પ્રવચનકાર : પૂ.આ.શ્રીમદ્વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા ( સંકલન by દેવર્ધિ )
૧ . ભૂમિકા
——-
શાસ્ત્રને સાંભળે , શાસ્ત્રના અર્થને યાદ રાખે તે શ્રાવક છે . તમે આજસુધી કેટલાં પુસ્તકો વાંચ્યા એ હું નહીં પૂછું . પુસ્તક આજના સમયમાં લખાયા છે અને એનો ઉપયોગ એની જગ્યાએ ઠીક છે . તમે પુસ્તકો વાંચી લો છો અને એના થકી જ સ્વાધ્યાય કર્યાનો સંતોષ બનાવી લો છો . યાદ રાખો કે પુસ્તકોનો સ્વાધ્યાય અને શાસ્ત્રનો સ્વાધ્યાય આ બેયને એકસરખા ગણાય નહીં . શાસ્ત્રોની રચના પૂર્વકાલીન મહાપુરુષોએ કરી છે . મારે તમને એ પૂછવું છે કે તમે શાસ્ત્રો કેટલાં સાંભળ્યા છે . તમને શાસ્ત્રો સંભળાવવાની જવાબદારી અમારી છે . પણ સંભળાવીએ કોને ? જેને રુચિ હોય એને . તમે દરવરસે બેત્રણ બેત્રણ શાસ્ત્રોનું શ્રવણ ગુરુમુખે કરો તો તમે સાચા શ્રાવક છો . તમે ઘણાબધાં શાસ્ત્રો સાંભળ્યા બાદ કલ્પસૂત્ર સાંભળો એની એક અલગ મજા છે . તમારે બીજાકોઈ શાસ્ત્રો સાંભળવા નથી અને પરંપરાથી નિયમ નક્કી થયો છે એટલાપૂરતું કલ્પસૂત્ર સાંભળવું છે એવું અમને દેખાય છે . જેને કલ્પસૂત્ર સાંભળવાનું ગમે એને કલ્પસૂત્રની જેમ બીજા બધા જ આગમસૂત્રો અને શાસ્ત્રો સાંભળવાનું પણ ગમે . સારી વાત છે કે તમે કલ્પસૂત્રને તો સાંભળો જ છો . ઘણા તો કલ્પસૂત્રને સાંભળવામાં પણ આળસ કરે છે . તમારામાં એ આળસ નથી એ સારું છે . પણ કલ્પસૂત્રને જે રીતે પહેલેથી લઈને છેલ્લે સુધી તમે સાંભળો છો , એ રીતે અન્ય અન્ય શાસ્ત્ર પણ પહેલેથી લઈને છેલ્લે સુધી તમારે સાંભળવા જોઈએ . તમે દરવરસે જેમ કલ્પસૂત્ર સાંભળો છો તેમ દરવરસે ઉત્તરાધ્યયન જેવા અન્ય અન્ય આગમસૂત્રોને સાંભળવાની આદત બનાવી લો . મારે મરતાં પહેલાં અમુક આગમસૂત્રો અને શાસ્ત્રો વારંવાર સાંભળવા છે અને એના પદાર્થો યાદ રાખી લેવા છે એવો સંકલ્પ બનાવી લો . અમે ઘણાં શાસ્ત્રો વાંચ્યા પણ જ્યારે જ્યારે કલ્પસૂત્ર વાંચવાનો અવસર આવે છે ત્યારે એમ લાગે છે કે આના જેવું બીજું કોઈ શાસ્ત્ર નથી . તમે બીજાં બીજાં શાસ્ત્રો સાંભળ્યા હશે તો તમને સમજાશે કે કલ્પસૂત્ર કેટલું અનોખું શાસ્ત્ર છે .
—–
૨ . કલ્પસૂત્રનો મહિમા
—–
+ ચૌદપૂર્વમાં નવમું પૂર્વ છે પ્રત્યાખ્યાન પ્રવાદ પૂર્વ . એમાંથી ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુસૂરીશ્વરજી મહારાજા દ્વારા રચાયું શ્રી દશા શ્રુત સ્કંધ સૂત્ર . એનું આઠમું અધ્યયન તે આ કલ્પસૂત્ર . આ શાસ્ત્રને સકલસૂત્ર શિરોમણિ તરીકેનું સન્માન મળ્યું છે .
+ જેમ સકલ મંત્રોમાં નવકાર મહામંત્ર સર્વશ્રેષ્ઠ છે ,
જેમ સકલ તીર્થોમાં શત્રુંજય મહાતીર્થ સર્વશ્રેષ્ઠ છે ,
જેમ સકલ દાનોમાં અભયદાન સર્વશ્રેષ્ઠ છે ,
જેમ સકલ ગુણોમાં વિનય સર્વશ્રેષ્ઠ છે ,
જેમ સકલ વ્રતોમાં બ્રહ્મચર્ય સર્વશ્રેષ્ઠ છે ,
જેમ સકલ તપમાં ઈન્દ્રિયદમન સર્વશ્રેષ્ઠ છે ,
જેમ સકલ દર્શનોમાં જૈનદર્શન સર્વશ્રેષ્ઠ છે ,
જેમ સકલ અલંકારોમાં ચૂડામણિ સર્વશ્રેષ્ઠ છે ,
જેમ સકલ હાથીઓમાં ઐરાવત સર્વશ્રેષ્ઠ છે ,
જેમ સકલ તેજસ્વીઓમાં સૂર્ય સર્વશ્રેષ્ઠ છે ,
જેમ સકલ ન્યાયવંતોમાં રામ સર્વશ્રેષ્ઠ છે ,
જેમ સકલ રૂપવંતોમાં કામ સર્વશ્રેષ્ઠ છે ,
જેમ સકલ સતીઓમાં સીતા સર્વશ્રેષ્ઠ છે ,
જેમ સકલ વાજીંત્રોમાં ભંભા સર્વશ્રેષ્ઠ છે ,
જેમ સકલ રૂપવતીઓમાં રંભા સર્વશ્રેષ્ઠ છે ,
જેમ સકલ તેજસ્વીઓમાં સૂર્ય સર્વશ્રેષ્ઠ છે ,
જેમ સકલ ધાતુઓમાં સુવર્ણ સર્વશ્રેષ્ઠ છે ,
જેમ સકલ દાનીઓમાં કર્ણ સર્વશ્રેષ્ઠ છે ,
જેમ સકલ ગાયોમાં કામધેનુ સર્વશ્રેષ્ઠ છે ,
જેમ સકલ જ્ઞાનોમાં કેવળજ્ઞાન સર્વશ્રેષ્ઠ છે ,
જેમ સકલ સુખોમાં મોક્ષસુખ સર્વશ્રેષ્ઠ છે ,
તેમ સકલ શાસ્ત્રોમાં કલ્પસૂત્ર સર્વશ્રેષ્ઠ છે .
+ અરિહંતથી મોટા અન્ય કોઈ દેવ નથી .
મુક્તિથી મોટું અન્ય કોઈ પદ નથી .
શત્રુંજયથી મોટું અન્ય કોઈ તીર્થ નથી .
કલ્પસૂત્રથી અધિક અન્ય કોઈ શાસ્ત્ર નથી .
+ મુખમાં હજારથી વધારે જીભ હોય અને હૃદયમાં કેવળજ્ઞાન હોય તો પણ કલ્પસૂત્રનો મહિમા વર્ણવવાનું સંભવિત નથી .
+ કલ્પસૂત્રને જે વિધિપૂર્વક વાંચે છે , વાંચવામાં જે સહાય કરે છે અને કલ્પસૂત્રના એકેએક અક્ષરને જે ધ્યાનપૂર્વક સાંભળે છે તે આઠ ભવોમાં મોક્ષ પ્રાપ્ત કરે છે .
—–
૩
—–
કલ્પસૂત્ર સાંભળવામાં પાંચ દિવસ લાગી જાય છે . જે કલ્પસૂત્ર સાંભળે છે તેણે
૧ . પ્રતિદિન પૂજા કરવી જોઈએ .
૨ . શાસનપ્રભાવના કરવી જોઈએ .
