Press ESC to close

રાજકથા : ૨૦ . આજનું આંબેલ આવતીકાલ પર

રાજકથા

પૅરૅલિસિસનું નામ આજે પણ ડરામણું છે . કોઈ પણ વ્યકિતનાં શરીરને આ રોગ અડવો ન જોઈએ . ત્રણ ટાઈમ દબાવી દબાવીને ખાનારા લોકોને પણ પૅરૅલિસિસ થાય છે . એટલે પૅરૅલિસિસ શું કામ થયો એ અગત્યની વાત નથી રહેતી . શ્રી રાજતિલક સૂરીશ્વરજી મહારાજાને અચાનક જ પૅરૅલિસિસ થયો . શંખેશ્વર તીર્થથી અમદાવાદ પધાર્યા . ગિરધરનગર રોકાયા . તત્કાળ ઉપચારો શરૂ થયા . ગચ્છાધિપતિ ભગવંત સાથે હતા .

શ્રી રાજતિલક સૂરીશ્વરજી મહારાજા એક વરસમાં દશ મહિના આંબેલ કરતાં . આ વર્ષોજૂનો સિલસિલો જાણે તૂટી જ ગયો . શરીર આંબેલને અનુકૂળ રહ્યું નહીં . પરંતુ મનને આંબેલની આદત લાગી હતી , આત્માને આંબેલનો સંસ્કાર લાગેલો હતો . થોડા દિવસમાં જ અંદરથી આંબેલ આંબેલનો પોકાર શરૂ થયો . ડૉક્ટરોએ જણાવી દીધું કે દવાઓ અને ઉપચારોમાં કોઈ જ બાંધછોડ થશે નહીં , સવારે નવકારશી વખતે દવા લેવાની છે એટલે લેવાની જ છે .

હવે તપસ્વી સૂરિદેવને નવકારશી કરવી ન હોય . પૅરૅલિસિસ શરીરને થયો હતો , મનને નહીં . શરીર કરતાં મનનું બળ વધારે રહેતું . મન જે કહે છે તેમાં શરીર સહયોગી બને જ છે . મજબૂત મનનો માનવી શરીર પાસેથી ધાર્યું કામ કરાવી શકે છે . આજ સુધી તપસ્વી સૂરિદેવે આમ જ શરીર પાસે કામ લીધું હતું . પહેલીવાર શરીર મનનું માનવા સમર્થ નહોતું . પણ મનને હજીપણ શરીર પર પૂરેપૂરો ભરોસો હતો . તેઓ જીદ્દ પકડતા કે મારે આંબેલ કરવું જ છે , મારે દવા લેવી જ નથી .

શિષ્યો આરોગ્યની ચિંતા કરવાની વિનંતી કરતા . તપસ્વી સૂરિદેવ માનવા તૈયાર થતા નહીં . રોજ સવારે આ દૃશ્ય સર્જાતું . આજે દવા નથી લેવી , આજે આંબેલ કરવું છે એવું સૂરિદેવ બોલતા અને વાતાવરણ એક પ્રશ્નાર્થ પર અટકી જતું . શિષ્યો સામે અઘરો સવાલ ખડો થઈ જતો . જે એક આંબેલ કરવા ઈચ્છે તેને પણ ના પાડવાની ન હોય .વરસોથી આંબેલ કરનારને ના કેવી રીતે પડાય ? અને એમનું આરોગ્ય આંબેલને અનુકૂળ નહોતું એ પણ હકીકત હતી .

આ વખતે શ્રીમહોદયસૂરીશ્વરજી મહારાજા શિષ્યોની વહારે આવતા . તેઓ ગચ્છાધિપતિભગવંત હતા તે આજનું સત્ય હતું . તેઓ એક જ દિવસના દીક્ષિત હતા તે વરસોપુરાણું સત્ય હતું . નૂતન દીક્ષિત શ્રી રાજવિજયજી મ.ને આંબેલ કરવાનું ફાવતું નહીં ત્યારે નૂતન દીક્ષિત શ્રીમહોદયવિજયજી મ. એ એમને હૈયાધારણ આપીને આંબેલ સાથે જોડી રાખ્યા હતા . એ વાત બેય મહાપુરુષોને યાદ હતી .

તપસ્વી સૂરિદેવને સવારની નવકારશીના સમયે ગચ્છાધિપતિ સૂરિદેવ મળતા અને મધમીઠા સાદે દવા વાપરી લેવા સમજાવતા . તપસ્વી સૂરિદેવ ના ફરમાવતા . ગચ્છાધિપતિ સૂરિદેવ ઘણીબધી રકઝકના અંતે કહેતા કે આંબેલ આજે નહીં , કાલે કરજો . તપસ્વી સૂરિદેવ પોતાના સમદીક્ષિતની વાત ટાળી શકતા નહીં . આજે કરવાનું  આંબેલ આવતીકાલ પર ટળી જતું . આવું રોજ સવારે થતું . 

ગિરધર નગર જૈન સંઘ આ ચિરકાલીન આત્મીયતાને અહોભાવની નજરે નિહાળી રહેતો .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *