પ્રકરણ ૧ : દેવદૂષ્યનું દાન
( ૪ )
બ્રાહ્મણે માથું ઊંચકીને દેવાર્યની સામે જોયું . દેવાર્યની આંખો , ખીલેલા ફૂલની જેમ ઉઘડેલી હતી . બ્રાહ્મણ અવાચક થઈ ગયો . આ આંખો હતી કે તેજોમય રત્નો ? આંખોમાં આત્મીયતા હતી અને વૈરાગ્ય પણ હતો . આંખોમાં આવકાર હતો અને મધ્યસ્થ ભાવ પણ હતો . દેવાર્ય કશું જ ન બોલે અને આ રીતે આંખોથી જોયા કરે તોય શ્રીમંતાઈનો અહેસાસ મળી જાય . બ્રાહ્મણ એ આંખોમાં તાકતો રહ્યો . એનો થાક ઓસરવા લાગ્યો . એ આવ્યો ત્યારે દેવાર્યની આંખો અર્ધ નિમીલિત હતી તેથી એને આંખોનો જાદુ જોવા મળ્યો નહોતો . અત્યારે એણે પ્રભુની આંખો જોઈ અને એના વિચારો પલટાઈ ગયા . એને લાગ્યું કે એનો ફેરો સફળ થઈ ગયો . પોતે જે બોલી ગયો હતો એ બધું ભૂંસવાનું મન થતું હતું એને . એક ધારામાં એ તણાતો ગયો . એની ઈચ્છાઓ જાણે ઠરી જવા માંડી . એટલામાં દેવાર્યના હોઠ હલ્યા . દેવાર્ય શું બોલ્યા તેની પર ધ્યાન જાય તે પૂર્વે દેવાર્યના અવાજની મધુરતામાં એ ગરક થઈ ગયો . આવો મીઠો મુલાયમ અવાજ એણે આજસુધી સાંભળ્યો નહોતો . અવાજમાં પૌરુષ હતું અને સંયતભાવ હતો . અવાજમાં કૃપાભાવ હતો અને આજ્ઞાકારી ટંકાર હતો . બ્રાહ્મણે એ અવાજમાં જે બોલાઈ રહ્યું હતું તેની પર ધ્યાન કેન્દ્રિત કર્યું . પોતાને સંબોધીને બોલાયેલો દેવાનુપ્રિય શબ્દ એને બહુ ગમ્યો . દેવાર્યના શબ્દોમાં પિતા જેવું વાત્સલ્ય અનુભવાયું . દેવાર્ય બોલ્યા :
‘ તારી વાત મેં સાંભળી . તું કશુંક માંગી રહ્યો છે . મારી પાસે અત્યારે કોઈ જ વૈભવ નથી . મેં સર્વ સંગનો પરિત્યાગ કર્યો છે . હું તને જોઉં છું તો મને સમજાય છે કે તારી હાલત ખરાબ છે . ગરીબીએ તારાં શરીરને , તારાં વસ્ત્રોને ખાસ્સું બધું નુકસાન પહોચાડ્યું છે . હું અત્યારે રાજપુત્ર અવસ્થામાં નથી . હું હવે શ્રમણ અવસ્થામાં છું . રાજપુત્ર પાસે ઐશ્વર્ય હોય . શ્રમણ પાસે કેવળ ભિક્ષા હોય . હું તને શું આપી શકું ? આ પ્રશ્ન પછી છે ……. ‘
દેવાર્ય બોલતા હતા તે સમયે એક સાંગીતિક લય બંધાઈ રહ્યો હતો . ક્ષણભર માટે દેવાર્ય અટક્યા એમાં એ લયનો પડઘો વાતાવરણ પર પથરાઈ ગયો . કોઈ જ ઔપચારિકતા દાખવી નહોતી દેવાર્યે . સીધીસટ વાત કરી દીધી હતી એમણે . દેવાર્યની સામે જે ઊભો હતો તે યાચકના રૂપમાં બ્રાહ્મણ હતો કે બ્રાહ્મણનાં રૂપમાં યાચક હતો તે નક્કી કરવું અઘરું નહોતું . આવા માણસને દેવાર્ય જવાબ આપી રહ્યા હતા તે ઘણી મોટી વાત હતી . દેવાર્ય તસલ્લી આપતા હોય એ રીતે બોલ્યા :
‘ શ્રમણ અકિંચન હોય . શ્રમણ પોતાની પાસે પરિગ્રહ જમા કરતા નથી . તેથી વસ્તુનું દાન આપવું એ શ્રમણની ભૂમિકામાં ઉચિત નથી . પહેલો પ્રશ્ન એ છે કે શ્રમણ ભૌતિક દાન ન આપી શકે . પરંતુ તું એક આપવાદિક પરિસ્થિતિમાં આવ્યો છે . તું ખાલી હાથે પાછો નહીં જાય . અહીં આસપાસમાં કોઈ છે નહીં એથી કોઈના હાથે તને કશું અપાવું એવું બની શકશે નહીં . હું તને મારા હાથે જ કાંઈક આપું છું . આમાં ઔચિત્યનો ભંગ છે પરંતુ તીર્થંકર પાસે આવીને કોઈ ખાલી હાથે જાય એવું બને નહીં . બીજો પ્રશ્ન હવે એ છે કે મારી પાસે એવું કાંઈ છે જે હું તને આપી શકું ? જવાબ છે હા . મારી પાસે દેવદૂષ્ય છે . હું તને આ દેવદૂષ્યનો અડધો હિસ્સો આપું છું . ‘
