Press ESC to close

તમે કેટલું બધું બોલો છો ?

તમે કેટલું બોલો છો ?

તમારી પાસે અવાજ છે . જનાવર પાસે પણ અવાજ છે . તમારી પાસે શબ્દો છે . જનાવર પાસે શબ્દો નથી . તમે માણસ છો માટે તમારી પાસે બોલવાની આવડત છે . માબાપ દ્વારા બોલવાનું શીખ્યા બાદ તમે એટલું બધું ફાસ્ટ બોલો છો કે હવે માબાપ જ તમારી સમક્ષ બોલી શકતા નથી . તમારાં મોઢે થનારી વાતો દ્વારા તમારું વ્યક્તિત્વ જાહેર થાય છે . તમે સુંદર વાતો કરો છો તો તમે સુંદર વ્યક્તિમત્તા ધરાવો છો . તમે કડવી વાતો કરો છો તો તમારા દ્વારા ખુદ તમારી જ છાપ બગડી રહી છે .

તમે બોલો તે તમારી તાકાત પણ છે અને કમજોરી પણ છે . તમે સાચવીને સારી વાત રજૂ કરો છો તો તમારો શબ્દ તમારી તાકાત બની જાય છે . તમે આડેધડ રજૂઆત કરી દો છો તો તમારો શબ્દ તમારી કમજોરી બની જાય છે . પહેલાં વિચારવું , પછી બોલવું આ ઉત્તમ માણસોનું વલણ છે . પહેલાં બોલી નાંખવું , પછી વિચારવું આ સાધારણ માણસોનું વલણ છે .

તમે એક દિવસમાં કેટલી વાતો કરો છો તેનો તમારી પાસે કોઈ હિસાબ નથી . ગઈકાલે આખા દિવસ દરમ્યાન તમે કેટલા કલાક બોલ્યા તે તમને યાદ હોતું નથી . તમે ઓફિસમાં કેટલા કલાક બેઠા , દુકાનમાં કેટલું બેઠા તેનો સમય તમે ગણાવી શકશો . પરંતુ તમે કેટલા કલાક બોલતા રહ્યા તેનો હિસાબ તમારી પાસે નથી રહેતો .

જે ગમે , તે બોલો છો તમે . જે મળે તેની સાથે વાત કરો છો . અતડા માણસો અભિમાની ગણાય છે પરંતુ સમજ્યા વિના બોલનારા તો બેકાર ગણાય છે . તમારે પ્લાનિંગ કરવાનું છે . આખા દિવસ દરમ્યાન તમારે કેટલા કલાક બોલવું તેનો નિયમ થઈ શકશે નહીં . તમારે શોધવાનું રહેશે . આખા દિવસ દરમ્યાન તમે કામવગરની વાતો કેટલી કરો છો અને કામની વાતો કેટલી કરો છો ? તમે આખા દિવસ દરમ્યાન પાંચ કલાક બોલતા હશો તો તેમાં કામની વાતો કેવળ અડધો કલાક થતી હશે . નકામી વાતો કરવામાં સાડાચાર કલાકનું ધોવાણ થઈ જાય છે . તમે બોલવાનું છોડી દેશો તો તમારાં કામકાજ અટકી જશે . સાવ બોલવાનું છોડી શકાય તેમ નથી . તમે નકામી વાતો પર અંકુશ બાંધી શકો છો . તમે જે બોલો છો તેનાથી કશું ફલિત થતું ના હોય , તમે જે બોલો તેનાથી કશું નીપજતું ના હોય તો નહીં બોલવાનું , તમારે .

જે બોલ્યા વગર ચાલે તેમ નથી એટલું જ બોલો . મહાભારતમાં દુર્યોધન અને યુધિષ્ઠિર આ બંને રાજાઓની રાજ ચલાવવાની આવડત સારી હતી , તેમ જણાવ્યું છે . ફરક ક્યાં હતો ? દુર્યોધનને ખૂબ બોલવાની આદત હતી . યુધિષ્ઠિર મિતભાષી હતા , થોડું બોલતા . દુર્યોધનને બોલ બોલ કર્યા વગર ચાલતું નહીં તેથી તે સત્યવાદી ના બની શક્યો . યુધિષ્ઠિરજી ઓછું બોલતા , સમજીને બોલતા માટે તે સત્યવાદી બની શક્યા . તમે બોલવાની બાબતમાં તમારી જીભ પર કાબૂ નહીં રાખો તો તમે પણ દુર્યોધન બની જશો . સત્યવાદી બનવા માટે જૂઠું ના બોલવાનો અડગ સંકલ્પ રાખવો પડે છે . જેને ઘણું બધું બોલવાની ટેવ પડી ગઈ છે તે આપોઆપ જૂઠું બોલી બેસે છે . બોલવાની જરૂર ન હોય તો ન બોલવું એવી સ્પષ્ટ સમજણ જેણે મનમાં રાખી છે તે જૂઠું બોલે તેવી શક્યતા ઓછી છે . ચાલાકીથી જૂઠું બોલનારા પણ હોય છે . આવા લોકો જૂઠું બોલવા માટે જ ઓછું બોલતા હોય છે . આ સમસ્યા વળી જુદી છે . તમે કેવળ બોલબોલ કરવાની આદતના ચાળે ચડીને જૂઠું બોલી બેસો છો . બોલવામાં લગામ રાખો . સાચા બનો .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *