
પ્રકરણ ૫ . જ્વલન શર્માનો આશ્રમ
(૩)
કારતક વદ અગિયારસ હતી . દેવાર્ય અચાનક આવ્યા હતા . વિનંતી વિના . આમંત્રણ વિના . દેવાર્ય માટે અગત્યનું એ હતું કે જે રસોઈ બની હતી તેમાં એક પણ દ્રવ્ય દેવાર્ય માટે બન્યું ન હોય . નિર્દોષ ભિક્ષા હતી . આહાર સચિત્ત નહોતો . દેવાર્યે હાથ લંબાવ્યા .
બહુલ બ્રાહ્મણે જોયું : દેવાર્યના હાથમાં રેખાઓ અને આકૃતિઓ વિશિષ્ટ હતી . દેવાર્યે હાથની અંજલિ બનાવી . બહુલ બ્રાહ્મણે આશ્ચર્ય ભાવે જોયું . દેવાર્ય નિષ્પરિગ્રહી હતા . તેણે દેવાર્યની અંજલિમાં , હસ્તસંપુટમાં ઘી અને સાકરથી સંમિશ્રિત ખીર વહોરાવી . ( આધાર ગ્રંથ : श्री महावीर चरियं ) દેવાર્યે તે ખીરથી પારણું કર્યું . દેવાર્યે એ ખીર ભોજન કેવી રીતે કર્યું તે કોઈને દેખાયું નહીં . આ દેવાર્યનો પ્રભાવ હતો .
દેવાર્યે ઊભા ઊભા જ આહારગ્રહણ કરી લીધું અને કશી જ ઔપચારિકતા કર્યા વિના દેવાર્ય પાછા જંગલ ભણી નીકળી ગયા . દેવાર્ય આવતીકાલે અથવા આવતીકાલથી ઉપવાસ કરવાના હતા . આજના આહાર ગ્રહણ વખતે એ આગામી ઉપવાસની પૂર્વતૈયારીનો કોઈ ભાવ વર્તાયો નહીં . દેવાર્યે બે દિવસનો છઠ કર્યો હતો . આજના આહારગ્રહણ સમયે તે તપનાં પારણા સંબંધી વિશ્રામ ભાવ પણ વર્તાયો નહીં . એક વટેમાર્ગુ પરબ પાસે ઊભા ઊભા પાણી પીને રસ્તે પડે તેમ દેવાર્ય ખીરગ્રહણ કરી વનના માર્ગે ચાલી નીકળ્યા .
દેવતાઓ દેવાર્યની આ નિર્લેપતા જાણતા હતા . આવું પારણું કેવળ તીર્થંકર જ કરી શકે . દેવતાઓએ આ પારણાના ઉપલક્ષમાં પંચ દિવ્ય પ્રગટાવ્યા .
૧ . આકાશમાં અહોદાનં , અહો દાનં ની દિવ્ય ઘોષણાઓ થઈ .
૨ . દશે દિશાઓને ગજવી દેનારો દુંદુભિનાદ થયો . ગગનાંગણમાં નગારાના પ્રચંડ ઘોષ ઉઠ્યા .
૩ . સુવર્ણમુદ્રાઓની ભરપૂર વર્ષા થઈ .
૪ . મોંઘેરા વસ્ત્રોની વૃષ્ટિ થઈ .
૫ . ચોમેર સુગંધી જળનો છંટકાવ થયો .
કોલ્લાક સંનિવેશનો વિસ્તાર ઝળાહળા થઈ ઊઠ્યો હતો . દેવાર્ય નીકળી ગયા તે પછી થોડા જ સમયમાં ખબર ફેલાયા હતા કે સુવર્ણમુદ્રાઓની સંખ્યા સાડાબાર કરોડ જેટલી હતી . પાંચ દિવ્યનો સારાંશ એ હતો કે દેવાર્યે જ્યાં પારણું કર્યું તે ઘરમાં અને તે વિસ્તારમાં સમૃદ્ધિ વધી , સુખ વધ્યા , દરિદ્રતા નષ્ટ થઈ , દુઃખ મટ્યા .
દેવતાઓએ પારણાં પ્રસંગે શું ઉજવણી કરી તેની પર દેવાર્યની નજર નહોતી . તેઓ ગામથી પરગામ વિહાર કરતા રહ્યા , વનવગડે કાઉસગ્ગ માટે સ્થિરતા કરતા રહ્યા . દેવાર્ય લોકોને મળવાનું ટાળતા . દેવાર્ય ગહન એકાંત શોધતા . ચાલવાનું હોય તો એ રીતે ચાલતા કે સાથે કોઈ ચાલે નહીં . સ્થિરતા કરવાની હોય તો એવી જગ્યાએ સ્થિરતા બનાવતા જ્યાં આસપાસ કોઈ હોય જ નહીં . મહારાજા નંદીવર્ધનના બંધુ હોવા છતાં દેવાર્ય , પોતાના નિવાસની વ્યવસ્થા સુંદર રીતે થાય તેવી અપેક્ષા રાખતા નહીં .
દેવાર્યને રાતવાસો કરવા સ્થાનની આવશ્યકતા રહેતી . દેવાર્યને લાંબો કાઉસગ્ગ કરવા માટે પણ સ્થાનની આવશ્યકતા રહેતી . દેવાર્ય રાતવાસો પણ કાઉસગ્ગ સાથે જ વીતાવતા . સમજો કે એક રાતવાસો હોય તો દેવાર્યનો કાઉસગ્ગ સૂર્યાસ્ત પૂર્વે શરૂ થઈ જતો અને આગલા દિવસના સૂર્યોદય પછી લાંબા સમયે પૂરો થતો . એક રાતવાસો થાય એમાં દેવાર્યનો કાઉસગ્ગ ચૌદ હોરા કે સોળ હોરા જેટલો લાંબો તો હોય જ . ( એક હોરા = એક કલાક ) આપડા જેવા સાધારણ માણસ માંડ અડધી હોરા કાઉસગ્ગમાં રહી શકે . પરંતુ દેવાર્ય તો દેવાર્ય હતા .
દેવાર્ય લાંબા ઉપવાસ કરતા ત્યારે એક જ જગ્યાએ દિવસોના દિવસો સુધી કાઉસગ્ગમાં રહેતા . સળંગ પંદર પંદર દિવસ સુધી પણ તેઓ કાઉસગ્ગ કરતા . એથી વધુ સમય પણ લેતા . આવા કાઉસગ્ગ માટે સલામત સ્થાન જરૂરી હોય . લાંબા લાંબા કાઉસગ્ગમાં દેવાર્ય પથ્થરની મૂર્તિની જેમ અતિશય સ્થિર રહેતા . મૂર્તિ જેવી સ્થિરતા જેમાં હોય તેવા પ્રલંબ કાઉસગ્ગને સાધકો પ્રતિમા કહે છે . આ રીતે જોઈએ તો દેવાર્ય દિવસોના દિવસો અને રાતોની રાતો સુધી એક જ જગ્યાએ અને એક જ મુદ્રાએ પ્રતિમામાં , કાઉસગ્ગમાં ઊભા રહેતા . આ પ્રતિમા સાધના માટે દેવાર્યને એવું મકાન જોઈતું નહોતું જેના દરવાજા અંદરથી વાસી શકાય . દેવાર્યનું એકાંત દરવાજાઓ અને દિવાલોના બંધનથી મુક્ત હતું . (ક્રમશઃ)
Leave a Reply