૩ . જીવદયાની પ્રવૃત્તિઓ કરવી જોઈએ .
૪ . બ્રહ્મચર્ય પાળવું જોઈએ .
૫ . યથાશક્તિ તપ આચરવું જોઈએ .
૬ . ઉભય કાળ પ્રતિક્રમણ કરવું જોઈએ .
૭ . બને તો પૌષધ લેવો જોઈએ .
–—-
૪
—–
જીવોના ત્રણ પ્રકાર છે .
૧ . ૠજુ અને જડ જીવો . આ જીવોમાં સરળતા ઘણી હોય છે અને સમજણ ઓછી હોય છે . આ જીવો ભૂલ કરે એવી સંભાવના રહેતી હોય છે પરંતુ એમને કોઈ સમજાવનારો મળી જાય તો તેઓ તુરંત ભૂલ સુધારી લેવા તૈયાર હોય છે . શ્રી આદિનાથ ભગવાનના શાસનકાળમાં જીવો ૠજુ અને જડ સ્વભાવના હોય છે .
૨ . ૠજુ અને પ્રાજ્ઞ જીવો . આ જીવોમાં સરળતા ઘણી હોય છે અને એમનામાં સમજણ પણ ઘણી હોય છે . આ જીવો ભૂલ કરે એવી સંભાવના એકદમ ઓછી હોય છે અને એમને કોઈ સમજાવનારો મળી તો એ ભૂલ સુધારી લેવા તૈયાર રહેતા હોય છે . શ્રી અજિતનાથ ભગવાનથી માંડીને શ્રી પાર્શ્વનાથ ભગવાન્ સુધીના શાસનકાળમાં જનમનારા જીવો ૠજુ અને પ્રાજ્ઞ સ્વભાવના હોય છે .
૩ . વક્ર અને જડ જીવો . આ જીવોમાં સરળતા ઘણી ઓછી હોય છે અને એમનામાં સમજણ પણ સાવ ઓછી હોય છે . આ જીવો ભૂલ કરે એવી સંભાવના ઘણી વધારે હોય છે અને એમને કોઈ સમજાવનારો મળી તોપણ એ ભૂલ સુધારી લેવા તૈયાર હોતા નથી . શ્રી મહાવીર સ્વામી ભગવાનના શાસન કાળમાં જનમનારા જીવો વક્ર અને જડ સ્વભાવના હોય છે .
દરેક વખતે તમારે યાદ રાખવાનું છે કે મારે વક્રતાની છાયામાં રહેવાનું નથી , તમારે યાદ રાખવાનું છે કે મારે જડતાની છાયામાં રહેવાનું નથી . તમે જે ધર્મપ્રવૃત્તિઓ , ધર્મક્રિયાઓ , ધર્મારાધનાઓ કરો છો તે કરતી વખતે હૃદયને વક્રતાથી અને જડતાથી મુક્ત રાખવું જોઈએ . કલ્પસૂત્રનાં શ્રવણ દ્વારા હૃદયને વક્રતાથી અને જડતાની છાયાથી મુક્ત બનાવવાનું લક્ષ રાખવું જોઈએ.
—–
૫
—–
ઔષધના ત્રણ પ્રકાર છે .
૧ . એવી ઔષધિ જે શરીરમાં રોગ હોય તો એને મટાડી દે અને શરીરમાં રોગ ન હોય તો રોગને જગાડી દે .
૨ . એવી ઔષધિ જે શરીરમાં રોગ હોય તો એને મટાડી દે અને શરીરમાં રોગ ન હોય તો કોઈ જ લાભ કે નુકસાન કરતી નથી .
૩ . એવી ઔષધિ જે શરીરમાં રોગ હોય તો એને મટાડી દે અને શરીરમાં રોગ ન હોય તો શરીરનાં તેજ અને બળને વધારે છે .
કલ્પસૂત્રનું શ્રવણ ત્રીજી ઔષધિ સમાન છે . કલ્પસૂત્રનું શ્રવણ પાપનો નાશ પણ કરે છે અને પુણ્યની વૃદ્ધિ પણ કરે છે .
( કર્ટ્સી : prabhavak.com )
Leave a Reply