દેવાર્યે બોલવાનું પૂરું કર્યું અને તરત જ પોતાના ખભેથી દેવદૂષ્ય ઉઠાવ્યું . બ્રાહ્મણ સ્તબ્ધ ભાવે જોતો રહ્યો . દેવાર્યે દેવદૂષ્યને વચોવચથી પકડ્યું , બેય હાથના અંગૂઠા અને પહેલી આંગળીઓથી દેવદૂષ્યની કિનારને પકડીને ખેંચી . દેવદૂષ્ય ઊભું ચીરાયું . એક એક તંતુ ખેંચાઈને તૂટ્યા એને લીધે વસ્ત્ર ફાંટવાનો અવાજ બન્યો . એ અવાજ અટક્યો ત્યારે દેવદૂષ્યના બે ટુકડા થઈ ચૂક્યા હતા . દેવદૂષ્યનો એક ખંડ દેવાર્યના જમણા હાથમાં રહ્યો અને બીજો ખંડ ડાબા હાથમાં રહ્યો . દેવાર્યે અડધું દેવદૂષ્ય પોતાના ડાબા ખભે મૂક્યું . બીજું અર્ધ દેવદૂષ્ય દેવાર્યે બે હાથેથી પકડ્યું . એ મુલાયમ વસ્ત્ર દેવાર્યના હાથની બન્ને તરફ ઝૂલી રહ્યું . બ્રાહ્મણ , વસ્ત્ર લેવું કે ન લેવું એની અવઢવમાં ઊભો રહ્યો . એને દાન ખપતું હતું પરંતુ દેવાર્યના દેવદૂષ્ય પર એણે નજર બગાડી નહોતી . એને સમજાતું હતું કે દેવદૂષ્ય લેવું એ ન્યાયી નહોતું . પણ એણે જોયું કે દેવાર્યના ખભે અડધું દેવદૂષ્ય હતું જ . બાકીનું અડધું દેવદૂષ્ય પોતે રાખે તો વાંધૉ નથી એમ એનું સ્વાર્થી મન પુકારવા લાગ્યું અને એણે હાથ લંબાવ્યો .
અંજલિથી પાણીની ધાર નદીમાં ઢોળાય એ રીતે દેવાર્યે પોતાના હાથમાંનું દેવદૂષ્ય બ્રાહ્મણના હાથમાં સરકાવી દીધું . બ્રાહ્મણે કમ્મરથી ઝૂકીને એ કૃપાનું અભિવાદન કર્યું . એને વિશ્વાસ હતો કે દેવાર્યનું વસ્ત્ર દાન એનાં ભાગ્યને બદલી નાંખશે . દેવાર્યે તુચ્છકાર વિના આપ્યું હતું અને આપતાં પૂર્વે સારી રીતે વાર્તાલાપ કર્યો હતો . બ્રાહ્મણ માટે આ ઘણી જ મોટી વાત હતી . ભલે દેવાર્યે ધન કે ધાન્ય નહોતું આપ્યું પરંતુ એટલું સમજાતું હતું કે જે વસ્ત્ર દેવાર્યે આપ્યું હતું તે મૂલ્યવાન્ હતું . થોડાદિવસનો ગુજારો કરવાજોગું કાંઈક તો આમાંથી જરૂર મળી જવાનું હતું . ઘણા દિવસે દલ્લો હાથમાં લાગ્યો હોય એ રીતે એ બ્રાહ્મણ રાજી થયો . એણે પાછા વળવા માટે પગ ઉપાડ્યા ત્યારે એને ખબર નહોતી કે ત્રણ દુર્લભ બાબતો સાથે તેનું નામ જોડાઈ ગયું હતું .
એક , તીર્થંકરના ખભે રહેલ દેવદૂષ્યના બે ટુકડા થયા હોય તેવો આ પ્રથમ પ્રસંગ હતો ઈતિહાસમાં . બે , તીર્થંકરે કોઈ ગૃહસ્થને દાન આપ્યું હોય એવો આ પહેલવહેલો કિસ્સો બન્યો હતો . ત્રણ , તીર્થંકરને ઈન્દ્ર દ્વારા અર્પિત થયેલ દેવદૂષ્ય કોઈ સંસારી વ્યક્તિને મળ્યું હોય એવું આજસુધીમાં ક્યારેય બન્યું નહોતું . બ્રાહ્મણ એટલું જરૂર જાણતો હતો કે દેવાર્યે જે વસ્ત્ર ઓઢ્યું , વાપર્યું તેનું મૂલ્ય પૈસાથી આંકી ન શકાય . એની લાચારી એવી હતી કે તે આ વસ્ત્ર વેંચી નાંખે તો જ એનું ગુજરાન ચાલે , અન્યથા એ પત્ની સમેત ભૂખે મરે . એ લળી લળીને દેવાર્યને વંદતો રહ્યો . દેવાર્યનો ઉપકાર માથે ચડાવીને એ પાછો ફર્યો . ( ક્રમશઃ )
( કર્ટ્સી : શાંતિ સૌરભ )
Leave a Reply