ઝૂંપડીની આસપાસ ઊભા ઘાસની પાળી બનેલી હતી . ચારાની લાલચે ગાયો કુટિરો પર અને પાળી પર હલ્લો કરવા લાગી . બીજી બીજી કુટિરોમાં રહેનાર તાપસોએ ગાયોને ભગાડી મૂકી . હવે ગાયો દેવાર્યની કુટિર પાસે આવી . દેવાર્ય પોતાની સાધનામાં અંતર્લીન હતા . મચ્છર કરડે કે વીંછી ડંખે તો પણ દેવાર્ય દેહ પર ધ્યાન આપતા નહીં . જે પોતાના દેહનું ધ્યાન ન રાખે તે કુટિરનું ધ્યાન શું કામ રાખે ?
દેવાર્યની કુટિર પર અને બહારની પાળી પર ગાયોએ હલ્લો કર્યો . દેવાર્ય સહજ રીતે બેપરવા રહ્યા . ઘાસની પાળી અને દીવાલો કડાકાભેર તૂટી . ( ક્રમશઃ )
Comments (1)
Stanleyedumssays:
April 6, 2025 at 10:46 pmvery good