
પ્રકરણ ૫ . જ્વલન શર્માનો આશ્રમ
( ૪ )
દેવાર્ય લાંબી પ્રતિમાઓ માટે કોઈપણ જગ્યાએ ગોઠવાઈ જતા . દેવાર્ય ક્યારેક અવાવરું ઘરમાં કાઉસગ્ગ કરતા , ક્યારેક સભામંડપમાં કાઉસગ્ગ કરતા , ક્યારેક પાણીની પરબમાં કાઉસગ્ગ કરતા , ક્યારેક દુકાનમાં કાઉસગ્ગ કરતા , ક્યારેક સુથાર કે લોહારની કાર્યશાળામાં કાઉસગ્ગ કરતા , ક્યારેક ઘાંસના માચડાની નીચે ઊભા રહી કાઉસગ્ગ કરતા , ક્યારેક ખુલ્લી ધર્મશાળામાં કાઉસગ્ગ કરતા , ક્યારેક બગીચામાં બાંધેલા જાહેર મકાનમાં કાઉસગ્ગ કરતા , ક્યારેક શહેરમાં વસતિ વચ્ચે કાઉસગ્ગ કરતા , ક્યારેક સૂમસામ સ્મશાનમાં કાઉસગ્ગ કરતા , ક્યારેક ભાંગ્યા તૂટ્યા મકાનમાં કાઉસગ્ગ કરતા , ક્યારેક વૃક્ષની છાયામાં કાઉસગ્ગ કરતા . ( આધાર ગ્રંથ : श्री आचारांग सूत्र )
કાઉસગ્ગ એકધારો લાંબો ચાલે અને આંખો પર નિદ્રાનું ભારણ આવશે એવો અણસાર વર્તાય ત્યારે દેવાર્ય થોડુંક ચાલી લેતા જેથી પ્રમાદ ઉતરી જાય . પછી તેઓ ફરીથી કાઉસગ્ગમાં સ્થિર બની જતા .
એક જ જગ્યાએ લાંબો સમય કાઉસગ્ગમાં રહેવાનું આસાન નહોતું જ . અડચણો અચૂક આવતી . લોકો જોતા . શંકાકુશંકાઓ થતી . કોઈ દારૂડિયો , કોઈ ચોર , કોઈ લૂંટારો , કોઈ ગ્રામરક્ષક – દેવાર્યને સતાવવા આવતો . દેવાર્ય પ્રતિકાર કે બચાવ કર્યા વગર કાઉસગ્ગમાં જ રહેતા . રાતના સમયે અનૈતિક સ્ત્રીપુરુષો થકી પણ દેવાર્યને હેરાનગતિ વેઠવી પડતી . દેવાર્ય ઊંડું મૌન રાખી પ્રતિમામાં નિલીન રહેતા . અભદ્ર મહિલાઓ પણ લાગ જોઈને અઘટિત વર્તન કરતી . દેવાર્ય શિલાખંડની જેમ નિશ્ચલ બની રહેતા . તદ્દન સ્થિર મુદ્રામાં રહેલા દેવાર્યને સાપ , નોળિયો , શિયાળ , ગીધ જેવા પશુપંખી પણ પીડા આપતા . દેવાર્ય સ્થિર જ રહેતા . ( આધાર ગ્રંથ : श्री आचारांग सूत्र )
થાકીને આડા પડખે સૂઈ જવાનું દેવાર્યને સ્વીકાર્ય નહોતું . દેવાર્ય થાકતા નહીં . જમીન પર કે ઓટલા પર બેસવાનું દેવાર્યને કદી પણ મંજૂર નહોતું . દેવાર્યે પલાંઠી કે પદ્માસનનો પ્રયોગ કર્યો હોય એવું ક્યારેય બન્યું નહોતું . દેવાર્યની બે જ મુદ્રાઓ રહેતી . એક ઊભી મુદ્રા . બે , ઊભડક મુદ્રા . દીવાલનો ટેકો લઈ આરામથી બેસવાનો સવાલ જ નહોતો .
અઘરું હતું . ઘણું જ અઘરું હતું . સામાન્ય આદમી જે વિચારી પણ ના શકે તેને દેવાર્ય પ્રવૃત્તિમાં અવતરિત કરતા હતા . દેવાર્ય આત્મશુદ્ધિ માટે આત્મરમણતા સાધી રહ્યા હતા અને દેવાર્યની આત્મરમણતા અવર્ણનીય આત્મશુદ્ધિનું નિર્માણ કરી રહી હતી .
કારતક માસ પછીના મહિનાઓ ઝડપથી વીત્યા હતા . અષાઢ મહિને દેવાર્ય જ્વલનશર્માના આશ્રમ પાસે પહોંચ્યા હતા . એ આશ્રમનું નામ હતું : દુઈજ્જંતગ પાખંડસ્થ આશ્રમ . આ આશ્રમમાં રહેનારા લોકોનો વેષ તપસ્વી ઋષિઓ જેવો જ હતો પરંતુ તેઓ સ્ત્રીસંગથી મુક્ત નહોતા . તેમને સમાજ આદર આપતો કેમકે તેઓ જ્યોતિષ આદિ વિદ્યાઓ દ્વારા સમાજ સંપર્ક બનાવેલો રાખતા . આ કથિત તપસ્વીઓનો આશ્રમ એક જગ્યાએ સ્થિર હતો એવું નહોતું . એમનો આશ્રમ સમય સમયના આંતરે સ્થાન પરિવર્તન પામતો . તેઓ ભ્રમણશીલ હોવાથી દુઈજ્જંતગ તરીકે ઓળખાતા . સંસારી જેવું જીવન હોવાથી પાખંડી પણ કહેવાતા . છતાં વિદ્યાર્થીઓના જોરે ચોક્કસ અનુયાયી વર્ગનો આદર પામતા . તેથી તાપસ ગણાતા . આવા તાપસોના આશ્રમ પાસે દેવાર્ય આવ્યા .
દેવાર્યને દીક્ષા પછીના થોડા જ સમયમાં જ્વલનશર્મા મળ્યો હતો . એ મુલાકાત આ આશ્રમ પાસે જ થઈ હતી . જ્વલનશર્મા દેવાર્યને સામે લેવા આવ્યો હતો . સિદ્ધાર્થ રાજા અને જ્વલનશર્મા વચ્ચે મૈત્રી સંબંધ હતો . દેવાર્યને દીક્ષા પૂર્વે જ આની જાણ હતી . દીક્ષાપૂર્વેના એ સ્નેહસંબંધને લઈને દેવાર્યે પહેલી મુલાકાતમાં પોતાના હાથ લંબાવીને જવલનશર્માને આદર પણ આપ્યો હતો . રાજી થયેલા એ તાપસે દેવાર્યને પોતાના આશ્રમનો પરિચય આપીને કહ્યું હતું કે
‘ દેવાર્ય , તમે થોડો વખત અહીં જ સ્થિરતા રાખો , આ આશ્રમમાં કોઈ વિઘ્ન આવશે નહીં . અહીંનું વાતાવરણ ધ્યાનને અનુકૂળ છે . તમને આ સ્થાન ગમે તો તમે અહીં વર્ષારાત્ર = ચોમાસું રોકાવા પણ પધારજો . ‘
દેવાર્યે એની વિનંતીથી એ આશ્રમમાં એક રાત્રિ વિતાવી હતી અને આગામી ચોમાસું આ આશ્રમમાં કરીશ , એવું વચન આપ્યું હતું . શિયાળામાં આ નિર્ણય થયો હતો . તે પછી શિયાળો વીત્યો , ઉનાળો વીત્યો , અને ચોમાસું આવ્યું . દેવાર્ય વચન અનુસાર પાછા આશ્રમ પાસે આવી પહોંચ્યા હતા . એ આશ્રમ મોરાક સંનિવેશમાં હતો .(ક્રમશઃ)
Leave a Reply