Press ESC to close

વનવગડે વિહરે વીર (૫.૧)

 

પ્રકરણ ૫ . જ્વલન શર્માનો આશ્રમ

( ૧ )
+ કાંસાનું વાસણ લેપાતું નથી એમ દેવાર્યને ઘટનાની અસર થતી નહીં .
+ શંખને રંગ ચડતો નથી એમ દેવાર્યને લાગણીઓ અડી શકતી નહીં .
+ આત્માની ગતિને રોકી શકાતી નથી તેમ દેવાર્યને રોકવાનું અસંભવિત હતું .
+ આસમાનને ઉપર ટકી રહેવા જેમ થાંભલાઓની જરૂર નથી પડતી તેમ દેવાર્યને કોઈ ટેકાની જરૂર નહોતી .
+ હવાને વહેવાનું ગમે છે તેમ દેવાર્યને આગળ વધવાનું જ માફક આવતું .
+ શરદઋતુમાં પહાડી ઝરણાઓનું પાણી જેમ નિર્મળ હોય છે તેમ દેવાર્યનું અંતઃકરણ અત્યંત વિશુદ્ધ હતું .
+ કમળની પાંદડીઓ જેમ જલબિંદુની ભીનાશને અંદર ઉતરવા દેતી નથી તેમ દેવાર્ય વાતાવરણની છાયાને પોતાની પર હાવી થવા દેતા નહીં .
+ કાચબાના અંગપ્રત્યંગ જેમ કવચમાં ગુપ્ત રહી શકે છે તેમ દેવાર્ય આત્મસંયમની છાયામાં ઇન્દ્રિયોને આચ્છાદિત રાખતા .
+ જંગલમાં ઘુમતો મહાબલી ગેંડો જેમ એક અને અદ્વિતીય હોય છે તેમ દેવાર્ય વનવગડે એકમેવ અજોડ હતા .
+ પંખીડા જેમ મુક્ત આકાશે વિહરે છે તેમ દેવાર્ય અનંતતાની સાધનામાં અગ્રસર રહેતા .
+ જેમ દ્વિમુખ ભારંડ પક્ષી સતત અપ્રમત્ત બની રહે છે તેમ દેવાર્ય પણ જીવન અને મનનાં સ્તરે પ્રમાદમુક્ત બનેલા રહેતા .
+ ગજરાજના પરાક્રમની જેમ સીમા નથી તેમ દેવાર્યના ઉત્સાહની કોઈ અવધિ નહોતી .
+ વૃષભરાજ જેમ પ્રચંડ બળવાન્ હોય છે તેમ દેવાર્ય ઉત્કૃષ્ટ ઊર્જાવંત હતા .
+ સિંહની સામે મુકાબલામાં કોઈ જ ઊભું રહી શકે નહીં તેમ દેવાર્યની સામે કોઈ પણ સંકટ કારગર સાબિત થતું નહોતું .
+ મેરૂ પર્વતને જેમ કોઈ કંપાવી શકતું નથી તેમ દેવાર્યને કોઈ જ ઉપસર્ગ ચલિત કરી શકતો નહીં .
+ સમંદરનાં ઊંડાણને જેમ માપી શકાતું નથી તેમ દેવાર્યની અંતર્વૃતિની ગંભીરતા અવગાહી શકાતી નહીં .
+ ચંદ્રમાની શીતલતા સ્વયંભૂ હોય છે તેમ દેવાર્યની નિષ્કષાય દશા સહજ હતી .
+ સૂરજનું તેજ જેમ અપરાજેય હોય છે તેમ દેવાર્યનું ઓજસ અલૌકિક હતું .
+ અસલી સોનું જેમ મહામૂલ્યવાન્ હોય છે તેમ દેવાર્યનું ભીતરી પોત દેદીપ્યમાન હતું .
+ વિરાટ પૃથ્વી જેમ સર્વંસહા છે તેમ દેવાર્ય બધું ખમવા સક્ષમ હતા .
+ આહુતિ પામનારો અગ્નિ જેમ ઝળહળતો હોય છે તેમ દેવાર્ય અતિશય દીપ્તિમાન્ હતા .

દેવાર્યને જેની સાથે પણ સરખાવો એ દેવાર્યની સામે ઝાંખું લાગે , એ સરખામણી જ જાણે કમજોર લાગે . દેવાર્ય તુલનાઓથી મુક્ત હતા , ઉપમાઓથી પર હતા . દેવાર્યને જોયા બાદ એમ જ લાગે કે દેવાર્યનું વર્ણન કરી શકે એવા શબ્દો કોઈ કોશમાં ઉપલબ્ધ નથી , દેવાર્યની સુંદરતાને રજૂ કરી શકે એવાં વાક્યો  હજી  સાહિત્યમાં  આવ્યા જ નથી  , દેવાર્યની અનિર્વચનીય રૂપપ્રતિભાને સમજાવી શકે એવી કલ્પનાઓ હજી મહાકવિઓને મળી નથી . દેવાર્ય દીક્ષાપૂર્વે મોંઘેરા વસ્ત્રોમાં , અલંકરણમાં અદ્ભુત દેખાતા . પરંતુ દીક્ષા બાદ દેવાર્યની રૂપપ્રતિભાએ એક અલગ જ આભા ધારણ કરી હતી . દેવાર્ય સામે દેવરાજ અને દેવસમુદાય પણ ઝાંખપ જ અનુભવે . માનવીઓની તો શી વિસાત ? દેવાર્ય માટે શબ્દો બોલાતા , વાક્યો ઉચ્ચારણ પામતા , કલ્પનાઓ અભિવ્યક્ત થતી તેનાથી બોલનારને અને સાંભળનારને , લખનારને અને વાંચનારને કેવળ સંતોષ મળતો કે દેવાર્ય વિશે વાત થઈ . બાકી સૌ સમજતા કે દેવાર્યને ભાષાની સીમામાં રહીને વર્ણવી જ ન શકાય . (ક્રમશઃ)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *