
પ્રકરણ ૩ . સુગંધની લહેરોમાં કોણ કોણ આવ્યું ?
( ૧ )
મહારાજા નંદીવર્ધન અવાચક હતા . દેવાર્યની દીક્ષા થઈ તે વખતે ઈન્દ્ર દ્વારા દેવાર્યના સ્કંધ પર જે દેવદૂષ્ય સ્થાપિત થયું હતું તે સોમ બ્રાહ્મણ ક્ષત્રિયકુંડ લઈ આવ્યો હતો . મનુષ્યલોકમાં જેમ એક રત્નકંબલ સેંકડો કામ કરી આપે છે તેમ દેવતાઈ વસ્ત્ર એટલે કે દેવદૂષ્ય એક જ હતું છતાં ઘણું બધું સંરક્ષણ આપી શકતું હતું . ગરમી, ઠંડી , વરસાદમાં આ એક દેવદૂષ્ય સંગાથે હોય એ ઘણું થઈ રહે . આ કેવું કર્યું દેવાર્યે ? દેવદૂષ્યને પણ છોડી દીધું . દેવદૂષ્ય જો મારી પાસે છે તો એનો અર્થ એ છે કે દેવાર્ય પાસે દેવાર્ય સિવાય બીજું કોઈ જ નથી અને બીજું કાંઈ જ નથી . દેવદૂષ્ય મહારાજાએ રાખી લીધું . દેવાર્યના દીક્ષાજીવનની એ અણમોલ યાદ હતી . જ્યારે દેવાર્યની યાદ આવે ત્યારે દેવદૂષ્યને હૈયે ચાંપીને એમાં વસેલો દેવાર્યનો સ્પર્શ અનુભવી શકાય . દેવાર્યનું અસ્તિત્વ દેવદૂષ્યનાં એક એક તાંતણામાં અનુભવી શકાતું . દેવાર્યની દેહસુગંધ એ દેવદૂષ્યમાં મહોરી રહેતી .
અને છતાં દેવદૂષ્ય દેવાર્યની પાસે, દેવાર્યની કાયા પર હોવું જોઈતું હતું એવી સંવેદના પણ બનેલી રહેતી . સોમ બ્રાહ્મણને સરી પડેલું દેવદૂષ્ય ત્યાં ને ત્યાં દેવાર્યના સ્કંધ પર બિરાજીત કરી દેવાનો વિચાર કેમ ન આવ્યો ? એ વિચારે મહારાજાને ગુસ્સો આવતો . અને દેવાર્યનો સ્વભાવ યાદ આવી જતો . દેવાર્યને જે ન જોઈતું હોય તેની સામે એ જુએ પણ નહીં . દેવાર્યને દેવદૂષ્ય રાખવું હોત તો બ્રાહ્મણના હાથમાં એ જાય તે પૂર્વે જ એમણે એ ઊંચકી લીધું હોત . દેવાર્યને દેવદૂષ્યમાં રસ નહોતો તેથી જ તો એ બ્રાહ્મણના હાથમાં આવી ગયું . ભલું થજો આ બ્રાહ્મણનું કે એ ત્યાં હાજર હતો , અન્યથા એ વસ્ત્ર મારા હાથમાં આવત જ નહીં . દેવાર્ય વિનાનું એ વસ્ત્ર જો બ્રાહ્મણના હાથમાં ન આવત તો કોઈ આદિવાસીને જ મળવાનું હતું . એ આદિવાસીઓ આનો મહિમા શું સમજે ? સોમ બ્રાહ્મણે દેવદૂષ્યને આદિવાસીઓથી બચાવી લીધું એ બહુ સારું થયું . આ બ્રાહ્મણ દેવદૂષ્યના બીજા ટુકડા માટે દેવાર્યની પાછળ પાછળ ફર્યો એમાં એણે દેવાર્યને જે રીતે જોયા એની વાત એ કરતો ગયો હતો .
