Press ESC to close

વનવગડે વિહરે વીર (૨.૪)

પ્રકરણ ૨ : દેવદૂષ્યની ખરીદી

‘ ભૂદેવ  , આપે મારા ભાઈને , શ્રમણ વર્ધમાનને જોયા. એ કેમ છે ? એમનું આરોગ્ય સારું છે ? એમની કાયાને કોઈ કષ્ટ તો નથી ? મને કહો . મારા ભાઈ વિશે તમે જે જાણતા હો તે બધું જ કહો . મારે મારા ભાઈનું વૃત્તાંત સાંભળવું છે . ʼ  દરબારમાં બેસેલા સૌ સામંત શ્રેષ્ઠીઓ અને અન્ય સભાજનોમાં નંદીવર્ધન મહારાજાની આ ભાવુક અપેક્ષાએ ઉત્સુકતાનું નિર્માણ કર્યું . બ્રાહ્મણને આખી સભા સાંભળવા માંગે છે એવું વાતાવરણ બની ગયું . 

‘ વાહ પ્રભુ . ‘ બ્રાહ્મણે મનોમન બોલ્યો . ‘ એક ગરીબ સાથે દેવાર્યનું નામ જોડાયું એમાં એ ગરીબના ભાવ વધી ગયા . જેની સામે કોઈ જુએ પણ નહીં એને સાંભળવા આખો દરબાર ઉત્સુક છે . વાહ પ્રભુ . શું તારો પ્રભાવ છે અને કેટલો મોટો તારો ઉપકાર છે ? મને મહારાજા દ્વારા આદરસત્કાર મળે છે . હું જરૂર તારી વાતો કરીશ . ‘ 

( ૫ )

બ્રાહ્મણને બેસવા માટે સુખાસન આપવામાં આવ્યું . એ સંભાળીને બેઠો . ઊંડો શ્વાસ લઈને એણે બોલવાનું શરૂ કર્યું . 

      ‘ મેં દેવાર્યને જોયા છે . તેઓ ક્યારેય કોઈની સાથે વાત કરતા નથી . તેઓ મૌન રહે છે . તેઓ ક્યારેય આરામ કરતા નથી . તેઓ કાઉસગ્ગમાં જ રહે છે . તેઓ ક્યારેય ડરતા નથી . તેઓ પરાક્રમનો સાક્ષાત્ અવતાર છે . ‘ 

     ‘ મેં દેવાર્યને જોયા છે . તેઓ ભૂતિયા મકાનમાં નિર્ભયપણે રહે છે . રાતના  સમયે ડરામણા અવાજોથી અને ખોફનાક દૃશ્યોથી એ ગભરાતા નથી . એમનો કાઉસગ્ગ ભૂતાવળની હવામાં નિર્બાધ રહે છે . ‘

     ‘ મેં દેવાર્યને જોયા છે . તેઓ સમશાનમાં લાંબો સમય વીતાવી શકે છે . આસપાસમાં ભડભડતી ચિતાઓની વચ્ચે તેઓ પ્રચંડ વીર્યોલ્લાસથી ઊભા રહે છે . ખોપડીઓ અને હાડપિંજરોથી ઢંકાયેલી ભૂમિ એમને ભય પમાડી શકતી નથી . તેઓ સ્મશાનની વચ્ચે ઊભા રહીને ભરદિવસે સૂરજને તાકતા હોય છે . ધીખતો તડકો એમની આંખોને દઝાડી શકતો નથી . ‘ 

    ‘ મેં દેવાર્યને જોયા છે . તેઓ ગામની સીમાભૂમિ પર , માથું અને ખભો આગળ ઝુકાવીને કાઉસગ્ગમાં ઊભા રહેતા  હોય છે . એમને આવી વિચિત્ર મુદ્રામાં જે જુએ છે તે અચંભિત થઈ જાય છે . દેવાર્ય દુનિયાથી વેગળા ઊભા રહે છે . ‘

    ‘  મેં દેવાર્યને જોયા છે . તેઓ દુઃખને સુખની માફક ગળે વળગાડે છે . દુઃખ –  માનવ આપે , જાનવર આપે કે દુષ્ટ દેવ આપે – દેવાર્યનો પ્રસન્ન સમાધિભાવ એકસરખો જળવાયેલો રહે છે . ‘ 

    ‘ મેં દેવાર્યને જોયા છે . તેઓ ઘણા દિવસો સુધી ઉપવાસ કરતા હોય છે . ઉપવાસનાં પારણું હોય તે દિવસે તેઓ ગરીબ ઘરનાં દ્વારે પહોંચી જાય છે. ત્યાંથી જે લૂખું કે સૂકું કે સાદું અન્ન મળી જાય એનાથી કુક્ષિને ટેકો આપી દે છે . અને આગલા દિવસથી ફરી લાંબા ઉપવાસ શરૂ કરી દે છે . ‘ 

    ‘  મેં દેવાર્યને જોયા છે . સાવ મામૂલી લોકો એમની મજાક ઊડાવતા હોય , તદ્દન સાધારણ માણસો એમને અપમાનિત કરતા હોય કે એકદમ તુચ્છ આદમીઓ એમને ત્રાસ આપતા હોય ત્યારે તેઓ પોતાની અનંત શક્તિનો નાનકડો પણ પ્રયોગ કરવાનું ટાળે છે . તેઓ આ બધું ખમી ખાય છે , બસ . ‘

    ‘ મેં દેવાર્યને જોયા છે . ક્યારેક દેવતાઓ તેમની પૂજા કરે છે એ પણ મેં જોયું છે . પરંતુ દેવાર્ય આ પૂજામાં નિર્લેપ રહે છે . એમની ભક્તિ કરો એનાથી એ રાજી પણ થતા નથી અને રાહત પણ અનુભવતા નથી . એમને અનુકૂળતાઓનો કોઈ ખપ જ નથી હોતો . ‘ 

   ‘ મેં દેવાર્યને જોયા છે , કેવળ જોયા છે . એમને હું ઓળખી શક્યો નથી , સમજી શક્યો નથી . એમની વાત હું શી રીતે કરું ? એમની વાત તો એ કરી શકે જે એમની ભૂમિકાને જાણવા સક્ષમ હોય . હું તો અજ્ઞાની છું . હું દેવાર્યનું વર્ણન કરી જ ન શકું . ‘ 

બ્રાહ્મણે બોલવાથી વિરામ લીધો . એ દેવાર્યની યાદમાં ખોવાઈ ગયો હતો બોલતી વખતે . બોલવાનું અટક્યું એટલે એ પોતાની તંદ્રામાંથી બહાર આવ્યો . એણે મહારાજા નંદીવર્ધન સમક્ષ જોયું . મહારાજા નાના બાળકની માફક રોઈ રહ્યા હતા . મહારાજાને એમનો ભાઈલો યાદ આવી રહ્યો હતો .  બ્રાહ્મણે સભાજનો સમક્ષ જોયું . સૌ કોઈની આંખો ભીંજાયેલી હતી . સૌને ક્ષત્રિયકુંડનો વહાલસોયો રાજકુમાર યાદ આવી રહ્યો હતો . 

બ્રાહ્મણે મહારાજાનું , સભાજનોનું અભિવાદન કરીને રાજદરબારમાંથી વિદાય લીધી . લાખ સુવર્ણમુદ્રાઓની થેલીઓ લઈને એક બળદગાડું એની પાછળ રવાના થયું. પચાસ હજાર સુવર્ણમુદ્રાઓ તંતુવાયને મળશે એવું વચન સોમે આપ્યું હતું.  

કાર્તક વદ દશમે દેવાર્યના સ્કંધ પર ઈન્દ્ર દ્વારા જે દેવદૂષ્ય સ્થાપિત થયું હતું તે આશરે એક વરસ અને એક માસ પછી મહારાજા નંદીવર્ધનના હાથમાં આવી ગયું હતું  . વૈરાગી નાના ભાઈએ , સોમ બ્રાહ્મણ દ્વારા , પ્રેમાળ મોટા ભાઈને એક અલૌકિક ઉપહાર મોકલી આપ્યો હતો જાણે . દેવદૂષ્યની ખરીદી , બ્રાહ્મણ સોમ માટે પણ યાદગાર બની અને મહારાજા નંદીવર્ધન માટે પણ યાદગાર બની . ( ક્રમશઃ )


વન ઉપનિષદ્
——–
+ ઉત્તમ તત્ત્વનો સત્સંગ કરતી વખતે મનમાં સ્વાર્થનો ભાવ ન રાખવો જોઈએ . સ્વાર્થનો ભાવ આવે એટલે ઉત્તમતાનો સ્પર્શ પામવાની પાત્રતા જતી જ રહે .
+   સાધનામાં બાહ્ય જીવનનાં કોઈ લક્ષ્ય હોતા નથી . સાધનામાં ભીતરે રમમાણ રહેવાનું એકમાત્ર લક્ષ્ય હોય છે .
  + ઉત્તમ પુરુષોને નજીકથી જોતા રહેજો . મનમાં એમની યાદોનો સંગ્રહ  કરતા જ રહેજો . યોગ્ય વ્યક્તિ સાથે એ યાદોને વહેંચતા રહેજો . 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *