Press ESC to close

વનવગડે વિહરે વીર (૫.૨)

 

પ્રકરણ ૫ . જ્વલન શર્માનો આશ્રમ 

( ૨ )

કારતક વદ દશમની રાત પૂરી થઈ હતી . દીક્ષાની પ્રથમ રાત્રિ યાદગાર બની હતી . છેલ્લા વીશ પ્રહરથી દેવાર્યની કાયામાં આહારનો પ્રવેશ થયો હતો . દીક્ષાના પૂર્વ દિવસે એટલે કે કાર્તક વદ નોમે પહેલો ઉપવાસ કર્યો હતો . દીક્ષાના દિવસે એટલે કે કાર્તક વદ દશમે બીજો ઉપવાસ હતો . વદ અગિયારસે છઠનું પારણું હતું .

કારતક વદ દશમની રાત્રિ રોમરાજી વિકસ્વરા બની હતી . જંગલ દેવાર્યના સુવાસી સ્પંદનોથી સંતૃપ્ત થયું હતું . જંગલના ખૂણે ખૂણે પથરાયેલ અંધકાર પર દેવાર્યની તેજ છાયા છવાયેલી રહી . એ રાતે જંગલ ભેંકાર નહોતું લાગ્યું . એ રાતે જંગલમાં ડરામણા અવાજ થયા નહોતા . હતી જંગલની રાત પરંતુ લાગી બગીચાની રાત .

અને પછી પ્રભાત જાગ્યું હતું . કુમકુમવર્ણી રંગછટાએ પૂર્વ દિશાને ભરી દીધી હતી . રાતભર દેવાર્યને નિહાળી રહેલા તારા એક પછી એક ઓઝલ થતા ગયા . પંખીઓનો કલબલાટ વધતો ગયો . આકાશમાં અને જંગલમાં અજવાળું ફેલાયું . દેવાર્ય રાતભર ઊભા જ રહ્યા . કાઉસગ્ગની મુદ્રા રહી . આંખો નિદ્રાથી મુક્ત રહી . થાકનું નામોનિશાન નહોતું . તાજા કમળ જેવી ચમક હતી . ખભે દેવદૂષ્ય લહેરાઈ રહ્યું હતું . જમીન સ્પષ્ટ દેખાય તેવો પ્રકાશ થયો ત્યારે દેવાર્યે ચાલવા માટે પગ ઉપાડ્યો . સાથે કોઈ જ નહોતું .

શિયાળો શરૂ થઈ ગયો હતો . કેડી પરની માટીમાં ઠંડક હતી . વાયરામાં સ્નિગ્ધ શીતળતા હતી . વનરાજીની સુંદરતા તરફ દેવાર્યની નજર નહોતી . નજર ભૂમિ પર હતી . દેવાર્યની દૃષ્ટિનો સ્પર્શ જે ભૂમિભાગને થતો એની પર જ દેવાર્ય પગ મૂકતા . જે ભૂમિને દૃષ્ટિ સ્પર્શી ન હોય તેની પર દેવાર્ય પગ મૂકતા જ નહીં . દેવાર્ય ધીમે ધીમે ચાલતા . નદીના વહેણમાં પત્તાનું દીવાકોડિયું આસ્તે આસ્તે વહેતું જાય તેમ હળવે હળવે દેવાર્ય વનરાજીની વચ્ચેથી આગળ વધતા ગયા .

કોલ્લાક સંનિવેશ પાસે દેવાર્ય થંભ્યા . સૂરજ ઉપર ચડતો ગયો . અહીં બહુલ બ્રાહ્મણના ઘેર ઉત્સવ હતો . ઘણા મહેમાનો જમવા માટે આવ્યા હતા . મોટું રસોડું હતું . દેવાર્ય મધ્યાહ્ન સમયે સંનિવેશમાં પધાર્યા , ઘણા ઘરોની વચ્ચેથી પસાર થઈ બહુલ બ્રાહ્મણનાં ગૃહાંગણે આવી ઊભા .

બહુલ બ્રાહ્મણે દેવાર્યને જોયા અને જોતો રહી ગયો . એ મનોમન બોલવા લાગ્યો : આ મહામુનિનું દેહ લાવણ્ય અજબ છે , રૂપ સૌંદર્ય ગજબ છે . તેઓ સકલ લક્ષણાલંકૃત કાયા ધારી રહ્યા છે , તેમની આચાર સમૃદ્ધિ અનુપમ છે . તેઓ સાક્ષાત્ લક્ષ્મીનિધાન છે , શ્રામણ્યનો જીવંત અવતાર છે . આજના દિવસે તેઓ મારાં આંગણિયે પધાર્યા છે . આવો લાભ મળશે તેની તો કલ્પના જ નહોતી .

બહુલ રોમાંચિત અવસ્થામાં દેવાર્ય સમક્ષ આવ્યો . દેવાર્યને એણે વિનંતી કરી : પધારો , લાભ આપો . ( ક્રમશઃ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *