વિ.સં.૨૦૫૪ની સાલ હતી . શ્રાવણ વદ પાંચમનો દિવસ હતો . તારીખ ૧૨ . ૮ . ૯૮ . બુધવાર . સવારથી સન્નાટો છવાયેલો હતો . ૨૯૦મી ઓળીના સમાચાર દેશવિદેશના જૈનોને મળ્યા નહોતા . ગિરનારમાં છેલ્લી ઓળીનું પારણું થયું તે પછી પ્રતીક્ષા હતી કે નવી ઓળી ક્યારે શરૂ થઈ એના સમાચાર મળે . એ સમાચારમાં જ પારણું ક્યારે છે સમાચાર આપોઆપ મળી જતા હતા . બસ , જિજ્ઞાસા એ રહેતી કે પારણું ક્યાં થવાનું છે ? પરંતુ નવા સમાચાર અને નવી જિજ્ઞાસાને આકાર મળ્યો નહોતો .
તપસ્વી સૂરિદેવ પર સંઘને અપરંપાર શ્રદ્ધા હતી . હૈયું કહેતું હતું કે તેઓ હમણાં માંદગીના બિછાનેથી ઊભા થશે , દેરાસરે જશે અને આંબેલનું પચખાણ લેશે . રોજ આવી ઉમ્મીદથી ભારતીય જૈનો અમદાવાદના સમાચારની રાહ જોતા અને અમદાવાદના જૈનો ગિરધરનગરના સમાચારની રાહ જોતા . સૂરિદેવના સમાચાર એકસમાન જ રહેતા : ઉપચાર ચાલુ છે , ચિકિત્સા લાંબી ચાલશે .
ચોમાસું બેસી ગયું , પર્યુષણ સામે દેખાઈ રહ્યાં હતાં . તપસ્વીઓમા ચર્ચા હતી કે સંવત્સરીના દિવસે સૂરિદેવ ઉપવાસથી ઓછું તપ નહીં જ કરે , આસો માસમાં નવપદની ઓળી આવશે એ વખતે તો આંબેલ કરીને જ રહેશે . પછી દીવાળી આવશે . અને પછી નવું વરસ આવશે એટલે બધું સમુંસૂતરું થઈ જશે . તપસ્વી સૂરિદેવનો વિશાળ ભક્તવર્ગ સપનાં જોઈ રહ્યો હતો . સપનાં પૂરા થાય છે ત્યારે સારું લાગે છે , પરંતુ બધાં સપનાં પૂરાં નથી એ હકીકત છે .
સવારે પ્રતિક્રમણ થયું , પડિલેહણા થઈ , સજ્ઝાય અને ચૈત્યવંદન વિધિ સંપન્ન થઈ . છેલ્લા થોડા સમયથી કોમા જેવી પરિસ્થિતિ બની હતી . તપસ્વી સૂરિદેવ અર્ધજાગૃત અવસ્થામાં રહેતા . એમાં પણ તેઓ એક અલૌકિક સાવધાનીની દશામાં વારેવારે હોઠ ફફડાવતા . એમના અર્ધ સ્ફુટ અવાજમાં સંભળાતું કે ‘ મારે દવા નથી લેવી , મારે આંબેલ છે . મારે દૂધ નથી લેવું , મારે આંબેલ છે . મારે વાપરવું નથી , મારે આંબેલ છે . મને વાપરવાનો આગ્રહ ન કરો , મારે આંબેલ છે . ‘
સતત એક વાક્ય ચાલ્યા કરતું હતું : મારે આંબેલ છે , મારે આંબેલ છે , મારે આંબેલ છે . આંબેલ એમનાં ચિત્તમાં છવાયેલું હતું , આંબેલ એમનાં મનમાં કોતરાયેલું હતું , આંબેલ એમની લેશ્યામાં ફેલાયેલું હતું . મારે વિગઈ નથી વાપરવી એવો ટંકારવ રોમરોમમાંથી જાગતો હતો . ઊંડે ઊંડે જમા થયેલા આંબેલ તપના સંસ્કારો ત્રીજી વારની એકસોમી ઓળીને સાદ દઈ રહ્યા હતા અને ચોથી વાર વર્ધમાન તપનો પાયો નાંખવો છે એવું શમણું સજાવી રહ્યા હતા . દેહની પીડા પર ધ્યાન નહોતું . શિષ્યો અને ભક્તોની પ્રત્યે પણ ધ્યાન નહોતું . આત્મામાં નિમગ્નતા હતી .
અરિહંતોમાં એકાગ્રતા હતી . સિદ્ધોમાં સમર્પિતવૃત્તિ હતી . સર્વ સાધુઓમાં સંવેદના જોડાઈ હતી . કેવલી પ્રજ્ઞપ્ત ધર્મનાં શરણે મનવચનકાયા ન્યોચ્છાવર હતા . ઉત્કૃષ્ટ અને અકલંકિત ચારિત્ર પાલન કર્યું હતું છતાં સંભવિત અપરાધોની ક્ષમાયાચના કરી લીધી હતી . દાદા ગુરુદેવ , ગુરુદેવ , વડીલ ગુરુબંધુઓનું પવિત્ર સ્મરણ અવિચલ હતું . પંચ મહાવ્રતોનું પ્રગાઢ આત્મસંવેદન હતું .
ગચ્છાધિપતિભગવંત સ્વયં ઉપસ્થિત હતા . વિશાળ સંખ્યામાં મુનિસમુદાય શ્રમણીસમુદાય અને શ્રાવકશ્રાવિકા સંઘ હાજર હતો . નવકાર મહામંત્રના ઉદ્ઘોષ ચાલુ હતા . સવારે ૮.૧૫ કલાકે તપસ્વી સૂરિદેવની આંખો સ્થિર થઈ ગઈ હતી . કળિકાળમાં વર્ધમાન તપનું અનેરું સામ્રાજ્ય ખડું કરનારા વર્ધમાનતપ સમ્રાટ્ સૂરિભગવંતે સ્વર્ગના પંથે પ્રયાણ કરી દીધું હતું .
Leave a Reply