નંદીવર્ધન મહારાજાનાં મનમાંથી એ વાત જતી નહોતી . એણે દેવાર્યની દેહસુગંધની વાત કરી હતી . એ દેહસુગંધનાં કારણે દેવાર્યને કેવી કેવી પરિસ્થિતિઓ જોવી પડી ? દીક્ષાભિષેક દેવતાઓની મુખ્યતામાં થયો હતો . દેવતાઓ જે સામગ્રી લાવે તે માનવની કલ્પનામાં પણ ન આવી શકે એવી સર્વશ્રેષ્ઠ હોય. દેવતાઓ એક વિલેપન લાવ્યા હતા . એની સુગંધ અતિશય અદ્ભુત હતી .
સોમ બ્રાહ્મણે કહ્યું હતું કે એ સુગંધ દીક્ષા થઈ ગયા બાદ આશરે સાડા ચાર મહિના સુધી રહી હતી . હજારો ચંદનકાષ્ટ એક સાથે બાંધીને રાખ્યા હોય તેવી પ્રગાઢ સુવાસ હતી એ. એમાં ફૂલોનો આસવ સિંચ્યો હોય, એવો આહ્લાદ વર્તાતો. વાયરો દેવાર્યને સ્પર્શીને જે દિશામાં સરી જતો એ તરફ એ સુગંધની લહેરો દૂર દૂર સુધી રેલાતી . જંગલમાં જાણે નવા પુષ્પોનો ફાલ ખીલી આવ્યો હોય એવું વાતાવરણ બની જતું. એ સુગંધના પૂર હતા. પડદા પરથી પડદા ઉતરે એમ સુગંધના અલગ અલગ થર વર્તાતા. ક્યારેક એકલી ચંદનની મહેક રહેતી. ક્યારેક ફૂલનો પમરાટ રહેતો. ક્યારેક કસ્તૂરીની મહેક ફોરતી. એ દેવતાઓનાં વિલેપન હતા. મનુષ્યલોકે આવી ખુશ્બૂ જોઈ નહોતી. જાણે વિધવિધ અત્તરમાં પલાળેલાં હજારો વસ્ત્રો એક જગ્યાએ હવામાં લહેરાઈ રહ્યા હોય એવો એ સુગંધનો વજનદાર પ્રવાહ હતો. દેવાર્ય મૌન રહેતા . કશું ન બોલતા. પરંતુ આ દિવ્ય સુગંધને મૌન કોણ રાખી શકે ? એ સુગંધ તો દશે દિશાઓને જગાડી દેતી . જ્યાં દેવાર્ય ઊભા હોય ત્યાંથી ચારે તરફ ગાઉ ગાઉ સુધી એ સુગંધ અવકાશને આરપાર કરીને આગળ સરકતી. એ સુગંધ જે સજીવ તત્ત્વોને સ્પર્શતી એમાં નવા પ્રાણ પૂરાતા .
જંગલી ફૂલો પર ખેલનારા ભમરાઓને આ સુગંધે ઉન્માદિત બનાવ્યા હતા. ભમરાઓને ફૂલ પર બેસીને રસ ચૂસવો હોય . સુગંધની દિશા પકડીને ભમરાઓ ઉડતા અને દેવાર્યની આસપાસ આવીને ચોપાસ મંડરાતા . ખુલ્લી પડેલી મીઠાઇ પર માખી બણબણતી હોય એવું કોઈ દૃશ્ય સર્જાતું .
દેવાર્ય કોઈ વૃક્ષની છાયામાં કે કોઈ ગુફાના દરવાજે કે કોઈ સૂમસામ ખંડેરમાં કાઉસગ્ગ ધરીને ઊભા હોય ત્યાં ભમરાઓનાં ઝૂંડ આવી પહોંચતા . મધપૂડો ફૂટે અને મધમાખીઓનો ઘોર ગુંજારવ ઊઠે એવો ભમરાઓનો ભેદી શોર મચી જતો. એક કે બે નહીં બલ્કે સેંકડો ભમરાઓનું એ ટોળું દેવાર્યની કાયામાંથી જ સુગંધ આવી રહી છે તેનો આખરી અંદાજ બાંધતું . તે પછી શરૂ થતી ખોફનાક ભમ્મરબાજી . ( ક્રમશઃ )
Leave a Reply