યાદશક્તિ એ નિસર્ગનું વરદાન છે , જે આપણી સાથે બને છે તે ભુલાઈ જતું હોય તો જીવન મરવા જેવું બની જાય . તમે ખાઈ લીધા પછી શું ખાધું તે ભૂલી શકો . ખાધું છે અને પેટ ભરાયું છે તે તો યાદ રાખો જ છો અને તો જ બીજા કામ કરી શકો છો . તમે સેંકડો નામો યાદ રાખ્યા છે તે યાદ ન હોય , તમને અગણિત શબ્દ મોઢે છે તે યાદ ન હોય તમને દરેક અનુભવમાંથી મળેલો બોધપાઠ યાદ ન હોય , તમને તમારી કમાણીનો અને ઉઘરાણીનો અને લોનનો આંકડો યાદ ન હોય તો તમારી પાસે શું બચવાનું છે ?
તમને મળેલો પ્રેમ તમે યાદ રાખ્યો છે માટે જ તમે પરિવારને સાચવો છો . પ્રેમ ભૂલી જશો તો ઘેર જવાનું મન જ નહીં થાય . તમે આદરેલાં કામ આગળ ચલાવવાના છે તે તમને યાદ છે માટે જ તમે દુકાને કે ઓફિસે જાઓ છો . જવાબદારીના કામ ભૂલી જશો તો ઘેર પડ્યા રહેશો .
તમે યાદ રાખી શકતા ન હોત , જે જોયું કે મળ્યું કે સાંભળ્યું તે તરત ભૂલી જતા હોત તો તમે જડ અને જુદા હોત . તમે સમજદાર છો અને તમારું વ્યક્તિત્વ વજનદાર છે કેમ કે તમે બધું યાદ રાખી શકો છો . યાદ રાખવાની મહાન્ શક્તિને તમે શેમાં વાપરો છો ? તમે ભૂતકાળમાં બનેલું હતું તે બધું યાદ કરો છો . પરંતુ નકામું જ વધારે યાદ રાખો છો . સારું હોય તે યાદ રાખતા નથી . ભૂતકાળમાં નઠારું હતું તે ઘણુંય યાદ છે . ભૂતકાળ બદલાતો નથી . ભૂતકાળ દ્વારા દુઃખ પામવા કે સુખ મેળવવા તે આપણા હાથમાં છે . વીતી ગયેલા વરસોને અને જેમાં ફેરફાર થવાનો નથી તે ભૂતકાળને યાદ કરીને પસ્તાવો પણ થાય છે . કેવી રીતે ? આ રીતે કર્યું હોત તો આમ થાત . આ ન કર્યું માટે આમ થયું . અને આમ કર્યું માટે આમ થયું . ભૂતકાળ તરફથી આવતી આ બળતરાનો કશો જ મતલબ નથી . રડો કે માથું પછાડો . ભૂતકાળમાં જે થયું તે નહીં જ બદલાય . જે તમે કર્યું તેનો પડઘો પણ પડ્યા જ કરશે .
ભૂતકાળને યાદ કરીને વૈરની જ્વાળા જીવતી રાખવાનો પણ મતલબ નથી . ભૂતકાળ તમને અડે છે તે નક્કી છે . ભૂતકાળ તમને નડે તે જરૂરી નથી . ભૂતકાળની ભૂલ નડે , ભૂતકાળનો ડંખ ન નડવો જોઈએ . ભૂતકાળને માફ કરી દો . ભૂતકાળ બદ્દલ તમારી જાતને માફ કરી દો . ભૂતકાળને યાદ કરતાં રહેશો અને તેની પદ્ધતિ ખોટી જ હશે તો તમે તમારા હાથે દુઃખી થયા જ કરશો . તમને ભૂતકાળ તરફથી નવું કશું મળવાનું નથી . જે બન્યું તે હવે ત્યાં જ ભલે પડી રહ્યું . ભૂતકાળનો સોજો ચડશે કે ભૂતકાળ બોજો બનીને માથે ચડશે તો તમારા ફાળે દુઃખ જ છે .
તમે ભૂતકાળમાં બનેલાં સુખ અને સંતોષના પ્રસંગો સતત યાદ કરો . નાની નાની હસવા જેવી મીઠી વાતો , સફળ બનેલા ત્યારે મળેલો જુસ્સો , એકલે હાથે જીતેલી બાજી , એકાગ્ર બનીને માણેલા સંતોષના દિવસો , થાક પછીની નિરાંત ભરી ઊંઘ , ભરપૂર સફળતાની પાછળ રહેલું સદ્ ભાગ્ય , ભૂતકાળમાં ઘણું બધું સારું બન્યું છે . ભૂતકાળમાં ઘણું મેળવ્યું છે . ભૂતકાળમાં ક્યાંકથી છૂટકારો પણ થયો છે . ભૂતકાળમાં નિખાલસ હાસ્ય મળ્યું છે . ભૂતકાળમાં એવું અને એટલું સુંદર સુંદર મળ્યું છે કે યાદ કરતાં રહો તેમ રોમાંચ વધતો રહેશે . ભૂતકાળ તમારો શેઠ નથી . ભૂતકાળ તમારો અનુયાયી છે . એને તમારી પાછળ રાખો . એને સાથે ને સાથે રાખ્યા કરશો તો તમે ભૂતકાળમાંથી બહાર આવી નહીં શકો .
Leave a Reply